હિન્દુસ્તાનની શૌર્ય ગાથામાં આપણે ભારત અને પાકિસ્તાન કારગીલ યુદ્ધ સમયની શૌર્ય ગાથા જાણી રહ્યા છીએ. વાયુ સેનાના પૂર્વ અધિકારી પોતાના અનુભવોને કમલથી કંડારી રહ્યા છે ત્યારે આપણે ગત અંક કારગીલ -5 અંકમાં ૦૧ જુન ૧૯૯૯ના સમયમાં બે અમદાવાદી બહાદૂરોની વાત કરી હતી. આજે આપણે કારગીલ-6 અંકમાં ૧૮ જુન ૧૯૯૯માં ડાઇંગોયા બ્યાંગ થુંગ (ડીબીટી) શિખરમાળ પર ભારતીય સૈન્યની કપરી પરિસ્થિતિ અને બહાદૂરીની વાત કરીશું
૧૮ જુન ૧૯૯૯
ડાઇંગોયા બ્યાંગ થુંગ (ડીબીટી) શિખરમાળ
ડેલ્ટા કંપનીના સેકંડ ઇન કમાંડ સુબેદાર સીલવાન્સ સુરજીભાઈ કલાસ્વાનું મૂળ ગામ અરવલ્લીનાં ભિલોડા તાલુકામાં અંતરિયાળ આવેલું જેતપુર ગામ છે. આજે પણ જ્યાં પહોંચવું મુશ્કેલ છે એવા ગામ થી છેક સેનામાં જુનિયર કમીશંડ અધિકારી અને માનદ અધિકારી બનવા સુધી તેઓ પહોંચ્યા. સ્વભાવે કડક અને શિસ્તમાં માનવા વાળા તેથી જો કોઈ સૈનિક તેની ફરજમાં ભૂલ ચૂક કરે તો તેને ખખડાવી નાખે. હા, કદી કોઈ સૈનિકનું મનોબળ તૂટે તેવું વર્તન તેઓ કદીય ન કરતાં.
૧૨ મહારનું આગલું લક્ષ્ય ડાઇંગોયા બ્યાંગ થુંગ (ડીબીટી) શિખરમાળ હતું. ડીબીટી પર આપણો ફરી કબજો થાય તે માટે ચાર્લી અને ડેલ્ટા કંપનીને જવાબદારી સોંપવામાં આવી. આ સૈન્ય કાર્યવાહીમાં હરેન્દ્રગીરી અને બારિયા ભલાભાઈ દળને સ્કાઉટ કરવા સ્વૈચ્છિક આગળ આવ્યા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના મૂળનિવાસી પરિવાર એકનો એક દીકરો બાવીસ વર્ષીય યુવાન ભલાભાઈ અખમભાઈ બારિયા હજી ચાર મહિના પહેલાં જ તેનાં જ સમાજની મીઠી નામની અને સ્વભાવે પણ મધુરી એવી કન્યા સાથે લગ્નનાં બંધને બંધાયો હતો. મીઠીનાં હાથની મહેંદી હજી સુકાઈ નહોતી ત્યાં ભલાને યુદ્ધમાં જવાનું તેડું આવી ગયું. વિધવા માંનાં આશીર્વાદ અને પત્નીની વિદાય લઇ, બંનેની અશ્રુભીની આંખોને વાટ જોતાં મૂકીને ભલાભાઈ કારગીલ આવવા નીકળી પડ્યા હતાં.
એકવડો બાંધો, અણીયાળું નાક, ભરાવદાર ચહેરો અને સ્વપ્નીલ આંખો ધરાવતો ડી (ડેલ્ટા)કંપનીનો સૌથી મહત્વાકાંક્ષી યુવાન સૈનિક એટલે જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામનો વતની સિપાઈ હરેન્દ્રગીરી ગોસ્વામી. સૈન્ય કાર્યવાહી સમયે ગમે તેવી મુશ્કેલી આવે, હરેન્દ્રગીરી પાસે ઉપાય હાથવગોજ રહેતો.
