Turkey Coal Mine Blast: તુર્કીની એક કોલસાની ખાણમાં હૃદય કંપી જાય એવી ઘટના બની હતી. કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 25 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ખાણમાં ફસાયા છે. જેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્ફોટ શુક્રવારે બાર્ટિનના અમાસરા શહેરની સરકારી ટીટીકે અમાસરા મુસેસે મુદુર્લુગુ ખાણમાં થયો હતો.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઉત્તરી તુર્કીમાં એક કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જ્યારે ડઝનો લોકો ફસાયા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ શુક્રવારે સાંજે 6.45 વાગ્યે કાલા સાગર તટીય પ્રાંત બ્રાર્ટિનના અમાસરા શહેરમાં સરકારી ટીટીકે અમાસરા મુસેસે મુદુર્લુગુ ખાણમાં થયો છે.
ઉર્જા મંત્રી ફાતિહ ડોનમેઝે કહ્યું કે પ્રારંભિક આકલનના સંકેત મળી રહ્યા છે. વિસ્ફોટ કદાચ ફાયરએમ્પના કારણે થયો હતો. બાર્ટિન અભિયોજકના કાર્યાલયે જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણોની તપાસ શરુ કરવામાં આવી છે. વિસ્ફોટનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હતા
દુર્ઘટના અંગે માહિતી આપતા ગૃહમંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે વિસ્ફોટ સમયે ખાણમાં 110 લોકો હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ મોટાભાગના કામદારો ભાગવામાં સફળ રહ્યા હતા પરંતુ 49 લોકો ઉચ્ચ જોખમવાળા વિસ્તારમાં ફસાયા હતા. મંત્રીએ કહ્યું કે હજુ પણ કેટલા લોકો ખાણમાં ફસાયેલા છે તે જાણી શકાયું નથી, જો કે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગૃહમંત્રી સુલેમાન સોયલુ બચાવ કામગીરીમાં સંકલન માટે અમાસરા પહોંચ્યા હતા.
બચાવ કામગીરી ચાલુ
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું કે 8 લોકોની હાલત ગંભીર છે. એએફએડીએ જણાવ્યું હતું કે પડોશી પ્રાંતો સહિત આ વિસ્તારમાં ઘણી બચાવ ટીમો મોકલવામાં આવી છે. બાર્ટિન ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 25 લોકો માર્યા ગયા હતા. આરોગ્ય પ્રધાન ફહરેટિન કોકાએ ઓછામાં ઓછા 17 ઇજાઓ નોંધાવી હતી, જેમાં આઠને ICUમાં સારવાર આપવામાં આવી હતી.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને વિસ્ફોટ પછી કહ્યું હતું કે તેમણે આજની તમામ ઇવેન્ટ્સ રદ કરી છે અને શનિવારે ક્રેશ સાઇટ પર ઉડાન ભરશે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે ખાણમાં ફસાયેલા લોકોને જીવતા બહાર કાઢવામાં આવશે અને મૃત્યુઆંક વધશે નહીં. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ માટે તમામ પ્રયાસો ચાલુ છે.