141 ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટ અને તેના બે શહીદો કૅપ્ટન પીવી વિક્રમ અને ગનર રમેશ જોગલની વાર્તા તેમની સાથે ફરજ બજાવતા વિવિધ સૈનિકોના ઇન્ટરવ્યુ થકી લખાયેલી એક્સપ્રેસ એક્સક્લુઝીવ સ્ટોરી છે. આ રેજિમેન્ટને 4 જાટ રેજિમેન્ટ સાથે સિક્યોર પૉઇન્ટ 5299 પર કામ સોંપવામાં આવ્યું હતું. આ રેજિમેન્ટના બહાદુર સૈનિકોના યુદ્ધ સમયના કારનામા સહુ કોઈના શ્વાસ અધ્ધર કરી દેશે.
કારગીલ: આર્ટીલરી – ૨:
૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ – અમર શહીદ ગનર – ડીએમટી રમેશ જોગલની વાત
હાલાર પંથકનું મેવાસા ગામ. ગામના પાદરે શોભતી બે ખાંભીઓ. સોન કંસારી અને રખાયત બાબરિયાની અમર પ્રેમ કથાના નાયક રખાયત બાબરીયાની ખાંભી અને પદમાવતીના પ્રેમી વીર માંગડાવાળાની વીરતાની સાક્ષી પૂરતી ભુતવડની જગ્યા. આ પ્રેમ અને શૌર્યના સંગમની ભૂમિ પર વિક્રમભાઈ અને જશીબેન જોગલને ઘરે જન્મ્યો એક દીકરો. ફઈએ નામ પાડ્યું રમેશ. ત્રણ ભાઈઓ અને એક નાની બહેનમાં બીજા નંબરનો રમેશ. મોટા હમીરભાઈનો અને રમેશનો જન્મ જુન મહિનાની પહેલી તારીખે જ; હમીરભાઈનો જન્મ ૧૯૭૨માં અને રમેશનો ૧૯૮૦માં.
કુમળી વયે બાળકોના શિરેથી પિતાની છત્રછાયા જતી રહી. પિતાના અકાળે મૃત્યુ પશ્ચાત ઘરની પરિસ્થિતિ વિકટ બની પણ મોટા દીકરા હમીરભાઈ અને બા જશીબેને જાત ઘસીને, મજૂરી કરીને બે ભાઈઓને ભણાવી ગણાવી પગભર કરવાનું બીડું ઉઠાવ્યું. ઊંચું લલાટ, લાંબુ કદ, ગંભીર આંખો, વિનમ્ર અને મિલનસાર સ્વભાવ તથા સંપૂર્ણતઃ પરિવાર ને સમર્પિત હમીરભાઈનું વ્યક્તિત્વ જેટલું સરળ અને સીધું એટલાં જ એ મહેનતુ. નાનકડી એવી ખેતીની જમીન, જેમાં વરસાદને આધારિત ખેતી થાય અને વરસે એક પાક માંડ ઉગે. તેમાંય જો વરસ મોળું હોય તો પછી બાકીના દિવસો ભગવાન ભરોસે કાઢવાનો વારો આવે.
આ પરિસ્થિતિમાં પેટે પાટા બાંધીને હમીર અને જશીબાએ રમેશ, મહેશ અને સંતોકને ભણાવ્યા. રમેશ ધોરણ ૦૧ થી ૦૭ સુધી ગામની શાળામાં ભણ્યો. ત્યારબાદ હાઈસ્કુલ માટે ભાણવડમાં આદર્શ નિવાસી શાળામાં એડમીશન લીધું. ગામમાં હંમેશા પ્રથમ નંબરે પાસ થનાર રમેશ ધોરણ૧૦ની બોર્ડ એક્ઝામમાં ૬૦ % માર્ક સાથે શાળા પ્રથમ આવ્યો. શિક્ષકો પૂછે કે રમેશ તું શું બનવાનો? રમેશના મોઢે એક જ જવાબ હોય – “હું તો દેશની સેવા કરવાનો.”
