વીર આદિવાસી યુવક, ભલાભાઈ દુશ્મન મોરચાની અત્યંત નજીકથી બંકરના મેનહોલને નિશાન બનાવી ગોળીઓ ચલાવી રહ્યો હતો. એક પાકિસ્તાની સૈનિક ભલાને તાકીને હાથગોળો ફેંકવા ભલાની એક તરફ આવ્યો. સામેની તરફ થી આવી રહેલાં દુશ્મન ગોળીબારનો જવાબ દઈ રહેલાં ભલાએ તેની આંખનાં ખૂણેથી એ સૈનિકની હલચલને તાગી લીધી. પોતાની ગરદન અને બંદુકનું નાળચું દુશ્મન તરફ ફેરવ્યું અને તેને વીંધી નાખ્યો. ભલાનું ધ્યાન સામેથી ક્ષણવાર માટે હટ્યું ત્યાં તો દુશ્મન સ્નાઈપરે નિશાન લઇને એક ગોળી ભલાભાઈના કાનની આરપાર ઉતારી દીધી, લોહીનો ફુવારો ઉડ્યો અને ભલાભાઈ પડ્યા.
કંપની ગોળીઓ ચલાવી રહી હતી પણ દુશ્મન વધુ નજીક હતો. પરિસ્થિતિ વિકટ રૂપ ધરી રહી હતી. એ તોપગોળાનાં ખાડામાં હરેન્દ્ર અટકાઈ ગયો હતો. જ્યારે તેણે જોયું કે દુશ્મનનાં તીવ્ર ગોળીબારને લીધે તેનાં સાથીઓ વિરોધી પર વાર કરી શકતા નહોતાં. તેણે પોતાની બંદુક ઉપાડી અને ખાડામાંથી ઘસડાઈને બહાર આવ્યો અને કોણી જમીન પર રાખી બંદુકનો કુંદો ખભા પર મજબૂતાઈથી ટેકવ્યો અને નિશાન તાકી ગોળી દાગી દીધી – તક્ષણ સામેથી આવતી અચૂક નિશાને બાજની ગોળી સ્હેજે અવાજ કર્યા વિના તેનાં બુલેટ પ્રૂફ જેકેટને વીંધીને છાતીમાં ધસી ગઈ.
એ લથડ્યો, પડખું ફરી બંદુક સંભાળી, ફરી ને ઉંચો થયો
હરેન્દ્રનાં હાથ ઉપર તરફ ફેંકાયા અને તે પછડાયો સાથે તેની બંદુક પણ ઉછળીને પાછળ તરફ પડી. એ લથડ્યો, પડખું ફરી બંદુક સંભાળી, ફરી ને ઉંચો થયો અને લક્ષ્ય સાધ્યું; પાછો એકવાર થોડો ખસ્યો અને લક્ષ્ય સાધ્યું; એક છેલ્લો શ્વાસ, એક છેલ્લો ધબકારો અને એક છેલ્લી ગોળી ચલાવ્યા પછી હરેન્દ્રે બંદુક છોડી દીધી. જનનીનો ખોળાને બદલે જન્મભૂમીની ગોદમાં અંતિમ શ્વાસ લઈ ભલાભાઈ અને હરેન્દ્ર્ગીરિ, ૧૨ મહારનાં સ્કાઉટ દળનાં એ બંને યોદ્ધાઓ અંતે નિષ્પ્રાણ થયા.
ભલાભાઈનાં પાર્થિવ શરીર સામે આંગળી ચીંધીને દુશ્મન અધિકારી બોલ્યો, ‘ઇસ હિન્દુસ્તાની સિપાહીને હમારે કઈ સાથી માર દિયે.’ પછી એક સૈનિક સામે જોઈ ને કહે, ‘ઓયે, તુમ જાઓ ઇસકી બોડી ઘસીટ કે યહાં લાઓ ઔર ઉસે બંકર કી એન્ટ્રી પર બાંધ દો. બોડી પર છહ સે સાત ગ્રેનેડ પીન નિકાલકર લગાના જિસસે કી જો હિન્દુસ્તાની ઇસે યહાં સે નિકાલ ને કી કોશિશ કરે વો મારા જાયે.’
