ગતાંક થી ચાલુ…
અગાઉનાં પ્રકરણમાં આપણે વાંચી ગયા કે કઈ રીતે જીવલેણ હિમ ઝંઝાવાત અને દુશ્મન ગોળીબાર મધ્યે મહેબૂબ પટેલની સમયચૂકતાએ તેનો અને તેનાં સાથીઓનો જીવ બચાવ્યો. તમને પ્રશ્ન થતો હશે કે એક્સપ્રેસ ગુજરાતી એ કેમ કારગીલની શૌર્યગાથામાં સૌપ્રથમ ૧૨ મહાર પલટનની જ વાત શરુ કરી.
મિત્રો તમને ખબર નહીં હોય પણ, કારગીલ યુદ્ધમાં બલિદાન થયેલાં ૧૨ ગુજરાતી સૈનિકોમાં સૌથી વધુ, કુલ છ સૈનિકો ૧૨ મહાર બટાલિયનમાંથી હતાં એટલે આપણે ગુજરાતીઓ એ પ્રથમ શ્રધ્ધાંજલિ તેમને આપવી ઘટે.
૨૨ જૂન ૧૯૯૯
પલટનના ત્રીજા હુમલામાં ડેલ્ટા કંપની કમાન્ડર કશ્યપ, કંપની સેકન્ડ ઇન કમાન્ડ સુબેદાર કલાસ્વા અને તેમનાં જવાનો ને મોકલવાનું નક્કી થયું. સાંજે છ વાગ્યાને સુમારે કલાસ્વા એ શસ્ત્રસજ્જ કટકને એકઠું કર્યું. બધી ઘડિયાળોનો સમય તેમના બટાલિયન મુખ્ય મથક સાથે મેળવી લેવામાં આવ્યો. કેપ્ટન કશ્યપે હુમલાની યોજના બાબતે દળ સાથે ચર્ચા કરી અને કમાન અધિકારીને તેઓ તૈયાર છે તે બાબતનો રીપોર્ટ કર્યો. ત્યારબાદ, કર્નલ ચીમા એ દળને સમ્બોધ્યું.
ચીમા, ‘સાથીઓ તમારી કંપની ત્રીજીવાર આક્રમણ પર જઈ રહી છે. હવે તમે આ પરિસ્થિતિના અનુભવી થઇ ચુક્યા છો. શું હું કહી શકું કે આવતી કાલનો સૂર્ય ઉગે તે પહેલાં તમારું લક્ષ્યાંક એ પર્વતની ટુક પરથી દુશ્મનને તમે મારી હઠાવશો?’
સૈનિકો એક અવાજે બોલ્યા ‘યસ સર.’
કલાસ્વા એ ત્રણ વાર રેજીમેન્ટનો જયઘોષ બોલાવ્યો, ‘બોલો હિન્દુસ્તાન કી જય.’
જેને સૈનિકોએ ઝીલ્યો, ‘હિન્દુસ્તાન કી જય..
‘હિન્દુસ્તાન કી જય..
‘હિન્દુસ્તાન કી જય..’
ચીમા, ‘મહેબુબ છેલ્લા હુમલા સમયે તને અફસોસ થયો હતો. આજે ઉપરવાળાએ તને ફરી એક મોકો આપ્યો છે. સ્કાઉટ કર તારી કંપનીને અને દેખાડી દે દુશ્મનને ૧૨ મહારની તાકાત.’ મહેબુબ કમાન અધિકારીને જવાબ આપતાં પહેલા ત્વરાથી સાવધાન પોઝીશનમાં આવી ગયો, ‘જરૂર સાહેબ.’ પછી હાથ ઉંચે કરીને તેણે જયઘોષ બોલાવ્યો. ‘હિન્દુસ્તાન કી જય..’
