Who Is Syed Refaat Ahmed New Bangladesh Chief Justice : સૈયદ રેફાત અહમત બાંગ્લાદેશના ચીફ જસ્ટિસ પદે નિમણૂક થયા છે. તેઓ હાલ હાઈકોર્ટના જસ્ટિસ છે. બાંગ્લાદેશના કાયદા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંવિધાનના અનુચ્છેદ 95(1)ના મામલે સૈયદ રેફાત અહમદને બાંગ્લાદેશના નવા મુખ્ય ન્યાયાધીશ નિમણુંક કર્યા છે.
આ અગાઉ ચીફ જસ્ટિસ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વિદ્યાર્થીઓએ કોર્ટ પરિસર તરફ કૂચ કરી હતી અને અવામી લીગ અને દેશના ન્યાયતંત્રને વફાદાર બાકીના ન્યાયાધીશોના પુનર્ગઠનની માંગ કરી હતી.

અગાઉ 10 ઓગસ્ટના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ ઓબાઈદુલ હસને રાજીનામું આપ્યા બાદ એપેલેટ ડિવિઝનના પાંચ જજોએ પણ રાજીનામું આપી દીધા હતા. રાજીનામા આપનારા પાંચ જજોમાં જસ્ટિસ એમ ઇનાયતુર રહીમ, જસ્ટિસ જહાંગીર હુસૈન, જસ્ટિસ મોહમ્મદ અબુ ઝફર સિદ્દીકી, જસ્ટિસ મોહમ્મદ શાહિનુર ઇસ્લામ અને જસ્ટિસ કાશીફા હુસૈનનો સમાવેશ થાય છે.
જસ્ટિસ સૈયદ રેફાત અહેમદ કોણ છે?
બાંગ્લાદેશના નવા ચીફ જસ્ટિસ સૈયદ રેફાત અહેમદનો જન્મ 28 ડિસેમ્બર, 1958ના રોજ થયો હતો. તેમના પિતા, બેરિસ્ટર સૈયદ ઇશ્તિયાક અહેમદ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ હતા. તેમની માતા ડૉ. સુફિયા અહમદ ઢાકા યુનિવર્સિટીમાં નેશનલ પ્રોફેસર અને ઈસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર હતા.
રેફાત અહેમદ ઢાકા યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લો સાથે સ્નાતક થયા. તેમણે 1983માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની વધામ કોલેજમાંથી ન્યાયશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે ટફ્ટ્સ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસીમાંથી માસ્ટર અને પીએચડી ની ડિગ્રી પણ મેળવી હતી.

1984માં રેફાત અહેમદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલ બન્યા હતા. 1986માં તેઓ હાઈકોર્ટના એડવોકેટ બન્યા હતા. તેમણે હોંગકોંગ અને વોશિંગ્ટન ડીસીમાં યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશન ફોર રેફ્યુજીઝ તરીકે પણ સેવા આપી હતી. 27 એપ્રિલ, 2003ના રોજ તેમને બાંગ્લાદેશ હાઇકોર્ટના એડિશનલ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 27 એપ્રિલ, 2005ના રોજ તેઓ હાઇકોર્ટના કાયમી જજ બન્યા હતા.
ઢાકા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આપ્યું રાજીનામું
બાંગ્લાદેશ ના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઓબાઈદુલ હસને વ્યક્તિગત કારણો ટાંકીને રાજીનામું આપ્યાના થોડા સમય પછી ઢાકા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એએસએમ મકસૂદ કમલે રાજીનામું આપ્યું હતું. કમલે ગયા વર્ષે વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું વચગાળાની સરકારને મોકલી દીધું છે.
આ પણ વાંચો | બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના માટે બ્રિટનના દરવાજા પણ નથી ખુલી રહ્યા, શું ભારત બનશે ‘સેફ હાઉસ’?
કમલ અગાઉ ઢાકા યુનિવર્સિટીમાં અવામી લીગ દ્વારા સમર્થિત બ્લુ પેનલ ઓફ ટીચર્સ એસોસિએશનના કન્વીનર હતા. હિન્દુ બંગાળી સમુદાયના સભ્યોએ પણ ઢાકા, શરિયાતપુર અને અન્ય કેટલાક શહેરોમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી જૂથોના સભ્યો પરના હુમલાના વિરોધમાં રેલીઓ યોજી હતી.





