પરેડ ગ્રાઉન્ડની ટ્રેનીંગમાં માર્ચીંગ કેવી રીતે કરવું, માર્ચ કરતાં સમયે હથિયાર કેમ વહન કરવું અને પરેડને લગતી બીજી સામાન્ય સૂચનાઓનો સમાવેશ થતો. ઉનાળાની તપતી ગરમીમાં પરેડ એક એવો વિષય હતો જેને રીક્રુટ્સ ખરેખર ધિક્કારતા. કેવળ તાપને લીધે જ નહીં પરંતુ જો ભૂલમાં પણ લેફ્ટ-રાઈટ-લેફ્ટમાં જો કંઈ ભૂલ થાય તો ડ્રીલ ઉસ્તાદ જે સજા કરતાં તે ખરેખર અસહ્ય હતી. તેમણે સવારે આઠ વાગ્યે રાષ્ટ્રધ્વજ ચડાવવા માટેની પરેડમાં રોજ હાજરી આપવાની હતી.
પ્રથમ વાર રમેશની બેટરીનાં રીક્રુટ્સને રાયફલ ડ્રીલ અને શસ્ત્ર વિના માર્ચ કરવાની સૈન્યની માર્ચીંગ પદ્ધતિની તાલીમ આપવામાં આવી. રીક્રુટ્સના ડ્રિલ ઉસ્તાદો વિવિધ આર્ટિલરી રેજિમેન્ટના વરિષ્ઠ ગનર્સ હતા. હવાલદાર રતન ચંદ્ર દત્તા સેનાનાં પ્રખ્યાત ડ્રીલ પ્રશિક્ષકોમાં એક હતાં. લગભગ છ ફૂટની ઊંચાઈ, શ્યામ વર્ણ, સીધું સોટી જેવું શરીર અને કડક ગણવેશ તેમની નિશાની હતો. દત્તા તેમનાં કડક પ્રશિક્ષણની સાથે-સાથે પરેડ ગ્રાઉન્ડમાં વિનોદી વન-લાઈનર માટે પણ પ્રખ્યાત હતાં. તેમની છટાએ જ જાણે પરેડ ગ્રાઉન્ડમાં જીવ પૂરી રાખ્યો હતો.
છોકરાઓ પરેડ ગ્રાઉન્ડમાં જમા થઇ સ્ક્વોડ પ્રમાણે ત્રણ ત્રણની લાઈન બનાવી ઉભા રહી ગયા. સ્ક્વોડ લીડર ત્રણ ડગલાં આગળ ઉભા રહી પોતપોતાની સ્ક્વોડને લીડ કરી રહ્યા હતાં.
પરેડ ગ્રાઉન્ડ ગજાવતા પ્રચંડ અવાજે હવાલદાર દત્તાનો આદેશ છૂટ્યો:
“પરેડ સા…વધાન.”
રોબોટનું રીમોટ દબાવોને એક સાથે મુવમેન્ટ કરે તે ચપળતાથી રીક્રુટ્સ બંને હાથ અને પગને સાવધાન પોઝીશનમાં લઇ આવ્યા.
દત્તા, “આપ લોગ સેના કે જવાન હૈ ઔર જવાન હંમેશા કડક રહેતા હૈ. પેટ અંદર છાતી બહાર ઔર નજરે સામને રહની ચાહિયે.”
બીજો આદેશ, “પરેડ વિશ્રામ!”
ફરી, “પરેડ સાવધાન!”
દત્તા, “અગલી લાઈન તીસરા જવાન, હિલ મત!”
પંદરેક મિનીટ સાવધાન વિશ્રામની તાલીમ પછી, આદેશ, “પરે….ડ બાયેં સે…. તેજ ચલ!”
પહેલાં જ દિવસે રમેશ અને અન્ય કેટલાક રીક્રુટ્સનાં સ્ટેપ્સ લયબદ્ધ પડવા લાગ્યા જ્યારે બાપ્પાદીત્યને સીધી લાઈન જાળવવામાં અને કદમ મિલાવવામાં તકલીફ પડી રહી હતી. એ ક્યારેક “બાયેં મૂડ!” નાં આદેશ પર જમણે વળી જતો અને “દાયેં મૂડ!”નાં આદેશ પર ડાબે. તેનાં કારણે પૂરી સ્ક્વોડનાં માર્ચીંગની લય તૂટી રહી હતી.
