Kargil War: વર્ષ ૧૯૪૭માં આઝાદી સાથે-સાથે “દ્વિ રાષ્ટ્ર” પધ્ધતીથી દેશના ભાગલા પડ્યા. એક તરફ ભારત તો સામે પક્ષે ઈસ્ટ અને વેસ્ટ પાકિસ્તાન રચાયું. દેશના પ્રથમ ગૃહપ્રધાન, સરદાર વલ્લભભાઈ પટેલ જ્યાં એકતરફ તેમની વ્યુહાત્મક કુશળતાથી એક પછી એક રજવાડાઓને મોતીની જેમ ભારતના મણકામાં પરોવતા જઈ રહ્યા હતા. આ તરફ, કાશ્મીર, હૈદરાબાદ, ત્રાવણકોર અને જુનાગઢ આ ચાર રજવાડાઓ ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ માટે તૈયાર નહોતા.
કાશ્મીરના તત્કાલીન ડોગરા રાજા હરીસિંહે દૂધ-દહીંમાં પગ રાખ્યો હતો. ભારત સંઘ રાજ્યમાં કાશ્મીરના વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા તેઓ આનાકાની કરી રહ્યા હતા. સરદાર યેનકેન પ્રકારે કાશ્મીરનાં યક્ષ પ્રશ્નનો ઉકેલનો ઉકેલ લાવવા માગતા હતાં. સામે પક્ષે મહંમદઅલી જિન્હાનો ડોળો કાશ્મીર પર હતો. કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે અઘોષિત લડાઈ ચાલી રહી હતી. પાકિસ્તાન ભારતમાં ઘુસણખોરી કરાવી રહ્યું હતું. કાશ્મીર ખીણ અને જમ્મુ સુધી અશાંતિ ફેલાયેલી હતી.
ઓક્ટોબર ૧૯૪૭નાં શરૂઆતના દિવસો હતા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને એક ગુપ્ત સંદેશ મળ્યો જેમાં પાકિસ્તાનની એક ગહેરી સાજીશનો ઉલ્લેખ હતો. જેની અંતર્ગત શસ્ત્રસજ્જ ક્બાયલીઓનું લશ્કર પાકિસ્તાની સરકારનાં સૈન્ય-તંત્રની મદદથી પાક-કાશ્મીર બોર્ડર પર જમા થઇ રહ્યું હતું. ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી હતી.
જિન્હાએ કાશ્મીરના રાજાની અનિર્ણાયકતાનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું અને ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કબાયલી લુંટારાઓ અને પાકિસ્તાની સેનાના સૈનિકો મળીને બનેલા લશ્કરે કાશ્મીર પર ચડાઈ કરી દીધી. આફ્રીદી, મહસૂદ, વઝીર, સ્વાથી આ ત્રણ કબીલાઓના અસંખ્ય શસ્ત્રસજ્જ કબાયલીઓ અને સાદાવેશમાં સજ્જ પાકિસ્તાન આર્મીના રેગ્યુલર તાલીમબદ્ધ સૈનિકોએ કાશ્મીર ખીણમાં પ્રવેશ કર્યો. ઈરાદો હતો, લુંટમાર બળાત્કાર, કત્લેઆમ અને કાશ્મીર ખીણ પર કબજો. ભારતના મુકુટ કાશ્મીર પર આક્રમણ થઇ ચૂક્યું હતું. ટૂંક સમયમાં જ પાકિસ્તાની લશ્કર કત્લેઆમ અને લૂંટફાટ મચાવતું શ્રીનગરના પાદરે હતું. સંઘર્ષના બીજ રોપાઈ ચૂક્યા હતા.
મહારાજા હરિસિંહની હાલત જોવા જેવી થઇ અને તેમણે ભારત પાસે સૈન્ય મદદ માટે ગુહાર લગાવી. સરદાર પટેલે જવાબ આપ્યો, “જ્યાં સુધી તમે વિલીનીકરણના દસ્તાવેજ પર સહી ન કરો ત્યાં સુધી અમે તમને લશ્કરી મદદ ન કરી શકીએ.” રાજા હરીસિંહ કબાયલીઓ એ કાશ્મીરમાં ચલાવેલી કત્લેઆમ નિહાળ્યા બાદ ઝુક્યા અને કાશ્મીરને ભારતનું અંગ બનાવવાનું સ્વીકાર્યું. પરંતુ ત્યાં સુધીમાં પાકિસ્તાન ગીલગીટ-બાલ્ટીસ્તાન પ્રદેશ સહીત અડધા કાશ્મીર પર કબજો જમાવી ચુક્યું હતું. સેનાને કાશ્મીર તરફ કૂચ કરવા આદેશ મળ્યો અને સેનાની પ્રથમ ટુકડીઓ અને શસ્ત્રો વિમાન માર્ગે દિલ્હીથી શ્રીનગર જવા રવાના થયા. ભારતીય સૈનિકોએ ઘુસણખોરો વિરુદ્ધ લોહીયાળ સંઘર્ષ આરંભ્યો અને તેને પાછા ખદેડવાના શરુ કર્યા.
