(હિન્દુસ્તાનની શૌર્ય ગાથા ભાગ-2 ) : ૧૯૯૮નો સપ્ટેમ્બર મહિનો – નૌગામ, જમ્મુ-કાશ્મીર – કારગીલ યુદ્ધના સાત મહિના પહેલાંની વાત છે. મહાર રેજીમેન્ટની ૧૨મી બટાલિયન, કાશ્મીરના નૌગામ ખાતે આતંકવાદ વિરોધી ઓપરેશન્સ માટે રીઝર્વ બટાલિયન તરીકે નિયુક્ત હતી. ૧૨ મહાર બટાલિયન મુખ્યત્વે મિક્સ પલટન હતી. તેમાં બે કંપની ગુજરાતી અને બે કંપની ઓડીશાનાં જવાનોની હતી. દેશનાં પશ્ચિમ ખૂણાનું રાજ્ય, ગુજરાત અને પૂર્વ ખૂણાનું રાજ્ય, ઓડીશા, આમ જોઈએ તો બંને રાજ્યો વચ્ચે ખાન-પાન, ભાષા અને રહેણીકરણીમાં જમીન-આસમાનનું અંતર. છતાં પણ, બે સુદૂરના રાજ્યોના સૈનિકો વચ્ચેનું બંધન અદભુત હતું. ગુજરાતી સૈનિકો ઉડીયા ભાષા અને ઓડિયા સૈનિકો ગુજરાતી મહદઅંશે સમજવા અને ભાંગ્યું તૂટ્યું બોલવા પણ લાગ્યા હતાં. વ્યવહારમાં પ્રમાણિકતા, દોસ્તી, હસીં-મજાક, સતત વાતચીત અને ભારતીયતાની મૂળભૂત ભાવનાએ આ બે રાજ્યોનાં જવાનોને એકબીજામાં પરિવારની ઝલક જોતાં કર્યા હતાં.
સેનાની ઇન્ફેન્ટ્રી પલટનોમાં સૈનિકોની વ્યક્તિગત બદલી થતી નથી. સમગ્ર બટાલિયન સમયાંતરે નવાં બદલીનાં સ્થળે સ્થાનાંતર કરે. તમે એકવાર એક બટાલિયનમાં જોડાયા એટલે સૈન્ય સેવા પર્યંત તેજ તમારો પરિવાર. લાંબા સમય સુધી એક સમાન જોખમો અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરવાને લીધે, માનવસહજ વૃત્તિથી ભાઈચારો ઉદભવે જે આ સૈનિકોને એકબીજા સાથે બાંધી રાખે છે. સૈન્ય મોરચે થતી જાનમાલની ખુવારી જેણે જોઈ નથી તે વ્યક્તિ કદાચ ક્યારેય પલટનનાં આંતરિક તાણાવાણાને સમજી શકે નહીં.
સૈનિકો એક-બીજાની મદદ કરવા હંમેશા તત્પર રહેતાં. સાજા-માંદા થયે સાથીઓની કાળજી રાખતાં. પલટનમાં સાથી સૈનિકો વચ્ચે કેવળ વ્યવસાયી વ્યવહારથી કશું વિશેષ હતું, વ્યક્તિગત સબંધો હતાં. તેઓ માત્ર એટલે નહોતાં લડતાં કે દેશની સુરક્ષા તેમને શિરે હતી. તેઓ લડતાં હતાં તેમનાં મિત્રોને બચાવવા માટે. હવાલદાર ચમનભાઈ બજાણીયા કહે છે, “અમે એટલે લડ્યા કેમકે દુશ્મન અમારા સાથીઓ પર ગોળીઓ વરસાવી રહ્યો હતો. અમે મિત્રોને બચાવવા માટે લડ્યા, અને તણાવની આ ક્ષણોમાં તેમજ કંટાળાના કેટલાક કલાકો દરમિયાન અમારી વચ્ચેની મિત્રતા મજબુત બની. અમારી દોસ્તીમાં રેન્ક અને હોદ્દા અપ્રસ્તુત હતાં.”
