હિન્દુસ્તાનની શૌર્ય ગાથામાં આપણે ભારત અને પાકિસ્તાન કારગીલ યુદ્ધ સમયની શૌર્ય ગાથા જાણી રહ્યા છીએ. વાયુ સેનાના પૂર્વ અધિકારી પોતાના અનુભવોને કમલથી કંડારી રહ્યા છે ત્યારે આપણે ગત અંક કારગીલ -4માં 21 મે 1999થી લઇને 28 મે 1999ના વચ્ચેના સમયમાં યુદ્ધની સ્થિતિ અને શહીદોના શૌર્યની વાત કરી હતી. આજે આપણે કારગીલ-5 અંકમાં બે અમદાવાદી વિરોની વાત કરીશું.
બે અમદાવાદી અને તેમનું ‘ખાસ શસ્ત્ર’
ત્રણ સદીનો જીવતો ઈતિહાસ કહેવાતી પોળોમાં વસતાં શહેર અમદાવાદનાં વતની એ બે યુવાનો માટે ૧૯૯૦નું વરસ ઘણા સારા સમાચાર લઇ આવ્યું. બંને દોસ્તોએ એક સાથે જ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી અને સૈન્યની ભરતીમાં પણ જોડે જ પસંદગી પામ્યા.
૨૯ જુન ૧૯૯૦નાં રોજ બંને એક સાથે ભારતીય સેનાની મહાર રેજીમેન્ટની ૧૨મી બટાલિયનમાં જોડાયા. અરુણે મજાકમાં કહેલું, “આપણને હવે સાચે-સાચ સૈનિક બનવા મળ્યું ને?” જુગલ જોડી હતી બંનેની. જ્યાં જાય ત્યાં સાથે. પોળોમાં સાથે ક્રિકેટ રમતાં-રમતાં ક્યારે બે લબરમૂછિયા યુવાનો દેશસેવા કરવા નીકળી પડ્યા તે પોળવાસીઓ ને પણ ખબર ન પડી.
૦૧ જુન ૧૯૯૯ – અમદાવાદ, ગુજરાત
આ બે અમદાવાદી ભેરુ હવાલદાર લાલજીભાઈ વાલજીભાઈ સિપાઈ અને નાયક અરુણકુમાર વાર્ષિક રજાઓમાં ઘરે આવ્યા હતાં. સૈન્ય સેવામાં નવેક વર્ષ પસાર કર્યા બાદ બંનેનું પૌરુષત્વ આમ અમદાવાદી કરતાં કંઇક અલગ જ રીતે ખીલી આવ્યું હતું.
સેક્શન કમાન્ડર તરીકે ‘ખાસ શસ્ત્ર’ની તાલીમ લીધેલાં હવાલદાર લાલજીભાઈ, તેમની પલટનમાં એક સખત અને ખડતલ પણ સંયમી અને ઉદારદિલ વ્યક્તિ તરીકે જાણીતા હતાં. હતાં. હતા. તેમની ગણત્રી ‘માથાભારે’ સૈનિક તરીકે થતી. લાલજીની જેમ જ ‘ખાસ શસ્ત્ર’ ચલાવવાની લાયકાત ધરાવતો સ્વભાવમાં હસમુખો નાયક અરુણકુમાર પાક્કો અમદાવાદી હતો. સૈન્યનું શિસ્ત બરોબર પણ, અરુણ ઉપરી અધિકારીઓને પોતાની વાત કહેવામાં ક્યારેય સંકોચ ન કરતો.
કારગીલ માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે તે બાબતની જાણ થતાં જ આ બંને દોસ્તો થોડાં કલાકમાં જ ઘરેથી અમદાવાદ સ્ટેશને પહોંચી ગયા. પહેલી મળી તે ટ્રેનમાં જનરલ ડબ્બામાં બેસી અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી જમ્મુ પહોંચ્યા. જમ્મુથી એક સૈન્ય ખટારામાં બેસી શ્રીનગર અને શ્રીનગરથી પુલવામાનાં ખેરૂ ખાતે પહોંચ્યા. ખેરૂ પહોંચીને ખબર પડી કે પલટન તો મુશકોહમાં છે.
