scorecardresearch

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ- 3, સંઘર્ષના બીજ : ત્રસિત સીમાડાઓની હાકલ પડી

૨૦ મે ૧૯૯૯ – નૌગામ, જમ્મુ અને કાશ્મીર -આપણે આગળ જોઈ ગયા કે ૧૨ મહાર કાશ્મીર ખીણમાં નૌગામ સેક્ટરમાં આતંક વિરોધી કામગીરીમાં નિયુક્ત હતી. તેમને, બ્રિગેડ મુખ્યાલયમાંથી યુદ્ધ ક્ષેત્રે રવાના થવાનો તાકીદનો આદેશ મળ્યો. કર્નલ ચીમાએ એજ દિવસે સાંજે સમગ્ર પલટનને એકત્ર કરીને કૂચ કરવા માટે તૈયાર રહેવાનાં સ્પષ્ટ સૂચનો આપી દીધાં. કર્નલ ચીમા, “શસ્ત્રો […]

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ  કારગીલ- 3, સંઘર્ષના બીજ : ત્રસિત સીમાડાઓની હાકલ પડી
hindusthan na shaurya gatha, kargil war, ભારત પાકિસ્તાન કારગીલ યુદ્ધ ફાઇલ તસવીર

૨૦ મે ૧૯૯૯ – નૌગામ, જમ્મુ અને કાશ્મીર -આપણે આગળ જોઈ ગયા કે ૧૨ મહાર કાશ્મીર ખીણમાં નૌગામ સેક્ટરમાં આતંક વિરોધી કામગીરીમાં નિયુક્ત હતી. તેમને, બ્રિગેડ મુખ્યાલયમાંથી યુદ્ધ ક્ષેત્રે રવાના થવાનો તાકીદનો આદેશ મળ્યો. કર્નલ ચીમાએ એજ દિવસે સાંજે સમગ્ર પલટનને એકત્ર કરીને કૂચ કરવા માટે તૈયાર રહેવાનાં સ્પષ્ટ સૂચનો આપી દીધાં.

કર્નલ ચીમા, “શસ્ત્રો તેમજ ફસ્ટ લાઈન એમ્યુનીશન તૈયાર કરો, કેવળ ચાર કલાકની ટૂંકી સુચનામાં આપણે કારગીલ તરફ કૂચ કરવાની છે.”
મધ્યરાત્રીના સમયે ૧૨ મહારનો કાફલો સોનમર્ગ ટ્રાન્ઝીટ કેમ્પ પહોંચ્યો. રાષ્ટ્રીય રાજમાર્ગ-૧-અ પરની છેલ્લી શાંત જગ્યા સોનમર્ગ હતી. કારગીલ તરફ જઈ રહેલા સૈન્ય કાફલાઓ માટે ટ્રાન્ઝીટ કેમ્પ સોનમર્ગમાં લગાવાયેલો. યુદ્ધનાં એ દિવસોમાં શ્રીનગર વટાવ્યા પછી તો ચોતરફ કેવળ આર્મીના કેમોફલેજ યુનિફોર્મમાં સજ્જ માથા પર પટકા (કાળું કપડું) બાંધેલા ભારતીય જવાનો જ નજરે પડતા હતા.

આ વીરોને ત્રસિત સીમાઓ રક્ષણ કાજે હાકલ કરી રહી હતી

રાષ્ટ્રીય રાજમાર્ગ પર તો જ્યાં જુઓ ત્યાં બસ લીલી તાલપત્રી નાખેલા ભારતીય સેનાના મોટામસ શક્તિમાન ટ્રકો અને તેમાં સવાર એવા ભારતીય વીરો જ દ્રશ્યમાન હતાં. આ વીરોને ત્રસિત સીમાઓ રક્ષણ કાજે હાકલ કરી રહી હતી. કારગીલ તરફ કૂચ કરી રહેલા આર્મી યુનિટો બહુધા સોનમર્ગ ટ્રાન્ઝીટ કેમ્પમાં રાતવાસો કરીને જ આગળ ધપતા હતા.