ગુરુવાર, ૦૭ સપ્ટેમ્બર ૧૯૯૮ – નૌગામ, જમ્મુ-કાશ્મીર
કર્નલ એપીએસ ચીમાને આતંકીઓ ની હાજરનીની ગુપ્તચર સુચના મળી. કર્નલે છાવણીમાં મૌજુદ સાથીઓની ત્વરિત મીટીંગ બોલાવી. કર્નલ એપીએસ ચીમા એટલે ૧૨ મહાર બટાલિયનનાં કમાન અધિકારી. ચહેરા પર કરડાકી પણ અંદરથી નાળીયેર જેવાં નરમ, ઇસ્ત્રીટાઇટ સૈન્ય ગણવેશ પહેરીને ટટ્ટાર ઉભા હોય જાણે મજબુત અને સીધી ચટ્ટાન જોઈ લો. કર્નલે ત્યાં ઉપસ્થિત અધિકારીઓ, જુનિયર કમીશંડ અધિકારીઓ તથા જવાનો તરફ સરસરી નજર ફેરવી અને બોલવાનું શરુ કર્યું.
કર્નલ: “સાથીઓ, નજીકના એક ગામમાં દસેક આતંકવાદીઓ આવીને રોકાયા છે. તેઓ આજની રાત અહીં જ ગાળશે અને આવતી કાલે કંઇક મોટું મિશન પાર પાડવાના છે. કર્નલ ચીમા: “આ માહિતી સચોટ અને સંવેદનશીલ છે. આટલી મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો જમાવડો કોઈ મોટા ત્રાસવાદી મિશન તરફ ધ્યાન દોરી રહ્યો છે.” કર્નલ ચીમાનાં શબ્દોમાં તેમનાં જવાનો પરનો તેમનો વિશ્વાસ છલકતો હતો. જવાનો પણ સમજી રહ્યા હતાં કે ભારતીય સેનાનો ગણવેશ પહેરનાર સૌથી પ્રતિષ્ઠિત દળોમાંનાં એકનાં તેઓ સભ્ય હતાં. પલટનનાં અન્ય અધિકારીઓ અને જેસીઓ સાથે સતત સંપર્કમાં રહી ચર્ચાઓ કરતાં રહેવી, કમાન અધિકારીનો સ્વભાવ હતો. એટલું તો ચોક્કસ છે કે, પલટનનાં આ પ્રદર્શન પાછળ પ્રત્યેક સભ્યનું ઉચિત યોગદાન હતું. પરંતુ, બટાલિયનનાં કમાન અધિકારી કર્નલ ચીમાનાં કુશળ નેતૃત્વનો તેમાં સિંહ ફાળો હતો.
બટાલિયનની આલ્ફા, બ્રાવો, ચાર્લી અને ડેલ્ટા ચારેય કંપનીઓ બારામુલા-નૌગામ સેક્ટરમાં સંચાલન કરી રહી હતી
આસપાસનાં ગામોમાં આતંકીઓથી ત્રસિત સ્થાનિકો આતંકીઓની હાજરીની જાણ તુરંત સેનાને કરી દેતા. આમ તો સૈન્યનું કામ શાંતિની જાળવણીનું છે, પરંતુ, સેનાએ લડવા માટે હર-હંમેશ તૈયાર રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે શાંતિના સમયમાં સૈન્ય માટે લડાયક તૈયારીની ઉચ્ચ સ્થિતિ જાળવી રાખવી ક્યારેક મુશ્કેલ હોય છે. તેમ છતાં, ૧૨ મહાર બટાલીયન આતંક વિરોધી કાર્યવાહી અને પરંપરાગત યુદ્ધની તાલીમ આ બંને ક્ષેત્રે શ્રેષ્ઠતમ કાર્યવાહી કરી રહી હતી.
બટાલિયનની આલ્ફા, બ્રાવો, ચાર્લી અને ડેલ્ટા ચારેય કંપનીઓ બારામુલા-નૌગામ સેક્ટરમાં સંચાલન કરી રહી હતી. નૌગામ ખાતે છાવણીમાં કેવળ મુખ્યાલય કંપની અને તેમના સપોર્ટમાં ચારેય કંપનીઓના મુઠ્ઠીભર જવાનો મૌજુદ હતા. પલટનનાં મોટાભાગનાં સભ્યો જ્યારે અન્ય ફરજ પર હોય અને બચેલા સૈનિકોનાં શિરે જ્યારે એક મહત્વનાં ઓપરેશનની જવાબદારી આવે ત્યારે તેમની તાલીમ અને તૈયારીની ખરેખરી પરીક્ષા થતી હોય છે.