દત્તા, “કાલુ… કાલીચરન.. મેરે ભાઈ, કૌનસા મંગલ ગ્રહ સે આયા? યહ કૈસી પરેડ કર રહા હૈ? અપ રાયફલ કર ઔર દો રાઉન્ડ પરેડ ગ્રાઉન્ડ કે લગા.”
આપણે આગળ જોઉં તેમ દત્તા પોતે રંગે શ્યામ હતાં. કાળા ડામરનાં બનેલાં પરેડ ગ્રાઉન્ડનાં ધોમધખતાં તાપમાં માં કલાકો વિતાવ્યા બાદ ઉજળા વાનનાં રીક્રુટ્સ પણ કાજળ ઘેરાં રંગનાં થઇ ચૂક્યા હતાં. રમેશની બેટરીને એક અઠવાડિયાની સાદી પરેડની તાલીમ બાદ હવે રાયફલ ડ્રીલ શીખવાનો સમય આવી ચૂક્યો હતો. હવાલદાર દત્તા છોકરાઓને છાવણીની ઉત્તર દિશાએ સ્થિત શસ્ત્રાગાર તરફ કૂચ કરાવીને લઇ ગયા. પરેડ ગ્રાઉન્ડ પાછા ફર્યા બાદ, તેમણે રાઇફલ સાથે કવાયત શીખવાનું શરૂ કર્યું. ધાતુનાં ઠંડા બેરલ પર સૈનિકોનાં ગરમ હાથની થાપો પડી રહી હતી. વજનદાર ગન બટ સુસ્ત પરેડ ગ્રાઉન્ડ પર લયબદ્ધ થાપ દઈ એક વિશિષ્ઠ પ્રકારનો ધ્વની ઉપજાવી રહ્યા હતાં.
માત્ર પાંચ કિલો વજનની એસએલઆર રાઈફલ પરેડ ગ્રાઉન્ડમાં થોડી મીનીટો બાદ રાજીવને ટનબંધ વજની લાગવા માંડી હતી. બધાં રીક્રુટ્સ રાયફલ ડ્રીલ કરી રહ્યા હતાં અને રાજીવ રાયફલ પકડીને ડાબે-જમણે તાકી રહ્યો હતો. દત્તા એ દૂરથી નમુનો નીરખી લીધો.
દત્તા, “બીચ કી લાઈન બાયેં સે પાંચવા જવાન, મેરે સામને.”
રાજીવને ધ્રાસકો પડ્યો અને એ બીજી જ બાજુ જોવા લાગ્યો. ‘ડ્રીલ ઉસ્તાદે મને જોઈ લીધો કે શું!’
દત્તાએ તો આવાં કેટલાય રીક્રુટ્સ જોયા હતાં.
રાજીવ લાઈનમાં થી બહાર નીકળ્યો દત્તાની સામે જઈને તેમને બટ સેલ્યુટ કરી અને સાવધાનમાં ઉભો રહ્યો. કહે, “યસ સર. મુજે બુલાયા?”
દત્તા, “કાલે સફેદ કૌવે. કહાં તક ઉડકર જાયેગા? યહીં પર તો ઘૂમતા રહેગા.”
રાજીવ સમજી ગયો હતો કે આ જલ્લાદ મુકશે નહીં.
દત્તા, “બેટા યે પરેડ ગ્રાઉન્ડ હૈ. યહાં બડે બડો કા તેલ નિકાલા જાતા હૈ. અપ રાયફલ દૌડ કે ચલ, ફાઈવ રાઉન્ડ્સ ઓફ પરેડ ગ્રાઉન્ડ!”
રાજીવ, “પણ સર.”
દત્તા, “દસ રાઉન્ડ.”
રાજીવ, “પણ સર… સર.”
દત્તા, “પંદર રાઉન્ડ.. અપ રાઈફલ.”
