૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ – અમર શહીદ રમેશ જોગલ
રમેશ અને સાથીઓ સમજી ચૂક્યા હતાં કે સેનામાં દરેક બાબત માટે એક આદેશ અને પૂર્વનિર્ધારિત પદ્ધતિ હતી. સૈન્યમાં સ્વચ્છતા એ શિસ્ત સાથે સંકળાયેલ અત્યંત મહત્વનું પાસું હતું. બેડ, બાથરૂમ, યુનિફોર્મ, બુટ અને લોકર આ બધાંનો દેખાવ દર્શાવતો હતો કે તેઓ કેવા રીક્રુટ હતાં. કેટલાય છોકરાઓ માટે લોકર ગોઠવવું, બિસ્તર વ્યવસ્થિત રાખવો અને પરેડ કરવી એ તાલીમ દરમિયાનનાં સૌથી મુશ્કેલ કાર્યો બની રહ્યા.
રાત્રે પ્રશિક્ષકોનાં ગયા પછી છોકરાઓ તેમની બેરેકના મધ્યમાં એકઠા થયા અને એકબીજાને મળી અને ઓળખાણની આપ-લે કરી. પોત-પોતાનાં વતન વિષે જણાવ્યું. ભારત દક્ષિણ ભારતથી લઇને ઉત્તર અને પૂર્વ ભારત લગભગ કોઈ રાજ્ય બાકી નહોતું જ્યાંથી યુવાનો નહોતાં. સ્ક્વોડનાં બધાં સાથીઓને મળવાથી રમેશને લાગ્યું કે જાણે આખું ભારત આ નાના શા ખંડમાં એકઠું થઇ ગયું છે.
હજી તો અડધી કલાક જેવો સમય વીત્યો હશે ત્યાં હવાલદાર યાદવ આવ્યા અને “લાઈટ બંધ” નો આદેશ છૂટ્યો. બધાં જ રીક્રુટ્સ પોતપોતાના બેડ પર પાછા ફર્યા એટલે યાદવ સરે બેરેકની લાઈટો બંધ કરી દીધી. ત્યાં શાંતિ છવાઈ ગઈ. થાકેલા છોકરાઓ જાણતા હતાં કે તેમને બીજે દિવસે સવારે વહેલા ઉઠવાનું છે. રમેશને પથારીમાં પડતાવેંત ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. બીજા દિવસની સવાર ક્યારે પડી તે ખબર જ ન રહી.
ચલો સભી ઉઠ જાઓ.” નો હુકમ છોડ્યો
જેવી સવાર પડી કે, રમેશને સૈન્ય પદ્ધતિથી જાગવાનો પહેલો અનુભવ થયો. સવારના પાંચ વાગ્યા હશે કે હવાલદાર યાદવ અને નાયક પ્રદીપ સિંહ બેરેકમાં પ્રવેશ્યા અને “શેક અપ. ચલો સભી ઉઠ જાઓ.” નો હુકમ છોડ્યો. એકલી રમેશની બેરેકમાં જ બંને દસેક વખત આગળથી લઇને પાછળ સુધી ફરીને “ઉઠ જાવ,” ના આદેશને પુનરાવર્તિત કરતા રહ્યા. આ કંઈ ધાક-ધમકી નહોતી પણ અત્યાર સુધી તો આ છોકરાઓને તેમના માબાપ કે પછી એલાર્મ ઘડિયાળ સુધ્ધાં આ રીતે ઉઠાડી શકતા નહોતા.

રીક્રુટ્સને બિસ્તર વ્યવસ્થિત ગોઠવી, ફટાફટ તૈયાર થઇ, દાઢી બનાવી, સવારની દૈહિક ક્રિયાઓ પતાવી, પીટી યુનિફોર્મમાં બેરેકની બહાર મસ્ટર થવા માટે ત્રીસ મિનીટનો સમય મળ્યો. પૂરી બેટરી દિગ્ભ્રમિત પક્ષીઓની જેમ આમથી તેમ ભાગી રહી હતી. આ આપાધાપીમાં કેટલાય રીક્રુટ્સ ઉપરનાં બધાં કાર્યોને પૂરા કરી શક્યા નહીં. જે રીક્રુટ્સ સમયસર તૈયાર થઇને રોલકોલમાં હાજર થયા તેમાંથી પણ અડધા-અડધ દાઢી બનાવ્યા વિના ઉભા હતા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૪ , અમર શહીદ રમેશ જોગલ, સૈન્યની નવી દુનિયા!
“યહ ફૌજ હૈ. યહાં કિસી એક કી ભી ગલતી સભી કી ગલતી માની જાતી હૈ”
જે મોડા આવ્યા અને જેમણે દાઢી નહોતી કરી તેમને અને જેણે બેરેક છોડીને બહાર નીકળતા પહેલાં પોતાનો બેડ વ્યવસ્થિત નહોતો કર્યો તેમને એક તરફ ઉભા રાખી પૂરા ડીવીઝનની સામે ફટકાર લગાવવામાં આવી. દાઢી ઘસ્યા વિના આવેલા રીક્રુટ્સને ખાસ કહેવામાં આવ્યું કે ફરી વાર જો દાઢી નહીં કરો તો પથ્થરથી ઘસીને બધાંની સામે કરવી પડશે. રોલ કોલ માટે મોડા પહોંચેલા રીક્રુટ્સને કહી દેવામાં આવ્યું, “યહ ફૌજ હૈ. યહાં કિસી એક કી ભી ગલતી સભી કી ગલતી માની જાતી હૈ.”
જો તમે ફરી મોડા પડશો તો પૂરી બેટરી મોડી આવી છે તેમ માનવામાં આવશે અને બધાંને સરખી સજા મળશે. બધાંને શિસ્ત, સમયબધ્ધતા અને સમૂહકાર્યનું મહત્વ સમજાવવાની કોશિશ થઇ રહી હતી. રોલકોલ પછી પીટી ક્લાસ માટે નીકળતા પહેલાં એ દિવસની દિનચર્યા બાબતે આદેશ આપી દેવામાં આવ્યો.
પીટી ક્લાસ પછી પહેલી વાર બધા જ રીક્રુટ્સ એકસાથે લંગરમાં બ્રેકફાસ્ટ માટે પહોંચ્યા
રીક્રુટ્સ ત્યાંથી દોડીને શારીરિક શિક્ષણ અથવા તો પીટી માટે મેદાનમાં પહોંચ્યા. શારીરિક શિક્ષણ એટલે બેઝીક ટ્રેનીંગનો મૂળભૂત હિસ્સો. પીટી ક્લાસ પછી પહેલી વાર બધા જ રીક્રુટ્સ એકસાથે લંગરમાં બ્રેકફાસ્ટ માટે પહોંચ્યા. નાસ્તો પતાવ્યા પછી રમેશ લંગરમાં મૌજુદ છોકરાઓને તેમના ડીવીઝનમાં કોઈ ગુજરાતી છોકરો છે કે નહીં તે પૂછી રહ્યો હતો.
બપોર પછી રીક્રુટ્સને ફરી એક લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું. આ વખતની લાઈન તેમને વાળંદની દુકાને લઇ ગઈ. છ-આઠ વાળંદો હશે દુકાનમાં. ત્યાંની ફર્શ વાળના ઢગલા હેઠળ ઢંકાયેલી હતી. અધિકાંશ તાલીમાર્થીઓ ફૌજી વાળંદોને કસાઈ અને બાર્બર શોપને કસાઈની દુકાન કહેતા હતા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-3, ગનર રમેશ જોગલ – તોપચી તાલીમનો પહેલો દિવસ
તરવરીયા યુવાનોની વાંકડી મૂછો અને ફિલ્મી હીરો જેવી ઝુલ્ફોને દેશી હેન્ડ ટ્રીમરના પાંચ સપાટે અદ્રશ્ય કરવાનો નુસખો એ વાળંદો પાસે હતો. વાળંદને કેવા વાળ કાપવા છે તે કહેવાની જરૂર નહોતી. ન પૈસા આપવાના હતા. તેમની પાસે બસ એક જ સ્ટાઈલ હતી – ‘છલિયા કટ’. અંદર જતા બિન્દાસ સિવિલિયન યુવાનો વાળંદની હડફેટે આવ્યા પછી અરીસામાં પોતાને પણ ઓળખી શકે તેમ નહોતા. દર અઠવાડિયે વાળ કપાવવાનું ફરજીયાત હતું.