સ્વામીનાથન સમગ્ર ઓપરેશનની અગુવાઈ લેવાનાં હતાં
પલટનનાં સેકંડ ઇન કમાંડ લેફ્ટનન્ટ કર્નલ રવી સ્વામીનાથનને સાંજે ૧૮૦૦ કલાકે, કર્નલ ચીમાની ઉપસ્થિતિમાં હેડક્વાર્ટર કંપની અને ત્વરિત પ્રતિક્રિયા દળ (કયુ.આર.ટી) ને મિશન માટે સંક્ષિપ્તમાં માહિતગાર કર્યા. ત્વરિત પ્રતિક્રિયા દળને રાત્રીની આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો. સ્વામીનાથન સમગ્ર ઓપરેશનની અગુવાઈ લેવાનાં હતાં.
પલટનમાં લેફ્ટનન્ટ કર્નલ સ્વામીનાથન ચીફ ઓફ સ્ટાફની જેમ ફરજ બજાવતા. તેમની ઉપસ્થિતિ કમાન અધકારીને સક્ષમતાથી પલટનનું વ્યૂહાત્મક સંચાલન આગળ વધારવામાં આઝાદી આપતી. બટાલિયનનાં વ્યવસ્થાતંત્રમાં, સ્વામીનાથન સામાન્યતઃ આતંક વિરોધી કાર્યવાહીની વ્યૂહાત્મક દેખરેખ કરતાં, બટાલિયન કમાન્ડ રેડિયો પર દેખરેખ રાખતાં અને બ્રિગેડ મુખ્યાલય અને આજુ-બાજુનાં સૈન્ય અને અર્ધ-સૈનિક બળોની સાથે સંકલનનું મહત્વનું કાર્ય સંભાળતા. સતત આવતી માહિતીઓ અને પૂછપરછ નો જવાબ આપવાનું અને ઉચ્ચ પ્રાધિકરણ સાથ સંપર્કમાં રહેવાનું ખુબ જરૂરી પણ હતું. અધિકારી તરીકે સ્વામીનાથન, સીધા અને નિખાલસ સ્વભાવના હતાં. પલટનમાં કોઈ પણ સાથીને નીજી મુશ્કેલી હોય કે પછી વ્યુહાત્મક મૂંઝવણ ભરી પરિસ્થિતિ નું નિર્માણ થાય તો પણ આંખ આડા કાન કર્યા વગર તે દરેક સમસ્યાનું સમાધાન લાવતાં.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ આપણે જે પ્રકારના અપ્રગટ યુદ્ધમાં સામેલ હતા
જેમ-જેમ પલટન આતંક વિરોધી કાર્યવાહીઓ કરતી રહી, જવાનો તેમાં વધુ નિપુણ બનતા ગયા. આ દરમિયાન પલટનનાં યુવા અધિકારીઓ એ પણ સમજ્યા કે આતંક વિરોધી દસ્તામાં શ્રેષ્ઠ વ્યક્તિઓ અથવા શ્રેષ્ઠ સૈનિકોની હાજરી કરતાં વધુ જરૂરી છે, એ સૈનિકોની ઉપસ્થિતિ કે જેઓ હાથમાં લીધાં કામને છેલ્લે સુધી લઇ જઈ પૂરું કરવાનો દમખમ ધરાવે છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ આપણે જે પ્રકારના અપ્રગટ યુદ્ધમાં સામેલ હતા, તેમાં સૈનિકોમાં ધીરજ અને ટકી રહેવાની વૃત્તિ હોવી જરૂરી હતી. સાથે, સંકટ અને મુશ્કેલીઓ સામે ઝુક્યા વિના તેને સ્વીકારીને આગળ વધી જવાની ક્ષમતા પણ આવશ્યક હતી.