વર્ષ ૧૯૪૮ – કારગીલની પ્રથમ લડાઈ
૧૪ ઓગસ્ટ ૧૯૪૮, જયારે સમગ્ર દેશ ભારતીય સ્વાતંત્ર્યના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત હતો, ત્યારે ભારતીય સેના કાશ્મીરને બચાવવા જીવ સટોસટની લડાઈ લડી રહી હતી. વ્યૂહરચનાની દ્રષ્ટીએ અત્યંત મહત્વનો ઝોજી-લા પાસ પાકિસ્તાનના કબ્જામાં આવી જતાં લેહનો ભારત સાથેનો એક માત્ર જમીની સંપર્ક માર્ગ બંધ થઈ ચૂક્યો હતો. ભારતીય સેના માટે હવે દ્રાસ અને કારગીલ ફરી જીતી અતિ સંવેદનશીલ શ્રીનગર-લેહ માર્ગ મુક્ત કરાવવાનું જરૂરી બન્યું હતું.
પાકિસ્તાનીઓ લેહ-લદ્દાખ તરફ આગળ વધી રહ્યા હતા. લદ્દાખને સૈન્ય અને શસ્ત્રો વડે કિલ્લેબંધ કરી શકાય તે માટે ભારત પાસે કેવળ હવાઈ માર્ગ બચ્યો હતો. પણ લેહ-લદ્દાખમાં કોઈ રનવે અથવા લેન્ડીંગ સુવિધા ન હતી, જ્યાં પ્લેન ઉતરી શકે. શૂન્યથી પચાસ ડીગ્રી નીચે તાપમાનમાં તનતોડ મહેનત કરીને ટૂંક સમયમાં જ સ્થાનિક લાદ્દાખી નુંનું લોકોએ સિંધુ નદીના સુકા પટને કામચલાઉ રનવેમાં પરિવર્તિત કર્યો. એર કોમોડોર બાબા મહેરસિંહે સૈનીકો અને હથિયારો ભરેલ વિમાન અહીં ઉતારી ગજબનું સાહસ દેખાડ્યું. લદ્દાખમાં સેનાની કુમક અને શસ્ત્રોનો પુરવઠો પહોંચતા આપણે રાહતનો શ્વાસ લીધો.
આ ઉકેલ કાયમી ન હતો. કોઈપણ હિસાબે ઝોજી લા મુક્ત કરી લદ્દાખને જમીની માર્ગે સૈન્ય મદદ મોકલવી જરૂરી હતી. આઝાદ ભારત હજી સ્વાતંત્ર્ય ઉન્માદમાં ઘેરાયેલું હતુ. આ તરફ દેશ પાસે સૈનિકો માટે શસ્ત્રો કે ગરમ કપડાં ખરીદવાના પૈસા નહોતા!
૨૯ ઓગસ્ટ ૧૯૪૮
૭૭ પેરા બ્રિગેડને મેજર જનરલ થીમૈયાએ તૈયાર થઈ અગ્રસર થવા આદેશ જારી કર્યો. ૧ સપ્ટેમ્બર ૧૯૪૮, ભારતીય સેના આગળ વધી. ઠંડુગાર વાતાવરણ, પાતળી નહીવત ઓક્સિજનવાળી હવા અને સતત થઈ રહેલી બરફ વર્ષા માટે ખાસ પ્રકારના રક્ષણાત્મક કપડાં અને બૂટની જરૂર પડે છે. શૂન્યથી નીચે માઈનસ પચાસ ડીગ્રી તાપમાને ભારતીય જવાનો સાદાં બૂટ-મોજાં, સ્વેટર અને ગરમ ટોપી પહેરી હળવી સૈન્ય વર્દીમાં જ તકલીફનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર લડ્યા. ૭૭ પેરા બ્રિગેડને ન તો ઉચ્ચતમ ઊંચાઈના યુદ્ધનો કોઈ અનુભવ હતો કે ન તેમનું આટલી પાતળી હવા અને ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં લડવા માટે અનુકૂલન થયું હતું.
