Colorado Shooting: અમેરિકાના કોલોરાડોમાં નાઇટ ક્લબમાં ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અહીં એક ગે નાઇટ ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી આ દરમિયાન અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી. કોલોરાડો પોલીસે જણાવ્યું કે એક સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેની પણ સારવાર ચાલી રહી છે. આ ઘટના કોલોરાડો સ્પ્રિંગ્સના ક્લબ ક્યૂની છે. લેફ્ટિનેન્ટ પામેલા કાસ્ત્રોએ એક કોન્ફરન્સમાં જણાવ્યું કે ફાયરિંગમાં સંદિગ્ધને ઇજા પહોંચી છે.
પામેલા કાસ્ત્રોએ કહ્યું કે પોલીસને મોડી રાત્રે એક ફોન કોલ આવ્યો હતો અને તેમને નાઇટ ક્લબમાં ફાયરિંગની જાણકારી આપી હતી. અધિકારીઓએ ક્લબની અંદર એક વ્યક્તિની અટકાયત કરી છે જેને સંદિગ્ધ બતાવવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી તે વિશે કોઇ જાણકારી આપી નથી કે આ હુમલો પાછળનો ધ્યેય શું હતો. એ વિશે પણ જાણકારી આપી નથી કે ફાયરિંગમાં કયા પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગુગલ પર સર્ચ કરવાથી જાણ થાય છે કે ક્લબ ક્યૂ સમલૈગિંક લોકો માટે કૈરાકે, ડ્રેગ શો અને ડીજે નાઇટનું આયોજન કરે છે. ક્લબે પોતાના ફેસબુક પેજ પર એક નિવેદનમાં કહ્યું કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનારને ઝડપી લીધો છે. જે માટે તેમણે પ્રશાસનને ધન્યવાદ કહ્યું છે.
આ પણ વાંચો – સાઉદી અરબની ભારતના લોકોને ભેટ, વિઝા માટે હવે નહીં આપવું પડે પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ
ઘટના પછી પોલીસે સવારે 4 કલાકે ક્લબ અને તેની આસપાસના વિસ્તારને બંધ કરી દીધો હતો. આ ક્લબ કોલોરાડો સ્પ્રિંગ્સના બહારના વિસ્તારમાં એક સ્ટ્રિપ મોલમાં છે. આ પહેલા 2016માં પણ આ પ્રકારની એક ઘટના જોવા મળી હતી. તે સમયે બંદૂકધારીએ ફ્લોરિડાના ઓરલેન્ડોમાં સમલૈંગિક નાઇટ ક્લબમાં 49 લોકોની હત્યા કરી દીધી હતી.
થોડા દિવસો પહેલા ઇરાનમાં થયું હતું ફાયરિંગ
17 નવેમ્બરના રોજ ઇરાનના એક બજારમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધુંધ ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં 5 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલામાં એક પોલીસકર્મી પણ હતા. આ હુમલો ઇરાનના પશ્ચિમી શહેર ઈજીહમાં થયો હતો.