પીએમ નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલા જી-20 શિખર સંમેલનમાં ગયા છે. અહીં તેમણે 15 નવેમ્બરને મંગળવારે ફૂડ એન્ડ એનર્જી સિક્યોરિટી સત્રમાં ઉપસ્થિત રહેતાં કહ્યું કે, કોરોના અને યૂક્રેન યુધ્ધને લીધે દુનિયા પ્રભાવિત થઇ છે. જેને લીધે દુનિયામાં તબાહી જેવો માહોલ છે.
વધુમાં તેમણે કહ્યું કે, યૂએન જેવી સંસ્થાઓ પણ આ મુદ્દાઓના ઉકેલ માટે વિફળ રહી છે એટલે સૌએ સાથે મળીને યૂક્રેન યુધ્ધને અટકાવવા પ્રયાસ કરવો જોઇએ. આ ઉપરાંત તેમણે જળવાયુ પરિવર્તન અને વિભિન્ન દેશોમાં ગરીબી જેવા ગંભીર મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી અને જી-20 દેશોને આ બાબતે પણ ગંભીર બની ધ્યાન આપવા અપીલ કરી હતી. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ પ્રવચનના મહત્વના 10 મુદ્દા જાણીએ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર યૂક્રેન યુધ્ધ મામલે વાત કરતાં કહ્યું કે સીઝફાયર મામલે સૌએ વિચાર કરવાની તાતી જરૂર છે. તેમણે કહ્યું કે, મેં વારંવાર કહ્યું છે કે, આપણે યૂક્રેનમાં યુધ્ધ વિરામ અને શાંતિના રસ્તે પરત આવવા માટે વિચારવું જ રહ્યું. તેમણે કહ્યું કે, અગાઉ પણ બીજા વિશ્વ યુધ્ધના સમયમાં પણ એ સમયના નેતાઓએ શાંતિના રસ્તે ચાલવાની અપીલ કરી હતી અને હવે આ વિચારવાનો આપણો સમય છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળને લીધે દુનિયાભરમાં થયેલી તબાહી બાદ હવે ફરીથી નવી વિશ્વ વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી આપણા ખભે છે. દુનિયામાં શાંતિ, સદભાવ અને સુરક્ષા સુનિશ્વિત કરવા માટે ઠોસ અને સાથે મળીને સામુહિક સંકલ્પ બતાવવો એ હાલની સમયની માંગ છે. તેમણે આ દરમિયાન ભારતને બુધ્ધ અને ગાંધીની પવિત્ર ભૂમિ ગણાવતાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે હવે જ્યારે આગામી વર્ષે ફરી જી-20 બેઠક યોજાશે તો દુનિયાને શાંતિનો એક મજબૂત સંદેશ આપવા માટે સૌ સહમત હશે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, જળવાયું પરિવર્તન, કોવિડ મહામારી, યૂક્રેન યુધ્ધ અને એ સાથે જોડાયેલી વૈશ્વિક સમસ્યાઓનો દુનિયામાં કહેર ફેલાયો છે.
આ પણ વાંચોઃ- PM મોદી G-20 સમિટમાં 10 દેશોના પ્રમુખો સાથે મુલાકાત કરશે, જાણો આ સમિટની 10 મુખ્ય બાબતો
પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક આપૂર્તિ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે અને સમગ્ર દુનિયામાં આવશ્યક વસ્તુઓને લઇને સંકટ જેવી સ્થિતિ છે. આવા સમયે દરેક દેશમાં ગરીબ નાગરિકો માટે પડકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. એમનું દૈનિક જીવન વધુ હાડમારીભર્યું બન્યું છે. બેવડા મારથી તેમની પાસે નાણાકીય ખેંચ પણ મોટી સમસ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ સ્વીકાર કરવામાં પણ નાનમ ન અનુભવવી જોઇએ કે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ પણ આ સમસ્યાઓના ઉકેલમાં નિષ્ફળ રહી છે અને આપણે એમાં પણ સુધાર કરવાની જરૂર છે. આજે દુનિયાને જી-20 પાસેથી ઘણી આશાઓ છે અને એવા સમયે આપણી જવાબદારી અને કામગીરી મહત્વપૂર્ણ બની ગઇ છે.
આ પણ વાંચોઃ- ચીનમાં 5 મહિનામાં સૌથી વધુ કોરોના કેસ, Guangzhou અને Zhengzhouમાં મિની લોકડાઉન
પીએમ મોદીએ મહામારીના સમયે ભારત તરફથી કરાયેલ મદદનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે બેઠકમાં કહ્યું કે, ભારતે પોતાના 1.3 બિલિયન નાગરિકોની ખાધા ખોરાકીની વ્યવસ્થા સુનિશ્વિત કરી છે. વળી કેટલાય જરૂરીયાતમંદ દેશોને પણ મદદ કરી છે.