scorecardresearch

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૪, સંઘર્ષના બીજ : દુશ્મનની ગોળી મુકેશના માંથામાંથી પસાર થઈ, નિષ્પ્રાણ શરીર સેંકડો ફૂટ ઊંડે ખીણમાં જઈને પડ્યું

hindusthan na shaurya gatha, kargil war : રાજમાર્ગ ૧-અ અને કારગીલ નજીકનાં ગામો પર દુશ્મનનો સચોટ બોમ્બમારો માઝા મૂકી ચૂક્યો હતો. આ પરિસ્થિતિમાં મુશકોહ ખીણ પલટનોનાં મિશન કંટ્રોલ અને મુખ્યાલય સ્થાપવા માટે પ્રમાણમાં સુરક્ષિત સ્થાન હતું.

hindustan saurya gatha
હિન્દુસ્તાનનો શૌર્યગાથા, કારગીલ યુદ્ધ, ભાગ – ચાર

મનન ભટ્ટઃ ૨૧ મે ૧૯૯૯, મુશકોહ ખીણ, જમ્મુ અને કાશ્મીર – સુબેદાર કલાસ્વાનાં નેતૃત્વમાં અગ્રીમ દળનાં સૈનિકો મુશકોહ ખીણ પહોંચી ચૂક્યા હતાં. તેમણે બ્રિગેડ મુખ્યાલયનાં દિશાનિર્દેશ અનુસાર ખુલ્લામાં બટાલિયનનો કેમ્પ લગાવવાની તૈયારી આરંભી અને મુશકોહ ખીણમાં મિશન કંટ્રોલ સ્થાપિત કર્યું. રાજમાર્ગ ૧-અ અને કારગીલ નજીકનાં ગામો પર દુશ્મનનો સચોટ બોમ્બમારો માઝા મૂકી ચૂક્યો હતો. આ પરિસ્થિતિમાં મુશકોહ ખીણ પલટનોનાં મિશન કંટ્રોલ અને મુખ્યાલય સ્થાપવા માટે પ્રમાણમાં સુરક્ષિત સ્થાન હતું.

કાઓબલ ગલીથી ઝોજી-લા સુધી લંબાયેલી દ્રાસ ખાતે પૂરી થતી, પ્રમાણમાં થોડી નાની મુશકોહ પર્વતમાળા અત્યંત વ્યુહાત્મક મહત્વ ધરાવતી હતી. મુશકોહ કારગીલની મુખ્ય શીખરમાળની દક્ષિણ દિશાએ પાંચ કિમી દૂરી પર સમાનાંતરે ચાલે છે. આ બંને વચ્ચેની ખીણ, મુશકોહ ખીણ તરીકે ઓળખાય છે.

૨૩ મે ૧૯૯૯ – ૧૨ મહાર બટાલિયન કાશ્મીર ખીણમાં આતંક વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી

રાત્રી અંધકારમાં ૧૨ મહાર બટાલિયન મુશકોહ ખાતે પહોંચી. આપણે આગળ જોઈ ગયા કે યુદ્ધક્ષેત્ર કારગીલમાં નિયુક્તિ પૂર્વે ૧૨ મહાર બટાલિયન કાશ્મીર ખીણમાં આતંક વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી. બ્રિગેડ મુખ્યાલય દ્વારા પલટનનાં જવાનોનું ઉચ્ચતમ ઊંચાઈની પાતળી હવામાં સૈન્ય કાર્યવાહી માટે અનુકુલન, પર્વતીય ટુકો પર આક્રમણની તૈયારી, તાલીમ અને પૂર્વાભ્યાસ માટે આઠ-દસ દિવસનો સમય આપવામાં આવ્યો.

પર્વતોમાં સૈન્ય કાર્યવાહી માટે જવાનોની તાલીમમાં અમુક વ્યક્તિગત ગુણો કેળવવા જરૂરી છે. શારીરિક તંદુરસ્તી તેમાં સૌથી મહત્વનો ગુણ છે. કહે છે ને, “તાલીમમાં સખત તો યુદ્ધમાં સરળ.” સૈનિકોને પર્વતારોહણ ઉપરાંત લાંબી દુરીની દોડ અને અન્ય શારીરિક તથા વ્યુહાત્મક તાલીમ આપવામાં આવી.