સંધ્યાનો સમય થતાં હરેન્દ્ર અને ભલાભાઈ તથા ચાર્લી અને ડેલ્ટા કંપનીનું સમગ્ર દળ શસ્ત્ર સરંજામ લઇને તૈયાર હતું. થોડી વારમાં જ ઊંચા પર્વતોના ઓછાયામાં ખીણમાં ગહન અંધકાર પ્રસરી રહ્યો એટલે ભારતીય વીરો તેમનાં લક્ષ્યને સર કરવા અગ્રેસર થયા.
ઉપર તરફ જતાં, કાળા ઓછાયા જેવી ભાસતી ખીણની વનરાજી અને સૈન્ય છાવણીઓ ધીમે ધીમે દેખાતી બંધ થઇ. ખડકાળ માર્ગે સાથે કદમ મિલાવીને ચાલતાં સાથીઓ અને પાછળ છૂટી ગયેલી માનવ વસાહતોને જોતાં હરેન્દ્રગીરીનો માંહ્યલો પળવારમાં તો ઘરના ઉંબરે પહોંચી ગયો. એક ઠંડા પવનની લહેરખી આવી, થયું કે ‘હું રાહ જોઇશ’ તેમ કહી ‘આવજો’ કરતી અર્ધાંગીનીની લાગણી ભીની આંખો ની ઠંડક હતી.
ભલાભાઈએ તેનો હાથ સહેજ જોરથી હરેન્દ્રગીરીનાં ખભે મુક્યો હતો. હરેન્દ્રને થયું જાણે તેનો દીકરો મોટો થઇ ગયો હોય અને તેનાં ખભે હાથ વીંટાળીને કહી રહ્યો હોય. ‘હું મોટો થઇ ગયો છું પપ્પા. હવે તમે ચિંતા છોડી દો.’ વિચારો થકી કાળચક્રમાં આગળ પાછળ હિંડોળા ઝૂલી રહેલાં હરેન્દ્રને તેનો પોતાનો ભૂતકાળ, બા, બાપુજી નાનો ભાઈ અને તેમણે ગરીબીમાં કાઢેલાં દિવસો યાદ આવી ગયા. કુનબાને યાદ કરીને હર્ષાશ્રુ સારતા હરેન્દ્રએ મનમાં એક શ્લોક બોલી તેનાં ઇષ્ટ, દેવોનાં દેવ મહાદેવને તેમની કૃપા બદલ વંદન કર્યા.
ભલાભાઈ, બારિયા, અંધારામાં ઝીણી આંખ કરીને એકદમ સતર્ક રહીને આગળ ધપી રહ્યો હતો
ભલાભાઈ, બારિયા, અંધારામાં ઝીણી આંખ કરીને એકદમ સતર્ક રહીને આગળ ધપી રહ્યો હતો. સૈનિક તરીકે ભલાની ખાસિયત, તેની અનુકરણીય શારીરિક સજ્જતા, તેનાં મૂળનિવાસી હોવાનું પરિણામ હતી. ભલાની સૈન્ય સેવા પ્રત્યેની લગન અને તેનો નામ પ્રમાણે દયાળુ સ્વભાવ તેને ઉપરીઓ અને સાથીઓ માં લોકપ્રિય બનાવતો હતો. ચાર કલાકની ચઢાઈ પર્યંત,આગળ હરેન્દ્રગીરી અને ભલાભાઈ અને તેમનાંથી પાંચેક મિનીટ પાછળ, ચાર્લી અને ડેલ્ટા કંપનીનું સમગ્ર દળ-કટક લાસ્ટ રીયર પહોંચ્યું.