મહેબુબ પટેલને ફરી તેનું હીર પુરવાર કરવાની તક મળી. સુરજ ઢળ્યો અને રોશની મૌન થઇ એટલે પર્વતની ટૂકને કોઈપણ હિસાબે ખાલી કરાવવાની નેમ સાથે. ૧૨ મહારની ડેલ્ટા અને ચાર્લી કંપનીઓનાં તિમિરપંથીઓ આગળ ધપ્યા. વચ્ચે-વચ્ચે ઉપરથી ગુજરતા તોપગોળાનાં પ્રકાશનાં શેરડા અને દુશ્મન તોપખાનાંનાં લબકારા તિમિરને ચીરતાં આકાશમાં અજવાળાનાં લીસોટાઓ છોડતા જતા. એક તો આગળનો માણસ પણ દેખાય નહિ. વળી શરૂઆતી સીધો માર્ગ હવે ઉબડખાબડ થઇ જતાં આખડતા પડતા અને આગળ વાળાનાં ખભાને પકડી દુશ્મનને મનમાં ગાળો ભાંડતા ચાલ્યા. એકબીજા સાથે વાતચીત પણ બંધ હતી.
મહેબુબને લાગી રહ્યું હતું કે તેઓ કોઈ ભુતાળવી સેના છે જે ન જાણે ક્યાં જઈ રહી છે! કલાસ્વાએ હાથથી ઈશારો કર્યો એટલે તેઓ ઉભા રહ્યા. મહેબુબ તદ્દન શાંત હતો. આકાશે ઉદીપ્ત થયેલા જ્યોતિના એક લીલા રંગના શેરડાએ, પહોળા ખભા, આકાશે ઉગામેલું રોકેટ લોન્ચર, માથા પર મુશ્કેટાટ બાંધેલા કપડા સમેત મહેબુબનો ઓછાયો સામેના ખડક પર પાડ્યો. એ પ્રકાશપુંજ ધીમે ધીમે ચમકીને લુપ્ત થયો.
સૈનિકો આગળ ધપ્યા, એક હળવા ઢોળાવ પર ચઢવા લાગ્યા. ત્યાં અજવાળું હોત તો ચોક્કસ પાકિસ્તાનીઓ તેમને દેખી લેત. દુશ્મન ચોકીની નજીક પહોંચતા સુધીમાં તેઓ, વચ્ચે-વચ્ચે અંધારાને ચીરી આકાશે થતાં તેજ ચમકાર અને મશીન ગનના રેટ-રેટ અવાજે સચેત થયા. તેને સંકેત માનીને મેહેબુબ ડાબી તરફ વળ્યો અને પોતાની સાથે અડધા દળને લઇ અંધારામાં લુપ્ત થયો. સુબેદાર કલાસ્વાએ તેનો હાથ હલાવ્યો અને બાકીના તેમની પાછળ ગયા.
હુમલાની શરૂઆત થઇ, દુશ્મનની એગ્રીમ રેખાને નિશાન બનાવીને મહબૂબ અને સાથી રોકેટ લોન્ચર દસ્તા દ્વારા રોકેટ હુમલો અને લાલજી, અરુણ અને અન્ય મોર્ટાર મેન દ્વારા ગ્રેનેડનાં ધમાકાઓની વણઝાર કરી દેવામાં આવી. સેક્શન એનસીઓનાં એક ઇશારા પર ચાર મશીનગન ઓપરેટરોએ ગોળીબાર આરંભ કર્યો. તેમની ગોળીઓ દુશ્મન સેંગરનાં પથ્થરોને ફાડી રહી હતી. ચોતરફ ઉડી રહેલી પથ્થરોની કરચો, ધૂળ અને ધુમાડાને લીધે દુશ્મન સૈનિકો દ્રષ્ટિબાધિત થઇ ગયા હતાં. આપણા સૈનિકો અને દુશ્મનની વચ્ચે ધુમાડાનો પડદો શો રચાઈ ગયો. જેની આડમાં આપણા અગ્રેસર થઇ રહેલાં સૈનિકો સુરક્ષિતપણે આગળ ધપ્યા.