દુશ્મન બંકરોની મજબૂતી સામે ભારતીય ઇન્ફેન્ટ્રીના હુમલાઓ નાકામિયાબ રહ્યા. ભારતીય પક્ષે જબરદસ્ત ખુવારી વેઠી અને ‘ઓપરેશન ડક’ નિષ્ફળ ગયું. આઝાદ ભારતના પ્રથમ સૈન્ય વડા લે. જનરલ કરીઅપ્પાએ ‘ઓપરેશન ડક’ને નામ આપ્યું ‘ઓપરેશન બાયસન’ (ધણખૂંટ). જનરલ સમજી ચૂક્યા હતા કે ફક્ત નામ બદલવાથી કંઈ થશે નહિ.
પથ્થરોની આડમાં પહાડોની ગુફાઓમાં બનેલા દુશ્મન બંકરોને કેવળ સીધા તોપમારાથી જ સાફ કરી શકાશે. પરંતુ બાર હજાર ફૂટની અકલ્પનીય ઊંચાઈએ આજ સુધી વિશ્વની કોઈ સેનાએ ટેન્કો પહોંચાડી ન હતી. અસંભવ કાર્ય હતું એ! ઉપરાંત ટેન્કની હિલચાલ ખાનગી રાખવી પણ જરૂરી હતી, નહીંતર દુશ્મન એન્ટી ટેન્ક ગન અને એન્ટી ટેન્ક સુરંગો બિછાવીને સમગ્ર ઓપરેશન નિષ્ફળ બનાવી શકે.
૭૭ લાઈટ કેવેલરીના લે. કર્નલ રાજીન્દર સિંહને સી’ કંપની લઈને બાલતાલ તરફ કૂચ કરવાનો આદેશ મળ્યો. ભારતીય સેના માટે ઝોજી લા જીતવો કપરું થઈ પડવાનું હતુ. ‘ઝોજી લા’નો અર્થ છે: બર્ફીલા તોફાનો(બ્લીઝાર્ડ)નો માર્ગ. શ્રીનગરથી સોનમર્ગનો એકમાર્ગીય ખતરનાક રસ્તો ઓલવેધર નહોતો. આ રસ્તા પરના મુખ્ય બ્રીજ હતા : ત્રીસ કિલોમીટરે ‘વાયલ’, ચાલીસેક કિમીએ ‘કંગન’ અને સાઠ કિમીએ ‘ગુંડ’. સોનમર્ગથી બાલતાલ સુધીના ૧૪ કિમી લાંબા રસ્તાનું જંકશન બાલતાલ હતું. બાલતાલથી આગળનો માર્ગ સીધા ચઢાણવાળો હતો. રસ્તાની એક તરફ ઊંડી ખાઈ તો બીજી તરફ પાંચ-છ હજાર ફૂટ ઉંચા પર્વતો.
સેનાની મોટી ટેન્કને આ સાંકડા અને નદી-નાળા વાળા રસ્તેથી લઈ જવા આર્મી એન્જીનીયર્સે એક સ્થળે પર્વતોને કોતરીને ટેન્ક પસાર થઈ શકે તેવો આઠ કિમી લાંબો માર્ગ બનાવ્યો તો ક્યાંક પુલ ઉભા કર્યા. આ બધું થયું માત્ર વીસ દિવસમાં જ!
૧૫ ઓક્ટોબર ૧૯૪૮ સુધીમાં ટેન્કો માટે રસ્તો તૈયાર હતો. પરંતુ આ દુર્ગમ રસ્તાઓ પરનું સીધું ચઢાણ ટેન્કોના એન્જીનની ક્ષમતા બહારની વાત હતી. એ વખતે ભારતીય રણબંકા જવાનોએ ધક્કા મારીને પણ ટેન્કોને ઝોજી લા સુધી પહોંચાડવાનું દુષ્કર કાર્ય પાર પાડ્યું. પાકિસ્તાનીઓ તો શું વિશ્વમાં કોઈએ પણ કલ્પ્યું નહિ હોય કે ભારતીય સેના આટલી ઊંચાઈએ ટેન્કો વડે હુમલો કરશે. ભારતીયો અંતિમ હુમલા માટે તૈયાર હતા. પર્વતો પર બરફવર્ષા થઈ રહી હતી. કૈલાસવાસી મહાદેવ સ્વયં વિજયશ્રીનો આશીર્વાદ આપી રહ્યા હતા.