કેપ્ટન કશ્યપે કંપનીના માણસોને શસ્ત્રો, દારૂગોળો અને ગ્રેનેડ સિવાયની તમામ સાધનસામગ્રી ત્યાં જ છોડી દેવા કહ્યું. તેમણે સમજાવ્યું કે આપણે દુશ્મન પર ઝડપી અને સમી છાતીએ અગ્રીમ હુમલો કરીશું, જે આપણી સંભવિત બધી જ બંદૂકો દ્વારા ગોળીબારનાં આવરણ વડે સમર્થિત હશે.
લાસ્ટ રીયરથી દુશ્મન મોરચા તરફ જવાનો માર્ગ, ઉભે ઢાળ ચઢાણ અને જોખમી કરાડો ધરાવતો, ભારે કઠણાઈ ભર્યો હતો. વળી કાળી રાતનું અંધારું ચઢાઈને લગભગ અસંભવ બનાવતું હતું. પણ આપણા સૈનિકો અસંભવને સંભવ કરવા આતુર હતાં. લાસ્ટ રીયરમાં પહોંચ્યા બાદ સૈનિકોને આગળ ચાલી રહેલાં વ્યક્તિનાં ખભા પર એક હાથ રાખીને સીધી લીટીમાં કૂચ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-5, સંઘર્ષના બીજ : બે અમદાવાદી અને તેમનું ‘ખાસ શસ્ત્ર’
કેપ્ટન પ્રવીણ કશ્યપ અને સુબેદાર કલાસ્વાની અગુવાઈમાં મહેબુબ, ઉત્તમ, દિનેશ અને સાથીઓ ડીબીટી શિખરમાળની આ અત્યંત ઉંચી ટુકની કપરી ચડાઈનાં એક પછી એક અંતરાયો પાર કરતાં મક્કમ ડગલે પર્વતારોહણ કરી રહ્યા હતાં. કટક મુખ્ય ટુકની નજીક પહોંચ્યું ત્યારે હજી અજવાળું થવાને ચાર કલાક જેટલો સમય હતો. સૈનિકો લગાતાર સતર્ક હતાં.
સૈનિકોની લાંબી હરોળ હવે દુશ્મન મોરચાની નજદીક હતી
સૈનિકોની લાંબી હરોળ હવે દુશ્મન મોરચાની નજદીક હતી. ૧૧,૦૦૦ ફૂટ ઊંચા એ પર્વત શિખરની નજીક પહોંચતા એક અજબ શી વાસ તેમનાં નાકને અકળાવી રહી હતી.
‘ભલાભાઈ,’ હરેન્દ્ર સાવ ધીમે અવાજે આગળ ચાલી રહેલાં ભલાના કાનમાં ગણગણ્યો, ‘આ પાકિસ્તાનીઓની ખાસિયત છે, જ્યાં જશે ત્યાં ગંધ જરૂરથી ફેલાવશે’
ભલાભાઈથી રહેવાયું નહીં ને એ હસી પડ્યો.
‘શ….શ… શ…. શાંતિ રાખો છોકરાઓ!’ આગળ ચાલી રહેલાં કંપની જેસીઓ કલાસ્વાએ તત્કાલ દબાયેલા અવાજે ચેતવણી ઉચ્ચારી.
દુશ્મન સૈનિકો ચારેક મહિનાથી તો વધુ સમયથી જ અહીં બંકરો બનાવીને રહેતાં હતાં, એટલે તેમનાં મોરચાની નજીક મળમૂત્રની ખુબ અકળાવી નાખે તેવી વાસ આવી રહી હતી. પાકિસ્તાનીઓની વિષ્ટા સુરંગોની જેમ ચોતરફ વિખરાયેલી હતી એટલે સૈનિકોએ પણ સીધી લીટીમાં ચાલવાનું મુક્યું પડતું અને અંધારામાં ખુબ જોઈને, બચીને ડગ રાખી તે વિસ્તારમાંથી પસાર થયા.
