ગતાંક થી ચાલુ…
ગત સપ્તાહે આપણે જોયું કે એક તરફ સંઘર્ષમાં સાથીઓને ખોવાનું દુખ હતું તો બીજી તરફ પાણી ખૂટી જવાની તકલીફ. જળ તો જીવન છે પણ હજારો ફૂટ ઊંચા પર્વતો પર પાણી વિના લડવું શું શક્ય છે?
તરસી પલટનને પાણી કોણ પાશે?
૧૨ મહારની રીયર પોઝીશન જે પર્વત પર હતી તેની નીચે પાણીનું એક મોટું ઝરણું વહેતું જતું હતું. નામ તો તેનું સફેદ નાલા હતું, પરંતુ સૈનિકો તેને ‘ખૂની નાલા’ તરીકે ઓળખતા. કેટલાક સ્થળો અપશુકનીયાળ હોય છે પણ ખૂની નાળું તો વિશેષકર બુંધીયાળ હતું. ખૂની નાળાનાં કોતરમાં જનાર કોઈ માણસ આજ સુધી જીવતો પાછો આવ્યો નહોતો.
બે પર્વતોની વચ્ચેથી વહેતા એ ઝરણાની એક બાજુના પર્વતની ટોચે આપણી અને બીજી બાજુના પર્વતની ટોચે દુશ્મનની ડીફેન્સીવ પોઝીશન હતી. કોતરનાં તાળીએ જ્યાં ઝરણાંનો નિર્મળ પ્રવાહ વહેતો હતો તેની બંને તરફ નાં કિનારે આપણા અને દુશ્મન દ્વારા ફાયર કરાયેલા મોર્ટાર અને કારતુસો પડ્યા હતાં.
બંને તરફથી ‘લાઈન ઓફ ફાયર’માં રહેલા એ ઝરણા પર થી માણસ તો છોડો પક્ષી પણ ઉડે તો બંને પક્ષો ગોળીબાર કરતાં હતાં. રાત્રીનાં સમયે આ અંધારિયું પાતાલ સતત ફાટી રહેલાં જ્વાળામુખી સમાન ભાસતું. તરસી પલટનની પ્યાસ છીપાવવા લાલજી અને ત્રણ સાથીઓ એ પાણી ભરવા માટે બંને હાથમાં એક-એક ખાલી કેરબા લીધાં. આમ કુલ આઠ કેરબા લઇ લાલજી તેનાં ત્રણ સાથીઓ ને લઇ ખૂની નાલામાંથી પાણી ભરવા જઈ રહ્યો હતો.
તેમને પલટનનાં ઘેરાવાથી દૂર નીકળી ને ખૂની નાલા તરફ નીચે જતાં જોઈ, સંત્રી એ પૂછ્યું, ‘સર આપ લોગ કહાં જા રહે હો? નીચે ખૂની નાલે કી ઔર જાના ખતરે સે ખાલી નહીં હૈ.’ લાલજી હાથમાં ખાલી કેરબા દેખાડી ને હસ્યો અને સંત્રી ને આંખ મારીને જવાબ આપ્યો, ‘કોઈ પૂછે તો કહના, હમ લોગ ટોયલેટ જા રહે હૈ. બસ થોડી દેર મેં વાપસ આ જાયેંગે.’
કોતરમાં નીચે જળસ્ત્રોત સુધી પહોંચતા એમને પૂરી એક કલાક થઈ. પાણી પાસે પહોંચીને ચારેય તરસ્યા સૈનિકો ખોબલે ખોબલે ભરીને એવી રીતે પાણી પીવા લાગ્યા જાણે વર્ષોની તૃષ્ણા છીપાવી રહ્યા ન હોય. ભલે પાણી સાવ ચોખ્ખું નહોતું પણ તાજું અને મન તૃપ્ત કરી દે તેવું તો ચોક્કસ હતું.
ભરપેટ પાણી પીધા પછી સૌથી પહેલાં લાલજીએ તેનો કેરબો ઉપાડ્યો અને વહેતાં પાણીમાં ઊંડે સુધી ડુબાવ્યો. પરપોટાનો અવાજ આવ્યો. દુશ્મન તરફથી આવી ને ઝરણાની સપાટી પર અથડાઈને અંદર રેતીમાં ધસી જતી ગોળીઓએ તેમનાં પર ઠંડા, ભીના પાણીનાં છાંટા ઉડાડ્યા. ચારેય સૈનિકોએ ત્વરાથી તેમની પાસેની પાણીની નીજી બોટલ અને કેરબા ભરી લીધાં અને પાછા ફર્યા.
