અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં ચાલી રહેલા એર શો દરમિયાન શનિવારે બે વિમાનો અથડાવાની ગંભીર દૂર્ઘટના ઘટી છે. બંને વિમાનો બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ મીડિયાને જણાવ્યું કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 1:20 વાગ્યે બની હતી. બંને પ્લેનમાં કુલ 6 લોકો હાજર હતા. જો કે પ્લેનમાં રહેલા લોકોની હાલત કેવી છે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.
ઘટના સમયે હજારો લોકો આ એર શો જોઈ રહ્યા હતા. અકસ્માત થતાં જ લોકો ત્યાંથી દોડવા લાગ્યા હતા. લોકોએ જણાવ્યું કે ઘટના બાદ મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એર-શો દરમિયાન એક પ્લેન ખૂબ જ ઝડપથી આવે છે અને બીજા પ્લેન સાથે અથડાય જાય છે. ત્યારબાદ આ બંને પ્લેનના કેટલાક ટુકડા હવામાં ઉડતા દેખાય છે, આ વિમાનો જમીન પર નીચે પડે છે ત્યારે તરત જ મોટા વિસ્ફોટ જેવું થાય છે અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગે છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ જણાવ્યું હતું કે ક્રેશ થયેલા આ એરક્રાફ્ટ બીજા વિશ્વ યુદ્ધ વિમાનો બોઇંગ બી-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને બેલ પી-63 કિંગકોબ્રા હતા. આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. ધી ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો કે એર-શોમાં થયેલા અકસ્માતે વેટરન્સ-ડે મેમોરિયલ ઈવેન્ટને ભયાનક બનાવી દીધી.
આવી જ ઘટના 2019માં પણ બની હતી
ત્રણ વર્ષ પહેલા ઓક્ટોબર 2019માં પણ આવી ઘટના અમેરિકામાં બની હતી. ટેકઓફ દરમિયાન યાંત્રિક ખામીને કારણે હાર્ટફોર્ડ એરપોર્ટ પર 13 લોકો સાથેનું બીજા વિશ્વ યુદ્ધના સમય વખતનું વિમાન ક્રેશ થયું અને બળીને ખાખ થઈ ગયું હતુ, આ દૂર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ચાર એન્જિનવાળા, પ્રોપેલર-સંચાલિત B-17 બોમ્બરે ટેક-ઓફ કરવા માટે સંઘર્ષ કર્યો અને બ્રેડલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક બિલ્ડિંગમાં ઘૂસી ગયું.