હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી – ૯, એક દિવસ રવિરાજે જ્યારે રમેશ જોગલને કહ્યું “મારે તો હવે અહીંથી ભાગી જવું છે”

hindusthan na shaurya gatha, kargil war : સ્ક્વોડને પરેડ ગ્રાઉન્ડની ફરતે આવેલા રોડ પર દોડવાનું આવ્યું એટલે દત્તા સામેના બગીચામાં ઉભા રહ્યા અને નિરાંતે રાઉન્ડનો હિસાબ લગાવતા રહ્યા.

Written by Manan Bhatt
Updated : May 22, 2023 16:25 IST
હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ  આર્ટીલરી – ૯, એક દિવસ રવિરાજે જ્યારે રમેશ જોગલને કહ્યું “મારે તો હવે અહીંથી ભાગી જવું છે”
૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ – અમર શહીદ રમેશ જોગલ - ફાઇલ તસવીર

કારગીલ: આર્ટીલરી – ૯: ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ – અમર શહીદ રમેશ જોગલ : પરેડ ગ્રાઉન્ડમાં સુબેદાર મેજર દેવિન્દર કાળઝાળ થતાં સ્ક્વોડની વાટ જોઈ રહ્યા હતા. આવતા વેંત… “ફાઈવ એડમ કે જંતુઓ! બતાઓ, કમાન્ડર સાહબ કી મેડમ (ધર્મપત્ની) કો સીટી કિસને મારી?” કોઈ જવાબ ન આવ્યો. સાવધાનમાં ઉભેલ પૂરી સ્ક્વોડ એકદમ ચૂપ. બેઝ કમાન્ડરનાં પત્નીનું નામ સાંભળીને બધાને સાપ સુંઘી ગયો હોય તેવી હાલત થઇ ગઈ.

દેવિન્દરે ફરી પૂછ્યું, “જિસને ભી યહ કિયા હો બાહર આ જાઓ. યા તુમ લોગ મુજે બતા દો, મેં બાકી કી ક્લાસ કો છોડ દુંગા.”બોલે એ બીજા.દેવિન્દર, “દત્તા, ઇન્હેં પરેડ ગ્રાઉન્ડ કે બીસ ચક્કર લગવાઓ. ઇનકી સીટી આજ પરેડ ગ્રાઉન્ડમેં બજની ચાહિયે.”દત્તા પણ ક્યાં ગાંજ્યા જાય તેમ હતાં, “સર પરેડ ગ્રાઉન્ડ કે અંદર સે રાઉન્ડ લગવાઉં યા બાહર સે.”દેવિન્દર, “બાહર સે.”છોકરાઓને રાયફલ ઈશ્યુ કરાવ્યા પછી દત્તાનો આદેશ વછુટ્યો, “સ્ક્વો…ડ! “અપ રાયફલ.”બીજો આદેશ, “સ્ક્વોડ, બાયેં સે દૌડ કે ચલ.”

રીક્રુટ્સને પૃથ્વી ગોળ છે એ તો ખબર હતી. પરેડ ગ્રાઉન્ડની ગોળાઈ, દત્તાએ બરોબરની મપાવી દીધી. પરેડ ગ્રાઉન્ડની અંદર દોડવામાં રાઉન્ડ નાનું કરીને જે થોડો પણ શોર્ટકટ લેવાની કે રાહતની શક્યતા હતી તે પણ દત્તાએ નાબુદ કરી નાખી. જો અંદર રાઉન્ડ મારવાના આવે તો દત્તાએ પણ પૂરા યુનિફોર્મ સાથે સજાનું નિરીક્ષણ કરવા વીસ ચક્કર પુરા થાય ત્યાં સુધી ગ્રાઉન્ડમાં રહેવું પડે. સ્ક્વોડને પરેડ ગ્રાઉન્ડની ફરતે આવેલા રોડ પર દોડવાનું આવ્યું એટલે દત્તા સામેના બગીચામાં ઉભા રહ્યા અને નિરાંતે રાઉન્ડનો હિસાબ લગાવતા રહ્યા. વીસ રાઉન્ડ મારતા-મારતા પૂરી સ્કવોડે રાજીવને જે ગાળો આપી હતી તેની સામે શિશુપાલે કૃષ્ણ કનૈયાને આપેલી ગાળો તો પાશેરામાં પૂણી જેવી દીસે.