પાકિસ્તાનીઓ શરૂઆતી રોકેટ હુમલા અને બોમ્બમારા બાદ, એકસાથે ચાર મશીનગનનાં તીવ્ર ગોળીબારથી એટલા ગભરાઈ ગયા કે તેમની પ્રતિક્રિયા ભૌતિક રીતે પ્રભાવિત થઈ હતી. વળી, સચોટ ગોળીબારને લીધે તેમને માટે માથું ઊંચકવું મુશ્કેલ બની રહ્યું હતું.

ઉત્તમે તેની મશીન ગનની ગન સાઈટમાં તાકીને નિશાન લીધું અને સામે એક પાકિસ્તાની સૈનિક પર ઘાતક વાર કર્યો જે નીચે તરફ ગબડી પડ્યો. તેનાં પછી દુશ્મનનો એક મશીનગનર ગરદન પર ગોળી મારી ઘાયલ કર્યો. જેથી સામેથી આવતો ગોળીબાર હળવો થયો. નવો માણસ વિરોધીનાં ઘાયલ મશીન ગનરની જગ્યા લે તે પહેલાં જ ઉત્તમે ત્રીજો શિકાર કર્યો.
આ વખતે ગોળી દુશ્મન સૈનિકનાં કપાળને વચ્ચેવચ વીંધીને આરપાર નીકળી ગઈ. ઉત્તમે દુશ્મન કેમ્પમાં મચાવેલી તબાહી જોઈ, સાથીઓ વિચારી રહ્યા હતાં, કે આ ઉત્તમની મશીન ગન હતી કે દુશ્મનોનાં મૌતનો સામાન! મહાર રેજીમેન્ટનાં આ મશીન ગનર ખરેખર, વિલક્ષણ પણે શુરવીર હતાં, પરતું વીરતાનું ચરમ શત્રુતા કે મિત્રતાની સમાન વિષાદથી અવિભેદ્ય છે.
પણ, નાયક ઉત્તમ પટેલની મશીન ગનની એક નબળાઈ હતી. એ જૂનવાણી ગનનું નાળચું ફાયરીંગ કરતી વખતે અગનજ્વાળાઓ ઓકતું અને બંદુકધારીની પોઝીશન છતી કરી દેતું હતું. આધુનિક બંદુકોના મઝલ એટલે કે આગળના ભાગે ફ્લેશ એલીમીનેટરની વ્યવસ્થા હોવાથી ફાયરીંગનું મૂળ કે દિશા નક્કી કરવી મુશ્કેલ બની જાય છે.
ઉત્તમ આમ તો લંબલેટ (લાઈન પોઝીશન) થયેલો હતા પરંતુ ગોળીબાર કરી રહ્યો હોવાથી તેમની મશીનગનનો કુંદો ખભા પર મજબૂતાઈથી ટેક્વેલો અને ચહેરો ગન સાઈટની લગોલગ હતો. કમનસીબે ગોળીબાર કરવા માટે ઊંચા થયેલાં તેનાં ચહેરા પર દુશ્મનનો સ્નાઈપર ફાયર આવી ગયો.
“મને ગોળી લાગી! મહબૂબ, હું મરી ગયો! મને બચાવ.”
ઉત્તમના હેલ્મેટ પર કંઇક અથડાયું ને હેલ્મેટ સરકીને ડોક પર જતું રહ્યું. તે એક હાથે તેને સરખી કરવા ગયો ત્યાં તો તેણે અનુભવ્યું કે તેનાં ગાલ પ્રહાર થયો જાણે કોઈએ ધગધગતું સીસું રેડ્યું. એ નીચે પછડાયો. મોં માં લોહી-લોહી થઇ ખારું લાગવા માંડ્યું. ઉત્તમ સ્તબ્ધ હતો. તેની આંખો બંધ થવા લાગી, તેણે બેભાન થતાં પૂર્વે એક છેલ્લો સાદ દીધો, “મને ગોળી લાગી! મહબૂબ, હું મરી ગયો! મને બચાવ.” મહેબુબ દોડીને ઉત્તમ પાસે પહોંચ્યો તેણે જોયું કે ઉત્તમને બે ગોળી વાગી હતી. એક હેલ્મેટ સાથે અથડાઈ અને બીજી તેની હડપચીમાંથી ઘુસી અને જડબાને તોડીને આરપાર નીકળી ગઈ, બત્રીસી બહાર આવી ગઈ અને મોંમાંથી દડદડ લોહી વહી રહ્યું હતું. મહેબુબનો દોસ્ત ઉત્તમ મરણાસ્સને હતો.