કારગીલનું યુદ્ધ અને તે સમયની પરિસ્થિતિઓની વિકટતા આજે પણ અરેરાટી પ્રસરાવે છે. આર્મી પાસે જવાનોને પાણી પહોંચાડવા માટે પાણીના કેરબા ખૂબ ઓછી માત્રામાં હતા. તેના બદલે પેટ્રોલ ભરવાના લોખંડના કેરબા જેમતેમ ધોઈને ઉપયોગમાં લેવાતા. અગ્રીમ પોસ્ટો પર લડી રહેલા જવાનો માટે ક્યારેક પાણી આવી જતું પણ તેનું રેશનીગ હતું. સપ્લાય પાર્ટીનો એક જવાન જ્યારે સતત ત્રણ દિવસ સુધી પાણી ભરેલો એક કેરબો ઊંચકીને ચાલે ત્યારે છેક અગ્રીમ ચોકી સુધી પાણી પહોંચે.
લોખંડના કેરબામાં ત્રણ દિવસ રહીને પાણી કાટ વાળું, પીળા રંગનું થઈ જતું. ચોવીસ કલાકમાં કેવળ એક પ્યાલો આ પીળું પ્રવાહી મળતું. એક પ્યાલા પ્રવાહીને પાણી તરીકે સ્વીકારીને તેનો ઉપયોગ, પીવા માટે કે પછી જાજરૂ ધોવા માટે કરવો તે તમારી મુનસફી પર હતું.
પાકિસ્તાનીઓ પર્વતોની ટોચે ચોકીઓમાં કેટલાય સમયથી રહેતા હતા. એટલે, સ્વાભાવિકપણે તેઓ ત્યાં નજીકમાં જ કુદરતી હાજતે જતા. મુશ્કેલીના સમયે તરસ છીપાવવા અમારે એ ગંદો બરફ પણ ચૂસવો પડ્યો હતો!અમને આખા દિવસ દરમિયાન એક ગ્લાસ પાણી મળતું હતું જેનો ઉપયોગ દાંત સાફ કરવા, દાઢી કરવા, નાહવા માટે કરી શકાય, છતાય જો હજુ પણ થોડું પાણી બચી જાય તો તેનાથી તરસ છીપાવી લેવી.
લાલજી હસતા હસતા કહે છે, “કેટલીય વાર મને થયું કે જો હું વધુ સમય આ રીતે જીવીશ તો ચોક્કસ આદીમાનવ કે જનાવર બની જઈશ!” સૈનિકો એ ઉજ્જડ પર્વતો પર પડાવ નાખ્યો, અને હજામત કર્યા વિના કે નહાયા-ધોયા વગર દિવસો કાઢ્યા. કેટલાય દિવસો તો એવાં જતાં કે તેમને ભાગ્યે જ કંઈ ખાવા-પીવા મળ્યું હોય કે યુનિફોર્મ બદલવાનો મોકો મળ્યો હોય. સૌથી ખરાબ પરિસ્થિતિ એ હતી કે, અમારે હૂંફ માટે અથવા ગરમ ખોરાક રાંધવા અગ્નિ પેટાવવો શક્ય ન હતું. કારણ કે, અગન-જ્વાળાઓ અને ધુમાડો પર્વતની ટોચ પર કાબિજ દુશ્મનને અમારી પોઝીશન છતી કરી દેશે.
યુદ્ધ દરમિયાન અમને ભાગ્યે જ ક્યારેક ગરમ ભોજન મળ્યું હશે
યુદ્ધ દરમિયાન અમને ભાગ્યે જ ક્યારેક ગરમ ભોજન મળ્યું હશે. અમે મોટે ભાગે પાર્લે-જી બિસ્કિટ, સક્કરપારા અને પ્રબળ જીજીવિષા સાથે ટકી રહ્યા. 1962ના ચીન સાથેના યુદ્ધમાં સૈનિકોને કેટ-કેટલી મુશ્કેલીઓ આવી હશે તેની આપણને કોઈને કદર નથી થઇ, તે અમને ત્યારે સમજાયું. વિશ્વના બીજા નંબરના ઠંડા પર્વતો પર પાણીની જેમ જ અમારું ખાવાનું પણ ત્રણ દિવસે પહોંચી શકતું. ત્રણ દિવસમાં ઉપર પહોંચતી પૂરી અને બટેટાનું શાક માણસને માથે મારો તો લોહી નીકળી જાય એવા કડક થઈ જતા. અમે એ સ્વાદિષ્ટ ભોજન ચાવીને ખાતા!
