વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ચીનના પ્રવાસે છે અને SCO સમિટ 2025માં ઉપસ્થિત રહી વિશ્વને આતંકવાદ સામે લડવાનો મોટો સંદેશ આપ્યો છે. હવે, અહીં એ જાણવું જરુરી છે આ સમિટ મહત્વની કેમ છે. SCO એટલે શાંઘાઈ સહકાર સંગઠન (Shanghai Cooperation Organisation). આ સંગઠનનું વડુ મથક બેઇજિંગ, ચીન ખાતે આવેલું છે.
SCO કેટલા દેશોનું બનેલું છે?
શાંઘાઈ સહકાર સંગઠન (SCO) એ દસ સભ્ય દેશોનું યુરેશિયન સંગઠન છે. જેનો મુખ્ય હેતું રાજકીય, આર્થિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગેનો છે. આ સંગઠનની સ્થાપના 2001માં થઇ હતી. શરુઆતમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, કિગ્રિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત આઠ દેશો સભ્યો હતો. જોકે વર્ષ જૂન, 2017 માં ભારત અને પાકિસ્તાન આ સંગઠન સાથે જોડાતાં હાલમાં આ સંગઠનમાં 10 દેશો સભ્ય છે.
વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન
એસસીઓ પ્રાદેશિક રીતે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. આ સંગઠનના સભ્ય દેશોના વિસ્તારની વાત કરીએ તો વિશ્વનો આશરે 24% હિસ્સો આ સંગઠનનો હિસ્સો છે. વસ્તીની વાત કરીએ તો આ સંગઠન વિશ્વની આશરે 42 ટકા વસ્તીને આવરી લે છે. આર્થિક રીતે જોઇએ તો વિશ્વની GDP નો અંદાજે 23 ટકા હિસ્સો છે.
SCO અને શાંઘાઈ ફાઈવ
શાંઘાઈ સહકાર સંગઠન (SCO) એ શાંઘાઈ ફાઈવ સંગઠનનું અનુગામી છે. શાંઘાઈ ફાઇવનો વિસ્તાર થતાં 15 જૂન, 2001 ના રોજ એ એસસીઓ બન્યું છે. શાંઘાઈ ફાઇવની રચના 26 એપ્રિલ, 1996માં કરવામાં આવી હતી. ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન વચ્ચે રાજકીય અને આર્થિક સહયોગ માટે આ સંગઠનની રચના કરવામાં આવી હતી.
SCO સંચાલન અને સમિટ
શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ) નું સંચાલન હેડ્સ ઓફ સ્ટેટ કાઉન્સિલ (HSC) દ્વારા કરવામાં આવે છે. જે મહત્વના નિર્ણયો લે છે. આ સંગઠન દ્વારા વર્ષમાં એકવાર સમિટ યોજવામાં આવે છે અને આ સંગઠનના સભ્ય દેશો અને વૈશ્વિક પરિસ્થિતિઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવે છે. આ સંગઠનમાં આતંકવાદ સામે લડવા માટે પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું (RATS) પણ કાર્યરત છે.
ભારત માટે કેમ છે ખાસ?
એસસીઓ સમિટ ભારત માટે ખાસ છે. ભારત પડોશી દેશોના આતંકવાદ સામે લડી રહ્યું છે એવા સંજોગોમાં આ સંગઠનમાં આતંકવાદ વિરોધી માળખું (RATS) પણ કાર્યરત હોવાથી ભારત આતંકવાદ સામે પોતાનો મત અહીં વ્યક્ત કરી છે. જે ભારતને પોતાની વાત રજૂ કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પુરુ પાડે છે. સાથોસાથ આ સંગઠનમાં ચીન અને રશિયા જેવા મોટા દેશો સભ્ય હોવાથી જે અસરકારક છે.