ખેરૂથી નીકળતાં મોટાભાગનાં સૈન્ય વાહનો સૈનિકોને કારગીલના મોરચે પહોંચાડી રહ્યા હતાં. ફરી એક ખટારામાં બેસી બંને મિત્રો સોનમર્ગ ટ્રાન્ઝીટ કેમ્પ પહોંચ્યા. બટાલિયનનાં સાથીઓ યુદ્ધને મોરચે લડી રહ્યા હોય ત્યારે સૈનિકનું મન ટ્રાન્ઝીટ કેમ્પમાં લાગે નહીં. બંને વહેલી સવારનાં કાફલામાં બેસીને મુશકોહ ખીણ ખાતે પલટનની છાવણી પર પહોંચી ગયા.
૦૪ જુન ૧૯૯૯ – મુશકોહ ખીણ, તા. દ્રાસ, જીલ્લો કારગીલ, જમ્મુ અને કાશ્મીર
સુબેદાર પી કે મંડળ નિશ્ચિતપણે એ બંને અમદાવાદીઓને જોઈને પ્રસન્ન થયા. યુદ્ધ છેડાઈ ગયું છે તેવી ખબર પડતાવેંત જાતે જ પલટન સાથે જોડાઈ ગયેલાં બંને યુવા પણ અનુભવી નોન–કમીશન અધિકારીઓનાં આવ્યાથી આલ્ફા કંપનીનાં કંપની કમાન્ડર મેજર અજીત વાજપેયી ખુબ ખુશ થયા. વાજપેયી બંનેને કમાન અધિકારી કર્નલ ચીમા પાસે લઇ ગયા જેમણે તેમની પીઠ થાબડી.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-2, સંઘર્ષના બીજ : 12 મહાર પલટનનાં ગુજરાતી વીરો, “હથિયાર ફેંકી અમારે હવાલે થઈ જાવ”
કમાન અધિકારીનાં સાક્ષાત્કાર બાદ, મેજર વાજપેયીએ લાલજી અને અરુણને ઉદ્દેશીને કહ્યું, “તમારે બંનેએ ઓછામાં ઓછા, ચાર દિવસ ઉચ્ચતમ ઊંચાઈમાં અનૂકુલનની તાલીમ લેવાની છે અને અનૂકુલન પૂરું થાય ત્યાર પછી જ તમે લડાયક દળમાં જોડાશો.”
લાલજી, “સાહેબ, મને તંગધારની ૧૦,૦૦૦ ફૂટ ઊંચી પહાડીનો સુપેરે અનુભવ છે. અહીં વાંધો નહીં આવે.”
અરુણ, “અમે તૈયાર છીએ, સર. તમે ભરોસો રાખો.”
ચાર દિવસ બાદ આલ્ફા અને બ્રાવો કંપનીઓ અટેક કરવા ઉપર જવાની હતી. લાલજી અને અરુણ કંપની સાથે જોડાઈ ગયા. ટાઈગર હિલના પાછળના ભાગે મુશકોહ ખીણના રીયર એરિયામાંથી આલ્ફા કંપની રાત્રીના ભાગે અટેક કરવા જવાની હતી.
લાલજી એ કંપની જે.સી.ઓ. સુબેદાર મંડલને કહ્યું, “સાબ, હું કંપનીને સ્કાઉટ 1 કરીશ.”
લાલજીભાઈ અને અરુણકુમારને રીયરથી જ બે રશિયન બનાવટના ‘ફ્લેમ થ્રોઅર’2 આપવામાં આવેલા. બંને ભેરુઓને દુશ્મન પર એ ખાસ શસ્ત્ર દાગવાની જવાબદારી સોંપાઈ. રોકેટ લોન્ચરની તાલીમ લીધેલા સ્પેશ્યલ વેપન માસ્ટર લાલજી, અરુણ કે પછી ભારતીય સેનાના કોઈ પણ સૈનિક માટે આ રશિયન બનાવટનું ‘રાસાયણિક હથિયાર’ તદ્દન અજાણ્યું હતું. ભારતે કારગીલ યુદ્ધ સમયે આકસ્મિક આવશ્યકતામાં ખરીદેલાં ખાસ શસ્ત્રોમાંનું એક હતું ‘ફ્લેમ થ્રોઅર’.