પર્વતીય યુદ્ધ માટે અનુકુલન સ્થાપવું કંઈ સરળ નથી. ગમે તેવાં મજબુત સૈનિકને પણ ઉચ્ચતમ ઊંચાઈનાં ક્ષેત્રોમાં પાતળી હવામાં અનુકૂળ થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સૈનિકોને તાલીમમાં અસામાન્ય રીતે મોટો ભાર વહન કરવા માટે તૈયાર કરવામાં આવ્યા. નવયુવાન સૈનિકોમાં જોશ ભરપુર અને તેમની પ્રતિક્રિયાઓ ત્વરિત હોય છે. અનુભવી સૈનિક પહેલાં પરિસ્થિતિનું અવલોકન કરે છે અને તેના પર પ્રતિક્રિયા આપે છે. અનુભવી સૈનિકો જાણે છે કે, પર્વતોમાં મોટેભાગે જીવન મરણ વચ્ચેનો ફાંસલો તમારી પ્રતિક્રિયા પર નિર્ભર હોય છે.

૭૯ માઉન્ટેન બ્રિગેડની બે બટાલિયનો – ૧૭ જાટ અને ૧૨ મહાર

૭૯ માઉન્ટેન બ્રિગેડની બે બટાલિયનો – ૧૭ જાટ અને ૧૨ મહાર એ દુશ્મન બંકરો અને ચોકીઓ વિષે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું અને આ સેક્ટરમાં સૈન્ય ઓપરેશન્સનો આરંભ કર્યો. આ બે પલટનનાં સંચાલનનાં લક્ષ્યો હતાં: સમગ્ર મુશકોહ સબ-સેક્ટરની સ્થળ-તપાસ, આક્રમક પેટ્રોલિંગ કરી, દુશ્મન ને આગળ વધતો રોકવો, દુશ્મનની નબળાઈ જાણી તેની વિરુદ્ધ કાર્યવાહી કરો અને જટિલ પર્વતીય ટુકોને સુરક્ષિત કરવી. દુશ્મનની મુખ્ય વહીવટી છાવણી પોઇન્ટ ૪૩૮૮ પર સ્થિત હતી. જ્યાંથી મુશકોહ અને દ્રાસ સબ-સેક્ટરમાં તૈનાત દુશ્મન સૈનિકોને મદદ મળી રહી હતી.

પર્વતીય ક્ષેત્રમાં મજબુત આધાર બનાવીને ડિફેન્સ કરી રહેલાં દુશ્મન વિરુદ્ધ મોટું દળ હુમલો કરી શકે તેવી પરિસ્થિતિ શક્ય નહોતી. દુશ્મનને ખદેડવા નાની ટુકડીઓ – સેક્શન અને પ્લાટુન સ્તરે મજબૂતીથી હુમલાઓ કરવા જરૂરી હતાં. વળી, ઉપર લડતાં સૈનિકોને સતત શસ્ત્રો દારૂગોળો અને કુમક પહોંચતી રહે તે પણ જરૂરી હતું. માટે જ, જનરલ ઓફિસર કમાન્ડીંગ દ્વારા કંપની અને પ્લાટૂન સ્તરે કવાયત પર અને અગ્રીમ મોરચે લડતાં જવાનોને સપોર્ટ માટે મજબૂત ફાયર-બેઝની સ્થાપના ખાસ ભાર મુકવામાં આવ્યો.

ઇન્ફેન્ટ્રી એટલે કે પાયદળનાં સૈનિકો ઉંચાઈએ રહેલાં દુશ્મન પર આક્રમણ કરે તે પહેલાં તેમને કવર ફાયર આપવા દુશ્મન પર તોપખાના એટલે કે આર્ટિલરી તોપો વડે બોમ્બમારો કરવામાં આવે છે. એટલે, ઇન્ફેન્ટ્રી બટાલિયનોને આગેકૂચનાં આદેશ આપતાં પહેલાં તોપખાનાની તૈનાતી અને પૂરતાં પ્રમાણમાં તોપો માટેનો દારૂગોળો સ્થળ પર પહોંચાડવો જરૂરી હતું. આ ઉપરાંત, સૈનિકોને ઉચ્ચતમ ઊંચાઈ પર ચડાઈ માટેનાં સંસાધનો અને કપડાં તથા રાશન પણ ઉપલબ્ધ કરાવવાના હતા.

