આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 : 8 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે, આ વખતે રાખી છે જી-20ની થીમ

Gujarat International Kite Festival 2023 : આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ જી-20 છે

Written by Ashish Goyal
Updated : January 05, 2023 20:33 IST
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 : 8 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે, આ વખતે રાખી છે જી-20ની થીમ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 : 8 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે

કોરોના મહામારીને કારણે 2 વર્ષના અંતરાલ પછી ફરી એક વખત અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8 થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી-20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 8 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.

પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે

ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન કરવામાં આવશે, સાથે જ કાર્યક્રમના પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગબાજો જી-20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો – મકર સંક્રાંતિ : ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ: હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું, ‘પરિપત્ર બહાર પાડવા પુરતા નહીં, કડક અમલ જરૂરી’

જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકાશે

આ વર્ષે, ગુજરાતના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.

પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.

ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી-20ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