ફ્લેમથ્રોઅર તેના નામ મુજબ ટ્યુબમાંથી આગની લપટો ફેંકતું ફિલ્મી શસ્ત્ર નથી. હકીકતે આ શસ્ત્ર, ફક્ત એક વખત વાપરી શકાતી ડીસ્કાર્ડેબલ 3 ટ્યુબમાંથી દાગી શકાતું ૩૦૦થી ૪૦૦ મીટરની મારક રેંજ ધરાવતું રશિયન બનાવટનું અગ્નિ-ઉત્તેજક રોકેટ છે. આ રશિયન રોકેટમાં મૌજુદ ‘નેપામ’ રસાયણ દુશ્મનોના બંકરને લાક્ષાગૃહમાં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવતું હતું.
કારગીલ યુદ્ધ સમયે અન્ય એક સૈન્ય એકમમાં આ શસ્ત્ર ચલાવવામાં ભૂલ થતાં અકસ્માતે ત્રણ જવાનો હતાહત થયા હતાં. આપણા મોટાભાગના સૈનિકો આ અજાણ્યા અને ખતરનાક શસ્ત્રથી દૂર રહેવા માગતા હતા.
૦૮ જુન ૧૯૯૯
મુશકોહ ખીણ, તા. દ્રાસ, જીલ્લો કારગીલ, જમ્મુ અને કાશ્મીર
સંધ્યા સમયે ભારતીય આર્ટીલરીએ દુશ્મન ઠેકાણાઓ પર તોપમારાનો આરંભ કર્યો. આપણા તોપચીઓ નો અચૂક તોપમારો દુશ્મનને તેના બંકરની બહાર માથુ ઊંચકવા નહોતો દઈ રહ્યો. એ ખરેખર લાક્ષણિક દ્રશ્ય હતું.
મેજર અજીત વાજપેયી, “સાથીઓ, સામે આ જે પર્વત દેખાઈ રહ્યો છે તેની ટુકો પર પાકિસ્તાનીઓએ પોતાની મજબુત ચોકીઓ બનાવી લીધી છે. દુશ્મન પાસે ‘હાઈ ગ્રાઉન્ડ’ – ઊંચાઈનો ફાયદો છે. ઉપર જુઓ, આ જે શિખરમાળની રેખા દેખાઈ રહી છે, ત્યાં તેઓ બંદુકો ગોઠવી આપણી પર નજર રાખી રહ્યા છે. તેમની નિરીક્ષણ ચોકીઓ પરથી દુશ્મન આપણી પ્રત્યેક હિલચાલને સ્પષ્ટ પણે જોઈ રહ્યો છે. તે આપણા આપૂર્તિ દળને અને અતિરિક્ત સૈન્યનાં આવાગમનને પણ જોઈ શકે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે આપણે સંચાલન અને આક્રમણ રાતના અંધારામાં જ કરવાનાં રહેશે. પરંતુ, દુશ્મન દિવસનાં ભાગે આપણા આવવા-જવાની કેડીઓ અને પર્વતીય માર્ગને ચિન્હિત કરી, રાત પડે દેખ્યા વિના પણ, આપણી ઉપર ગોળીબારી અને તોપમારો કરી શકે તેમ છે.”
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ- 3, સંઘર્ષના બીજ : ત્રસિત સીમાડાઓની હાકલ પડી
સાંજ ઢળી અને રાત શરૂ થઈ.. ધીમે ધીમે અંધારું ઘેરું બન્યું, એટલે સૈનિકોએ ઉપર તરફ ચઢાણ આરંભ્યું. અગ્રીમ હરોળમાં સ્પેશ્યલ વેપન લઈને પર્વતારોહણ કરી રહેલા લાલજી અને અરુણને આદેશ હતો કે તેમની દૂરી દુશ્મન મોરચાની ચારસો મીટર નજીક પહોંચીને તેનાં પર ફ્લેમથ્રોઅર રોકેટો દાગી દેવા. રાતભરની ચડાઈ દરમિયાન સૈનિકોને આપણી બંદુકોના ગોળીબાર નો ધીમો ટેટ-ટેટ-ટેટ નો અવાજ સંભળાતો રહ્યો અને આપણા તોપખનાના ઝબકારા દેખાતા રહ્યા.
