બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી જબરદસ્ત ફિલ્મો આપી હવે ઓટીટીની દુનિયામાં પગ મુકવા જઇ રહ્યા છે. સંજય લીલા ભણસાલી તેમના પ્રથમ વેબ શો હીરા મંડીથી ઓટીટી પર ખલબલી મચાવવા માટે તૈયાર છે. આ આ સીરીઝનો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ હીરામંડીની સ્ટોરી જાણવા માટે આતુર છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યાં છે કે, આ ફિલ્મના શૂટિંગ માટે ભણસાલીએ વિશાળ સેટ ઉભો કર્યો છે. શું તમે જાણો છો કે ભણસાલીએ આ સેટ પાછળ કેટલો ખર્ચ કર્યો છે? આ વિશે જાણવા વાંચો આ અહેવાલ.
ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, પદ્માવત, ગંગૂભાઇ સહિતની ફિલ્મો માટે ભવ્ય મુવી સેટ અને તેની બારીકાઇ માટે ખુબ પ્રખ્યાત છે. ભણસાલી દરેક વખતે દર્શકોને અલગ અલગ દુનિયાથી પરિચિત કરાવે છે. ત્યારે આ વખતે સંજય લીલા ભણસાલીએ હીરામંડી માટે 1,60,000 સ્કવેર ફીટ વિસ્તારનો ભવ્ય સેટ ઉભો કર્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ‘ફ્રી પ્રેસ જર્નલ’ના અહેવાલ મુજબ, ભણસાલીએ કહ્યું છે કે, ”હીરામંડી’ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તે ખૂબ વિશાળ પાયે બનશે. તેથી મારે કંઈક વિશેષ જ કરવું પડે.’
હીરા મંડી એટલે પાકિસ્તાનના લાહોરમાં સ્થિત એક રેડલાઇટ વિસ્તાર છે, જેને ‘શાહી મોહલ્લા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હીરામંડી બજારને રાજા ધ્યાન સિંહના પુત્ર સિખ સરદાર સિંહે સ્થાપ્યું હતું. તેના નામ પર જ આ બજારનું નામ હીરા મંડી રાખવામાં આવ્યું છે. હીરામંડી પહેલા અહીંયા ખાણી-પાણીની વસ્તુઓ વેચાતી હતી. ભાગલા પહેલા ‘હીરામંડી’ની તવાયફો દેશભરમાં પ્રખ્યાત હતી. એ વખતે રાજનીતિ, પ્રેમ અને છેતરપિંડી બધું વેશ્યાલયમાં જોવા મળતું.
હીરા મંડી લાહોરના ટકસાલી ગેટ પાસે સ્થિત છે. જે મુઘલ બાદશાહ અકબર દ્વારા નિર્માણ પામેલા 12 દરવાજા પૈકી એક છે. આ ગેટ હવે ઇતિહાસ બની ગયો છે. જે અંગે ઘણા કિસ્સાઓ અને કહાનીઓ સાંભળવા મળે છે. મુઘલ કાળમાં હીરા મંડી શહેરની તવાયફ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું હતું. મુઘલકાળમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાંથી પણ મહિલાઓ ‘હીરામંડી’માં રહેવા આવી હતી. તે સમયે ગણિકા શબ્દને ગંદી નજરે જોવામાં આવતો ન હતો. મુઘલ કાળમાં ગણિકાઓ સંગીત, કલા, નૃત્ય અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા હતા. આ તે સમય હતો જ્યારે ગણિકાઓ માત્ર રાજાઓ અને બાદશાહોનું જ મનોરંજન કરતી હતી.
આ પણ વાંચો: સલમાન ખાનને 57 વર્ષની વયે મળ્યો લગ્નનો પ્રસ્તાવ, અભિનેતાએ આપ્યો આવો મજેદાર જવાબ
ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી લગભગ ઐતિહાસિક ફિલ્મોને લઇને વિવાદના સુર ગુંજ્યા છે. જેમાં રામ લીલા, પદ્માવત, બાજીરાવ મસ્તાની સહિત ગંગુબાઇ કાઠિયાવાડીનો સમાવેશ થાય છે. આ વખતે પણ એવું કંઇક થયું છે. આ વખતે તેમની વેબ સીરિઝ હીરામંડીને લઇને તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સંજય લીલા ભણસાલી પર આ વેબ સીરિઝને લઇને ઇતિહાસ સાછે છેડછાડ કર્યા હોવાનો આરોપ છે. ત્યારે આ વેબ સીરિઝ હિટ જશે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.