ભલાભાઈના નશ્વર દેહને કમબખ્ત દુશ્મને બંકરના પ્રવેશ માર્ગે બાંધી દીધો અને તેની નીચે પીન કાઢેલાં ગ્રેનેડ લગાવી બુબી ટ્રેપ (ફંદો) તૈયાર કર્યો. દુશ્મનનું એ બંકર ભારતીયો માટે નાસૂર બની ચુક્યું હતું. પાકિસ્તાનીઓ પાસે ૧૨૦ મીમી મોર્ટાર, એક મિનીટમાં એક હજાર રાઉન્ડ ફાયર થઈ શકે તેવી યુએમજી દાશ્કા, અત્યાધુનિક બેલ્ટેડ સ્નાઈપર રાયફલ જેવા ઘાતક હથીયારો હતા. ૧૨૦ મીમી મોર્ટાર એક સાથે ૬ ગોળા ફાયર કરી શકે. મોર્ટારના ગોળા ફાયર થયા પછી ૨ થી અઢી ફૂટ ઊછળે, ફાટ્યા બાદ તેના સ્પ્લીન્ટર ચારે તરફ વિખરાઈ જાય. મોર્ટાર સ્પ્લીન્ટર શરીરના જે અંગમાં વાગે તે સડી જાય અને કાપવું જ પડે.
વચમાં થોડીવાર માટે બંને તરફથી ગોળીબાર થોડો હળવો પડ્યો. એટલામાં તો દુશ્મને ૧૨૦ મીમી મોર્ટારથી હવામાં એક સાથે ત્રણ સ્ટાર શેલ છોડી દીધા. મોર્ટારનાં અજવાળું ફેલાવતા ગોળા આપણી ઉપર પહોંચ્યા કે તેનો ટાઈમ ફ્યુઝ એક્ટીવ થયો, પેરાશુટ છુટું પડ્યું. તેની નીચે લટકતાં રોશનદાને જાણે મધરાતે સૂર્યોદય થયો હોય તેમ સમરાંગણને ચકાચૌંધ કરી નાખે તેવી રોશનીથી ઝગમગાવી દીધું. એ પ્રકાશમાં બરફનાં છૂટાછવાયા ટુકડા આગિયાની જેમ ચમકી ઉઠ્યા સાથે સાથે દુશ્મન સૈનિકોનો સફેદ રંગનો શિયાળુ ગણવેશ પણ ઝગારા મારવા લાગ્યો.
સ્ટાર શેલ દુશ્મને ફાયર કર્યા અને લક્ષ્ય આપણું ચમકી ઉઠ્યું
તેમની પાછળનાં ખડકો જે અત્યાર સુધી દૂર અંધારામાં છુપાયેલા હતાં તે અત્યંત નજીક હોય તેમ લાગ્યું. સ્ટાર શેલ ફોડવા પાછળ દુશ્મનની ગણતરી એવી હતી કે ભારતીયોને તેનાં અજવાળે ગોળીએ દઈ શકાય. પણ બન્યું તેનાંથી ઊંધું. સ્ટાર શેલ દુશ્મને ફાયર કર્યા અને લક્ષ્ય આપણું ચમકી ઉઠ્યું. એક તો ચન્દ્રનું અજવાળું તેમાં દુશ્મને પેરા ફાયર કરીને પોતાના જ પગમાં કુહાડો માર્યો.
ભારતીય સૈનિકોની તાલીમ કહેતી હતી કે જો દુશ્મન પ્રદેશમાં સ્ટાર શેલનો પેરા ફાયર આવે તો તરત જ જમીન પર પટકાઈ ને ચત્તા સૂઈ જાઓ. ભારતીય સેનાની તાલીમ માર્ગદર્શિકા આ બાબતે સ્પષ્ટ છે. પરંતુ અમેરિકી પદ્ધતિથી પ્રભાવિત, પાકિસ્તાન આર્મી પ્રશિક્ષણ માર્ગદર્શિકા કહે છે કે જો તમે દુશ્મનના પ્રદેશમાં હોવ અને અજવાળીયો ફાયર આવે તો જ્યાં સુધી તેની જ્વાળા બળી ન જાય ત્યાં સુધી થાંભલો થઇ ને ત્યાંને ત્યાં જ હલન-ચલન કર્યા વિના ઉભા રહો. દુશ્મનને થશે કે તમે વાડનાં થાંભલા કે વૃક્ષ છો.
