અમેરિકામાં વિન્ટર સ્ટોર્મને કારણે ત્યાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે અને કરોડોનું જનજીવન અસ્તવ્યસ્ત ગયું છે. ભયંકર હિમવર્ષાને કારણે નાતાલના મુખ્ય તહેવારમાં જ સેંકડો ઘરોમાં વીજળી ગુમ થઈ ગઈ છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષનાના વાવાઝોડા બફેલો અને ન્યુ યોર્ક શહેરમાં કહેર મચાવ્યો છે. ભયંકર હિમ વર્ષાને કારણે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.
2,700 થી વધુ ફ્લાઇટ્સ રદ
અમેરિકાના ઘણા વિસ્તારોમાં ભયંકર હિમ વર્ષાને કારણે 2,700 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે હજારો એરલાઇન્સે કોઈપણ પ્રકારની કટોકટીથી બચવા માટે તેમની ફ્લાઇટના રૂટ બદલ્યા છે. છેલ્લી ઘડીની ફ્લાઇટ કેન્સલ થતાં એરપોર્ટ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો કારણ કે સેંકડો પરિવારો નાતાલની રજાઓ માટે ઘરે પરત ફરી રહ્યા હતા.
અમેરિકામાં સત્તાવાળાઓએ આ દરમિયાન થયેલી મોત માટે કાર અકસ્માત, વૃક્ષો તોડી પડવા અને તોફાનની અન્ય અસરોને જવાબદાર ગણાવી છે. બફેલો વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં બે લોકો એવા હતા જેમને તેમના ઘરોમાં મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવો પડ્યો હતો અને તેઓને બચાવી શકાયા ન હતા. ભયંકર હિમ વર્ષાને કારણે આ લોકોને સમયસર મેડિકલ ઇમરજન્સી સર્વિસ ન મળતા મોત નિપજ્યું છે.
બફેલો નાયગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ સોમવારે સવાર સુધી બંધ
હિમ વર્ષાના તોફાનને કારણે દિવસભર વીજ પુરવઠો ખોરવાયો હતો અને બફેલોના લોકોને શનિવારે તેમના ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. ન્યુ યોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે બફેલો નાયગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ સોમવાર સવાર સુધી બંધ રહેશે અને બફેલોમાં લગભગ દરેક ફાયર ટ્રક બરફમાં અટવાઇ હતી.
પેન્સિલવેનિયા સ્થિત પીજેએમ ઇન્ટરકનેક્શને જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ્સને ઠંડા હવામાનમાં કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને 13 રાજ્યોના રહેવાસીઓને ઓછામાં ઓછા ક્રિસમસની સવાર સુધી વીજળી બચાવવા જણાવ્યું હતું. ટેનેસી વેલી ઓથોરિટી, જે ટેનેસી અને આસપાસના છ રાજ્યોના ભાગોમાં 1 કરોડ લોકોને વીજળી પૂરી પાડે છે, તેણે સ્થાનિક વીજ કંપનીઓને આયોજિત આઉટેજને લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.