રમેશને બહુ જલ્દી સમજાઈ ગયું કે તેને કરવાનું શું છે અને તે લાઈનમાં પોતાનાં સ્થાન પર જઈ સાવધાનમાં ઉભો રહી ગયો. થોડી વારે એક હવાલદાર તેમની સામે આવીને ઉભા રહ્યા અને આદેશ આપ્યો, “રીક્રુટ્સ, આપ સભી અબ જહાં ખડે હૈ, વહીં બૈઠ જઈએ. અબ આપકે રજીસ્ટ્રેશન કા કામ પુરા કિયા જાયેગા.”
સામે છ ટેબલ ગોઠવેલાં હતાં જેમાં પ્રશિક્ષક સ્ટાફ રીક્રુટ્સની ઓળખ, રજીસ્ટ્રેશન અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પતાવી રહ્યા હતા. રજીસ્ટ્રેશનની સાથે દરેક રીક્રુટને એક કામચલાઉ સૈન્ય નંબર અને ટ્રેનીંગ ડીવીઝન એલોટમેન્ટ કરી દેવામાં આવતું. બપોરે બે વાગ્યે છોકરાઓને ત્યાં જ કાગળની પ્લેટસમાં પૂરી શાકનું ભોજન કરાવી દેવાયું અને દસ્તાવેજોની તપાસની પ્રક્રિયા સતત ચાલતી રહી. એ દિવસે નાસિક કેમ્પમાં હાજર થયેલાં નવા છોકરાઓનીકાગળ કાર્યવાહી પૂરી થતાં રાત્રીનાં આઠ વાગ્યા હતા.
કાર્યવાહી પત્યા પછી તરત જ હવાલદારે બધાને કહ્યું, “નાયક પ્રદીપસિંહ આપકો પહલે ખાને કે લિયે લંગરમેં ઔર ફિર બેરેક મેં લે જાયેંગે. કલ સુબહ ગ્યારહ બજે સભી કો તોપચી ઓડીટોરીયમ પહુંચના હૈ.”
લંગર તરફ જવાનો સીલેટી રસ્તો છાવણીની મધ્યમાંથી પસાર થતો હતો. રમેશે નોંધ્યું કે રસ્તાની બંને બાજુ ઊચા, ઘટાદાર વૃક્ષો હોવા છતાં રસ્તા પર એક પણ પાંદડું પડ્યું નહોતું. ગાઢ જંગલોથી ઘેરાયેલી છાવણીમાં એકબીજાથી તદ્દન વિરોધાભાસી દેખાતી હારબંધ ઈમારતો અને સડકની બંને તરફ માપસર કપાયેલું લીલું ઘાસ ફેલાયેલું હતું. લાલ ઈંટની ઉપર વિલાયતી નળિયાવાળી બ્રિટીશ જમાનાની જૂની પણ સૈન્ય રખ-રખાવને લીધે નવા જેવી દેખાતી ઈમારતો અને સફેદ રંગનાં નવા બિલ્ડીંગ છાવણીને કંઇક અલગ જ ઓળખ આપતાં હતાં.
થોડે આગળ જતાં એક લાંબુ વિશાળ ભવન દેખાયું. ચારે તરફ લીલોછમ બગીચો અને જમરૂખ, કેરી અને જાંબુ સહીત ઘણા બધા ઘટાટોપ વૃક્ષોથી ઘેરાયેલા એ ભવનને જોઇને રમેશ ખુશ થઈ ગયો. પ્રશિક્ષક જેને ‘લંગર’ કહેતા હતાં તે રીક્રૂટસની જમવાની વિશાળ મેસ હતી જ્યાં ત્રણસો લોકો એકસાથે જમી શકે તેટલાં ખુરશી-ટેબલ ગોઠવેલાં હતાં. સાંજનું લંગરનું જમવાનું રમેશને કંઈ ખાસ ભાવ્યું નહીં. પણ, તે સમજતો હતો કે હવે બા કે સંતોક કે ભાભી જેવું સ્વાદિષ્ટ ભોજન સેનાનાં રસોઈયા તો ન જ બનાવી શકે!