લેફ્ટનન્ટ કર્નલ રવિ સ્વામીનાથન, નાયબ સુબેદાર ત્રિપુરારીસિંહ, હવાલદાર ચમનભાઈ બજાણીયા અને અન્ય સૈનિકોનાં દળે રાત્રે નવ વાગ્યે કૂચ કરી. લાંબા-ઊંચા હવાલદાર ચમનભાઈ બજાણીયાની ખાસિયત તેનો સાંકડો ચહેરો અને ટૂંકા કાપેલા કાળા વાળ હતા. પાતળો બાંધો અને મજબુત શરીર ધરાવતાં ચમનભાઈ આતંકવાદ વિરોધી દસ્તાની અગ્રીમ હરોળની દોરવણી કરી રહ્યા હતાં. જ્યાં આતંકીઓ છુપાયાની માહિતી મળી હતી તે ગામને સૈનિકોએ ચોતરફથી ઘેરી લીધું. જેથી ત્રાસવાદીઓ નાસી ન શકે. તેમનું લક્ષ્ય હતું – એક મકાન, જેમાં દસ ત્રાસવાદીઓ છુપાયાની પાક્કી બાતમી હતી.
“હથિયાર ફેંકી અમારે હવાલે થઈ જાવ”
જવાનોએ મકાનને ઘેરો ઘાલ્યો અને ત્રાસવાદીઓને ચીમકી આપી. “હથિયાર ફેંકી અમારે હવાલે થઈ જાવ.” આતંકવાદીઓએ સેના પર ફાયરીંગ ખોલી નાખ્યું. જવાનોએ બમણી તીવ્રતાથી વળતો જવાબ આપ્યો. સામ-સામેનાં ફાયરીંગથી બચીને ત્રણ ત્રાસવાદીઓએ મકાનમાંથી ભાગવાની પેરવી કરી. તેમાંથી બે તો ત્યાં જ ઠાર મરાયા. ત્રીજા ઘાયલ ત્રાસવાદીને એક સૈનિકોએ જીવતો પકડી લે. કર્નલ સ્વામીનાથન સમક્ષ રજુ કર્યો.
સ્થળ પર ઉલટતપાસમાં તેણે કબુલ્યું કે મકાનમાં એકે-૪૭ રાયફલો, પીસ્ટલો અને હેન્ડ-ગ્રેનેડોથી સુસજ્જ કુલ દસ ત્રાસવાદીઓ છુપાયા હતા. ત્રાસવાદીએ તેમની પાસે ત્રણ લાખ રૂપિયા જેટલું ભારતીય ચલણ હોવાનું પણ કબુલ્યું. અમને મળેલી પૂર્વ બાતમીની ખરાઈ થઈ. ત્રાસવાદીઓના ખાત્માનું ઓપરેશન સવારના સાત વાગ્યા સુધી ચાલ્યું.
બે દશકનાં સૈન્ય અનુભવ ધરાવતાં નાયબ સુબેદાર ત્રિપુરારી સિંહ દૃઢપણે માનતા હતાં કે તમે દુશ્મન સાથે નિર્ણાયક અથડામણ કર્યા વિના પણ તેનો ખાત્મો કરી શકો. તેઓ આતંક વિરોધી કાર્યવાહીઓમાં નાની ટોહ ટુકડીઓ બનાવી આતંકીઓને તેમની જ ચાલમાં ફસાવી ઠંડે કલેજે તે કામગીરી પૂરી કરતાં. નાયબ સુબેદાર ત્રિપુરારી સિંહની સૈન્ય ફિલસુફી ખુબ સરળ હતી. આતંક વિરોધી દસ્તાનાં પ્રત્યેક જવાનમાં તે કેવળ જીવતાં રહેવાનું ઝનુન પેદા કરવામાં માનતા હતાં. સુબેદાર સિંહે જવાનો ને અમેરિકી જનરલ જ્યોર્જ પેટનનું સૂત્ર અપનાવી લેવાનું કહ્યું. જનરલ પેટને કહ્યું હતું, “તમે તમારા દેશ માટે મરવા માટે લડતા નથી, તમે લડો છો કે તમારો વિરોધી તેના દેશ માટે લડી ને મરી જાય.”