એકસમાન સંજોગોમાં શું કરવું તે બાબતના સૂચનોમાં બંને પક્ષે જમીન-આસમાનનો તફાવત હતો. આપણા સૈનિકો અને પાકિસ્તાનીઓ વચ્ચેનાં તીવ્ર અને જીવ સટોસટનાં સંઘર્ષ ની મધ્યે અચાનક પાકિસ્તાની તોપખાના એ એક સાથે ત્રણ સ્ટાર શેલ – પેરા રાઉન્ડ હવામાં છોડ્યા. તેનાં પ્રકાશનાં ભડકામાં સમગ્ર વિસ્તાર એવી રીતે પ્રકાશિત થઇ ગયો જાણે ડે-નાઇટ ક્રિકેટની મેચ ચાલી રહી હોય.
ભારતીય સૈનિકો તેમની તાલીમ મુજબ વર્ત્યા અને તક્ષણ નીચે પટકાઈ જમીનસરસા થઇ ગયા. બીજી તરફ, દુશ્મન સૈનિકો તેમની તાલીમ મુજબ કોઈ એ રમત-રમતમાં ‘સ્ટેચ્યુ’ કહી દીધું હોય તેમ જ્યાંનાં ત્યાં ગતિહીન થઇ ઊભા રહ્યા. ભારતીયો એ ઘેરા રંગનો કેમોફ્લેજ ગણવેશ પહેર્યો હતો જે પર્વતની પશ્ચાદભૂમાં ભળી ગયો. જ્યારે પાકિસ્તાનીઓ સફેદ રંગનો હાઈ અલ્ટીટ્યુડ ગણવેશ પહેર્યો હતો જે બરફ સાથે તો ભળી ગયો, પણ પેરા ફાયરનાં અજવાળામાં પાછળ ખડકોની પૃષ્ઠભૂમાં તેઓ ફ્લોરોસેન્ટ ટ્યુબલાઈટની જેમ ઝગારા મારી રહ્યા હતાં.
ઝગમગતા દુશ્મનોને નિશાન બનાવી ભારતીયોએ તેમની બંદુકો ધણધણાવી મૂકી. તેમની સિંહગર્જના કરતી બંદૂકો એ ચોતરફ ગોળીઓ વરસાવી દીધી. ટારગેટ પ્રેક્ટીસ કરતાં હોય એમ વીસેક પાકિસ્તાની સૈનિકોને વીણી-વીણીને ઠાર માર્યા.
દુશ્મન વિરુદ્ધ ભયાનક ગોળીબારમાં યુદ્ધક્ષેત્ર નર્કાગાર સમું ભાસી રહ્યું હતું. આપણે તેમનાં મોટાભાગના સૈનિકોને ખતમ કરી નાખ્યા. જે મર્યા નહોતા એ ઘાયલ હતા. નજીકની ટેકરી પર બનેલા એક બંકરમાંથી દુશ્મન ગોળીબાર આવી રહ્યો હતો. સુબેદાર કલાસ્વાએ પાંચ જવાનોના દળ સાથે ત્યાં હુમલો કર્યો. ‘હિન્દુસ્તાન કી જય’નાં નારા સાથે બંકરમાં હેન્ડ ગ્રેનેડ દાગી અંદર રહેલાં દુશ્મન સૈનિકોનો ખાત્મો કર્યો.
અથડામણ દરમિયાન હાથ હલાવતા, બૂમો પાડતા, હાથથી સંકેતો આપતા કે રેડિયો પર વાત કરતાં કોઈ નજરે ચડે કે દુશ્મન તેને તુરંત જ નિશાન બનાવતો. પાકિસ્તાનીઓ આપણા અધિકારીઓને, રેડિયો સંચાલકોને અને દાકતરી સહાયકોને શોધી ઠાર મારવામાં પાવરધા હતાં.
ગોળીનાં ધક્કાથી એ અચાનક જમીન પર પછડાયો
વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ડાબી તરફની ટુક પરથી અચાનક દુશ્મન યુએમજીનો ગોળીબાર આવી ગયો. એક ગોળી કલાસ્વાનાં રેડિયો સાથે અથડાઈ અને બીજી એ તેનાં જમણા ખભાને વીંધી નાખ્યો. એવું કંઈ ખાસ દુખ્યું નહિ પણ ગોળીનાં ધક્કાથી એ અચાનક જમીન પર પછડાયો. તેની ગરદન આસપાસ કશું ગરમ વહી જતું હોય તેવું અનુભવ્યું, પાછળ અડી ને જોયું તો મુઠ્ઠી ભર લોહી હાથમાં આવ્યું. કલાસ્વા ક્યારેય લડાઈમાં ઘાયલ થવાનાં વિચારે વિચલિત થયા નહોતાં પછી એ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં હોય કે પછી કારગીલમાં. અને, રમત હજી તો શરુ જ થઇ હતી; તેને માટે રમતમાંથી બહાર નીકળી જવાનો આ સમય નહોતો. પણ સંજોગો સામે કલાસ્વા લાચાર હતાં.