‘થમ.‘અગ્રીમ દળનો ઈશારો થયો
હરેન્દ્રગીરી, કશ્યપ અને કલાસ્વાને ઉદ્દેશીને, સાહેબ દુશ્મન મોરચો અહીં થી કેવળ સો મીટર દૂર છે.’ કશ્યપ, સૈનિકોને ઉદ્દેશીને, ‘સાથીઓ મને ખબર છે. તમે થાકેલા છો. આપણે દુશ્મન મોરચાથી કેવળ એક સો મીટર દૂર છીએ. આ મોટી શીલાની આડશે આપણે ઘડીભર વિરામ કરવાનું નક્કી કર્યું છે.’
દુશ્મન પર આક્રમણ કરતાં પહેલાં પર્વત પર ચડીને થાકેલા સૈનિકોને શ્વાસ લેવાનો થોડો સમય આપવો જરૂરી હતું. દસ મિનીટ પછી કેપ્ટન કશ્યપ અંધારામાંથી ઓળાની જેમ પ્રકટ થયા અને સુબેદાર કલાસ્વા સાથે ધીમે અવાજે લગભગ ફૂસફૂસાવીને વાત કરવા લાગ્યા. એ દરમિયાન કલાસ્વા એ જવાનો તરફ ઈશારો કરી તેમને નજીક બોલાવ્યા.
કલાસ્વા, ‘સાથીઓ, દુશ્મન આપણી સાવ નજીક, આગળની ટુકનાં પાછલા ઢાળ પર મોરચાબંદ છે, સાબદા રહેજો.’ કંપની જેસીઓની આ વાત સાંભળીને કેટલાય શિર એ તરફ વળ્યા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૪, સંઘર્ષના બીજ : દુશ્મનની ગોળી મુકેશના માંથામાંથી પસાર થઈ, નિષ્પ્રાણ શરીર સેંકડો ફૂટ ઊંડે ખીણમાં જઈને પડ્યું
કલાસ્વા, ‘નહીં, નહીં, માથું નીચે જ રાખો. અત્યારે તે તરફ જોવું રહેવા દો. પેલો તમારાં માથાની આરપાર સુરાખ બનાવી દેશે. દુશ્મનને આપણી હાજરીની જાણ નથી માટેઅપ્રત્યાશિત હુમલો આપણા લાભમાં રહેશે.’
‘સાથીઓ તમારી બંદુકો માં બેયોનેટ લગાવી દો,‘ કલાસ્વાએ આગલો નિર્દેશ આપ્યો.
‘હરેન્દ્રગીરી, ભલાભાઈ તમારું સ્કાઉટ દળ જમણી તરફથી, ઉત્તમ અને દિનેશ ડાબી બાજુ દેખાતી શિલાની આડશે તમારી મશીન ગન ગોઠવી તૈયાર રહો. મોર્ટાર દળ તમે ઉત્તમથી દસ ફૂટ દૂર ઉપસેલા ભાગ પર, પાંચ જવાનો બેક-અપ માટે રહેશે. હું અને કેપ્ટન કશ્યપ કંપનીનાં મુખ્ય આક્રમણ દળમાં રહીશું, જે ગોળીબારનાં આવરણની વચ્ચે દુશ્મન મોરચા પર સામેથી હુમલો કરશે.’
‘કોઈ શક?’ કલાસ્વા એ ઉમેર્યું.
સૈનિકો એ એક સુરે જવાબ આપ્યો, ‘નહીં સર.’
કેપ્ટન કશ્યપ, ‘સાથીઓ સાંભળો. તમે કોઈપણ પ્રકારની આડશ વિના ત્યાં ફેલાયેલા હશો, એટલે બંને ત્યાં સુધી તમારી રાયફલનાં નાળચા સિવાય કશું જ ઉપર ઉઠવું ન જોઈએ. મોર્ટાર1 અને મશીનગન દળ તમારી પાસે પથ્થરની આડશ છે. તમારે દુશ્મન પર મારક વાર કરવા પડશે. યાદ રાખજો, મશીનગનનો સતત અને તીવ્ર ગોળીબારનાં આવરણ તથા તમારી હિંમત અને બહાદૂરી જ આપણને દુશ્મનની નજીક જઈ તેમનાં મોરચા પર હુમલો કરવાનો સમય અને મોકો આપશે.