કંપનીના સિનિયર જેસીઓ સુબેદાર સીલવાન્સ કલાસ્વા પણ ઉત્તમ પાસે પહોંચ્યા. કલાસ્વા અને મહેબૂબે સાથે મળીને ઘાયલ ઉત્તમની બત્રીસી જેમ તેમ અંદર ગોઠવી અને તેના ગાલની બંને બાજુએ કોટન પેડ લાગાવી ઉપર કસીને કપડું બાંધી દીધું, પ્રાથમિક સારવાર આપી અને લોહી વહેતું બંધ કર્યું.
કલાસ્વા એ રેડિયો દ્વારા કંપની રીયરમાં ઉત્તમભાઈના ઘાયલ થવાના સમાચાર આપ્યા અને સ્ટ્રેચર દળને બોલાવ્યું. મહેબૂબે પોતાનું હથિયાર, રોકેટ લોંચર તેના નંબર-બે ને આપ્યું. ત્યારબાદ કલાસ્વા અને મહેબૂબે મળીને ઉત્તમને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો. ઉત્તમની ઈજાની ગંભીરતા જોતા, ચાર જવાનો તેમને સ્ટ્રેચરમાં ઊંચકી પર્વત પરથી નીચે ઉતાર્યો અને હેલીપેડ સુધી લઈ ગયા. ત્યાંથી તેને હેલિકોપ્ટર દ્વારા શ્રીનગર બેઝ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
એલએમજી પોસ્ટ પર ઉત્તમનું સ્થાન તેનાં સાથી, સિપાઈ વાઘેલા દિનેશભાઈ મોહને લીધું. મશીનગન પર લાગેલું મોટાભાઈ સમાન ઉત્તમનું લોહી હજી સુકાયું નહોતું. ઘાયલ સાથીનો બદલો લેવા દિનેશ આતુર હતો. તેણે એલએમજીના બાયપોડને તેની અનુકુળતા અનુસાર સેટ કર્યો. બટ-પ્લેટને ખભા પર મજબૂતીથી દબાવી આત્મવિશ્વાસ પૂર્વક લક્ષ્ય પર નિશાન સાધ્યું, કોકિંગ હેન્ડલનો ખટાક અવાજ આવ્યો.
ડ્રીલ ઉસ્તાદના દમદાર આદેશો દિનેશને શબ્દસહ યાદ હતા, ‘લેટકે પોઝીશન, રેડી, લોડ મેગેઝીન, પાંચ રાઉન્ડ બર્સ્ટ ફાયર.’
દિનેશની એલએમજી દુશ્મનો પર બમણી તીવ્રતાથી ગોળીઓ વરસIવી રહી હતી. એક દુશ્મન સૈનિકે ગ્રેનેડ ફેંકવા બંકરની બહાર હાથ કાઢ્યો. દિનેશે તેનો હાથ ચાળણી કરી નાખ્યો.
સામે પક્ષે દુશ્મન બંકરમાંથી ફાયર કરી રહેલી અલ્ટ્રા મશીનગન આપણી પર કહેર મચાવી રહી હતી. દિનેશના એકસાથે છોડાયેલા ગોળીઓના અચૂક જથ્થા થકી એ મશીનગન પણ થોડીવાર માટે શાંત થઈ ગઈ.