સવારે સાત વાગ્યે અધિકારીનો આદેશ મળતાવેંત જવાનોએ રોકેટ લોન્ચર વડે આખું મકાન જ ઉડાવી દીધું. સાત ત્રાસવાદીઓનો ત્યાં જ ખાત્મો કર્યો. ત્રણ આતંકવાદી ભાગી છૂટ્યા. અમે તેમનો પીછો કર્યો. નજીકના એક નાળામાં છુપાયેલા બે ત્રાસવાદી પલટનનાં એક શેરપા જવાનની નજરમાં આવી ગયા અને મરાયા. એક ત્રાસવાદી બચી નીકળ્યો. સવારે બ્રિગેડ મુખ્યાલયમાં નવ ત્રાસવાદીઓની લાશો, તેમની પાસેથી મળેલાં શસ્ત્રો, ડાયનેમાઈટ અને રૂ. ત્રણ લાખ રોકડા પ્રદર્શિત થયા.
બદનસીબે આ સામ-સામેની ગોળીબારીમાં વીરતા પૂર્વક લડતાં
છેલ્લા એક બચેલા ત્રાસવાદીનો આતંક વિરોધી દસ્તાએ ત્રણ દિવસ અને બે રાત્રી સુધી લગાતાર પીછો કર્યો. અંતે તે એક મકાઈના ખેતરમાં છુપાયો. તેને ઘેરી લઈ સૈનિકોએ ગોળીબારી શરુ કરી. બદનસીબે આ સામ-સામેની ગોળીબારીમાં વીરતા પૂર્વક લડતાં, સામી છાતીએ ગોળી ઝીલીને સિગ્નલ્સના જુનીયર કમીશન્ડ ઓફિસર નાયબ સુબેદાર ત્રિપુરારી સિંહ વીરગતિને પામ્યા. અથડામણના અંતે, બચેલો ત્રાસવાદી ઠાર મરાયો. દેશે નાયબ સુબેદાર ત્રિપુરારી સિંહને ત્રાસવાદીઓ વિરુદ્ધનાં ઓપરેશનમાં તેમની અસીમ બહાદુરીને માટે વીરતા પદક – શૌર્ય ચક્ર (મરણોપરાંત) એનાયત કર્યો.
આ બનાવ બન્યો તેની આસપાસનાં અરસામાં જનરલ મુશર્રફ આપણી જાણ બહાર કારગીલમાં પણ ઘૂસણખોરી કરાવી રહ્યો હતો. જેવામાં આવ્યું છે કે, સામાન્યતઃ જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓનાં નાના દળોને મોકલી આતંકી પ્રવૃતિઓ કરાવવામાં આવતી હોય છે. પાકિસ્તાને નૌગામમાં રાષ્ટ્રીય રાજમાર્ગ નં-૧ પર આવેલા એ પુલને ઉડાવી મુકવા એક સાથે દસ આતંકવાદીઓ મોકલવાનું દુસ્સાહસ કર્યું. તેમનો મનસુબો સ્પષ્ટ હતો, ‘યેનકેન પ્રકારે લેહ-લદ્દાખને કાશ્મીર ખીણથી અલગ પાડી દો.’ મુશર્રફની મુરાદ આ વખતે તો ૧૨ મહાર નાં વીરો એ બર આવવા ન દીધી. (ક્રમશઃ)
નોંધ: વાચક મિત્રો, દર રવિવારે ઇન્ડીયન એક્સપ્રેસનાં વાચકો માટે કારગીલ યુદ્ધમાં ભારતીય નૌસેનાની કાર્યવાહીનો હિસ્સો રહેલાં પેટ્ટી ઓફિસર મનન ભટ્ટની કલમે “શૌર્યગાથા હિન્દુસ્તાનની” નામે ખાસ કટાર શરુ કરવામાં આવી છે. આ કટારની શરૂઆત કારગીલ યુદ્ધ પર એક લેખમાળાથી કરવામાં આવી છે. નૌસેનાના નિવૃત્ત અધિકારીના શબ્દોમાં ‘કારગીલ યુદ્ધ’ લેખમાળા શરૂ કરવામાં આવી છે જેમાં યુદ્ધનાં મુખ્ય સંઘર્ષોનાં વર્ણનની સાથે ગુજરાતી જવાનોનાં યુદ્ધક્ષેત્રના પરાક્રમોથી વાંચકોને અવગત કરાશે.