નાયક મહેબુબ પટેલ અને તેનાં સાથીઓ નાયક ઉત્તમભાઈ પટેલ અને સિપાઈ દિનેશ મોહન
ભરૂચ જીલ્લાના કુકાવડા ગામના નાયક ઉત્તમભાઈ પટેલનો મશીન ગન બડ્ડી એવો કપડવંજ તાલુકાનાં નિરમાલી ગામના વતની મોહન અને સુમન વાઘેલાનો દીકરો, દિનેશ સ્વભાવે સીધો-સરળ ને નિખાલસ છોકરો, પણ સૈનિક તરીકે ચપળ અને તેજીલો તોખાર હતો.તે નવરાશનાં સમયમાં બહાર હરવા-ફરવા ને બદલે પોતાના સાથીઓ વચ્ચે બેરેક્સ2 માં સાંજ વિતાવવાનું વધુ પસંદ કરતો. જયારે ઉત્તમ સારા કપડા પહેરવાનો અને ફરવાનો શોખીન, મોજીલો માણસ.
બંનેની જીવનશૈલીમાં આટલો ફર્ક હોવા છતાં, આપસી લાગણી અને જીવનપ્રત્યેનો સમાન દ્રષ્ટિકોણ આ મશીન ગનરોની સાજેદારી ને ખાસ બનાવતો હતો. દિનેશ, ઉત્તમની વાત ઈશારાથી સમજી જતો જેથી ઉત્તમ માટે પણ દિનેશને સમજવું સહેલું બન્યું. યુદ્ધભૂમિની સહિયારી કામગીરી એ તેમની દોસ્તી ને કુદરતી રીતે વિકસાવી અને બંને એકબીજા નાં શ્રેષ્ઠ મિત્રો બની રહ્યા. દિનેશનું માનો તો ઉત્તમ એટલે તેનો સંપૂર્ણપણે ભરોસાપાત્ર અને નીડર વરિષ્ઠ જેની ટક્કરનો મશીન ગનર3 પૂરી પલટનમાં નહોતો.
ઉત્તમ અને દિનેશ તેમની લાઈટ મશીન ગન4 વડે અત્યાર સુધીના દરેક હુમલામાં આક્રમણકારી દળને તેમના સચોટ ગોળીબારનાં આવરણ5 વડે સુરક્ષા આપી રહ્યા હતા. ઉત્તમ પટેલના એલએમજી ફાયરના સતત આવી રહેલા બર્સ્ટને લીધે દુશ્મન તેમના બંકરમાંથી ડોકિયું પણ નહોતો કરી શકતો. સિપાઈ વાઘેલા દિનેશભાઈ મોહન ઉત્તમ પટેલની એલએમજીનો સેકન્ડ મેન હતો અને તેનું કામ ઉત્તમને મદદ કરવાનું અને સતત ગોળીઓની આપૂર્તિ હતું.
મશીન ગન દળ અને મોર્ટાર દળ બિલ્લી પગે દુશ્મનને ભનક પણ ન લાગે તે રીતે પહોંચ્યું
નિર્દિષ્ઠ ઠેકાણે સ્થાનગ્રહણ કરવા મશીન ગન દળ અને મોર્ટાર દળ બિલ્લી પગે દુશ્મનને ભનક પણ ન લાગે તે રીતે પહોંચ્યું. વાતાવરણમાં ઠંડક હતી, દળનાં એક સાથી સૈનિક રાજબીર સિંહને બીડીની તલબ લાગી.