કેપ્ટન પ્રવીણ કશ્યપ અને સુબેદાર કલાસ્વા વધી રહેલી ઘાયલો અને શહીદોની સંખ્યા વચ્ચે પણ યુદ્ધ લડવા માટે જવાનોનું મનોબળ વધારી રહ્યા હતાં. દુશ્મન ગોળીબારથી બચીને ભાખોડિયા ભરતાં કેપ્ટન કશ્યપ દિનેશ પાસે પહોંચ્યા. તેને કહે, ‘દિનેશ તુ સારું કામ કરી રહ્યો છે. તારું ધ્યાન રાખ જે.’

‘સાહેબ, તમે જોઈ લેજો, આજે અડધો અડધ પાકિસ્તાની સૈનિકો મારી બંદુકથી મરવાના છે,’ એટલું કહી, દિનેશ તેનાં લક્ષ્ય પર તલ્લીન થઇ ગયો. છેલ્લું મેગેઝીન લોડ કરી રહેલા દિનેશનો અવાજ આવ્યો, ‘મેગેઝીન!’ વરસતી ગોળીઓની વચ્ચે તેનો નવો સાથી વીજળીક ત્વરાથી મેગેઝીનો લઇ આવ્યો.
સાતમી સેકન્ડે મેગેઝીન લોડ થઈ ચૂક્યું હતું. ધ્યાનમગ્ન અવસ્થામાં પહોંચી ગયેલા કોઈ યોગીની જેમ દિનેશ બે કલાક સુધી સતત દુશ્મનો પર ગોળીઓ વરસાવતો રહ્યો. તેની બાજુમાં પિત્તળના ખાલી કારતુસોનો નાનો શો પર્વત બની ગયો હતો. એલએમજીના નાળચામાંથી નીકળતી અગનજ્વાળાઓનાં પ્રકાશમાં દિનેશનો ચહેરો કોઈ દેવતા જેવો દૈદીપ્યમાન લાગી રહ્યો હતો.
પરંતુ એ અગનજ્વાળાએ દુશ્મનને દિનેશનું સ્થાન દર્શાવી દીધું હતું. એ અગ્નિપૂંજનું નિશાન સાધીને દુશ્મને દાગેલી દાશ્કા અલ્ટ્રા મશીનગન (યુએમજી) બર્સ્ટ દિનેશની છાતીમાં લાગી ગયો. થોડીવારમાં કંપની કમાન્ડર ત્યાં પહોંચ્યા. પણ ત્યાં સુધીમાં એ વીરનું પ્રાણપંખેરુ ઉડી ચૂક્યુ હતુ. દિનેશને આમ જોઈ કેપ્ટન કશ્યપનું હૃદય દ્રવી ઉઠ્યું. આજે આટલાં વર્ષો પછી પણ દિનેશનાં બલિદાનની વાત કરતાં તેમનું ગળું રૂંધાઇ જાય છે.
મહેબુબ અને સાથીઓ રોકેટ દાગીને તથા લાલજી અને અરુણ ફ્લેમ થ્રોવર દાગીને આગલા આદેશની રાહમાં થોડે પાછળ સહાયતા દળમાં રહી ને મોરચો સંભાળવાની સાથે આગલી હરોળને દારૂગોળાનો પુરવઠો પૂરો પાડવાની જવાબદારી પણ નિભાવી રહ્યા હતાં. અગ્રીમ મોરચે લડી રહેલાં જવાનોની ગોળીઓ ખાલી થઇ રહી હતી. મહેબુબ, અરુણ અને અન્ય સૈનિકો ગોળી ભરેલા મેગેઝીનની પેટીઓ આગળ આપવા જઈ રહ્યા હતાં.
