Kabul blast: અફઘાનિસ્તાનની (Afghanistan)રાજધાની કાબુલમાં શુક્રવારે જોરદાર આત્મઘાતી હુમલો થયો છે. આ બ્લાસ્ટમાં 19 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એજ્યુકેશન સેન્ટરમાં થયો છે. કાબુલના પોલીસ પ્રવક્તા ખાલિદ ઝારદાને સીએનએન સાથે વાત કરતા જણાવ્યું કે બ્લાસ્ટ કાજ એજ્યુકેશન સેન્ટર પર સ્થાનીય સમય પ્રમાણે સવારે 7.30 કલાકે થયો હતો.
પોલીસ પ્રવક્તા ખાલિદ ઝારદાને જણાવ્યું કે આ બ્લાસ્ટમાં ઘણા લોકોના જીવ ગયા છે. બ્લાસ્ટની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં સુરક્ષાબળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે આ બ્લાસ્ટમાં કેવા પ્રકારના વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વિશે તપાસ પછી જાણ કરાશે.
એક એનજીઓ અફઘાન પીસ વોચે ટ્વિટ કરીને જાણકારી આપી કે આત્મઘાતી હુમલાવરે વિદ્યાર્થીઓ વચ્ચે પોતાને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો. હજારા વિસ્તારમાં કાજ એજ્યુકેશન સેન્ટરને નિશાન બનાવતા બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ જતા લઇ જવામાં આવી રહ્યા છે.