રાજબીરે તેનાં ઉપલા ખિસ્સામાં સાચવીને રાખેલું બીડીનું બંડલ કાઢ્યું અને સાથે બહાર કાઢી એક ચીમળાયેલી બાકસની ડબ્બી. હવે તેણે તેનાં બગલથેલામાંથી કાંબળો કાઢીને માથે ઓઢ્યો અને બાકસમાંથી એક દીવાસળી કાઢી ઘસીને પેટાવી. તેઓ સહેજે અગિયાર હજાર ફૂટની ઊંચાઈએ તો હશે જ. હજી રાજબીરની દીવાસળીથી બીડી ઝગે તે પહેલાં જ હવાની લહેરખી એ કાંડી બુઝાવી દીધી. આવું બે વાર થયું અંતે ત્રીજી દીવાસળીએ રાજબીરની બીડી માં તિખારો દેખાયો તેણે બે-ત્રણ ફૂંક ખેંચી બીડી ઝગાવી. તમાકુનો તેજ કાશ બર્ફીલી હવાથી થીજેલાં ફેફસામાં ખેંચ્યો અને પછી ધુમાડાનાં ગોટે-ગોટા હવામાં છોડ્યા.
કલાસ્વા રાજબીરને બીડી પીતો જોઈ ગયા અને તેણે કહેવા ગયા, ‘એ રાજબીર…! સામે દુશ્મન છે. આ તારી ચીમની બંધ કર.’
પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ચુક્યું હતું. એક નાની શી ચિનગારી પૂરા ગુલિસ્તાં6 ને ઉજાડવા માટે પૂરતી હતી. રાજબીરની એક બીડીએ આપણી સેનાનો નિતાંત અંધારામાં જીવની બાજી લગાવીને અસંભવ પર્વત સર કર્યા નો ફાયદો નિરસ્ત કરી નાખ્યો.
પહેલી કાંડીએ દુશ્મને તેમને જોઈ લીધાં….
બીજી કાંડી એ તેણે નિશાન તાક્યું…..
ત્રીજી કાંડી એ તેણે ભીષણ ગોળીબાર ખોલી નાખ્યો….
ભારતીય દળમાં ચોતરફ અંધાધુંધી મચી ગઈ.આખું દળ વિખેરાઈ ગયું. આપણા સૈનિકો કોતરોમાં અને પથ્થરોની આડશે થી ગોળીબારનો જવાબ આપવા લપક્યા.
આપણે આગળ જોઈ ગયા તેમ ઉત્તમ અને દિનેશની પોઝીશન દુશ્મન મોરચાની ડાબી તરફ એક પથ્થરની આડશે હતી જે ખરેખર એક મોકાની જગ્યા સાબિત થઇ. ઉત્તમે ઘોડો દબાવતાં વેંત તેની સામે રહેલાં બે લક્ષ્યોનો વેધ કર્યો. એ બસ ગોળીઓ ચલાવતો જ રહ્યો. હવે તો નિશાન લેવાની પણ તસ્દી ન લીધી અને તેનાંથી જેટલાં વેગે થયું તેટલી ઝડપે સીસું ઠાલવતો જ રહ્યો. ઉત્તમની મશીન ગન કોઈ ખળ-ખળ વહેતાં ઝરણાનાં આવેગે ગોળીઓ પ્રવાહિત કરી રહી હતી.
બહુ જલ્દી તેનું ૩૦ ગોળી ભરેલું મેગેઝીન ખાલી થઇ ચુક્યું હતું. અને દિનેશે બીજું મેગેઝીન બંદુકમાં ચડાવ્યું, ક્લિકનો હળવો અવાજ થયો અને ઉત્તમે ફરીને ગોળીબાર શરુ કરી દીધો. ઉત્તમ-દિનેશની જુગલબંધી એક અવિરત પ્રક્રિયાની જેમ ચાલતી રહી જેમાં કેટલાય દુશ્મનોને તેમણે ઠાર માર્યા.
