pakistan missile attack in iran : પાકિસ્તાને ઇરાનમાં એર સ્ટ્રાઇકનો દાવો કર્યો છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ હુમલામાં 9 લોકોના મોત થયા છે. ઇરાનની સત્તાવાર સમાચાર એજન્સી આઇઆરએનએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પાકિસ્તાની મિસાઇલ હુમલામાં મૃત્યુ પામેલા સાત લોકો પાસે ઇરાનની નાગરિકતા ન હતી. ગુરુવારે વહેલી સવારે ઈરાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આઈઆરએનએના જણાવ્યા અનુસાર આ હુમલો સવારે 4:05 વાગ્યે થયો હતો.
ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર જનરલ અલી રેઝા મરહમતીએ આઈઆરએનએને જણાવ્યું હતું કે આ હુમલામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે એક વિસ્ફોટ ઇરાની સરહદ નજીક એક ગામમાં થયો હતો જ્યારે બીજો વિસ્ફોટ સરવન શહેર નજીક થયો હતો. આ બ્લાસ્ટમાં કોઈને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે ઈરાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલો હુમલો ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતની રાજધાની જાહેદાનથી 347 કિમી દક્ષિણ-પૂર્વમાં થયો હતો.
આ પણ વાંચો – ઈરાનની પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક, ભડકેલા પાકિસ્તાને શું કહ્યું?
પહેલા ઇરાને કર્યો હતો હુમલો, પાકિસ્તાને રાજદૂતને હટાવ્યા
તમને જણાવી દઈએ કે ઈરાને સૌથી પહેલા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંત પર હુમલો કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે તેણે આ હુમલો આત્મરક્ષણ માટે કર્યો છે અને તેણે આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનની આ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ઈસ્લામાબાદમાં હાજર તેમના રાજદૂતને હાંકી કાઢ્યા હતા અને તેહરાનમાં હાજર પોતાના રાજદૂતને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી.
હમાસ અને ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવે પશ્ચિમ એશિયામાં ચિંતાને વધુ વધારી દીધી છે. હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવતાં તંગદિલી પણ પ્રવર્તી રહી છે.