દિવસ દરમિયાન પર્વત અને પથ્થરોની આડશે અમને પાકિસ્તાની સ્નાઈપર અને આર્ટિલરી હુમલાઓ સામે થોડું રક્ષણ પૂરું પાડ્યું હતું, પણ ક્રૂર ઠંડીથી બચવાનો કોઈ રસ્તો મળતો નહોતો. દિવસ દરમિયાનનું ઠંડું હવામાન રાત્રી સમયે ઠંડુગાર થઇ જતું. અમે રાત્રીનાં અંધારામાં આક્રમણ કરતાં અને અને દિવસ દરમિયાન જમીન-સરસા થઇ રાત પડવાની રાહ જોતા. આ ખડકાળ નિર્જન પર્વતો પર કેવી રીતે ટકી રહેવું તે અમે શીખી ગયા હતાં, અને યુદ્ધક્ષેત્રનાં કોઈપણ પડકાર સામે ઝીંક જીલવા માટે અમે મક્કમ હતાં.

લાલજી અને સાથીઓ પાણી ભરીને હજી તો પાછા ફર્યા ત્યાં તો તોપખાનાનો બોમ્બમારો શરૂ થઈ ગયો. રેડિયો પર સંત્રીનો મેસેજ આવ્યો, ‘સર કહાં હો? આર્ટીલરી ફાયર શુરુ હો ચુકા હૈ. અપના ખ્યાલ રખના.’
લાલજી: ‘ભાઈ, તુમ શાંતિ રખ, હમ ઠીક હૈ ઔર પાની ભર કર અભી વાપસ આ રહે હૈ.’
પાણી ભરેલા કેરબા ઉપાડીને કોતરથી ઉપર ચડવામાં ચારેય ને પૂરા બે કલાક થયા. વહેલી સવારનો સમય થઈ ચૂક્યો હતો. દિવસ સૈનિકો માટે દુશ્મનનાં વેધક તોપમારા અને સ્નાઈપર ફાયરથી બચવાનો સમય હતો અને રાત્રીનો અંધકાર આક્રમણ કરવાનો.
તરસ્યા સાથીઓને પાણી પીવડાવવા માટે ખૂની નાલાનું પાણી લાવવાનું લાલજી એ લીધું તેવું જીવનું જોખમ કદાચ કોઈ ન લેત. પણ લાલજી એક ભાગ્યવાદી માણસ હતો. નસીબમાં જે લખ્યું હશે તે થઇ ને જ રહેશે એટલે નસીબ સામે લડવાનો કોઈ ફાયદો નથી તેવું માનતો.
દિવસનાં અજવાળામાં ચોતરફ દુશ્મનો થી ઘેરાયેલી પલટન ને ચારે જળવીરોએ ગરમા ગરમ મોર્નિંગ-ટી બનાવીને પીવડાવી. ઊંઘમાં થી ઉઠેલા સાથીઓનાં ચહેરા પર આશ્ચર્ય જોવા જેવું હતું! દોસ્તો, સાથીઓ, હમવતનોની વચ્ચે આ ખૂબસૂરત પર્વત ની ટોચે વહેલી સવારનાં કુણા તડકા અને સાથીઓ નાં સાથનો આનંદ હતો. આ સમયે હાથમાં છ નાં પ્યાલા એ વર્તમાનની ઉદાસી ને ભુલાવી દીધી અને વાતચીત વતનની વાતો તરફ વળી ગઈ. રોજ-બરોજ ની નાની-નાની ઘટનાઓ, ગપશપ, નવરાશની પળો ની વાતો કરતાં સૈનિકો એ, એ સાથીઓ ને યાદ કર્યા જેમણે સ્વેચ્છાએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું.