૧૨ મહારને પોઈન્ટ ૪૫૪૦ પર બ્રિગેડ માટે ફાયરબેઝ પૂરો પાડવાનું કાર્ય મળ્યું

૧૨ મહારને પોઈન્ટ ૪૫૪૦ પર બ્રિગેડ માટે ફાયરબેઝ પૂરો પાડવાનું કાર્ય મળ્યું. જ્યાં મોટી સંખ્યામાં ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, મીડીયમ મશીન ગન, રોકેટ લોન્ચર અને ટેન્ક વિરોધી ગાઈડેડ મિસાઈલો તૈનાત કરવામાં આવ્યા. સ્થળ પર મોટી માત્રામાં દારૂગોળો પણ સ્ટોર કરવામાં આવ્યો. પલટનને ફાયરબેઝની સ્થાપનાથી પોઈન્ટ ૪૮૭૫ વિસ્તારમાં દુશ્મન સૈન્યની હિલચાલને અટકાવવવાનું લક્ષ્ય મળ્યું હતું.

૧૨ મહાર ને સફેદ નાળાની પશ્ચીમે સંચાલન કરી રસ્તા અને પોઈન્ટ ૪૮૭૫નાં માર્ગે આવતી દૈન્ગોયા બ્યાંગ થંગ (ડીબીટી) શિખરમાળ પર સ્થિત દુશ્મનની નિરીક્ષણ ચોકીઓને નાબુદ કરવાનો આદેશ હતો. પોઈન્ટ ૪૩૮૮ પર સ્થિત દુશ્મનનો સપ્લાય ડેપો પલટનનું મુખ્ય લક્ષ્ય હતું. મુશકોહની ૨૪૧૧ નંબરની ટૂક જે રેખા પોસ્ટ / હેલ્મેટ ટોપ તરીકે ઓળખાય છે – તેને દક્ષિણ દિશાએથી સર કરવાનું લક્ષ્ય પણ ૧૨- મહાર પલટનને સોંપાયું. એ પર્વતનું દક્ષિણ પડખું એક દીવાલ સમું નિતાંત ઉભે-ઢાળ છે. જેના પર ચઢવું લગભગ અશક્ય છે.

૧૨ મહાર પહેલાં એ પર્વતમાળા પરની દુશ્મન ચોકીઓ પર કબજાની જવાબદારી એક બીજી પલટનને સોંપાઈ હતી. ૮ શીખ, ૧ નાગા, ૮ જાટ, ૧૮ ગ્રેનેડીયર, અનેકો પલટણોના જવાનો પૂર્વ તૈયારી કે માહિતી વિના સીધા હુમલાઓમાં શહાદતો વહોરી રહ્યા હતા. આપણા જવાનોનો મૃત્યુ આંક ત્રણ આંકડાને ક્યારનોય વટાવી ચૂક્યો હતો.

જવાનોના સતત વહી રહેલા લોહીની કિંમત ધીમે ધીમે ઉચ્ચ અધિકારીઓ સમજ્યા હતા. પરંતુ, દુશ્મનની બહોળી સંખ્યા અને કિલ્લેબંધીનો શરૂઆતી અસ્વીકાર આપણને અત્યંત મોંઘો પડ્યો. માઓ-ત્સે-તુંગે કહ્યું છે, “શક્ય હોય તો ઝડપથી જીત હાંસિલ કરો; જો ન બને તો થોડો સમય જવા દઈને પણ જીતી બતાવો.” ભારતીય સેના હવે દ્રઢતાથી પગલા લેવા માગતી હતી.