કેટલાક અસમય પછી દુશ્મનનો ગોળીબાર હળવો થતાં કલાસ્વા ઉત્તમ પાસે પહોંચ્યા અને દુશ્મન મૃતદેહો તરફ ઈશારો કરીને કહે, ‘આપણે સારાં નિશાન તાક્યા નહીં? જોરદાર કામ કર્યું, છોકરાઓ.’
ઉતમ, ‘સાહેબએ અમારી રેંજમાં હતાં. નિશાનચૂક નો તો સવાલ જ થતો નથી.’
કલાસ્વા: ‘મને એ ગમ્યું કે તમને ખબર હતી કે તમારે કરવાનું શું છે.’
મહેબુબ અને તેના સાથી ચાર જવાનો દુશ્મન ગોળીબારનો જવાબ આપતાં એક તરફ આગળ વધતા રહ્યા. અંધારામાં તેમને લગીરે ખ્યાલ નહોતો કે તેઓ પાકિસ્તાની ચોકીની તદ્દન નજીક પહોંચી ગયા હતાં અને દુશ્મન તેમની સાવ પાસે હતો. તેઓ ત્યાં એક ભેખડની આડશે છુપાઈને દુશ્મન તરફ ફાયરીંગ કરી રહ્યા હતા અને પલટન દુશ્મન મોરચાને ઘેરીને ગોળીબાર કરી રહી હતી. થોડી વાર પછી બંને પક્ષે ગોળીબારની તીવ્રતા ઓછી થઈ. અવાજ ઓછો થતા મહેબુબને સમજાયું કે તેમનું આશ્રયસ્થાન બનેલી એ ‘ભેખડ’ દુશ્મન ચોકીની અત્યંત નજીક હતી. હિન્દુસ્તાનીઓને ખતમ કરી નાખવાના પાકિસ્તાનીઓના આદેશો તેઓ સ્પષ્ટ રીતે સાંભળી શકતા હતાં.
દુશ્મનને પણ તેમની નજીક ભારતીય સૈનિકોની હાજરીની ગંધ આવી ગઈ. બંને પક્ષે ભારે રસાકસીનો માહોલ બન્યો. દુશ્મન એક પણ ડગલું મહેબુબ અને સાથીઓ તરફ આગળ વધે તો આપણા ગોળીબારથી વીંધાઈ જાય. જો મહેબુબ કે તેનાં સાથીઓ ભેખડની બહાર ડોકિયું કરે તો તેઓ દુશ્મનની ગોળીઓનો શિકાર થઇ જાય. વહેલી સવારનો સમય થતાં મ્હોં સુઝણું થવા લાગ્યું હતું.
દિવસનું પ્રથમ કિરણ પર્વત પર પડે તે પહેલાં ફર્સ્ટ રીયર સુધી વાપસી કરવાનો આદેશ મળતાં પલટન પાછી વળી ગઈ. ફર્સ્ટ રીયર પર કલાસ્વા એ સૈનિકોનો રોલકોલ લીધો. સાદા શબ્દોમાં – માથા ગણ્યા. મહેબુબ અને બીજા ચાર સૈનિકો ઓછા હતાં. અન્ય સૈનિકોને પૂછ્યું તો તેમના હતાહત થવાનાં કોઈ ખબર નહોતા. પણ તેઓ ક્યાં હતા તે પણ કોઈ જાણતું નહોતું. પલટનમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા હતા. કોઈ કહેતું હતું, પાંચેય માર્યા ગયા હશે.
મહેબુબ અને સાથીઓ સાથે આગળ શું બન્યું? શું તેઓ જીવતાં પાછા આવ્યા? તે જાણીએ આવતાં સોમવારે.
વાંચતા રહો શૌર્યગાથા હિન્દુસ્તાનની..
જય હિન્દ.
ક્રમશઃ
લેખક નૌસેનાના નિવૃત અધિકારી છે.
સંપર્ક: Twitter: @mananbhattnavy