રમેશે ધોરણ ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ૭૦ % સાથે ઉતીર્ણ થઇ શાળા અને ગામનું નામ રોશન કર્યું. શાળામાં તેનું સન્માન થયું અને શાળાનાંપ્રિન્સીપાલ અને ટ્રસ્ટીઓએ ભાઈ હમીરને કહ્યું, “આને ખુબ ભણાવજો. એટલો હોંશિયાર છે કે યા તો ડોક્ટર કે એન્જીનીયર બનશે કે પછી ક્લાસ વન અધિકારી.” રમેશનું મન તો સેનાની વર્દીમાં લાગ્યું હતું. તેને સૈન્ય ગણવેશ પ્રત્યે અસીમ ખેંચાણ હતું. મોટા હમીરભાઈને એ હંમેશા કહેતો, “ભાઈ, મારે આ વર્દી પહેરવી જ છે.”
ઓક્ટોબર ૧૯૯૬ ની સૈન્ય ભરતીમાં રમેશ ઉત્તીર્ણ થયો. ૧૯૯૭નાંઓગસ્ટ મહિનામાં ઘરે કાગળ આવ્યો. “જોગલ રમેશ વિક્રમભાઈને ૨૨ ઓગસ્ટ ૧૯૯૭નાં રોજ મહારાષ્ટ્રનાં નાસિક ખાતે આર્ટીલરી સેન્ટરમાં સૈન્ય તાલીમ માટે હાજર થવાનું છે.”
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ તોપચીઓ કારગીલનાં રણે, ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, ગુજરાતી વીર રમેશ જોગલની કહાની
૧૯૯૭ના ઓગસ્ટ મહિનાની એકવીસ તારીખ. વહેલી સવારનો સમય. રમેશની નજર સામે નાના ભાઈ સાથેના તોફાનો, મોટા ભાઈની શિખામણ, નાની બેન સંતોક સાથેના રીસામણાં – મનામણા – બધું જ એક સામટું આંખ સામે આવી જતું હતું. ઘરનું આંગણું, એને અડીને આવેલી ડેલી અને ડેલીને અઢેલીને ઊભેલી મા. માની આંખોમાં દીકરાના દેશસેવાના નિર્ણય માટેનો ગર્વ અને દીકરાથી જુદા થવાની પીડા એકરૂપ થઈને એક નવો જ ભાવ ઉપસાવી રહી હતી. રમેશ આ બધી યાદોને, માની આંખોમાં રહેલા અકથ્ય ભાવને, ઘરના આંગણને, ગામના પાદરને અને ગામનાં પાદરનાં એ ઘટાટોપ પીપળાને આંખોમાં વસાવીને ચાલી નીકળ્યો. બાવીસ ઓગસ્ટનાં રોજ બપોરે રમેશ ટ્રેન દ્વારા નાસિક રેલ્વે સ્ટેશન પહોંચ્યો. સ્ટેશન પર આવી રહેલાં રીક્રુટ્સનાં રજીસ્ટ્રેશન અને સ્વાગત માટે એક સૈન્ય હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું હતું. રમેશને અન્ય યુવાનો સાથે એક સૈન્ય બસમાં બેસાડી દસ કિલોમીટર દૂર નાસિક રોડ પર સ્થિત આર્ટીલરી સેન્ટર માટે રવાના કરાયો.
નાસિક શહેર કુદરતનાં ખોળે સમુદ્રની સપાટીથી ૨૦૦૦ ફૂટ ઊંચા પઠાર પર સ્થિત છે. ચોતરફ ઇગતપૂરી અને ત્ર્યમ્બક પર્વતમાળાનાં સહ્યાદ્રી પર્વતોથી ઘેરાયેલુ નાસિક ત્યાં આવેલા પવિત્ર ત્રયમ્બકેશ્વર જ્યોતિર્લીંગ માટે જાણીતું છે. ગોદાવરી નદીને કિનારે વસેલું મહારાષ્ટ્રનું પ્રાચીન શહેર નાસિક અગમ-નિગમ અને આધ્યાત્મનાં શહેર તરીકે જાણીતું છે. કેટલાય ઐતિહાસિક મંદિરોને પોતાનામાં સમેટીને વસેલું આ શહેર ભારતીય ધાર્મિક આસ્થાનું મોટું કેન્દ્ર છે. ગોદાવરીને કાંઠે દર બાર વર્ષે ભરાતો મહાકુંભનો મેળો નાસિકને એક અલગ જ ઓળખ આપે છે. નાસિક રોડ પર પાંડવ ગુફાઓની બરાબર પાછળ આવેલું નાસિક આર્ટીલરી સેન્ટર સમગ્ર એશિયા ખંડનું સૌથી મોટું અને ભારતનું સૌથી જુનું, બ્રિટીશ સમયનું સૈન્ય તાલીમ કેન્દ્ર છે.