૨૩ મે ૧૯૯૯

મુશકોહ ખીણ, જમ્મુ અને કાશ્મીર – દિવસના ભાગે સફેદનાળા વિસ્તારમાં ૨૨ આર પોઈન્ટની રેકી કરી આક્રમણની યોજનાઓ ઘડવામાં આવી.

૨૪ મે ૧૯૯૯

આજે આક્રમણની પુરતી તયારી હતી, પરંતુ નિયત સમયે જ્યારે સૈનિકો એકઠાં થયા અને જવા માટે તૈયાર હતા, ત્યાં હુમલો મોકૂફ રાખવાનો આદેશ આવ્યો સૈનિકોને અણધારી રીતે વધુ ચોવીસ કલાક નો સમય મળી ગયો.

૨૫ મે ૧૯૯૯

૧૨ મહારની બ્રાવો અને ચાર્લી કંપનીઓને આક્રમણ તેમજ આલ્ફા અને ડેલ્ટા કંપનીને સહાયક ભૂમિકા સોંપાઈ. સૈનિકો કૂચ કરવા માટે તૈયાર હતાં. સાંજનાં સમયે કંપની જેસીઓએ જવાનોને લગભગ ત્રીસ-ત્રીસનાં જૂથોમાં વિભાજિત કર્યા.

પ્રત્યેક સૈનિકે તેની પાસે રહેલાં ચોરસ એલ્યુમીનીયમનાં ડબ્બામાં અઢીસો ગ્રામ જેટલાં સક્કરપારા ભર્યા અને લંબગોળ આકારની બોટલમાં પાણી. દરેક માણસને પૂરતા પ્રમાણમાં દારૂગોળો જારી કરવામાં આવ્યો અને પછી, તેમના કંપની કમાન્ડર કેપ્ટન કશ્યપના આદેશ હેઠળ, તેમણે લક્ષ્ય તરફ પ્રયાણ કર્યું.

“સાથીઓ, મારી પાસે તમને આપવા માટે કોઈ વિશેષ આદેશ નથી”

કેપ્ટન કશ્યપ, “સાથીઓ, મારી પાસે તમને આપવા માટે કોઈ વિશેષ આદેશ નથી. તમે પહેલેથી જ જાણો છો કે હુમલામાં હું તમારી પાસેથી શું અપેક્ષા રાખું છું.” પર્વતો પર અને રાજમાર્ગ પર થઇ રહેલાં દુશ્મન તોપમારાની ગર્જના ખીણમાં ગુંજી રહી હતી. પૂર્વ તરફનું આકાશ લાલચટક રંગના ચમકારે છૂટોછવાયો પ્રકાશ વિખેરી રહ્યું હતું.

દુશ્મન તોપમારો કોઈપણ સ્થળે અને કોઈપણ ક્ષણે આમંત્રણ વિના જ આવી પહોંચતો! તે રાત્રે, સૈનિકોને ફાયરિંગ લાઇન પર કબજો લેવા માટે જવાનું નક્કી થયું. અંધારું થતાંવેંત તેમણે ઉપર તરફ ચઢાણ શરૂ કર્યું. ઘનઘોર કાળ રાત્રીમાં સૈનિકો ધીમા-મક્કમ કદમોથી પર્વત પર ચડાઈ કરી રહ્યા હતા, જેથી ઉપરથી વછુટેલી કોઈ રખડતી ગોળી કે તોપગોળાનો શ્રાપનલ1 તેમની સાથે અથડાય નહીં. ઉપર પહોંચ્યા ત્યાં વહેલી સવારના ત્રણ વાગ્યાનો સમય થઈ ગયો હતો. તે દિવસે હુમલો મોકૂફ રહ્યો.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-2, સંઘર્ષના બીજ : 12 મહાર પલટનનાં ગુજરાતી વીરો, “હથિયાર ફેંકી અમારે હવાલે થઈ જાવ”