ત્યાં હાજર દરેક યુવાનો માટે સૈન્ય તાલીમ કેન્દ્રનો આ પહેલો જ દિવસ હતો. વળી, સૈન્ય મથકની હવામાં જ જાણે શિસ્ત પ્રસરેલી હતી એટલે તાલીમાર્થીઓ ઉંચે અવાજે બોલવાનું ટાળી રહ્યા હતાં. હવે ક્યાં જવાનું છે? આગળ શું થશે? રહેવાનું ક્યાં છે? કોઈને કંઈ ખબર નહોતી. કેટલાય પ્રશ્નો હતાં. બધાં અંદર-અંદર ધીમે અવાજે એક બીજાથી પરિચિત થઈ રહ્યા હતા. ત્યાં કેટલાક યુવાનોનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. રમેશે બાજુમાં રહેલાં એક યુવાન ને પૂછ્યું તો તેણે કહ્યું કે એમનાં કોઈ ને કોઈ સગા સૈન્યમાં છે એટલે તેમને માટે સૈન્ય છાવણીનો આ અનુભવ નવો નથી.. રમેશને અચંબામાં જોઈને એ ગ્રુપમાંથી એક છોકરો હસતાં હસતાં બોલ્યો, “દોસ્ત યે સેના લંગર હૈ, કહતે હૈ, યહાં કી ‘લંગર ગોસીપ’ ઇન્ડિયા મેં વર્લ્ડ ફેમસ હૈ.”
બીજા દિવસની સવાર ધાર્યા કરતાં વધુ શાંતિ ભરી હતી. નવા છોકરાઓની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ થોડા દિવસ ચાલશે, તેવું લાગી રહ્યું હતું. દિનચર્યા અને નાસ્તો પતાવીને રીક્રુટ્સ નવેક વાગ્યે બેરેક પહોંચ્યા ત્યાં નાયક પ્રદીપ સિંહ તેમની રાહ જોઈ રહ્યા હતા. ઉજળો વાન, ચીબું નાક, નાની આંખો, એકવડું શરીર અને મધ્યમ કદના પ્રદીપ સિંહને જોઈને જ ખબર પડી જતી હતી કે તે ઉત્તરાખંડના પહાડોના રહેવાસી હશે. તેમની રીક્રુટ્સ સાથે વાત કરવાની પદ્ધતિ અન્ય પ્રશિક્ષકોની સરખામણીમાં શાલીનતા ભરી હતી.

પ્રદીપ, “રીક્રુટ્સ સભી મેરે સાથ આઇયે. હમ, તોપચી ઓડીટોરીયમ ચલેંગે.”
નાસિક છાવણીનાં માર્ગ પર એકાદ કિલોમીટર માર્ચ કરીને રીક્રુટ્સ એક વિશાળ ઇમારતનાં પ્રવેશદ્વાર સમક્ષ પહોંચ્યા. પ્રથમવાર ફોર્મેશનમાં માર્ચ કરતાં રમેશને ગર્વની અનુભૂતિ થઇ. વિલાયતી નળિયાવાળું ત્રણ માળનું એ બિલ્ડીંગ અંગ્રેજોનાં સમયનું હોય તેવું લાગી રહ્યું હતું. પ્રવેશદ્વારની દીવાલો ખૂબ મોટી હતી અને તેના મુખ્ય દરવાજાની બાજુમાં તાંબાના મોટા અક્ષરે ‘તોપચી ઓડીટોરીયમ’ લખેલું હતું. ઈમારતનાં રીસેપ્શન હોલમાં પહોંચીને વર્ગને બરખાસ્ત કરી દેવામાં આવ્યો અને રીક્રુટ્સને ઓડીટોરીયમમાં પ્રવેશી ચૂપચાપ બેસવાનો આદેશ મળ્યો.