જમ્મુ કાશ્મીર રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરથી ૮૭ કિલોમીટર દૂર ગંદેરબલ જીલ્લામાં ઝોજી-લાની તળેટીમાં આવેલું સોનમર્ગ પ્રકૃતિ પ્રેમીઓ, ટ્રેકર્સ, નૌકાવિહારના શોખીનો અને ફિલમવાળાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સોનમર્ગ એટલે જાણે પૃથ્વી પર ઉતરી આવેલું સ્વર્ગ. લીલાછમ પહાડો, ઝરણાંઓ, ખીણ કોતરોનો પ્રદેશ. શ્રીનગરથી કારગીલ તરફ જતાં રસ્તામાં ક્યાંય સુધી ઝરણાંનો કલકલ અવાજ હમસફરની જેમ સાથે જ રહ્યો. ક્યાંક કોતરોમાંથી વહેતું ઝરણું તો ક્યાંક રસ્તાની એક બાજુ ખળખળ વહેતી નદી.

અમુક પથ્થરો પાસે તો પોતાનું આખું અલાયદું જંગલ પણ હોય!

રાજમાર્ગની બંને તરફ ગગનચુંબી પહાડોમાં સામાન્યતઃ વ્યાપ્ત નીરવ શાંતિને ચીરતાં સૈન્ય હિલચાલનાં કોલાહલમાં એક અજબનું વાતાવરણ ઉભું થઇ રહ્યું હતું. દૂર-સુદૂર સુધી ફેલાયેલા ઊંચા પહાડો જોઈને એવું લાગે જાણે પથ્થરોએ એકઠા થઈને અલગ-અલગ આકારોમાં પોતાનું ઘર બનાવી દીધું હોય. અમુક પથ્થરો પાસે તો પોતાનું આખું અલાયદું જંગલ પણ હોય! ક્યાંક છૂટા છવાયા દેવદારના વૃક્ષો તો ક્યાંક ઘાસનું મેદાન.

સોનમર્ગ છાવણીમાં યુદ્ધક્ષેત્રે લડવા માટે જઈ રહેલા જવાનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સોનમર્ગના સ્વર્ગીય વાતાવરણમાં જવાનો તેમના પલટનના સાથીઓ સાથે તસવીરો પડાવી રહ્યા હતા. ચમનભાઈ બજાણીયાએ તેમના જીગરી દોસ્ત મુકેશ રાઠોડ સાથે ફોટો પડાવ્યો. તેમને ક્યાં ખબર હતી કે મુકેશ સાથે તેમનો આ અંતિમ ફોટો હતો!

જયશ્રી અને મુકેશ – સારસ બેલડી

સદાય હસતો અને ટુચકાઓ અને મિમિક્રીથી સમગ્ર પલટનને હળવીફૂલ રાખતો દિલથી અમદાવાદી ઝીંદાદીલ નાયક મુકેશ રાઠોડ હકીકતે એક ભારે મહેનતુ અને પરિવાર માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર, કૃતનિશ્ચયી યુવાન હતો. ગજબનો જુસ્સો હતો તેનામાં. એ તો જાણે પલટનની જાન હતો. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હસતો રહે અને સહુને હસાવતો રહે.હજુ તો ત્રણ મહિના પહેલાજ ઉત્તરાયણમાં મુકેશ રજા લઇ ઘરે અમદાવાદ ગયેલો.

મકર સંક્રાંતિની અગાઉની એક સમી સાંજે દશમનો ચન્દ્રમા ખીલ્યો હતો. ગુલાબી ઠંડીમાં મુકેશ અને તેની પત્ની જયશ્રી એ અગાશીની જમીન પર લંબાવી દીધું, તેમની પીઠ માં કોંક્રિટની ઠંડીગાર છત ની ચુભન અનુભવાઈ રહી હતી. પૂર્વથી પશ્ચિમ તરફ જતી અંધકારની લહેર એક લયમાં ખેંચાઈ ત્યાર પછી, એક-એક કરીને તારલાઓ દ્રશ્યમાન થવા લાગ્યા. જાણે મોતી જડેલી થાળી શણગારેલી હોય! ગાઢ અંધકાર વધુ ગાઢ થયો ત્યારે એ જોડું આકાશની વિશાળતા સામે ગુપચૂપ તાકી રહ્યું. જાણે બંને ને ચન્દ્રમા સાથે જૂની ઓળખાણ ન હોય!