સામ-સામેનાં તીવ્ર ગોળીબાર મધ્યે, ઉભા થઇને ગાલન-ચલન કરવું અશક્ય હતું. એટલે જમીનસરસા થઇ એક હાથથી મેગેઝીન ભરેલો ડબ્બો આગળ ખસેડતા અને કોણીને સહારે ભાખોડિયા ભરતો મહેબુબ આગળ જઈ ર્રહ્યો હતો. ઓચિંતા તેણે કશું અણીદાર અને ગરમ તેનાં સાથળને વીંધીને આરપાર નીકળી જતું અનુભવ્યું. કીડીનાં ચટાકા જેટલું જ દરદ થયું. જીવન મરણનો જંગ ચાલી રહ્યો હોય ત્યારે
નાના-મોટા દરદને કોણ ગણકારે?
એકાદ કલાક સુધી તો મહેબુબ મોરચો સંભાળીને લડતો રહ્યો. પછી અચાનક તેને સાથળના ભાગે ઠંડુ લાગ્યું. અડી ને જોયું તો લોહી હતું, થોડું ભીનું અને થોડું સુકું. એક જગ્યા એ જ્યાં સહેજ દુખતું હતું ત્યાં આંગળી દબાવી જોઈ, તો એ આખી અંદર ધસી ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ જરા શો ચટકો તો ગોળી વાગ્યાનો હતો જે સાથળ વીંધીને આરપાર નીકળી ગઈ હતી. વાગ્યું તો હતું પણ એટલું નહીં કે રાડ નીકળી જાય. વહેતું લોહી અટકાવવા તેણે માથે વીંટેલો પટકો સાથળે બાંધ્યો.

મહેબુબને રણનો થાક અને બીજી નાની-મોટી ઈજાઓ એટલી હતી કે સાથળ માં ગોળી વાગ્યાની ખબર પડવા છતાં, તેનો દુખાવો અવગણીને એ ત્રણેક કલાક સુધી લડતો રહ્યો. ઠંડીને લીધે તેનો પગ સુન્ન થઇ રહ્યો હતો. તેણે જગ્યા પર ઉભા થવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તેનાં પગે સોજો ચડી ને નસોમાં નબળાઈ આવી ગઈ હતી. તેણે કલાસ્વાને અવાજ દીધો. કલાસ્વા એ લોહીનું પરિભ્રમણ વહેતું થાય માટે તેને પગે થોડું માલીશ કર્યું અને ઈજાની જગ્યાએ કચકચાવીને પાટો બાંધી આપ્યો. હવે, મહેબૂબ લંગડાઈને ચાલવા સક્ષમ થયો. હાડકું કદાચ બચી ગયું હતું પણ સહેજ લોહી હજી પણ વહી રહ્યું હતું.
કલાસ્વા એ મહબૂબને તુરંત નીચે જતાં રહેવાનો આદેશ આપ્યો. અત્યાર સુધી મહેબૂબે ઘણાં ઘાયલોને સ્ટ્રેચરમાં નીચે મોકલ્યા પરંતુ હવે તેને સ્ટ્રેચરમાં ઉપાડી ને નીચે લઇ જવા માટે કોઈ બચ્યું નહોતું, સઘળાં જવાનો મોરચે લડી રહ્યા હતા યા તો ઘાયલોને ઉપાડીને ખીણ તરફ જઈ રહ્યા હતાં.
યુદ્ધ સમયે ઘાયલોને સંઘર્ષનાં પ્રદેશમાંથી ખસેડવાનું અને લડી રહેલા જવાનોને દારૂગોળાનો પુરવઠો અવિરત પણે પૂરો પાડવાનું કાર્ય અત્યંત મહત્વનું છે. કલાકોથી સામ-સામે ગોળીબાર ચાલી રહ્યો હતો. મોરચેથી જવાનોના સંદેશ આવવા માંડ્યા, ખાવાનું ખૂટી પડ્યું છે. બટાલિયનમાં નવાસવા જોડાયેલા છોકરાઓને પર્વત પર લડી રહેલી ફૌજ માટે ‘કોર’માંથી દારૂગોળા, રાશન અને પાણીનો પુરવઠો ઉપર લઇ જવાનું અને ઘાયલોને નીચે ફિલ્ડ હોસ્પિટલ સુધી લાવવાનું કામ સોંપાયું હતું.