ઘવાયેલા કંપની કમાન્ડરના આદેશથી રોકેટ લોંચર દળે એ દુશ્મન યુએમજી પોસ્ટને ઉડાવી મૂકી. આપણે કબજે કરેલા દુશ્મન મોરચાઓ પર સુરક્ષા ઘેરાની મજબૂતાઈ જાળવી રાખવા બાબતનાં આદેશો દળને આપી સુબેદાર કલાસ્વાએ પોતાના ઘાયલ થવાના સમાચાર કર્નલ ચીમાને આપ્યા. કમાન અધિકારીનાં આદેશથી સવારે સાત વાગ્યે, ડેલ્ટા કંપનીની કમાન ચાર્લી કંપનીના નાયબ સુબેદાર ભૂપત સિંહના હાથમાં સોંપી સુબેદાર કલાસ્વા પોતે બે સાથીઓના ટેકે રીયર તરફ પાછા જવા રવાના થયા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-9, સંઘર્ષના બીજ : “ખૂની નાલા”, તરસી પલટનને પાણી કોણ પાશે?
બલિદાની હરેન્દ્રગીરી ગોસ્વામીને ધરતી માતાએ સફેદ બરફનું આંચળ ઓઢાડી પોતાનામાં સમાવી લીધા. ત્રણેક દિવસ બાદ બરફ થોડો ઓગળ્યો અને હરેન્દ્રગીરીએ તેમનો બગલથેલો ભીનો ન થાય માટે તેનાં પર વીંટેલી ભૂરા રંગની કોથળી સફેદ બરફમાં અલગ તરી આવી અને તેમનું શરીર મળી આવ્યું. શહીદના પાર્થિવ દેહને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના વતન જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામે લઇ જવાયો.
બાવીસ જ વરસનાં ભલા અને અઢાર વરસની કોકિલાના લગ્ન થયે હજી ચાર મહિના જ થયા હતા
હરેન્દ્ર્ગીરી અને ભલાભાઈનું બલિદાન એળે ન ગયું. લાંબી લડાઈ બાદ, બાર જુલાઈના રોજ દુશ્મનનું એ કિલ્લેબંધ બંકર જીતાયું પલટને તેનાં લક્ષ્ય બાવીસ-આર પોઈન્ટ પર કબજો મેળવ્યો. અને ભલાભાઈના પાર્થિવ દેહને મુખ્યાલય ખાતે લવાયો. અંતે, ભલાભાઈને તેમના સાથીઓએ સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે ભીની આંખે અંતિમ વિદાય આપી. હજી તો બાવીસ જ વરસનાં ભલા અને અઢાર વરસની કોકિલાના લગ્ન થયે હજી ચાર મહિના જ થયા હતા. કોકિલાના હાથની મહેંદી પણ હજી સુકાઈ નહોતી ત્યાં ભલાએ દેશ ખાતર પોતાનો જીવ અર્પણ કરી દીધો. તેમને કોઈ બાળક નહોતું. કોકિલા અમર બલિદાની ભલાની પાછળ પોતાનાં માવતરે રહી વૈધવ્ય ધર્મ નિભાવી રહી છે.