કટક લાસ્ટ રિયર એટ્લે કે પલટનની છેલ્લી ડીફેન્સીવ પોઝીશન પર પહોંચ્યું ત્યાં વહેલી સવારના લગભગ ચાર વાગ્યા હતાં. નવ-દસ કલાકની સીધાં ખડકાળ પર્વતની ચઢાઈએ સૈનિકો ને થાકીને લોથ કરી નાખ્યા હતા. પલટનની લાસ્ટ રિયર ચોકી જે ટેકરીની આડશે ઊભી કરવામાં આવી હતી તે પ્રમાણમાં સુરક્ષિત જગ્યા હતી. પણ જો સૈનિકો દિવસના ભાગે દુશ્મન તરફ જવાની કોશિશ પણ કરે તો તેમની સામેના પર્વત પરથી તેમની પર બાજ-નજર રાખી રહેલા દુશ્મનના તોપખાના નિરીક્ષકો4 અને અચૂક નિશાનેબાજો5 માટે આપણે સચોટ લક્ષ્ય બની જાત.
દુશ્મન તોપખાના 6 નાં અગન ગોળા 7 નો અવિરત વરસાદ ભલભલા કઠણ હ્રદયનાં વ્યક્તિનું કાળજું ક્ંપાવિ મૂકે તેવો ભયાવહ અનુભવ હતો. તમારી પાસે આડશ શોધી અથવા તમારાં સેંગરનાં પથ્થરો પાછળ હાથ રાખી જમીન સરસા થઈને પોતાના ઇષ્ટ ને પ્રાર્થના કરવા સિવાય તેનાથી બચવાનો કોઈ વિકલ્પ હોતો નથી. દુશ્મન નો તોપમારો કેટલીક સેકંડોથી લઈ ને મિનિટો સુધી સતત ચાલ્યા કરતો
મોસુઝણું થયું એટલે કેટલાક સૈનિકો એ ઘડીવાર આરામ કરી લેવાની કોશિશ કરી, જ્યારે અન્ય સૈનિકોએ પહેરો દીધો તથા સતર્ક અને જાગૃત રહેવા માટે સંઘર્ષ કરતાં રહ્યા. અરુણને ઊંઘ ન આવી, એટલે એ પહેરો દઈ રહેલાં સૈનિકો સાથે જોડાઈ ગયો. થોડીવારમાં સામે પારથી દુશ્મનની રોજીંદી અગ્નિવર્ષા શરુ થઇ ગઈ.
આ નગ્ન પર્વતો પર સંતાવા જેવી કોઈ જગ્યા નહોતી. ધોળે દિવસે છદ્માવરણનો8 તો સવાલ જ નહોતો. એટ્લે, દિવસનાં ભાગે તો એક ઇંચ પણ ઉપર તરફ ચડી શકાય તે શક્ય જ નહોતું. દિવસના ભાગે આલ્ફા અને બ્રાવો કંપનીઓએ લાસ્ટ રિયર ચોકી પર જ આશરો લીધો. થોડા કલાકનાં આરામ પછી તેમણે બચેલો દિવસ રાત્રિનાં આક્રમણ માટે પૂરતી તૈયારી કરવામાં વિતાવ્યો.
સાંજ પડતાં જ આપણી આર્ટીલરીએ લાસ્ટ રીયરથી અગ્રેષિત થઇ આક્રમણ કરવાં મુસ્તૈદ, મેજર વાજપેયીનાં દળને કવર ફાયર આપવા માટે તોપમારો શરૂ કર્યો. અગ્રીમ દળની સાથે ઉપર આવેલાં, આપણાં તોપખાના નિરીક્ષકો નીચે તોપચીઓને લક્ષ્યની સચોટ જગ્યા દર્શાવી રહ્યા હતાં. ગાંડીવધારી અર્જુન સમા ભારતીય તોપચીઓ દુશ્મન પર તોપગોળા વરસાવી રહ્યા હતા.
સુબદાર મંડલે સૈનિકોને એકત્ર કર્યા અને ધીમે અવાજે સંબોધ્યા, ‘સાથીઓ, લાલજી અને તેની સ્કાઉટ પાર્ટી (અગ્રીમ દળ) અહીંથી મોરચા સુધી આપણને સ્કાઉટ9 કરશે. જ્યાં સુધી મને ખબર છે, ત્યાં સુધી ઉપર, પહોંચ્યા પછી દુશ્મનનાં ગોળીબારથી બચવા આડશ નહીંવત છે, માત્ર અહીં-તહીં વિખેરાયેલા થોડા પથ્થરો જ છે.