રવિરાજને સૈન્ય તાલીમ છોડી દેવી છે.

રમેશ અને મસરીનાં સાથી તાલીમાર્થી ભાટિયા ગામનાં રવિરાજ ચાવડાની પણ બેઠક કેન્ટીનનાં ઝાડ નીચેનો ઓટલો હતો જે ત્રણેય હાલારીઓ માટે ગામનાં ચોરાની ગરજ સારતો.

એક દિવસ રવિરાજ કહે, “મારે તો હવે અહીંથી ભાગી જવું છે.”રમેશ એને સમજાવતા કહે, “દોસ્ત, ગામમાં આપણે બાળપણમાં કબડ્ડી જેવી ટીમ રમત ખૂબ રમી છે. સૈન્ય તાલીમ આપણને વાસ્તવિક ટીમ ખેલાડી બનાવી રહી છે. આ રમત કોઈ એક ખેલાડી કે સુપરસ્ટારની આસપાસ ફરતી નથી. સર્વશ્રેષ્ઠ સૈનિક, એનસીઓ કે અધિકારી એ જ છે જે બીજા માટે બલિદાન આપે છે અને તેમને જ સર્વોચ્ચ સન્માન એનાયત થાય છે.”

રવિરાજ, “પણ રમેશ, હું રોજ નવા પ્રકારનો રગડો અને દોડધામ સહન કરીને થાકી ગયો છું. મને હવે ઘરની બહુ યાદ આવે છે.”રમેશ, “એક સૈનિકને માટે નક્કામા ગુણ જેવાકે શરીર કે મનથી આળસ, વ્યક્તિગત અભિવ્યક્તિ, કોઈ આપણું સાંભળે તેવી જરૂરિયાત, પોતાના કામથી કામ રાખવું, આરામ અને આનંદ મળે તેવી વધુને વધુ કોશિશ કરતા રહેવી, તદુપરાંત એક જ ખાડો વારંવાર ખોદીને ફરી-ફરીને તેને ભરવાનો હોય કે પછી રસ્તાની બાજુમાં ઘાસ કાપવાના કે પછી ટુથ બ્રશથી મેસ સાફ કરવાના અથવા તો કોઈ અન્ય વ્યક્તિને મારી નાખવાનો આદેશ હોય – આવા સીધી રીતે આપત્તિજનક દેખાતાં આદેશોનો વિરોધ કરવો – આ બધી જ માનસિકતા દૂર થવી જરૂરી છે.”

રવિ, “આ બધાંનો ફાયદો શું?”

રમેશ, “તારે અને મારે માટે સેનાની પ્રાથમિક શીખ એ જ છે કે ન તો સ્વાતંત્ર્ય મફત મળે છે ન આપણે સ્વતંત્ર છીએ. તારી-મારી જેવાં ગામડાની આઝાદીની હવામાં ઉછરેલા યુવા માટે આ પચાવવું અઘરું છે અને આપણા મનમાં તેનો વિરોધ પણ એટલો જ છે. બેઝીક ટ્રેનીંગનો મૂળ હેતુ નિશ્ચિતપણે આપણી મનોસ્થિતિ સુધારવાનો છે. આપણને સૈન્ય સંસ્કૃતિમાં ઢાળવા માટે આપણી પોતીકી ઓળખ તથા સ્વમાનને ધ્વસ્ત કરવા માટે આપણા અહં ને અંદરથી તોડી સૈન્યમાં સ્થાપિત આદર્શ મુજબ ઢાંચાનું નવેસરથી ઘડતર કરવાની વાત છે.”

રવિરાજ, “પણ રમેશભાઈ! વાતે-વાતે રગડો દેવાની ઇન્સ્ટ્રકટરોની રીત અયોગ્ય છે.”