રણે ચડેલા શુરવીરોની સેવા કર્યાનો સંતોષ લાલજીભાઈ અને તેમના ત્રણેય સાથીઓના મનને શાતા આપી રહ્યો હતો. એટલું તો સ્પષ્ટ હતું કે જો યુદ્ધને કારણે ઠંડી, ભૂખ, તરસ, ઉજાગરા જેવાં કઠોર શારીરિક કષ્ટ થતા હતાં, તો એ કષ્ટ દૂર થવાથી પણ એટલી જ ઉચ્ચસ્તરીય સંતુષ્ટિ અનુભવાતી હતી. કોઈ વ્યક્તિ જેણે ક્યારેય યુદ્ધ નથી લડ્યું તે ઠંડીથી બચવા માટે સરસ મઝાનું તાપણું, સુવા માટે સારું બિસ્તર, પીવાનું પાણી અને વ્યવસ્થિત ભોજનની કદાચ ક્યારેય સરાહના ન કરી શકે.
લાલજી કહે છે, “લડાઈ જેમ આગળ વધતી ગઈ તેમ હું શીખ્યો કે, યુદ્ધની લાક્ષણિકતા છે કે, યુદ્ધમાં ભાગ્યે જ કંઈ ધાર્યા મુજબ થતું હોય છે. સૈનિકોએ યુદ્ધક્ષેત્રે હંમેશ અનપેક્ષિત પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.”
૨૪ જુન ૧૯૯૯ – ડી કંપનીએ ફરી એક હુમલાની યોજના બનાવી.
ભારતીય તોપખાનાનો ઘોર અવાજ ડુંગરાઓ નાં પત્થરે- પત્થર ને ધણધણાવી રહ્યો હતો. ભારતીય સેના વિશ્વની પહેલી સેના હતી જેણે ૧૫,૦૦૦ થી ૧૮,૦૦૦ ફૂટ ની અધધ ઊંચાઈએ યુદ્ધ લડ્યું અને જીત્યું. પણ એ જીત સરળ નહોતી. એ યુદ્ધ કેવળ પર્વતો પર કાબિજ પાકિસ્તાનીઓ અને તેમનાં ઘાતક શસ્ત્રો વિરુદ્ધ નહોતું. રોજ બરોજ બદલાતું હવામાન, સાવ નહીંવત પ્રાણવાયુ અને પાતળી હવા જેમાં સામાન્ય માણસ પાંચ મિનીટ શ્વાસ પણ ન લઇ શકે ત્યાં લડવા જવું અને જીવતાં રહેવું પણ એક અલગ યુદ્ધ હતું. પ્રત્યેક સૈનિક એક યુદ્ધ લડી રહ્યો હતો તેનાં માનવ શરીરની મર્યાદાઓ વિરુદ્ધ જેને તે રોજ ચેલેન્જ કરતો અને રોજ અમાનવીય ક્ષમતાનો પરિચય દઈ નવા કીર્તિમાનની સ્થાપના કરતો.
જ્યેષ્ઠ મહિનાનાં શુક્લ પક્ષની એકાદશી એટલે કે ભીમ અગિયારસની સમી સાંજે બરાબર સાત વાગ્યાને સુમારે ડી (ડેલ્ટા) કંપનીનાં યુવાનોની ટોળી કર્તવ્યપથ પર ચાલી નીકળી. ઉપર આકાશે છુટા છવાયા વાદળોને પવને ભેગા કર્યા તા. જાણે કોઈ જૂની વિજોગણ ના કાળા ભમ્મર કેશ વિખરાઈ પડ્યા હોય એવું અંધારું એ ડુંગરમાળ પર રચાયું હતું. આ કાળી ઘટાનાં પડછાયામાં ક્યાંક સંતાયેલા ચાંદા નાં કિરણોનાં આછા તરંગો ભેંકાર ડુંગરાની ચોટીઓને પ્રકાશિત કરી રહ્યા હતાં. આટલા દિવસોનાં યુદ્ધમાં એવું ઓછું બન્યું કે ડુંગરાને પડછાયે અને વાદળોની ઓથે આપણા સૈનિકો અદ્રશ્ય હતાં ને દુશ્મન દૃશ્યમાન.