૧ નવેમ્બર ૧૯૪૮
દૂર ક્ષિતિજ પર દેખાઈ રહેલાં ટેન્કોના નાળચા અને ધરતી ધ્રુજાવતો ટેન્કોનો ગડગડ અવાજ સાંભળતાં જ પાકિસ્તાની સેનાના હોશ ઉડી ગયા. પાક સેનામાં નાસભાગ મચી ગઈ. આ તરફ ટેન્કોએ દુશ્મન પર ફાયરીંગ આરંભી દીધું. ઊંચાઈએ આવેલી દુશ્મન ચોકીઓને ટેન્કોએ નષ્ટ કરી જયારે ઇન્ફેન્ટ્રીએ બાકીના દુશ્મનોનો સફાયો કર્યો.
૨૪ નવેમ્બર ૧૯૪૮
ભારતે કારગીલ જીતતા લેહ અને શ્રીનગર વચ્ચેનું જોડાણ ફરી સધાયું. વર્ષ ૧૯૪૮ નું પ્રથમ કારગીલ યુદ્ધ ભારતીય સૈન્ય ઈતિહાસનું ગૌરવપૂર્ણ પ્રકરણ છે. સમુદ્રથી બાર હજાર ફૂટ ઊંચાઈએ ઝોજી-લા પાસ પર સ્ટુઅર્ટ લાઈટ ટેન્કની નિયુક્તિ ગેઈમ ચેન્જર પુરવાર થઈ. ભારતીય જવાનોએ અસંભવને સંભવ કરી બતાવ્યું. કિંકીર્તવ્યમૂઢ બનેલા દુશ્મન પાસે ભાગવા સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો.
પ્રથમ ભારત-પાક યુદ્ધ દોઢ વર્ષ ચાલ્યું પણ અડધા ઓપરેશને ભારતે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી અને પ્રધાનમંત્રી સમગ્ર મામલાને સંયુક્ત રાષ્ટ્ર પરિષદ પાસે લઈ ગયા. અડધું કાશ્મીર પાકિસ્તાનના કબજામાં ગયું. ભારતીય ઉપખંડની સુરક્ષિત અભેદ્ય દીવાલ સમા હિમાલયમાં હંમેશને માટે ગાબડું પડી ગયું. ત્યારબાદ, વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાને અચાનક કાશ્મીર પર હુમલો કર્યો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનને મારી હઠાવ્યું. ૧૯૭૧નાં ભારત-પાક યુદ્ધમાં આપણે પાકિસ્તાનના બે ટુકડા કર્યા. યુદ્ધ બાદ થયેલા સીમલા કરારમાં સ્થાપિત કરવામાં આવ્યું કે ‘કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલવો.’ વર્ષ ૧૯૮૪માં પાકિસ્તાની સ્પેશ્યલ સિક્યુરીટી ગ્રુપના સૈનિકોએ સિયાચીનમાં ચોકીઓ બનાવી કબજો જમાવ્યો. મૃત્યુશીખર સિયાચીન પર સુબેદાર મેજર બાના સિંહ અને સાથીઓએ વિજય મેળવ્યો અને પાકીઓને મારી હઠાવ્યા.
સિયાચીનમાં મળેલી કારમી હાર સ્પેશ્યલ સિક્યુરીટી ગ્રુપ (એસ.એસ.જી.) પાકિસ્તાનના બ્રિગેડ કમાન્ડર પરવેઝ મુશર્રફ માટે અસહ્ય હતી. માત્ર ત્રણ મહિના બાદ, સપ્ટેમ્બર માસમાં મુશર્રફે બીલાફોન્ડ લા પર ૧૫00થી વધુ પાક સૈનિકો સાથે એક આખી બ્રિગેડ ફોર્સ લઈને મોટે પાયે હુમલો કર્યો. પરિણામ ૧000 પાક સૈનિકોના મોત. નવેમ્બર ૧૯૯૯માં હિમાલયન ઊંચાઈઓ પર ગુમાવેલા નિયંત્રણને પાછુ મેળવવા ફરી એક નિષ્ફળ હુમલો કરાયો. પાકિસ્તાનની ફરી એક નાલેશી ભરી હાર અને સેંકડો પાકિસ્તાની સૈનિકોના મોત બાદ પાકના જનરલ ઓફિસર કમાન્ડીંગને બરખાસ્ત કરાયા. હિમાલયના પહાડોની ચોટીઓ અને મિયાં મુશર્રફ વચ્ચે સંતાકૂકડીની રમત ચાલતી રહી. આપણા શુરવીર સૈનિકો ફરી ફરીને મુશર્રફને તેની ઔકાત યાદ કરાવતા રહ્યા. ડંખીલો પાકિસ્તાની મુશર્રફ સિયાચીનની નાલેશીનો બદલો લેવા આતુર હતો.
