છતરપુર બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીની હાલ દેશમાં ભારે ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન તેમણે પોતાની કમાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, કોઈ ફિક્સ કમાણી નથી, જેટલા સનાતની છો તેટલી કમાણી કરશો, તેનો હિસાબ તમે જાતે કરી લો.
મારી પાસે કરોડો સનાતનીઓનો પ્રેમ છે : ધીરેન્દ્ર શાસ્ત્રી
ઈન્ડિયા ટીવી પર એક ઈન્ટરવ્યુ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે, તમે કેટલી કમાણી કરો છો. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “અમારી કોઈ ચોક્કસ આવક નથી કારણ કે અમારી પાસે કોઈ કંપની કે બિઝનેસ નથી. કોઈ ચઢાવો કરી જાય કે દાન આપી જાય છે. મારી પાસે કરોડો સનાતનીઓનો પ્રેમ છે. લાખો-કરોડો લોકોના આશીર્વાદ છે. અમને હજારો સંતોના આશીર્વાદ છે, આ અમારી આવક છે. તમે જેટલા સનાતની હશો, તેટલી કમાશો, તમે જાતે જ હિસાબ કરી જુઓ.
તેમણે એવું પણ કહ્યું કે, “કંઈક લેવું એ ખરાબ નથી, તેનો ઉપયોગ ખરાબ રીતે થાય છે. કઇ પણ લઇને તેનો સદોપયોગ અથવા દુરુપયોગ થાય છે. અમે લઈએ છીએ, જો કોઈ આપે તો અમે ગુરુ તરીકે સ્વીકારીએ છીએ. આપણે એ પરંપરામાંથી આવીયે છીએ, જ્યાં ગુરુને અંગૂઠો પણ દાનમાં આપવામાં આવે છે. અમે પણ લઈએ છીએ.
કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી અને કેમ આટલી ચર્ચા થઇ રહી છે
ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રી રામ કથા સાથે નગરો અને શહેરોમાં તેમનો દૈવી ચમત્કારોના દરબારનું આયોજન કરે છે. તેઓ નાગપુરમાં તેમના શ્રી રામ ચરિત્ર-ચર્ચા કાર્યક્રમને લઇને ચર્ચામાં આવ્યા હતા. તેમનો કાર્યક્રમ 13 જાન્યુઆરીએ પૂરો થવાનો હતો, પરંતુ બે દિવસ પહેલા જ 11 જાન્યુઆરીએ જ કથા પૂર્ણ થઈ ગઈ હતી. તેની પાછળ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ મનાય છે. આ સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર મેલીવિદ્યા કરવાનો અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. સમિતિએ તેમના પર દેવ-ધર્મના નામે સામાન્ય લોકોને લૂંટવાનો અને છેતરવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચોઃ બાગેશ્વર ધામ સરકારમાં નેતાઓ-અભિનેતાઓની હાજરી, જાણો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કહાની
આ સમિતિએ તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની પણ માંગ કરી હતી. સમિતિએ કહ્યું કે, તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને દૈવી ચમત્કાર દરબારનું આયોજન કરવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ તેઓ ચમત્કારિક દરબાર યોજ્યા વિના નાગપુરથી ભાગી ગયા હતા. આ મામલે સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ શરૂ કર્યો. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કહ્યું હતું કે અમારે દૈવી દરબાર જોવો છે, જ્યારે અમે પહેલા જ કહ્યું હતું કે કથા માત્ર 7 દિવસ જ યોજાશે.





