Russia Ukraine war : ભારતે (India) યુક્રેનના ચાર પ્રદેશો પર રશિયાના “ગેરકાયદેસર” કબજાને વખોડતા ઠરાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં સિક્રેટ વોટિંગની રશિયાની માંગ વિરુદ્ધ મતદાન કરીને ભારતે મોટો ફટકો આપ્યો છે. ભારત સહિત 100થી વધુ દેશોએ પબ્લિક વોટિંગ માટે વોટિંગ કર્યું છે. હવે રશિયા પર આ અઠવાડિયાના અંતમાં એક સાર્વજનિક મતદાન થશે.
શું હતો મામલો?
રશિયા દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે, યુક્રેનિયન ડ્રાફ્ટ ઠરાવ પર ચર્ચા કરવામાં આવે અને જાહેર મતદાનને બદલે ગુપ્ત મતદાન યોજવામાં આવે. અલ્બેનિયાએ આ મુદ્દે સાર્વજનિક મતદાનની વિનંતી કરી હતી અને ભારતે તેનું સમર્થન કર્યું હતું. ચાર યુક્રેનિયન પ્રદેશોના રશિયા દ્વારા કબજો કરવાની નિંદા કરતો ઠરાવ UNGAમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તમામ 193 UN સભ્યો મતદાન કરે છે અને કોઈ પણ વીટોનો ઉપયોગ કરતું નથી.
કેટલા દેશોએ અલ્બેનિયાના પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું?
તમને જણાવી દઈએ કે, અલ્બેનિયાના પ્રસ્તાવના પક્ષમાં 107 વોટ પડ્યા જ્યારે 13 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો. ચીન, ઈરાન અને રશિયા સહિત 24 દેશોએ મતદાન કર્યું ન હતું. અલ્બેનિયન રાજદ્વારીએ દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, ગુપ્ત મતદાન યોજવાથી યુએન સંમેલનોને નુકસાન થશે.
યુક્રેન રાજદૂતે શું કહ્યું?
તો, મતદાન પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે વાદ-વિવાદ થયો હતો. કટોકટી બેઠકમાં પ્રથમ બોલતા, યુક્રેનના રાજદૂત, સેરગેઈ કિસ્લિટ્સિયાએ સભ્યોને કહ્યું કે, તેણે પહેલાથી જ રશિયન આક્રમણમાં પરિવારના સભ્યો ગુમાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શાળાઓ અને યુનિવર્સિટીઓ સહિત યુક્રેનિયન શહેરો પર સોમવારે થયેલા બહુવિધ હુમલાઓ, લગભગ 84 મિસાઇલો અને લગભગ બે ડઝન ડ્રોન દ્વારા નાગરિકો અને નાગરિક માળખાને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – રશિયાનો યુક્રેન પર ફરી મિસાઇલ હુમલો, 1 નિર્દોષ બાળક સહિત 17 લોકાના મોત
રશિયાના રાજદૂતે શું કહ્યું?
રશિયન રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ કહ્યું: “આલ્બેનિયન દરખાસ્ત, જે પુષ્ટિ કરે છે કે ચર્ચા બાદ એક રેકોર્ડ મતદાન થશે, તેમણે પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કર્યું. રશિયાને કેસ અને તમામ પાસાઓ રજૂ કરવાની ક્ષમતાથી વંચિત રાખવામાં આવ્યું છે. યુક્રેન કટોકટી કે જે પશ્ચિમી શક્તિઓને અનુકૂળ ન હતી તેને સરળતાથી અવગણવામાં આવી હતી.