મુકેશ અને તેની નજીક હતી તેની અર્ધાંગીની જયશ્રી, ઘડીભર બંનેની આંખો મીંચાઈ ગઈ

ઉપર આકાશમાં પોષ સુદ દશમનો ચન્દ્રમા ઊગ્યો હતો, પરંતુ તે એકલો નહોતો. ચન્દ્રમાની નજીક એક તારો હતો, તેનાં પછી સૌથી તેજસ્વી: શુક્રતારક. નીચે ધરતી પર દુનિયાની કોઈ એક છત પર મુકેશ અને તેની નજીક હતી તેની અર્ધાંગીની જયશ્રી. ઘડીભર બંનેની આંખો મીંચાઈ ગઈ. તેમણે ચંદ્રમાને આ પહેલા પણ હજારો વાર જોયો હતો. પરંતુ, કદાચ આટલી નવરાશ થી ક્યારેય નહીં. સમયની ડોર અહીં, ઘણી લાંબી થઇ ગઈ હતી. કાળે, કળા કરી અને સંજોગો એ પરવાનગી આપી કે આજેની સાંજનું આકાશ છત પરથી તાકતા રહો.

જયશ્રી માટે મુકેશ તેનો શુક્ર નહીં પરંતુ ધ્રુવતારક હતો: સદૈવ અચલ અને અડિગ. લાંબા સમય સુધી જયશ્રી તારાઓ થી ભરેલા આકાશમાં ધ્રુવને શોધતી રહી. પરંતુ, આજે તેને ધ્રુવ તારો મળ્યો જ નહીં. પછી, એ બેલડા એ એક ખરતો તારો જોયો. ઉપર આકાશે થી જાણે એક ચમકતું રત્ન કોઈ દેવતાનાં હાથની વીંટી માં થી ખરી પડ્યું હોય. તેમ, એ તારો લાંબા સમય સુધી આકાશમાં દ્રશ્યમાન રહી ક્ષિતિજ તરફ સરકીને ધરાતલ તરફ ગતિમાન થયો અને પછી અદ્રશ્ય થઇ ગયો.

તારાનાં ખરી જવાથી મુકેશનું મન વ્યથિત હતું. તેનું મનસ્ક જાણે એ ખરતાં તારા સાથે જોડાઈ ગયું હતું. તે જયશ્રીને પૂછી બેઠો, “શું ઈતિહાસનાં ગર્તમાં ધકેલાયેલા આ ખરી ગયેલાં નામહીન તારલાઓ ને કોઈ યાદ રાખશે ખરું?”

જયશ્રી પાસે મુકેશનાં આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો.

તેણે વાતાવરણ હળવું કરવા જયશ્રી એ મુકેશને ગાલે હળવી ટપલી મારી અને બંને ભેટી પડ્યા. જયશ્રી મુકેશનાં મજબુત હાથનું ઓશીકું બનાવીને વાદળ વિનાના તારલાઓથી ઝગમગ થતા આકાશ તરફ જોતાં, ક્યારે ઘસઘસાટ ઊંઘી ગઈ તેને પોતાને પણ ખબર ન રહી. આ વખતે મુકેશ ફરજ પર પાછાં જતાં પહેલાં પોતાનો એક અંશ જયશ્રી માં મુકતો ગયો.