૨૬ મે ૧૯૯૯

૧૩૦૦૦ ફૂટની ઉચ્ચતમ ઊંચાઈ પર આવેલાં મુશકોહ પર્વત પર પ્રથમ હુમલો ચાર્લી અને ડેલ્ટા કંપનીએ સાથે મળીને કર્યો. મુશકોહની મધ્યમાંથી આક્રમણ કરી રહેલા ૧૨ મહારના દળમાં ડેલ્ટા કંપનીની કમાન કેપ્ટન કશ્યપ પાસે હતી. સુબેદાર સીલવંસ કલાસ્વા સેકન્ડ-ઇન-કમાન્ડ હતાં. તેમનાં દળમાં હવાલદાર મહેબુબ પટેલની સાથે ૩૮ જવાનો હતા. એ ફીચર પર આક્રમણની યોજના મુજબ તેમનાં ડાબા ફ્લેન્ક પર ૧૨ જાટ અને જમણા ફ્લેન્ક પર તોલોલીંગ તરફ ૧૮ ગઢવાલ હતી. એ આક્રમણમાં અગ્રેસર રહેલી ૧૨ જાટ બટાલિયન પર દુશ્મને મોર્ટાર અને અલ્ટ્રા મશીનગનનો તીવ્ર ફાયર કેન્દ્રિત કર્યો ૧૨ જાટ રેજીમેન્ટે એ દિવસે ખૂબ ખુવારી વેઠી.
પ્રથમ હુમલો નિષ્ફળ રહ્યો!

૨૭ મે ૧૯૯૯

મુકેશે તેની ડાયરી નાયક મહેબુબ પટેલને સોંપી અને કહે જો હું પાછો ન ફરું તો આ મારી પત્ની જયશ્રીને આપજે. તેને કહેજે કે મારા આવનારા બાળકનું નામ પણ મુકેશ રાખે. વળી કહે, હું પરમવીર ચક્ર લઇને જ પાછો ફરીશ.

૨૮ મે ૧૯૯૯ – મુકેશને ઉપર જઈ મોરચો બનાવવાની વધારાની જવાબદારી સોંપાઈ હતી

૧૨ મહારનાં જવાનો ઉપર એક ફાયર બેઝ અને અગ્રીમ ચોકી સ્થાપિત કરી ચૂક્યા હતાં. ત્યાં ઝીરો પોઈન્ટ(આક્રમણનો શરૂઆતી પોઈન્ટ) પર દુશ્મન ચોકીઓના રેતીના મોડલ બનાવી પલટનનું બ્રીફિંગ કરવામાં આવ્યું, ફરી આક્રમણની યોજના તૈયાર કરાઈ અને રાત્રીના હુમલો કરવાનું નક્કી થયું. આપણી પાયોનીયર કંપની (ડેલ્ટા અને ચાર્લી)ના જવાનોની રાતે આક્રમણની યોજના હતી. પાયોનીયર કંપનીએ વધારાનો સામાન ઝીરો પોઈન્ટ પર મુક્યો અને પૂરતાં સ્નો ઇક્વિપમેન્ટ સાથે રાતે લગભગ ૨ -૩ કિલોમીટર ચઢાણ કર્યું.

hindusthan na shaurya gatha, kargil war : રાજમાર્ગ ૧-અ અને કારગીલ નજીકનાં ગામો પર દુશ્મનનો સચોટ બોમ્બમારો માઝા મૂકી ચૂક્યો હતો. આ પરિસ્થિતિમાં મુશકોહ ખીણ પલટનોનાં મિશન કંટ્રોલ અને મુખ્યાલય સ્થાપવા માટે પ્રમાણમાં સુરક્ષિત સ્થાન હતું.

મેજર અજીત વાજપેયી અને સુબેદાર પી કે મંડલની આગેવાનીમાં નાયક મુકેશ રાઠોડ અને આલ્ફા કંપનીના કુલ દસ જવાનો કંપની રીયરથી અગ્રીમ ચોકી પર દારૂગોળા અને રાશનની પુનઃપૂર્તિ કરવા રવાના થયા. તે સૈનિકો માટે યુદ્ધભૂમિ પર આ તેમનો પ્રથમ અનુભવ હતો. એકાદ કલાકની શરૂઆતી ખુશખુશાલ સફર તો દુનિયાની ચિંતાઓથી બેખબર, હિમાલયની તાજી હવામાં શ્વાસ લેતાં અને બધી વાસ્તવિક અને કાલ્પનિક સ્વતંત્રતાઓનાં આનંદને માણતા કપાઈ ગઈ.