રમેશ, “રવિ! હું, તને ખાતરીપૂર્વક કહું છું કે ઘરથી દૂર રહીને શારીરિક પડકારો, ઇન્સ્ટ્રકટરો દ્વારા ઈરાદાપૂર્વકનાં અપમાન, રગડા, આદેશોનું પાલન કરતાં શીખવું, બીજાને દિશાનિર્દેશ કરવા માટે જવાબદાર બનવું અને નાની મોટી શારીરિક અને ઘરેલું તકલીફોને અવગણીને પોતાની ફરજ પ્રત્યે જવાબદાર રહેવું; આ બધું આપણને છોકરાઓમાંથી મરદ બનાવી રહ્યું છે.”

રવિરાજ, “એ લોકો આદેશ આપે એટલું જ કરવાનું! પાછા કહે, અપના દિમાગ મત લગાઓ? આ વળી ક્યાં નો ન્યાય?”રમેશ, “તારી વાત એક રીતે સાચી છે, ભાઈ. એક તરફ આપણે ‘પોતાની અલગ ઓળખાણ બનાવવા પર માંડ ફોકસ કરી રહ્યા હોઈએ, ત્યારે સેના ઇચ્છતી નથી કે આપણે પોતાની રીતે કામ કરીએ.”

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૭, અમર શહીદ રમેશ જોગલ, પ્રથમવાર રમેશની પરેડ અને રાઈફલ ડ્રીલ

“સેનાનું કહેવું એમ છે કે જો તમે મનમરજીથી વર્તશો તો તમારા પડ્યા પછી તમારી જગ્યા લેનાર સૈનિકને ખબર જ નહીં પડે કે તમે કારતુસ ક્યાં રાખ્યા છે અને બધું જ કર્યું કારવ્યું બરબાદ થઇ જશે. સેનામાં સન્માન એ વાત પર નિર્ભર કરે છે કે એક સિપાહી તેની સીપાહીગીરી કેટલી સારી રીતે કરી શકે છે. નહીં કે તેનાં પેરાશુટનાં રંગ પર. પેરાશુટ તો બધાંનું લીલું જ છે. યુદ્ધ હંમેશાથી એક ટીમ ખેલ રહ્યો છે. અને ભાઈ, ભાગવું એ કંઈ મરદોનું કામ નથી. ગમે તે થાય તાલીમ તો પૂરી કરવી જ રહી.” રમેશે ઉમેર્યું.

શાવર પરેડની ધમાલ!

બેરેકમાં રમેશના બેડની સામેની તરફનો ત્રીજા નંબરનો અને રાજીવની બાજુનો બેડ હતો બાપ્પાદીત્ય સહા નામના છોકરાનો. બાપ્પાદિત્ય રાજીવ અને બલસિંહની ફેવરીટ પંચીગ બેગ હતો. બંને દિવસભર મોકો મળે કે બાપ્પાની ટાંગ ખીંચાઈ કર્યા જ કરે. સ્વભાવે આળસુ અને મોટેભાગે ચૂપ રહેતો બાપ્પાદિત્ય બંનેની મજાક ચુપચાપ સહન કરતો. બાપ્પાનું ચાલે તો નાક પરની માખી પણ ન ઉડાડે. બાપ્પાની એક ખરાબ ટેવ હતી. તેને રોજ નહાવું ગમે જ નહીં. તાલીમની દોડ-ભાગનો પરસેવો અને ઉપરથી એ નહાય નહીં એટલે નવરો પડે કે શરીર ખંજવાળતો બેઠો હોય. રાજીવ અને બલ સિંહ તેને માટે ગીત ગાઈ ચીડવતાં,“યે હૈ ચર્મ રોગી ઇસકી દવા તો કરાઓ.”

નહાવું અને કપડા ધોવા જાણે બાપ્પાના સ્વભાવમાં જ નહોતા. તેની આસપાસનાં બેડના છોકરાઓ તેની ‘વિશેષ’ ગંધથી પરેશાન હતા. બાપ્પાદીત્ય તો સ્ક્વોડ લીડર રમેશના કેટલીય વાર કહ્યા બાદ પણ સમજવાનું નામ નહોતો લેતો. અંતે કંટાળીને રમેશે યાદવ સરને બાપ્પાદીત્યનો ઉપાય પૂછવાનું નક્કી કર્યું.