ચૌદશની રાતનો એ હુમલો ભારતીય સેના માટે પણ લોહીયાળ સાબિત થયો. ૧૨ મહારની ડેલ્ટા કંપની આક્રમણમાં હતી. તેમણે મોટી સંખ્યામાં ખુવારી વેઠી. બરફ પર ચાંદનીનો પ્રકાશ પરાવર્તિત થઈ રહ્યો હતો. દુશ્મને ચાંદનીના પ્રકાશમાં આપણા આક્રમણ દળના સાથીઓને વીણી-વીણીને ગોળીઓ મારી. ૨૭-૨૮ જૂન ૧૯૯૯ની રાત સમગ્ર યુદ્ધ દરમિયાન સૌથી વિનાશકારી બની રહી. ૩૮ જવાનોએ કરેલા મરણીયા હુમલામાં સાત જવાનો બલિદાન થયા. અનેક ઘાયલ થયા, કોઈએ હાથ ગુમાવ્યો, કોઈએ પગ, તો કોઈની આંખ ગઈ. ચોતરફ બસ અચેત શરીરો અને લોહી હતું. બધી જગ્યાએ શરીર અને લોહી હતું. મૃતકો અને ઘાયલોનાં શરીરોમાં થી વહેતાં ઘેરા લાલ લોહીને લીધે શ્વેત બરફ ઘાટ્ટા ગુલાબી અને લાલ રંગનો થઇ ગયો હતો.
આપણા મોટા ભાગના હુમલાઓ રાત્રીના અંધકારમાં જ થયા. સીધા ઊંચા પર્વતો પર દિવસે ચડવું પણ ખતરનાક હતું; તેવામાં રાત્રીના ચઢાણ કરવાને લીધે આપણા અનેક જવાનો ઊંડી ખીણોમાં પડી જવાથી બલિદાન થયા. અજવાળી રાતના હુમલો કરવા મળ્યો તો આપણા સૈનિકો ખુશ હતા. પર્વત પર ચડવું સરળ થયું પરંતુ સાથોસાથ આપણે દુશ્મન સમક્ષ છતાં થઇ ગયા. એ અજવાળિયા પણ ગોઝારા દિવસે બીજી રાજપુતાના રાયફલ્સે તેર જવાનો ગુમાવ્યા, બાવન ઘાયલ થયા. બીજી રાજપુતાના રાયફલ્સનાં બહાદુરોની અને તેમનાં બલિદાનોની વાત પણ આપણે આગળ જતાં કરીશું. અઢારમી ગઢવાલ બટાલિયનના સોળ જવાનો શહીદ થયા અને ત્રેવીસ ઘાયલ થયા.
મુખ્યાલય કંપની – હવાલદાર કાંતિભાઈ સુકાજી કોટવાલ, નાયક રૂમાલભાઈ રવજીભાઈ રજાત અને નાયક સચ્ચિદાનંદ મલ્લિક
૨૨ મે ૧૯૯૯ થી લઇને ૦૪ જુલાઈ સુધી કાંતિભાઈ, રૂમાલભાઈ અને તેમનું દળ ફરજનિષ્ઠા અને બહાદૂરી પૂર્વક તેમનું કાર્ય કરતું રહ્યું. ઊંચાઈ પર બિરાજેલો દુશ્મન દિવસના ભાગે પક્ષી પણ ઉડી ન શકે તેટલી સચોટતાથી તોપમારો કરી રહ્યો હતો. સેનામાંથી સેવા નિવૃત્તિના કાગળો આવી ગયા હોવા છતાં યુદ્ધની પરિસ્થિતિમાં હવાલદાર કાંતિભાઈ સુકાજી કોટવાલ સીમા પર તેમની ફરજ પર સ્થિત રહ્યા. આપણે કારગીલ વિજયની નજીક પહોંચી રહ્યા હતા. ૦૪ જુલાઈ ૧૯૯૯ના રોજ કાંતિભાઈને સેવાનિવૃત્તિની નાનકડી ચાય પાર્ટી પણ આપી દેવાઈ.
૦૪ જુલાઈ ૧૯૯૯
૧૮ ગ્રેનેડીયર, ૨ નાગા અને ૮ શીખ – ત્રણ બટાલિયનો સાથે મળીને આર્ટીલરીના હેવી બોમ્બાર્ડમેન્ટ વચ્ચે ટાઈગર હિલ પર હુમલો કરી વિજયશ્રીને વર્યા. નવાઝ શરીફ અમેરિકા પાસે યુદ્ધ વિરામની ભીખ માંગવા પહોચી ગયા. ભારતીય સેના મુશર્રફના સૈનિકોનો કચ્ચરઘાણ વાળી રહી હતી. પાકિસ્તાન સેનાની આણ્વીક હુમલાની તૈયારીઓ જોતા, વાજપેયીજીનો સંયમ જવાબ દઈ રહ્યો હતો. તેઓ છેલ્લી ચેતવણી ઉચ્ચારી ચૂક્યા હતા.
