Chinese Lunar New Year: કેલિફોર્નિયામાં ચીનના નવા વર્ષના મહોત્સવ (Chinese New Year Event)દરમિયાન ગોળીબારીની ઘટના બની છે. આ દુર્ધટનામાં 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. લોસ એન્જલિસ ટાઇમ્સે જણાવ્યું કે શનિવારની રાત્રે કેલિફોર્નિયા મોન્ટેરી પાર્કમાં આ કાર્યક્રમ મનાવવામાં આવી રહ્યો હતો. આ કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા હતા. આ દરમિયાન ત્યાં અંધાધૂંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એલએ ટાઇમ્સે કહ્યું કે રાત્રે 10 કલાકે અંધાધૂંધ ફાયરિંગ થઇ હતી.
ગોળી ચલાવનારા પાસે હતી મશીનગન
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ફૂટેજમાં ઇમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળ પર ઇજાગ્રસ્તોની સારવાર કરતા અને મોટા સંખ્યામાં પોલીસ જોવામાં આવે છે. એલએ ટાઇમ્સે ઘટનાસ્થળ પાસે રહેલી એક રેસ્ટોરન્ટના માલિકના હવાલાથી કહ્યું કે તેના રેસ્ટોરન્ટમાં શરણ લેનાર લોકોએ તેમને કહ્યું હતું કે વિસ્તારમાં એક મશીનગનવાળો વ્યક્તિ છે. સેઉંગ વોન ચોઇએ અખબારને જણાવ્યું કે તેને લાગી રહ્યું છે કે શૂટિંગ એક ડાન્સ ક્લબમાં થઇ હતી.
આ પણ વાંચો – યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ, ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત
લોસ એેન્જલિસ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે સેઉંગ વોન ચોઇએ કહ્યું કે ત્રણ લોકો તેના રેસ્ટોરન્ટમાં ઘુસી ગયા અને તેમને દરવાજો બંધ કરવા કહ્યું. સમાચાર રિપોર્ટ પ્રમાણે ત્રણ લોકોએ તેમને જણાવ્યું કે આ ક્ષેત્રમાં મશીનગન વાળો એક વ્યક્તિ છે. મોન્ટેર પાર્ક લોસ એન્જલિસ કાઉન્ટીનું એક શહેર છે. જે લોસ એન્જલિસના ડાઉનટાઉનથી લગભગ 11 કિમી દૂર છે.
5 દિવસ પહેલા પણ થયું હતું ફાયરિંગ
પાંચ દિવસ પહેલા પણ કેલિફોર્નિયાના ગોશેનમાં ગોળીબારી થઇ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જેમાં એક 6 મહિનાનો બાળક પણ સામેલ હતો. પોલીસે તેને ટારગેટ કિલિંગ ગણાવ્યું હતું. તુલારે કાઉન્ટીના શેરિફ માઇક બોઉડ્રીક્સે જણાવ્યું કે તેમાં ઓછામાં ઓછા બે સંદિગ્ધ છે અને આ હિંસા નથી પણ ટાર્ગેટ કિલિંગ છે.