ભારતીય સેના, આર્ટીલરી સ્કુલ નાસિક
૨૨ ઓગસ્ટ ૧૯૯૭
રેલ્વે સ્ટેશનથી આવતા વાહનો છાવણીનાં વહીવટી બિલ્ડીંગની સામે એક સીધી લાઈનમાં શિસ્તબદ્ધ રીતે પાર્ક કરી દેવામાં આવ્યા. આ વાહનોમાંથી નવા રીક્રુટ્સની ભીડ હો-હલ્લા મચાવતી જેવી ઉતરી કે તેમનો સામનો પ્રશિક્ષકોનાં બનેલાં સ્વાગત દળથી થયો. “કોઈ બાત નહીં કરેગા.,” પ્રશિક્ષકો વચ્ચેથી એક ઉંચો સત્તાધારી અવાજ આવ્યો. ઝગારા મારતો ઓલીવ ગ્રીન યુનિફોર્મ પહેરેલા થોડી મોટી ઉમરના એ જેસીઓની મોટી મૂછો, બેઠી દડીનું શરીર અને કરડાકી ભર્યો ચહેરો તેમને બધાથી અલગ તારવતા હતાં.

મોટાભાગનાં રીક્રુટ્સને હજી તો સૈન્ય છાવણીમાં આવ્યાને મીનીટો જ થઇ હતી. પણ, આ આદેશની વીજળીક અસર થઇ અને શાક માર્કેટ સમા ઘોંઘાટીયા ટોળામાં ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય તેવી શાંતિ છવાઈ ગઈ.
રીક્રુટ્સ હજી તો સિવિલિયન હતાં. સૈન્ય આદેશના આકરા અમલીકરણની આદત પડવાને હજુ વાર હતી. બે મીનીટ થઇ હશે કે મધમાખીઓનાં ઝુંડની જેમ શરૂ થયેલો ગણગણાટ શાક માર્કેટનાં શોરબકોરમાં ફેરવાઈ ગયો. આ સૈન્ય શિસ્ત માટે યોગ્ય નહોતું. બીજા પ્રશિક્ષકો હરકતમાં આવી ગયા અને રીક્રુટ્સ પર આદેશોની ઝડી વરસાવી દીધી:
“યહાં ખડે રહો,”
“વહાં જાઓ,”
“જલ્દી કરો,”
“સાવધાન, સીધે ખડે રહો,”
“વો સામને ક્યા તાક રહે હો?”
આ યુવાઓએ એકસાથે આટલાં આદેશો ક્યારેય સાંભળ્યા નહોતાં.
રીક્રુટ્સને સમજમાં નહોતું આવી રહ્યું કે તેમની સાથે થઇ શું રહ્યું છે. હવાલદાર અને નાયક પદનાં નોન કમીશન્ડ ઓફિસરો નિર્દેશિત કાર્ય કઈ રીતે કરવાનું છે તે બાબતમાં વાત વાત પર નિર્દેશો આપી રહ્યા હતાં. છેલ્લો આદેશ હતો, “જબ તક કોઈ દુસરા આદેશ ન દિયા જાયે તબ તક સાવધાન મેં ખડે રહો.”
ક્રમશઃ
રમેશ જોગલ જેવો તાલીમ પૂરી કરીને કારગીલ ખાતે તહેનાત તેની રેજીમેન્ટમાં પહોંચશે એટલે કથાનકમાં એક એવા વીર ગુજરાતી યોદ્ધાનો પ્રવેશ થશે જેની સ્ટોરી કારગીલ યુદ્ધની દિશા અને દશા બદલી નાખશે. વાંચતા રહો..