અજવાળી રાતોમાં પર્વતારોહણ, અગાઉનાં આંધળા પાટા કરતાં સરળ બની જતું હતું અને અકસ્માતો નિવારી શકાતા. પરંતુ સેના માટે અકસ્માત કરતાં મોટો ખતરો ટોચે બિરાજેલો દુશ્મન હતો, જેને ચન્દ્રમાનો પ્રકાશ મદદગાર થતો હતો.

ઉપર પહોંચવાની ઉતાવળે વિતતા સમય અને પર્વતોની કેડીઓને પગ નીચે દબાવતાં મધરાત ક્યારે વીતી ગઈ એની રણે ચડેલા એ વીરોને ખબર પણ ન રહી. રાત્રે લગભગ બે વાગ્યા હશે કે ચાંદાની આડેથી વાદળો હટ્યા અને અજવાળામાં દુશ્મને આપણા દળને જોઈ લીધું. ઉપરથી દુશ્મને ગોળીબાર ખોલી નાખ્યાનો રેટ-રેટ વાજ આવ્યો અને તેની પાછળ રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ એટલે કે આરપીજી નો હવાને ચીરતો સરસરાટ અનુભવાયો.
દુશ્મનનો પહેલો વાર જ સચોટ હતો. ૦.૫૦ કેલીબરનાં રાઉન્ડે અઢી સેકન્ડમાં ખીણ વટાવી લીધી. કેપ્ટન કશ્યપે ન કંઈ જોયું, ન સાંભળ્યું, ન અનુભવ્યું. આવી રહેલી એ ગોળી ડેલ્ટા કંપનીનાં એ યુવા કંપની કમાંડરનાં જમણા ખભાને ચીરી, હાડકા વીંધીને પાછળથી માંસનો લોચો કાઢતી ને લોહીનો ફુવારો ઉડાવતી આરપાર નીકળી ગઈ. તેણે આગળ ઉઠાવેલું ડગ અધવચ્ચે હવામાં જ રહી ગયું. જાણે તેને કોઈએ જોરથી ધક્કો દીધો હોય તેમ એ પાછળ ચાલી રહેલાં તેનાં બડ્ડી પર પછડાયો. બડ્ડી મજબુત હતો. તેણે તેનાં અધિકારીને ઝીલી લીધો, જમીન પર પડવા ન દીધો. કંપનીનાં દાકતરી સહાયકે કેપ્ટન કશ્યપનાં ઘાવને પ્રાથમિક ઉપચાર આપી લોહી અટકાવવા ખભા પર મુશ્કેટાટ પાટો બાંધી દીધો.
બંદૂકથી વછુટેલી ગોળી કંઈ વોર્નિંગ દઈને નથી આવતી. ગોળીબારનો નિયમ છે કે તમે ગોળી છૂટ્યાનો અવાજ સાંભળ્યો એટલે નક્કી ગોળી તમારી સુધી પહોંચી ચૂકી છે. ગોળીની ઝડપ જ એવી છે કે તે છૂટ્યા પછી લક્ષ્યભેદ કરીને જ રહેવાની. છુટેલી ગોળીથી બચવું શક્ય નથી.
મોર્ટાર બોમ્બ, રોકેટ અને તોપગોળા હવામાં છોડાય કે ત્રણેયનો ખાસ અલગ પડતો અવાજ તેની ચાડી ખાય છે. અનુભવી સૈનિકનાં કાન હવામાં શસ્ત્રનાં પસાર થવાના અવાજ માત્રથી આવતા દારૂગોળાને પારખી જાય છે અને તેનાથી બચવાનું પગલું એ પોતાનો જીવ બચાવવા તેણે આપેલી સ્વાભાવિક પ્રતિક્રિયા છે.
કલાસ્વા, ‘કશ્યપ સર, આપને વાગ્યું છે. લોહી વધારે વહી ગયું છે. મારું માનો તો તમે નીચે જતાં રહો.’
કશ્યપ, ‘સાહેબ, હું ઠીક છું. એવી ખાસ તકલીફ નથી. હું ચાલી શકીશ અને પલટનની સાથે રહીશ.’
કેપ્ટન કશ્યપની ફરજ પરસ્તીને ન દુશ્મનનો ગોળીબાર રોકી શક્યો, ન ઈજા, ન તેનું વહેતું લોહી. કંપનીનું મનોબળ જાળવી રાખવા એ યુવા અધિકારી ઘાયલ થયાની અડધી કલાક સુધી કંપનીની આગળ રહી ચાલતો રહ્યો.