ઓડીટોરીયમ પૂરું ભરાતા વાર લાગી અને ચૂપ બેસીને કંટાળેલા રમેશને ઝોકું આવી ગયું. તેને જોઈ તરત જ ટ્રેનીંગ સ્ટાફમાંથી એક સૈનિક રમેશ પાસે પહોંચ્યો અને તેને જગાડ્યો. રમેશની સાથોસાથ બાજુમાં બેસેલા છોકરાઓને પણ વોર્નિંગ આપી, “કોઈ સોયેગા નહીં. અગર મૈને કિસી કો સોતા દેખ લિયા તો ખૈર નહીં.”
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, અમર શહીદ ગનર, ડીએમટી રમેશ જોગલની વાત
રમેશે વિચાર્યું, ‘અહીંયા તો, આપણે ખાલી બેઠા હોઈએ ત્યારે ઝોકું ખાવાની પણ મનાઈ છે!’
હોલને કેટલાય દરવાજા હતા, જેમાંથી અન્ય હવાલદારો પણ તેમના વર્ગોને દિશાનિર્દેશ કરી અંદર લાવી રહ્યા હતાં. રીક્રુટ્સ સીટ પર બેસી ગયા એટલે અનુશાસન જાળવવા માટે હવાલદારો વચ્ચેના પેસેજમાં સતત ઉપર નીચે ગશ્ત લગાવતા રહ્યા. આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો એટલે આર્ટીલરી સ્કૂલના સીનીયર જેસીઓ સુબેદાર મેજર ભંવરલાલ દ્વારા સ્વાગત સંબોધન શરૂ થયું.

ભંવરલાલના એક કલાકના સંબોધનમાં રમેશને એટલું સમજાયું કે તોપચી રીક્રુટ તરીકે તેની કુલ તાલીમ તેંતાલીસ સપ્તાહ ચાલવાની છે. આ કઠીન પ્રશિક્ષણ દરમિયાન છ મહિના બુનિયાદી સૈન્ય તાલીમ જેવી કે શારીરિક સુદ્રઢતા, પરેડ, એડવેન્ચર કેમ્પ, મેપ રીડીંગ,સ્મોલ આર્મ્સ ટ્રેનીંગ અને વિશેષકર પાંચ કિમીની બીપીટી દોડ અને અઢી કિમીની પીપીટી દોડનો સમાવેશ થતો હતો.
રમેશ અને તેના સાથી રીક્રુટ્સને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યા.
૧ ટ્રેનીંગ (વન ટ્રેનીંગ) રેજીમેન્ટ
૨ ટ્રેનીંગ (ટુ ટ્રેનીંગ) રેજીમેન્ટ
૩ એડમ (થ્રી એડમ) (એડમિનિસ્ટ્રેશનનું ટૂંકું = એડમ) રેજીમેન્ટ
૪ એડમ (ફોર એડમ) રેજીમેન્ટ
૫ એડમ (ફાઈવ એડમ) રેજીમેન્ટ
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ તોપચીઓ કારગીલનાં રણે, ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, ગુજરાતી વીર રમેશ જોગલની કહાની
ઉપરોક્ત મુખ્ય વિભાગોનાં નાના અંગને ‘બેટરી’ તરીકે ઓળખવામાં આવતું જેમાં મુખ્યત્વે ૪૦૦થી ૫૦૦ રીક્રુટ્સનો સમાવેશ થતો. બેટરીનું નાનું અંગ એટલે સ્ક્વોડ. સાદી ભાષામાં કહીએ તો ક્લાસ જે ૨૦ રીક્રુટ્સથી બનતો. રમેશને ફાઈવ એડમ રેજીમેન્ટ માં ત્રણ નંબરની બેટરીમાં બીજા નમ્બરની સ્ક્વોડ અને હંગામી સૈન્ય નંબર ૧૧૮૯ એલોટ થયો.
રમેશે તેની ડાયરીમાં પોતાનું સૈન્ય એડ્રેસ નોંધી લીધું:
જોગલ રમેશ કુમાર, ટેમ્પરરી સૈન્ય નંબર ૧૧૮૯
૫/3 એડમ રેજીમેન્ટ, આર્ટી, નાસિક રોડ – ૪૨૨ ૧૦૨