Thailand Mass Shooting : થાઇલેન્ડમાં ગુરૂવારે ફાયરિંગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પૂર્વોત્તર પ્રાંતમાં અંધાધૂંધ ફાયરિંગમાં બાળકો સહિત 32 લોકોના મોતના સમાચાર છે. આ વાતની જાણકારી સમાચાર એજન્સી રોયટર્સે પોલીસ પ્રવક્તાના આધારે આપી છે.
પોલીસે જણાવ્યું કે, ચાઇલ્ડ કેર સેન્ટર પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં બાળકો સહિત વયસ્ક લોકોના મોત થયા છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, બંદૂકધારી હુમલાખોર એક પૂર્વ પોલીસ અધિકારી છે અને એને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સરકારી એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર વડાપ્રધાને તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા માટે અને અપરાધીને ઝડપી લેવા માટે આદેશ આપ્યા છે.
આ પણ વાંચો – યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ડોક્ટરે પાળતુ પેન્થર અને જેગુઆરની મદદ માટે ભારત સરકાર પાસે કરી ‘આજીજી’
તમને જણાવીએ કે થાઇલેન્ડમાં આ પ્રકારની ગોળીબારીની ઘટના જવલ્લે જ જોવા મળે છે. પરંતુ વર્ષ 2020 માં પ્રોપર્ટી ડીલથી નારાજ એક સૈનિકે અંધાધૂંધ ગોળીબારી કરી હતી. જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 57 ઘાયલ થયા હતા.