મુકેશને ઉપર જઈ મોરચો બનાવવાની વધારાની જવાબદારી સોંપાઈ હતી. અચૂક નિશાનેબાજ મુકેશના એક હાથમાં તેમની બંદૂક અને ખભા પર મોરચો બનાવવા માટેની પ્લાસ્ટિકની ખાલી થેલીઓ હતી. સફેદ રંગની થેલીઓ હિમાલયના પર્વતોની આસપાસનાં નિતાંત અંધારામાં ચમકી રહી હતી.

મુકેશનાં માથા પરથી સરેરાટ કરતી પસાર થયેલી એક ગોળી

મુકેશનાં માથા પરથી સરેરાટ કરતી પસાર થયેલી એક ગોળી તેને થોડો અસ્વસ્થ કરતી ગઈ. પણ બીજી જ પળે તેણે મનને સંભાળી લીધું. ‘દુશ્મને કદાચ હવામાં આડેધડ ગોળીબાર કર્યો હશે તેમાં આ એક ગોળી મારાં પરથી પસાર થઇ ગઈ. અને, એટલીય નજીકથી નથી ગઈ.’ શું આલ્ફા કંપનીના એ પ્રતિપૂર્તિ દળને ઉપરથી દુશ્મનનાં અચૂક નિશાનેબાજ તાકી રહ્યા હતાં?

હજી તેઓ દસેક ડગલાં આગળ વધ્યા હશે ત્યાં જ ઉપરથી ગોળીબાર થયાનાં ચમકારા ફરી દેખાયાં મુકેશ સુબેદાર મંડલથી બે ગજ જેટલો જ દૂર હશે. મુકેશે એક ડગલું ઉપર તરફ લીધું અને જેવો પર્વતની આડશેથી તેનો ચહેરો સહેજ ઉપર થયો કે દુશ્મનની બે ગોળી તેનાં માથાને વીંધીને આરપાર નીકળી ગઈ. મુકેશ એક પછી એક – બે વાર થોડો ધ્રૂજ્યો, ઘૂંટણ ભર બેસી પડ્યો, તેનો ચહેરો આગળની તરફ ધસ્યો, પગ હવામાં ઉછળ્યા અને તેનાં સમગ્ર શરીરને ક્ષણભર માટે જાણે આંચકી ચડી. ડાબી તરફ ઊંડી ખાઈ હતી. સુબેદાર મંડલ આગળની તરફ કુદ્યા, મુકેશને ખાઈમાં પડતો રોકવા પોતાનાં શરીરને ફંગોળ્યું. પણ ત્યાં સુધી મોડું થઇ ચુક્યું હતું. દુશ્મનની ગોળીથી વિંધાયેલ મુકેશનું નિષ્પ્રાણ શરીર સેંકડો ફૂટ ઊંડે ખીણમાં જઈને પડ્યું.

સુબેદાર મંડલે મુકેશ ને ગોળી વાગી અને તે ખાઈમાં પડ્યાનો રીપોર્ટ મેજર વાજપેયી કર્યો. રાત્રીનાં અંધકારમાં નીચેની ખીણમાં કશું દેખાઈ રહ્યું નહોતું. બે કલાક સુધી મુકેશનાં સાથી સૈનિકોએ અવાજ દઈ મુકેશને બોલાવવાની કોશિશ કરી. શું ખબર તેનામાં જીવ બચ્યો હોય તો તેનાં બચાવની કામગીરી કરી શકાય. અફસોસ, ખીણમાં થી કોઈ પ્રતિક્રિયા આવી નહીં.

“મંડલ સાહેબ, આપણે ફર્સ્ટ લાઈટ (અજવાળું) થાય તેનાં એક કલાક પહેલાં સુધી મુકેશની શોધખોળ કરીએ”

મેજર વાજપેયી, “મંડલ સાહેબ, આપણે ફર્સ્ટ લાઈટ (અજવાળું) થાય તેનાં એક કલાક પહેલાં સુધી મુકેશની શોધખોળ કરીએ. આપણા સાથીને અહીં નીચે છોડીને નહીં જઈએ. રાતે ત્રણ કલાક સુધી જવાનો એ કોશિશ કરી પણ ખીણ ખુબ ઊંડી અને દીવાલની જેમ સીધી હતી.