૦૫ જુલાઈ ૧૯૯૯
હેલ્મેટ ટોપ તરફ લડી રહેલી કંપનીના રીયર સાથેનો ટેલીફોનીક સંપર્ક તૂટી જતા કાંતિભાઈ કોટવાલ, રૂમાલભાઈ રજાત અને નાયક સચ્ચિદાનંદ મલ્લિક અને એક સિગ્નલમેનની લાઈન પાર્ટીને તાત્કાલિક ટેલીફોન લાઈનની તૂટ શોધીને મરામત કરવાનો આદેશ મળ્યો. ટેલીફોન વાયરનો પીછો કરતા ખુલ્લામા પહોંચી ગયેલા લાઈન દળ પર દુશ્મને આર્ટીલરી ફાયર શરૂ કર્યો. પર્વતની પાછળથી અચાનક આર્ટીલરી શેલનો હવાને ચીરતો સુસવાટો સંભળાયો, બચવાનો કોઈ જ મોકો નહોતો. સચોટ આર્ટીલરી ફાયરથી સિગ્નલમેનને બચાવતા તેની સુરક્ષામાં નિયુક્ત ત્રણ જવાનો હવાલદાર કાંતિભાઈ સુકાજી કોટવાલ, નાયક રૂમાલભાઈ રવજીભાઈ રજાત અને નાયક સચ્ચિદાનંદ મલ્લિક વીરગતિને પામ્યા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૦, સંઘર્ષના બીજ : તોલોલીંગ પર હુમલો – એક અસંભવ લક્ષ્ય
ઉત્તમ પટેલને શ્રીનગરથી જમ્મુ, જમ્મુથી ઉધમપુર અને અંતે ઉધમપુરથી અમદાવાદ મીલીટરી હોસ્પિટલમાં ખસેડાયા અને તેમનું ઓપરેશન કરાયું. સાથી જવાનો સિપાઈ વાઘેલા દિનેશ મોહનભાઈના પાર્થિવ દેહને વિમાન દ્વારા તેમના વતન નિરમાલી ખાતે લઈ ગયા જ્યાં તા.૦૨-૦૭-૧૯૯૯ ના રોજ પૂરા રાજકીય અને લશ્કરી સન્માન સાથે, સેનાના જવાનો દ્વારા, ગાર્ડ ઓફ ઓનર અને સશસ્ત્ર સલામી આપ્યા બાદ, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક રીતિરિવાજ અનુસાર, તેમના ભાઈને હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યો.
ડેલ્ટા કંપનીના કંપની કમાન્ડર સુબેદાર સીલવાન્સ સિંહ કલાસ્વાને તેમની કંપનીને સોંપાયેલા લક્ષ્યને જીતી ૨૨ આર પોઈન્ટ પર ત્રિરંગો ઝંડો લહેરાવવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા, ‘મેન્શન ઇન ડીસ્પેચ’ વીરતા પુરસ્કાર અને ૧૪ ઓગસ્ટ ૧૯૯૯નાં રોજ માનદ કેપ્ટનની પદવી આપી સન્માનિત કરાયા.
૧૨ મહારનાં સૈનિકો ખરેખર જોમદાર હતાં. તેમણે જે પણ કર્યું સામી છાતી એ કર્યું. કંપની તેમના પ્લાટૂનનાં ઉપરીઓ પ્રત્યે સંપૂર્ણતઃ વફાદાર અને નિષ્ઠાવાન રહી. પરિણામ સ્વરૂપ ઉપરીઓએ તેમના સાથીઓની શક્ય તેટલી શ્રેષ્ઠ કાળજી લીધી. યુદ્ધે તેમને એકબીજાની નજીક આણ્યા.
યુદ્ધનાં અંતિમ દિવસોમાં ૧૨ મહારનાં જવાનોનો શું ફાળો રહ્યો તે આપણે હવે આ લેખમાળાનાં અંતિમ પડાવમાં વાંચીશું ત્યાં સુધી અથઃ ૧૨ મહાર કથા અપૂર્ણ:.
આવતા અઠવાડીએ કારગીલ લેખમાળામાં તોપખાનાનાં સાહસો અને બલીદાનોની અનકહી ગાથા વાંચીએ, ત્યાં સુધી, જય હિન્દ.
ક્રમશઃ