કોઈ રેન્ક નહીં કોઈ પદ નહીં, કોઈ મૂળભૂત અધિકારો નહીં.
તાલીમનું એક વર્ષ બીડી-સિગરેટ કે બીજા કોઈ તંબાકુ ઉત્પાદન વાપરવા પર પ્રતિબંધ હતો. કોઈની પાસે એકલાં રહેવાનો ટાઈમ નહોતો. ડાઈનીંગ હોલ સિવાય ક્યાંય બેસવા માટે ખુરશીઓ નહોતી. ટેકો દઈને ઉભા રહેવાની મનાઈ. એક પગ પર ઉભા રહેવાની મનાઈ. ખિસ્સામાં હાથ રાખવાની મનાઈ. ન સંગીત, મેગેઝીન કે કોઈ મનોરંજનનાં સાધનો. કોઈ રેન્ક નહીં કોઈ પદ નહીં, કોઈ મૂળભૂત અધિકારો નહીં. ‘રીક્રુટ’ ને છોડીને કોઈ નામ પણ નહીં.

ફાઈવ એડમ ડીવીઝનના ત્રણ મુખ્ય ઇન્સ્ટ્રકટર હતા. વરિષ્ઠ ઇન્સ્ટ્રકટર સુબેદાર મેજર દેવિન્દર સિંહ. કરડો ચહેરો, ભરાવદાર મૂછો અને કડક સૈન્ય વર્દી. જોતાં જ ખબર પડી જાય કે જમાનાની કંઈ કેટલીય થપાટો સહન કર્યા પછી ય અડીખમ ઊભેલો આ માણસ મિત્ર વિનાનો અને એકાકી હશે! હાસ્ય એમનાથી કાયમ બે ફૂટ દૂર જ રહેતું! દેવિન્દરનો સર્વપ્રિય ગુણ હતો ધમકી આપવી અને તેમનો તકિયા કલામ હતો ‘ફાઈવ એડમ કે જંતુ.’. એ બધાં રીક્રુટ્સને ‘જંતુ’ સમજતા.
યાદવ હંમેશા કડક ઇસ્ત્રીટાઇટ વર્દીમાં અને ચમકીલા બુટમાં સજ્જ રહેતાં
નાયબ સુબેદાર અશોક કુમારની ઘોડા જેવી આંખો તેને ભીડમાં અલગ તારવતી. અશોક એક અનુભવી તોપચી હોવાની સાથે અઘરો વ્યક્તિ હતો. એ રીક્રુટ્સને ક્યારેય ઉંચે અવાજે ખીજાતા કે ધાક-ધમકી આપતાં નહીં એટલે મોટાભાગનાને એ સારો માણસ લાગતો. બહુ ઓછા રીક્રુટ્સ સમજતા હતાં કે અશોક જેટલો બહારથી સીધો દેખાતો હતો તેટલો જ અંદરથી ઊંડો હતો.
એ તો બેટરી હવાલદાર એસ ડી યાદવ જ હતાં જે પ્રત્યેક રીક્રુટને પ્રેમપૂર્વક અટકથી બોલાવતા. સેનામાં કોઈપણ વ્યક્તિને તેના નામથી બોલાવવાનો રીવાજ નથી. યાદવ સાહેબની થીયરીમાં રીક્રુટને નફરત કરીને તેનું સન્માન મેળવવાનું નહોતું એટલે છોકરાઓને એ પિતાતુલ્ય લાગતા. યાદવ હંમેશા કડક ઇસ્ત્રીટાઇટ વર્દીમાં અને ચમકીલા બુટમાં સજ્જ રહેતાં. રમેશે તેની જિંદગીમાં આટલાં ચમકતા જૂતા જોયા નહોતાં. યાદવ સાહેબ કહેતા કે તમારાં જૂતા અરીસાની જેમ ચમકવા જોઈએ જેમાં તમારો ચહેરો સ્પષ્ટ દેખાય.
ક્રમશઃ