રાત્રીનાં અંધકારમાં દુશ્મનનું સચોટ ફાયરીંગ આપણી તૈયારીઓની ખામી દર્શાવી રહ્યું હતું. મેજર વાજપેયીએ અજવાળું થાય અને દુશ્મનનો ગોળીબાર વધુ સૈનિકોનો જીવ લઇ લે તે પહેલાં અગ્રીમ દળને પાછા ફરવાનો આદેશ આપ્યો. પાછાં ફરેલા સૈનિકોની ગણત્રી કરી અને મુકેશ વિષે પલટન મુખ્યાલયમાં રીપોર્ટ કર્યો.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ- 3, સંઘર્ષના બીજ : ત્રસિત સીમાડાઓની હાકલ પડી

પલટન દ્વારા મુકેશની શોધખોળ માટે સતત ત્રણ દિવસ સુધી નાની ટુકડીઓ મોકલવામાં આવી પરંતુ, તેમને હાથ કંઈ ન લાગ્યું. જો રાત્રીનાં અંધકારમાં શિખરની ટોચેથી દુશ્મન સચોટ ગોળીબાર કરી આપણા સૈનિકને વીંધી નાખતો હોય તો પછી દિવસનાં ભાગે તો મુકેશ પડ્યો તે સ્થળ પર પહોંચવું અશક્ય હતું. વળી એ શિખર પર ચઢવાની કેડી અને તેની બંને તરફની ખીણ ઉપરની દુશ્મન ચોકીની એકદમ સામે અને તેમનાં ગોળીબારની કિલિંગ રેંજ માં હતી.

“મુકેશનાં જવાથી રેજિમેન્ટમાં ગહન શોકની લાગણી જન્મી”

મુકેશનાં જવાથી રેજિમેન્ટમાં ગહન શોકની લાગણી જન્મી, પરંતુ તે સમયે, જવાનો પાસે શોક કરવાનો સમય જ ક્યાં હતો? તેમની મજબૂરી જુઓ! તેઓ મુકેશનાં બલિદાનની અધિકૃત ઘોષણા પણ કરી શકે તેમ નહોતાં. સૈન્યના નિયમ મુજબ જ્યાં સુધી સૈનિકનો મૃતદેહ આપણી પાસે ન હોય ત્યાં સુધી કોઈને પણ મૃત ઘોષિત કરી ન શકાય!

૧૨ મહાર મુનથંગ નાળા અને સફેદ નાળાની વચ્ચે આક્રમણો કરી રહી હતી. મે મહિનાની ૩૦મી તારીખે ૧૨ મહારના જવાનો ટોચે પહોંચ્યા અને રસ્તામાં આવતા દુશ્મન બંકરોને કબજે કરતા ગયા. ૩૧મી મે સુધીમાં તો ડીબીટી શિખરમાળની બંને તરફ બે-બે કંપનીઓની તૈનાતી થકી, ડીબીટી શિખરમાળની દક્ષીણ-પૂર્વે આવેલો પોઈન્ટ ૪૦૪૦ તેઓ કબજે કરી ચૂક્યા હતાં.

ચમનનું ધ્યાન પડ્યું કે આજે મુકેશ રાઠોડનું બિસ્તર તેની બાજુમાં નહોતું; આ પહેલાં તેણે મુકેશને ક્યારેય આટલો મિસ નહોતો કર્યો. એ બસ ખાલી જગ્યા સામે ઘૂરતો રહ્યો જ્યાં સુધી તેની અશ્રુભીની આંખોની દ્રષ્ટિ ધૂંધળી ન થઇ ગઈ.
(લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે. Twitter @mananbhattnavy)

Web Title: Kargil war 4 hindustan saurya gatha mushkoh valley a safe place amid enemy bombardment

Best of Express