એક નાનકડી ભૂલની સજા રૂપે રાઈફલ માથા પર ઉંચે હાથ કરી ઊંચકી પરેડ ગ્રાઉન્ડનાં પંદર ચક્કર લગાવવાની સજા મળ્યા બાદ રાજીવ ઢીલો ઘેંશ જેવો થઇ ગયો. પંદર ચક્કર દોડી લીધાં પછી દત્તાને રીપોર્ટ કર્યો તો કહે, “જબ પ્રસાદ બંટે તો જીતના મિલે ઉતના લે લેના ચાહીએ વર્ના પ્રસાદ, ખુરાક બન જાતા હૈ.”
માર્ચ કરતી વખતે રાયફલનો કઈ રીતે ઉપયોગ કરવો અને રાયફલ વડે સલામી કેમ આપવી તે પણ રીક્રુટ્સ શીખ્યા. એ દિવસની તાલીમ પૂરી થઇ એટલે હવાલદાર દત્તાએ તેમને શસ્ત્રાગાર તરફ પાછા વાળ્યા. રાઇફલ ડ્રીલ સાથે પીટી, સ્મોલ આર્મ્સ ફાયરીંગ, બેયોનેટ ફાઈટ અને ગ્રેનેડ થ્રો કરવાની તાલીમ યુવાનોનું સૈનિક તરીકેનું ઘડતર કરી રહી હતી.
એકવાર તો એવું બન્યું કે પુરા ક્લાસને એક અઠવાડિયા સુધી રોજ બપોરે જમીને તરત જ અઢી વાગ્યે પરેડ ગ્રાઉન્ડમાં રીપોર્ટ કરવાની સજા મળી. સજાનાં ભાગ રૂપે છ દિવસ તો કસ્ટમરી અપ-રાયફલ રાઉન્ડ્સ લગાવ્યા. એક દિવસ અપ-રાયફલ ફ્રોગ જંપની ખાસ સજા મળી. ઉંચે રાયફલ કરીને દેડકાની જેમ આખા પરેડ ગ્રાઉન્ડનું ચક્કર લગાવ્યા પછી પૂરી સ્ક્વોડનાં છોતરાં નીકળી ગયા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૫ , રમેશ જોગલને લાગ્યું કે જાણે આખું ભારત આ નાના શા ખંડમાં એકઠું થઇ ગયું!
રીક્રુટ્સને દિવસ અને રાતે નકશા અને કંપાસ (હોકાયંત્ર)નાં ઉપયોગથી દિશાશોધન કરવાનું શીખવવામાં આવ્યું. રમેશને રાઈફલ ડ્રીલ અને પરેડમાં કોઈ મુશ્કેલી ન પડી. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ તેમ રમેશની બેટરીના છોકરાઓ ડ્રિલ ગ્રાઉન્ડ પર એકમ તરીકે વધુ ને વધુ સંયોજિત થતા ગયા. એક ખૂણેથી તેમને માર્ચ કરતાં જુઓ તો એક છોકરો જ દેખાય તેવો સટીક માર્ચ તેમની ખાસિયત બની ગયો.
ઓબ્સટેકલ કોર્સ અથવા તો બાધા તાલીમ દરેક રીક્રુટ માટે નવો જ અનુભવ હતો. દોરડા, ઝીપલાઈન, બેલેન્સ બાર આ બધી હળવી શારીરિક બાધાઓને પસાર કરવાથી તેમનાં બોડી બેલેન્સ અને ચપળતામાં વધારો થઇ રહ્યો હતો. ઓબ્સટેકલ કોર્સ, ફાયરીંગ, કોમ્બેટ પ્રેક્ટીસ જેવી સ્પર્ધાત્મક કવાયતો રીક્રુટ્સમાં એક નવા જ આત્મવિશ્વાસ પેદા કરી રહી હતી.
આર્ટીલરી સેન્ટરમાં રિક્રુટ્સને પરેડ પીટી અને રગડા બાદ મહિને ૨૨૦૦ રૂપિયા પગાર મળતો. જેમાંથી ખિસ્સા ખર્ચનાં રાખી બાકીના પૈસા રમેશ મની ઓર્ડર દ્વારા ઘરે મોકલી આપતો.
ક્રમશઃ