૨૧ મે ૧૯૯૯

મધ્ય રાત્રીના એર રેઇડ વોર્નિંગ ની (હવાઈ હુમલાની ચેતવણી આપતી) સાયરન વાગી. પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાની વોર્નિંગ હતી. યુનિટનો સઘળો સરંજામ ટ્રકોમાં લાદેલો જ હતો. આખા યુનિટને નજીકના જંગલોમાં છદ્માવરણથી છુપાવાનો (કેમોફલેજ કન્સીલમેન્ટ) આદેશ મળ્યો. પ્રથમ રાત્રી અને બીજો દિવસ સોનમર્ગમાં વિતાવ્યા બાદ બીજી રાત્રીના અંધકારમાં ૧૨ મહાર બટાલિયન કારગીલ તરફ જવા રવાના થઇ.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-2, સંઘર્ષના બીજ : 12 મહાર પલટનનાં ગુજરાતી વીરો, “હથિયાર ફેંકી અમારે હવાલે થઈ જાવ”

૨૨ મે ૧૯૯૯

લાલ પથરાળ પર્વતો અને સુદૂર ઊંચી પર્વતીય ટૂકો પર શ્વેત બરફની ચાદર, કારગીલ જીલ્લાની ઓળખ છે. કાશ્મીરનાં પ્રખ્યાત શીયાળામાં, એટલે કે છ મહિનાના શીતયુગ દરમિયાન કારગીલ, દ્રાસ અને આસપાસના ગામ ઉજ્જડ અને ગુમસુમ થઈ જાય છે. ઉનાળામાં જેવો બરફ પીગળવા માંડે અને ઝોજી-લા આવાજાહી માટે ખુલી જાય એટલે બરફની ચાદર ઓઢીને પોઢી ગયેલા આ ગામો ગહન શીતનિદ્રામાંથી જાગીને પાછા જીવંત ભાસે છે. શ્રીનગરથી વાયા ઝોજી-લા, લેહ તરફ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ સમુદ્ર સપાટીથી 3500 મીટર ઊંચાઈએ આવેલો એકમાર્ગી રસ્તો છે.

યુદ્ધની શરૂઆત તો આ ગામે જોઈ. પછી સેનાએ તરત ગામ ખાલી કરાવ્યું

દ્રાસ તરફ જતાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર અને લાઈન ઓફ કંટ્રોલ (નિયંત્રણ રેખા)ના પહાડોની વચ્ચે પનદ્રાસ નામનું એક ગામ આવેલું છે. પનદ્રાસ ગામ ટાઇગર હિલથી તદ્દન નજીક છે. ગામલોકો ભારતીય સેનાને શસ્ત્ર-સરંજામનાં પરિવહનમાં મદદ કરી રહ્યા હતાં. તેમણે સેનાને ટાઇગર હિલ સુધી પહોંચવાના ટુંકા રસ્તાઓથી પણ માહિતગાર કર્યા. યુદ્ધની શરૂઆત તો આ ગામે જોઈ. પછી સેનાએ તરત ગામ ખાલી કરાવ્યું. પાકિસ્તાનીઓનાં અંતહીન તોપમારાએ પનદ્રાસમાં ભયાવહ વિનાશ વેર્યો. પાળેલા જાનવરો ખતમ થઇ ગયા. વરસનો એક માત્ર પાક લેવાની સીઝનમાં જ યુદ્ધ થયું અને સઘળો પાક પણ નષ્ટ થઈ ગયો.

આ ગામની ઠીક ઉપરનાં પર્વત પર પાકિસ્તાની સૈનિકો ઘુસણખોરોના છદ્મ વેશે ઘુસી આવ્યા અને ગામ પર બોમ્બમારો શરૂ કરી દીધો. તે જ સમયે રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી સેનાના કાફલાઓ પસાર થઈ રહ્યા હતા અને શસ્ત્રસજ્જ ભારતીય સૈનિકોના જથ્થા નિયંત્રણ રેખા તરફ પ્રયાણ કરી રહ્યા હતા. સેનાએ તેમના ટ્રકોમાં બેસાડીને ગામલોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા. યુદ્ધ સમયે, પનદ્રાસના મોટાભાગના લોકોને જંસ્કાર નદીના કિનારે એક બૌદ્ધ મઠની પાસેના મેદાનોમાં આશરો મળ્યો.