પણ તેનાં ખભાનું લોહી રોકાવાનું નામ નહોતું લઇ રહ્યું. અંતે, કલાસ્વા ન માન્યા અને તેમણે રેડિયો દ્વારા કમાન અધિકારીને પરિસ્થિતિની જાણ કરી. કર્નલ ચીમાએ કંપનીની કમાન સુબેદાર સીલવાન્સ કલાસ્વાને સુપરત કરી. કેપ્ટન કશ્યપને રેસ્ક્યુ કરીને બે જવાનો સાથે નીચે ઈલાજ માટે મોકલવામાં આવ્યા.
ડી કંપનીની કમાન હવે સુબેદાર કલાસ્વાનાં અનુભવી ખભા પર હતી
જે ચાંદા એ રાત્રીનો મોટાભાગનો સમય આપણા સૈનિકોની આડો ઘૂમટો તાણ્યો હતો, તેણે વહેલી સવારનાં બે વાગ્યા પછી થી આછા થઇ રહેલાં વાદળો મધ્યે લાજ શરમ બધું નેવે મૂકી ને ડુંગરો પર દુધિયા પ્રકાશનું આવરણ બિછાવી દીધું હતું.
પર્વતો પર સૈનિકો ક્યાં હતાં તેનાંથી કોઈ ફર્ક પડતો નહોતો, એ હમેશા દુશ્મનનાં તોપખાનાની રેંજ માં જ હતાં. વાદળોને લીધે છવાયેલા અંધકારને લીધે એ પોતાને સુરક્ષિત માની રહ્યા હતાં. પણ જેવાં તે પર્વતનાં ઓછાયેથી બહાર નીકળ્યા અને પર્વતોની મધ્યે નાના શા ખુલ્લા મેદાન જેવાં પ્રદેશમાં દાખલ થયા. સૈનિકોનાં હળવા અને લયબદ્ધ પદચાપ અને ઠંડી હવાની લહેરખીઓનાં સરસરાટ સિવાય ચોમેર શાંતિ હતી. આ નીરવતાને ચીરતો; પીગળેલા ધાતુનો પાણીમાં રેગડો ઉતરતો હોય તેવો, મોર્ટાર બોમ્બનો ચિત્કાર થયો.
કંપની કમાંડર કલાસ્વા ની બુમ પડી, “મોર્ટાર!”
પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચુક્યું હતું. સૈનિકો કશી પ્રતિક્રિયા આપે તે પહેલાં જ, ટુકડીની લગભગ મધ્યમાં આવીને એ ૧૨૦ મીમી મોર્ટાર બોમ્બ જમીન સાથે અથડાઈને ફાટ્યો. તેનાં ટુકડા ચોતરફ ઉડ્યા, જમીનમાં કાળોમેંશ ખાડો પડી ગયો, પત્થરનાં ટુકડા હવામાં ફંગોળાયા અને ધૂળ-ધુમાડાની ડમરીએ સૈનિકોને ઘેરી લીધાં. આ ધમાકાને લીધે, પાંચ સૈનિકો ત્યાં જ બલિદાન થયા અને અન્ય સાત ઘાયલ થયા. જોકે બે સિવાય બાકીના સૈનિકોની ઇજાઓ ગંભીર ન હતી. જેને પ્રમાણમાં ઓછી ઈજા થઇ હતી તેમણે લડતાં રહેવાનો નિર્ણય લીધો. ગંભીર પણે ઘાયલ સૈનિકોને ઈલાજ માટે ફિલ્ડ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.
વહેલી સવારના ચાર વાગ્યા પહેલાં કંપનીને દિવસના પ્રથમ કિરણ પહેલાં ‘પીન-ડાઉન’નો અને દિવસ દરમિયાન સંચાલનની મનાઈનો હુકમ મળવાથી જવાનોએ તેમની સલામતી માટે પથ્થરોની આડશ લઇ લીધી.
ગુજરાતી જુનિયર કમીશન્ડ ઓફિસર સુબેદાર સીલવાન્સ કલાસ્વાનાં હાથમાં ડી કંપનીની કમાન છે. આવતાં પ્રકરણમાં આપણે તેમની કમાન હેઠળ આપણા ગુજરાતી જવાનોની બહાદૂરીને જોઈશું..
ક્રમશઃ..
લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે.