Who is Jaish al Adl | કોણ છે જૈશ અલ અદલ : ઈરાની મિસાઈલો અને ડ્રોને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જૈશ અલ-અદલ (જૈશ અલ-ધુલમ) ના અડ્ડા પર હુમલો કર્યો હતો. જેને મીડિયાએ આતંકવાદી જૂથના બે મુખ્ય ગઢ ગણાવ્યા હતા. ઈરાનના આ હુમલા બાદ પાકિસ્તાન ચોંકી ગયું છે.
જિયો ન્યૂઝ અનુસાર, ઈરાન દ્વારા પાકિસ્તાની એરસ્પેસના ઉલ્લંઘન બાદ ઈસ્લામાબાદે બુધવારે ઈરાની રાજદૂતની હકાલપટ્ટીની જાહેરાત કરી સાથે પોતાના રાજદૂતને તેહરાનથી પરત બોલાવી લીધા હતા. પાકિસ્તાને તેના એરસ્પેસના ઉશ્કેરણી વગરના ઉલ્લંઘનની કડક નિંદા કરી હતી. એમ પણ કહ્યું કે, ઈરાનના હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલા અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને ઈરાનની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી છે. સાથે જ કહ્યું કે, તેના ગંભીર પરિણામો આવી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદ્વારીને સમન્સ પાઠવ્યા છે.
ઈરાને આ હુમલો ત્યારે કર્યો છે, જ્યારે પાકિસ્તાનના કાર્યપાલક વડાપ્રધાન અનવર ઉલ-હક કાકડની મુલાકાત દાવોસમાં ઈરાનના વિદેશ મંત્રી સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાક અને સીરિયા પછી પાકિસ્તાન ત્રીજો દેશ છે, જ્યાં ઈરાને હુમલો કર્યો છે.
ડોનના અહેવાલ મુજબ આ હુમલાઓ ઈરાકની સરહદ નજીક આવેલા પંજગુર શહેરમાં થયા હતા. સમાચાર એજન્સી એપીએ બે અનામી પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, હુમલામાં પાકિસ્તાની સરહદની અંદર લગભગ 50 કિલોમીટર અંદર એક મસ્જિદને નુકસાન થયું છે.
ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે, “આ ઓપરેશનનું કેન્દ્રબિંદુ બલુચિસ્તાનમાં કોહ-સબઝ (ગ્રીન માઉન્ટેન) તરીકે ઓળખાતો વિસ્તાર હતો”, જે જૈશ અલ-ધુલ્મ આતંકવાદીઓના સૌથી મોટા કેન્દ્રોમાંના એક તરીકે ઓળખાય છે.
કોણ છે જૈશ અલ-અદલ?
જૈશ અલ-અદલનો શાબ્દિક અર્થ ‘ન્યાયની સેના’ અથવા આર્મિ ઓફ જસ્ટિસ છે. તે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત એક સુન્ની અલગતાવાદી આતંકવાદી જૂથ છે, જે પાકિસ્તાન અને ઈરાનના પર્વતીય સરહદી વિસ્તારોમાં સક્રિય છે. તે ઘણા સુન્ની આતંકવાદી અલગતાવાદી જૂથોમાંથી એક છે, જે હિંદ મહાસાગરની સરહદે આવેલા દક્ષિણપૂર્વ ઈરાનમાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત અને ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા માટે લડવાનો દાવો કરે છે.
જૈશ અલ-અદલ લગભગ 2013 થી ઈરાની બોર્ડર ગાર્ડ્સ પર હુમલાઓ કરી રહ્યું છે. તેમણે બોમ્બ વિસ્ફોટ અને ઈરાની સીમા પોલીસ કર્મચારીઓનું અપહરણ કરવાનો પણ દાવો કર્યો છે.
તસ્નીમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડિસેમ્બરના મધ્યમાં જૈશ અલ-અદલે ઈરાનના દક્ષિણપૂર્વમાં સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના રસ્ક શહેરમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના 11 પોલીસ જવાનો શહીદ થયા હતા.
જૈશ અલ-અદલના મૂળ?
જૈશ અલ-અદલ (JAA) ને વિવિધ રીતે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત જુનદલ્લાહ આતંકવાદી સંગઠનની શાખા અથવા સ્પિન-ઓફ ગણવામાં આવે છે. નેશનલ ઈન્ટેલિજન્સ (ડીએનઆઈ) ના ડાયરેક્ટરની યુનાઈટેડ સ્ટેટ્સ ઑફિસની કાઉન્ટર ટેરરિઝમ ગાઈડ જણાવે છે કે, જુંદલ્લાહે 2012 માં તેનું નામ બદલીને જૈશ અલ-અદલ (JAA) રાખ્યું હતું. નેશનલ ઈન્ટેલિજન્સ વેબસાઈટ અનુસાર, તેને ‘પીપલ્સ રેઝિસ્ટન્સ ઓફ ઈરાન’ પણ કહેવામાં આવે છે.
જેએએ 2013 ની આસપાસ વધુને વધુ વખત ચર્ચામાં બન્યું. તે જ ક્ષણે જુન્દલ્લાહે પીછેહઠ કરવાનું શરૂ કર્યું હતુ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 4 નવેમ્બર, 2010 ના રોજ જુંદાલ્લાહને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે જાહેર કર્યું હતુ અને 2019 માં “જૈશ અલ-અદલ” નામનો સમાવેશ કરવા માટેના હોદ્દામાં સુધારો કર્યો.
નેશનલ ઈન્ટેલિજન્સ (ડીએનઆઈ) ની વેબસાઈટ અનુસાર, જૈશ અલ-અદલની સ્થાપના 2002 અથવા 2003 માં પૂર્વ જુન્દલ્લાહ નેતા અબ્દુલ મલિક રેગી દ્વારા કરવામાં આવી હતી. અબ્દુલ મલિકે 2010 સુધી આ જૂથનું નેતૃત્વ કર્યું હતું. જે બાદ ઈરાન સરકારે તેને પકડીને મારી નાખ્યો હતો. અબ્દુલ મલિક પછી જૂથ ઘણા ગ્રુપમાં વહેંચાઈ ગયું. જેમાં જેએએ સૌથી વધુ સક્રિય અને પ્રભાવશાળી બન્યા હતા.
ઈરાન JAA ને જુન્દલ્લાહનો અનુગામી અને ઈરાનમાં બલુચ પ્રતિકારનો નેતા માને છે. DNI સારાંશ જણાવે છે કે, જૂથનો મુખ્ય ધ્યેય ઈરાની સરકાર પાસેથી બલુચી સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય અધિકારોની માન્યતા મેળવવા અને બલૂચ લોકોની દુર્દશા અંગે જાગૃતિ લાવવાનો છે.
JAA ક્યાં અને કેવી રીતે કાર્ય કરે છે?
સુન્ની આતંકવાદી જૂથ, જે પોતાને “ઈરાનનો પલ્સ રેઝિસ્ટન્સ” પણ કહે છે. તે ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે અને ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ફેલાયેલ અડીને આવેલા બલૂચ-બહુમતી વિસ્તારોમાં સક્રિય છે.
DNI અનુસાર, JAA મુખ્યત્વે ઈરાની સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવે છે, પરંતુ તેણે ઈરાની સરકારી અધિકારીઓ અને શિયા નાગરિકો સામે હુમલાઓ, હત્યાઓ, હિટ-એન્ડ-રન દરોડા, અપહરણ અને આત્મઘાતી બોમ્બ ધડાકા પણ કર્યા છે.
આમાં નાના હથિયારો અને હળવા હથિયારો સહિત અન્ય આત્મઘાતી હથિયારોનો પણ સમાવેશ થાય છે. આ જૂથ આત્મઘાતી જેકેટ અને કાર બોમ્બ જેવા તત્કાલીન વિસ્ફોટક ઉપકરણો (IEDs) નો ઉપયોગ કરે છે. DNI મુજબ, “જૂથ સરહદી ચોકીઓ અને પરિવહન કાફલાઓ પર હુમલો કરવા માટે ગુરિલ્લા યુદ્ધનો પણ ઉપયોગ કરે છે, મુખ્યત્વે નાના હથિયારો અને રોકેટ સાથે.
જેએએનો નેતા કોણ છે અને જૂથે કેવી રીતે હુમલા કર્યા?
DNI વેબસાઈટ JAA ના નેતા તરીકે અબ્દુલ રહીમ મુલ્લા ઝાદેહનું નામ આપે છે, પરંતુ તેના વિશે કે તેના ઠેકાણા વિશે વધુ માહિતી નથી. ઉપરાંત, તેની કોઈ સ્પષ્ટ તસવીર પણ ઉપલબ્ધ નથી. વેબસાઈટ ઈરાનમાં JAA દ્વારા કરવામાં આવેલા કેટલાક મોટા હુમલાઓની યાદી દર્શાવવામાં આવે છે.
ઑક્ટોબર 4, 2022 : સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં પોલીસ સ્ટેશનો, બેંકો અને દુકાનો પર હુમલો. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતા, જ્યારે ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો – Iran Air strike : ઈરાનની પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક, ભડકેલા પાકિસ્તાને શું કહ્યું?
ફેબ્રુઆરી 13, 2019 : JAA એ આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કર્યો. આ હુમલામાં સિસ્તાન-બલુચિસ્તાનમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સૈનિકોને લઇ જતી બસને ઉડાવી દેવામાં આવી હતી. જેમાં 27 લોકોના મોત થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા.
ડિસેમ્બર 15, 2010 : ઈરાનના ચાબહાર બંદરની એક મસ્જિદમાં જુન્દલ્લાહ આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી, જેમાં 40 નાગરિકો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા.
મે 28, 2009 : જુન્દલ્લાહના એક આત્મઘાતી બોમ્બરે સિસ્તાન-બલુચે પ્રાંતની રાજધાની ઝાહેદાનમાં ગ્રાન્ડ મસ્જિદ પર હુમલો કર્યો, જેમાં 30 લોકો માર્યા ગયા અને 300 ઘાયલ થયા.