એક ઘાયલ જવાનને નીચે પહોંચાડવા માટે સ્ટ્રેચર ઉપાડવા ચાર સૈનિકોની જરૂર પડતી. યુદ્ધક્ષેત્રમાંથી ચાર સૈનિકો ઓછા કરવાં ઘણીવાર અશક્ય બની જતું હતું. છતાય સેનાએ ગંભીરપણે ઘાયલ સૈનિકોને કોઈપણ સંજોગોમાં નીચે પહોંચાડી તેમનો જીવ બચાવવા પૂરતાં પ્રયાસો કર્યા.
મહેબૂબે ખોડંગાતા, એક લાકડીના ટેકે નીચે તરફની મજલ કાપવી શરૂ કરી. આક્રમણ પર જતાં સમયે જે મજલ ચડતા તેણે આઠ કલાક થયા હતાં, તે માર્ગ પર ગોળીએ વિંધાયેલા પગે લંગડાઈને પાછા ફરતા તેણે અઢી દિવસ લાગ્યા. સાઈઠ કલાકનની અવિરત સંઘર્ષરત સફર બાદ તે નીચે ખીણમાં પહોંચ્યો. આ દરમિયાનમાં તેનો પગ થાપા પાસેથી ખોટો થઈ ગયો હતો અને માત્ર એક વધારાની ટેકણ લાકડીથી વિશેષ કંઈ કામમાં નહોતો આવી રહ્યો. મહેબુબ નાં સદનસીબે નીચે તેને યુનિટના સાથીઓ ખુરશી બાંધેલા ખચ્ચર લઈ આવતા સામે મળ્યા, જેમણે તેને ફિલ્ડ હોસ્પિટલ સુધી પહોંચાડ્યો.
લડાઈ રાતભર ચાલી. દુશ્મનના અવિરત ગોળીબાર વચ્ચે પણ કંપની આગળ વધતી રહી. ઢળતી રાત્રે દારૂગોળો ખતમ થઈ જવા આવ્યો. દારૂગોળાનો સપ્લાય પૂરો પાડવા માટે તાકીદે રીયરમાં સંદેશ આપવામાં આવ્યો. મુખ્યાલય કંપનીએ ટૂંક સમયમાં પ્રતીપૂર્તિ દળને ઉપર તરફ રવાના કર્યું. અહીં ઉપર, સુબેદાર કલાસ્વાના રેડિયો ઓપરેટર પી.પી. કુમારને પગના અંગુઠા પર યુએમજીનો બર્સ્ટ વાગી ગયો.
દિવસ ઉગતાં સુધીમાં આપણે લક્ષ્ય પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યા હતાં. તેમનો કિલ્લેબંધ મોરચો ખાલી થઇ ચૂક્યો હતો. બચેલા શત્રુ સૈનિકો ચોતરફ વિખરાઈ ગયા તેમાંથી કેટલાય નીચે ઊંડી ખાઈમાં પડીને માર્યા ગયા. ખુલ્લામાં ભાગી રહેલાં શત્રુઓને, ભારતીય મોર્ટાર દળે અચૂક તોપમારો કરીને ખતમ કર્યા. એકપણ દુશ્મન સૈનિક જીવતો હાથમાં આવ્યો નહિ.
રોલ કોલ કરતાં (સૈનિકોની હાજરી પૂરતાં) જાણવા મળ્યું કે બંને કંપનીઓમાં અડધોઅડધ માણસો જ હાજર હતાં. મોટી સંખ્યામાં સૈનિકો ઘાયલોને નીચે પહોચાડવાનાં કામે લાગ્યા હતાં. ઉત્તમ સહીત ચારેક ને બાદ કરો તો ઘાયલોની ઈજાઓ ગંભીર નહોતી. દિનેશ અને બીજા સાત સૈનિકો એ સંઘર્ષમાં વીરગતિને પામ્યા. હળવી ઈજાઓ વાળા સૈનિકો યુદ્ધ મેદાન છોડીને જવા તૈયાર નહોતાં.