સંકટ સમયની સાંકળ સમા ભારતીય સૈનિકોને ભરોસે જ ગામલોકો અહીં ટકી શક્યા

પાકિસ્તાન બન્યું તેની સદીઓ પહેલાંથી પેઢી દર પેઢી, કારગીલની આસપાસનાં ગામ લોકો અહીં હિમાલયના આ પર્વતોની છાયામાં વસવાટ કરી રહ્યા છે. ભારતીય સેના ગામલોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં તેમજ કુદરતી આપત્તિઓ વખતે હંમેશાં તેમની પડખે ઉભી રહી છે. દેશ આઝાદ થયો ત્યારથી તો સંકટ સમયની સાંકળ સમા ભારતીય સૈનિકોને ભરોસે જ ગામલોકો અહીં ટકી શક્યા છે. નિયંત્રણ રેખા પર આવા કેટલાય ગામ આવેલા છે. આ તો ફક્ત એક ગામની વાત થઈ.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ યુધ્ધ ભાગ – 1 સંઘર્ષના બીજ, દુશ્મન બંકરોની મજબૂતી સામે ભારતીય ઇન્ફેન્ટ્રીના હુમલાઓ નિષ્ફળ રહ્યા અને છેવટે…

પાકિસ્તાનના ગિલગીટ-સ્કર્દુથી લેહ તરફ જતો સિંધુ ખીણનો માર્ગ બારેમાસ આવાજાહી માટે ખુલ્લો રહે છે, જેનો પાકિસ્તાની સેના શિયાળા દરમિયાન પણ ઉપયોગ કરી શકે છે. ઉનાળાના ઠંડા દિવસો તેમજ ઠંડીગાર રાત્રીઓ જ્યારે માઈનસ ૪૮ ડીગ્રી તાપમાનવાળો લાંબો હેમાળો – એ આ પ્રદેશની વિશેષતા છે. એક સમયે દ્રાસ વિશ્વનું સૌથી ઠંડુ ક્ષેત્ર હતું. ઊંચા પહાડોથી પીગળતો બરફ ઉનાળામાં જંસ્કાર નદી બનીને વહે છે. થોડે આગળ આ નદી સિંધુમા ભળી જાય છે. થોડા કિમી બાદ સિંધુ પાકિસ્તાનમાં પ્રવેશી જાય છે.

કારગીલ તિબેટીયન ભાષામાં ‘ગારગીલ’ એટલે કે ‘ચાર રસ્તા’ તરીકે ઓળખાય

કારગીલ, હિમાલયની પર્વતમાળાઓની વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વની એવી છાર ખીણોનું પ્રવેશદ્વાર છે. સ્કર્દુ અને લેહ તથા કાશ્ગર અને શ્રીનગરની વચ્ચોવચ્ચ સ્થિત કારગીલ તિબેટીયન ભાષામાં ‘ગારગીલ’ એટલે કે ‘ચાર રસ્તા’ તરીકે ઓળખાય છે. વેપારીઓના કાફલાઓ પશ્મીના, મીઠું અને અલભ્ય કિંમતી પથ્થરો લઈ તિબેટથી કારાકોરમ ઘાટ વટાવી લેહથી વાયા કારગીલ, દ્રાસના માર્ગેથી પસાર થતા અને પછી ઝોજી-લા વટાવી શ્રીનગર પહોંચતા. ગ્રેટ હિમાલયન પર્વતમાળામાં પ્રવેશ કરવાનો એક માત્ર રસ્તો એટલે ઝોજી-લા પાસ જે કાશ્મીર ખીણને લદ્દાખના પઠારથી અલગ પાડે છે. દર વર્ષે શિયાળાના છ મહિના ઝોજી-લા બરફથી ઢંકાયેલો રહે છે; એટલે કારગીલ અને લદ્દાખના બાકીના હિસ્સાનો જમીનમાર્ગે સંપર્ક, શીયાળા દરમિયાન કાશ્મીરથી કપાઈ જાય છે. (ક્રમશઃ)

Web Title: Kargil war 3 hindustan saurya gatha sangarsh bij there was a call for troubled borders

Best of Express