૧૯૮૭માં ઝીયા ઉલ હકના શાસન દરમિયાન કારગીલમાં ઘુસણખોરીનો પ્લાન બનેલો પણ તત્કાલીન પાકિસ્તાની વિદેશમંત્રી સાહિબઝાદા યાકુબખાનની સલાહથી તેના પર અમલ ન થયો. ૧૯૯૭માં તેના પર અમલ મુકવાનો પ્રસ્તાવ ત્યારના ચીફ ઓફ આર્મી સ્ટાફ જહાંગીર કરામાતની સલાહથી ફરી એક વાર કોરાણે મુકવામાં આવ્યો. એવું કહેવાય છે કે નવાઝ શરીફને આર્મી ચીફ જહાંગીરની આ સલાહ પસંદ ન આવતા તેમણે જહાંગીરને હટાવી તેમના સ્થાને મુશર્રફને સૈન્ય વડા બનાવ્યા અને આ પ્લાનનો તુરંત અમલ કરવાનો આદેશ આપ્યો. ૧૯૯૮માં જનરલ મુશર્રફે પાક સેનાની કમાન સાંભળી અને ઓપરેશન કારગીલ અમલમાં મુક્યું. તેનું કૂટ નામ “અલ બદ્ર” એવું આપવામાં આવ્યું.
સન ૧૯૯૯માં એક તરફ મિયાં નવાઝ શરીફ આપણા પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીને દોસ્તીની દુહાઈઓ આપી રહ્યા હતા અને બીજી તરફ તેમના સેનાપતિ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી, કારગીલની ઊંચાઈઓ પર પાકિસ્તાની ચોકીઓ બનાવી મોરચાબંદી કરી રહ્યા હતા. પાકિસ્તાની નોર્ધન લાઈટ ઇન્ફેન્ટ્રી અને સ્પેશ્યલ સિક્યુરીટી ગ્રુપના સૈનિકો ગુપચુપ સાદા કપડામાં ધ્રુવીય વિસ્તારોમાં વપરાતાં તંબુ અને બીજી પૂરતી તૈયારી સાથે જાન્યુઆરી મહિનાથી જ નિયંત્રણ રેખાની આ પાર ભારતીય સીમાના કારગીલ ક્ષેત્રમાં ૪ થી ૬ કિલોમીટર અંદર ઘુસી ગયેલા.
દુશ્મને સૈન્ય સામગ્રીઓ જેમ કે – હેવી મોર્ટાર, એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ, આર્ટીલરી, અન્ય શસ્ત્રો, ચોકીઓની આસપાસ માનવ વિરોધી સુરંગો (એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ) બિછાવીને ઊંચા પહાડો પર અજેય કિલ્લેબંધી કરી લીધી. અંદાજે બે હજારની ઉચ્ચતમ ઊંચાઈ પર લડવા માટે અનુકૂલિત, તાલીમબદ્ધ દુશ્મન સૈનિકો ભારતીય સીમામાં ઘુસણખોરી કરી ચૂક્યા હતા. આ ઊંચી ટૂકો પરથી પાકી સૈનિકો લેહ અને કારગીલને કાશ્મીર સાથે જોડતાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર નજર જમાવીને બેઠા હતાં. (લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે)
નોંધ: વાચક મિત્રો, આજથી દર રવિવારે ઇન્ડીયન એક્સપ્રેસનાં વાચકો માટે કારગીલ યુદ્ધમાં ભારતીય નૌસેનાની કાર્યવાહીનો હિસ્સો રહેલાં પેટ્ટી ઓફિસર મનન ભટ્ટની કલમે “શૌર્યગાથા હિન્દુસ્તાનની” નામે ખાસ કટાર શરુ કરવામાં આવી છે. આ કટારની શરૂઆત કારગીલ યુદ્ધ પર એક લેખમાળાથી કરવામાં આવી છે. નૌસેનાના નિવૃત્ત અધિકારીના શબ્દોમાં ‘કારગીલ યુદ્ધ’ લેખમાળા શરૂ કરવામાં આવી છે જેમાં યુદ્ધનાં મુખ્ય સંઘર્ષોનાં વર્ણનની સાથે ગુજરાતી જવાનોનાં યુદ્ધક્ષેત્રના પરાક્રમોથી વાંચકોને અવગત કરાશે.