દુશ્મન મોરચા અને આસ-પાસની ખાલી ટુકોની સુરક્ષા માટે સૈનિકોની તૈનાતી અને બીજી વ્યવસ્થા કરવામાં સાંજ ક્યારે ઢળી ગઈ તેની ખબર પણ ન રહી. તે સાંજે સાથીઓનાં મૃતદેહો જોયા બાદ કોઈએ પણ અન્નનો દાણો મોંમાં ન મુક્યો. અંધારું ઘેરાવા લાગ્યું અને સાથીઓનાં બલિદાનોનાં દુઃખનું સ્થાન ‘સવાર માટે પીવા પાણીનું ટીપું પણ નથી, કાલે લડીશું કેમ?’ એ ચિંતા એ લીધું. ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળ માટે કહેવાય છે, ‘ઇન્ફેન્ટ્રી ફાઈટ્સ ઓન ઈટ્સ સ્ટમક.’ તે રાતે ભોજનનું પ્રમાણ તો પુરતું હતું પરંતુ જે થોડું ઘણું પાણી હતું તે ઘાયલોની સુશ્રુષામાં વપરાઈ ગયું.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-6, સંઘર્ષના બીજ : DBT શિખરમાળ, સૈનિકોની લાંબી હરોળ દુશ્મન મોરચાની નજીક હતી
કચડાયેલા પર્વતો, મૃત સૈનિકોથી ભરેલા અને લોહીથી લથપથ હતા. ખીણ પ્રદેશની હોસ્પિટલો અપંગ, ઘાયલ અને મૃત્યુ પામેલા સૈનિકોથી ભરેલી હતી. સૈનિક હોવાનો તણાવ અસહ્ય હોઈ શકે છે. યુદ્ધના મોરચે અમારા સામેલ થયા પછીના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં અમે ઘણા મૃત સૈનિકો જોયા, એટલો બધો વિનાશ જોયો અને મેં પણ મૃત્યુ ને કેટલીય વાર નજદીકથી પસાર થઇ જતું જોયું, કે લાલજી સિપાઈ ને થયું કે, ‘મને ગોળી વાગે ને હું ઢળી પડું એ પણ માત્ર સમયની જ વાત છે.’
સૈનિકોએ આવતીકાલનો વિચાર કરવાનું મૂકી દીધું હતું. રોજ સવાર પડે કે તેમનો પ્રથમ ઉદ્દેશ્ય એ દિવસે માર્યા જવાનો કે ઘાયલ થવાનો નહોતો, અને આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે તેઓ ગમે તે કરી છૂટવા તૈયાર હતાં. યુદ્ધક્ષેત્રની અનિશ્ચિતતા વચ્ચે આવનારા દિવસનો વિચાર કરવાનો કોઈ અર્થ નહોતો અને કોઈ આવતીકાલ વિષે વિચારવા નવરું પણ નહોતું. સવાલ હતો કેવળ આજ નો, રોજ બરોજ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષે જ, યુદ્ધ સમયે સૈનિકના વર્તનમાં સખ્તાઈ આણી હતી.
શું તરસ્યા સૈનિકો ને પાણી મળ્યું?
લાલજી સિપાઈ અને તેનાં સાથીઓ એ એવી તે કઈ બહાદૂરી દેખાડી અને એવું તે શું કરી બતાવ્યું જે પુરા યુદ્ધ દરમિયાન કોઈ પણ નહોતું કરી શક્યું?
૧૯૯૯ની ભીમ અગિયારસની રાત્રીનાં ગોઝારા હુમલામાં શું બન્યું?
આ બધાં સવાલોનાં જવાબો મેળવવા માટે વાંચતા રહો, “હિન્દુસ્તાનની શૌર્યગાથા – કારગીલ” ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર.
ક્રમશઃ
લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે.
Please follow @mananbhattnavy