લાસ્ટ રીયરથી દુશ્મન મોરચા સુધીની પગપાળા દૂરી બેથી ત્રણ કલાક હતી. ત્યાંથી આગળ બોરિયા-બિસ્તર અને વધારાનો સામાન લઇ જવાનું શક્ય નહોતું એટલે સૈનિકો કેવળ શસ્ત્રો અને દારૂગોળો લઈ ને આગળ વધ્યા. અગ્રિમ દળ, બેકઅપ દળ મોર્ટાર માટેનો દારૂગોળો ઉઠાવીને ઉપર લઈ જનાર સૈનિકો અને મશીનગનરો તેમના સાથીઓ માટે ગોળીઓની પેટીઓ ઉઠાવી ઉપર તરફ જઈ રહ્યા હતાં. ભારે વજની દારૂગોળો, મોર્ટાર અને અન્ય શસ્ત્રો તથા નિજી બંદુકો લઈને પર્વતારોહણ કરવું ચક્રવ્યૂહનાં સાત કોઠા વીંધવા સમાન હતું.
ખભા પર ફ્લેમથ્રોવરની ટ્યુબ અને હાથમાં રોકેટનું બોક્સ લઇને કંપનીની અગ્રીમ હરોળમાં ચાલી રહેલાં, લાલજી અને અરુણ તથા સ્કાઉટ દળનાં તેમનાં સાથીઓ જેવાં દુશ્મન મોરચાની ૪૦૦ મીટર જેટલે નજીક પહોંચ્યા કે આર્ટીલરી નિરીક્ષકો એ તોપમારો બંધ કરાવ્યો. આપણા સૈનિકો દુશ્મન મોરચાની નજીક હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણો તોપમારો બંધ રાખવો પડે. સામે તરફ, દુશ્મન પણ કંઈ તેનાં પોતાનાં બંકર કે મોરચા પર થોડો તોપમારો કરવાનો છે?
દુશ્મનથી કેવળ ૪૦૦ મીટર દૂર, એ ઝીરો પોઈન્ટ10 પર પહોંચીને મંડલે માથા ગણ્યા. બધા જ હાજર હતા. મેજર વાજપેયીનો ઈશારો થતાં સૈનિકોએ પોતપોતાની ઘડિયાળોમાં એકસરખો ટાઈમ સેટ કર્યો. મેજર વાજપેયીના આદેશ મુજબ હવાલદાર લાલજી સિપાઈ અને નાયક અરુણ કુમારે તેમનાં શસ્ત્ર ફ્લેમ થ્રોઅરને થોડીવારમાં દુશ્મન પર દાગી દેવાના હતા. લાલજીએ સચોટ લક્ષ્યભેદ થકી વધુ વિનાશ વેરી શકાય એ માટે મેજર સાબને અનુરોધ કર્યો.
લાલજી, “સાહેબ, ફિલ્ડ મેન્યુયલ પ્રમાણે મારાં શસ્ત્ર – ફ્લેમ થ્રોઅરની મહત્તમ રેન્જ ૪૦૦ મીટર છે પણ, એટલે દુરથી જો ગોળા બંકર સુધી નહીં પહોંચે તો આપણી બધી જ મહેનત નિષ્ફળ જશે. આપ, અમને દુશ્મન બંકરની ૧૦૦ મીટર જેટલાં નજીક પહોંચવાની પરવાનગી આપો.” વાજપેયી, “૧૦૦ મીટર બહુ વધારે નજીક થઈ જશે. તમે સામ-સામેના ગોળીબારમાં વચ્ચે સેન્ડવિચ બની જશો.” આ વખતે અરુણે જવાબ આપ્યો, “સાહેબ, હું અને લાલજી ડાબી તરફની ટૂક પરથી દુશ્મન બંકરના ખુલ્લા ભાગ પર ફાયર કરીશું. જ્યારે અગ્રિમ દળ સીધો હુમલો કરવાનું છે અને મશીન ગનર જમણી તરફથી.”
વાજપેયી, “ ઠીક છે, પણ ધ્યાન થી.”