યાદવ, “આ સમસ્યાનો ઉકેલ તમારી જ પાસે છે. નિર્ણય તમારે જ લેવો પડશે.”રમેશ, “સર હું કંઈ સમજ્યો નહીં.”યાદવ, “જૈસે કંબલ પરેડ હોતી હૈ વૈસે હી શાવર પરેડ સુના તો હોગા.”રમેશ ત્યાં જ હસી પડ્યો અને ખડખડાટ હસતો હસતો બેરેકમાં પ્રવેશ્યો.થોડી ચર્ચા બાદ કલાસે નિર્ણય લીધો કે ચાર સહુથી મજબુત છોકરા બાપ્પાદીત્યને ઉઠાવીને બાથરૂમમાં લઇ જશે. તેને ઘસીને નવડાવવાનું બીડું રાજીવ રંજન અને બલ સિંહે ઝડપ્યું અને તેમની સાથે બીજા પાંચેક ઉત્સાહી છોકરાઓ પણ જોડાયા. એ દિવસે સાંજે બાપ્પાના જાજરૂ જવાની રાહ આખો ક્લાસ જોઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૮, અમર શહીદ રમેશ જોગલ, “જબ તક આદેશ ન મિલે અપને હથિયાર કો કભી ભી કિસી કી તરફ પોઈન્ટ મત કરો”

બાપ્પા જેવો જાજરૂમાંથી બહાર નીકળ્યો કે રાજીવે તેને ઝડપી પાડયો. પછી તો તેની સાથે ન થવાનું થઇ ગયું. બિચારા બાપ્પાએ ઘણા બૂમ બરાડા પાડ્યા, છૂટવાની કોશિશો કરી પણ કશું જ કામ ન આવ્યું. સર્વિસ ઈશ્યુ બ્રીઝ સાબુ અને કપડા ધોવાના બ્રશથી બધાએ મળીને એને જે રગડીને ધોયો છે, બે દિવસ સુધી તો એ ગુલાબી ચળકાટ મારતો રહ્યો. એ દિ ને આજની ઘડી બાપ્પાનું રોજ રાતે કહ્યા વગરનું અને અચૂક ન્હાવાનું શરૂ થઇ ગયું. હા, બાપ્પાએ રાજીવ રંજનને તે દિવસનો દાઢમાં રાખ્યો.

છ મહિનાની બેઝીક ટ્રેનીંગ પૂરી થયે રીક્રુટ્સની ટ્રેડ એક્ઝામ લેવામાં આવી. ટ્રેડ પરીક્ષા પૂરી થઇ કે એ દિવસ આવ્યો જેનો દરેક રીક્રુટ રાહ જોઈ રહ્યો હતો. એક સાથે બધાં જ છોકરાઓને ચાર અઠવાડિયાની ટ્રેનીંગ રજામાં ઘરે જવા મળ્યું.રમેશ અને મસરી સાથે ટ્રેનમાં બેસીને પોત-પોતાને ગામ પહોંચ્યા. દસેક કિલો વજન ઘટાડીને, રોજ તડકામાં પરેડ કરીને રંગે શ્યામવર્ણ થઇ ગયેલાં રમેશને જોઈ જશી બાની આંખ તો ઘડીભર ભીની થઇ ગઈ. કહે, “બેટા, તને સેનામાં ખાવાનું નથી આપતાં? આટલો દુબળો કેમ કરતાં થઇ ગયો?”રમેશ હસી ને કહે, “બા તારા હાથનું ખાવાનું નથી મળતું ને એટલે.”કદાચ રમેશને તેની લાગણીઓ વ્યક્ત કરતાં આવડતું નહોતું. કે પછી ભવિષ્યનાં ગર્ભમાં શું છુપાયું છે તે વિષે એ ચર્ચા જ કરવા નહોતો માંગતો. એટલું તો નક્કી હતું કે રમેશ નહોતો ઈચ્છતો કે બા અને હમીરભાઈ તેનાં વિષે ચિંતા કરે.

ક્રમશઃ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