પર્વત શિખરના પાછલા ઢાળ પર પથ્થરોની આડશો બનાવી પાકિસ્તાની સૈનિકોએ કિલ્લેબંધ બંકરો બનાવ્યા હતા. દુશ્મન સુરક્ષાત્મક પોઝીશનમાં તૈયાર હતો. આપણી પાસે સામી છાતીના આક્રમણ સિવાય કોઈ રસ્તો નહોતો. શિખર પાસે ની સપાટી ઘણી સાંકડી હતી, છતાં, ભારતીય કુમક દુશ્મન ગોળીબારની સચોટતા ને ઘટાડવા એક બીજાથી શક્ય તેટલું અંતર બનાવીને ફેલાઈ ગઈ. દુશ્મનોને હજી ભારતીય જવાનોના તેમનાથી આટલે નજીક હોવાનો અહેસાસ નહોતો. કંપની જમીન સરસી થઈ અને સૈનિકોએ દુશ્મન બંકરને તેમનાં શસ્ત્રોના નિશાને લીધું.
અરુણ અને લાલજી વાંકા વળીને બિલ્લીપગે લક્ષ્યના ડાબે પડખાની નજીક આવેલી ટૂક પર ચડ્યા. બંકરમાં સાવ ઝાંખું અજવાળું હતું. તે બંને અંધારામાં ઓગળી ગયેલા ઓળાની જેમ બંકરની અંદરના દુશ્મન માટે લગભગ અદ્રશ્ય હતાં પણ તેઓ અંદર રહેલાં દુશ્મનોને દેખી રહ્યા હતાં. બંકરના છીંડામાંથી બે મશીનગનના નાળચા બહાર ડોકાઈ રહ્યા હતાં, પણ તેને સંભાળી રહેલાં દુશ્મન સૈનિકો આપણે તેમને ઘેરો ઘાલી નિશાના પર લઇ ચૂક્યા હતાં તે હકીકતથી બેધ્યાન હતાં.
નક્કી થયેલા સમયે, મશીન ગનરો એ દુશ્મન બંકરને નિશાન બનાવી તેમની લાઈટ મશીન ગન વડે ગોળીબાર ખોલી નાખ્યો. એજ સમયે, લાલજી અને અરુણે બંકરના ખુલ્લા ભાગને નિશાન બનાવી પર ફ્લેમ થ્રોઅરના એક પછી એક બે રાઉન્ડ દાગી દીધાં. ગોળાઓ દુશ્મન બંકરના છીંડામાંથી અંદર ધસ્યા અને એક પછી એક ધમાકા સાથે ફાટયા. ગોળાની અંદર રહેલ નેપામ નામના અત્યંત જ્વલનશીલ રસાયણે અંદર તબાહી મચાવી દીધી. બંકરમાં હાજર તમામ દુશ્મનો અગનગોળામાં ફેરવાઈ ગયા.
એક સીટી વાગી અને આદેશ છૂટ્યો: ‘ગોળીબાર બંધ કરો. તમારું એમ્યુનીશન11 સાચવો. ૧૨ મહારના હુમલાની શરૂઆતમાં જ પાકિસ્તાનીઓનું એક મોટું બંકર નષ્ટ થઈ ગયું. આપણા અચાનક આક્રમણની વીસેક મિનીટ સુધી દુશ્મન તરફથી વળતો ગોળીબાર આવ્યો જ નહીં.
વાજપેયી, “સાથીઓ, ધ્યાન દો.”
પળવારમાં આખું કટક તેમનાં કંપની કમાંડરની સામે શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ ગયું.
વાજપેયીએ જમણી તરફ, દક્ષિણ-પૂર્વ દિશાએ ઈશારો કર્યો. ‘સામે જ્યાં ચાર ટુકો મળે છે તે જગ્યાએ દુશ્મનની એક મહત્વપૂર્ણ નિરીક્ષણ ચોકી સ્થિત છે. અત્યંત જરૂરી છે કે આપણે તેનાં પર કબજો મેળવી લઈએ. પંદર જેટલાં સૈનિકો જીતેલી ચોકીની સુરક્ષા માટે રોકાયા અને અને ૩૫ જેટલાં સૈનિકો વાજપેયીની અગુવાઈમાં વાંકીચુકી કેડીઓમાં થઇને લક્ષ્ય તરફ ત્વરાથી આંગળ ધપ્યા. સૈનિકોએ ‘હિન્દુસ્તાન કી જય’ બોલાવીને બાકીના નિરીક્ષણ ચોકી અને તેની પાસેનાં પાકિસ્તાની મોરચા પર પ્રબળ હુમલો કર્યો અને બે કલાકનાં સંઘર્ષને અંતે લક્ષ્ય પર વિજય મેળવ્યો.
ક્રમશઃ
(લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે. Twitter @mananbhattnavy)