અગાઉનાં પ્રકરણમાં આપણે વાંચી ગયા કે કઈ રીતે કેપ્ટન કશ્યપ અને આપણા ગુજરાતી સુબેદાર કલાસ્વાની આગેવાનીમાં બે ગુજરાતી યુવાનો ભલાભાઈ બારિયા અને હરેન્દ્રગીરી ગોસ્વામી દુશ્મનોનાં છક્કા છોડાવી નાખે છે. આપેલાં લક્ષ્યને કબજે કરવાની લડાઈમાં ગુજરાતી નાયક મહેબુબ પટેલ સમેત આપણા પાંચ સૈનિકો દુશ્મન મોરચાની સાવ લગોલગ એક ભેખડ પાછળ ફસાઈ જાય છે.
૨૦ જૂન ૧૯૯૯
કેપ્ટન કશ્યપે રાત્રીની લડાઈ વિષે અને ‘બીડી’ના બનાવ બાદ અંધાધુંધી ફેલાયા બાદથી ‘પાંચ જવાનો ગાયબ છે.’ તે બાબતનો મૌખિક અહેવાલ રેડિયો મારફતે કમાન અધિકારી કર્નલ એપીએસ ચીમાને જણાવ્યો. કર્નલ ચીમા, ‘મને પટેલ પર પૂરો ભરોસો છે. એ તેના સાથીઓને બચાવીને ચોક્કસ પાછો ફરશે.’
કોઈ ને ખબર તો શું, કલ્પના પણ નહોતી કે મહેબુબ સમેત પાંચ ભારતીય સૈનિકો, ખરેખર શબ્દસઃ ભેખડે ભેરવાઈ ગયા હતા.
દિવસ દરમિયાન દુશ્મનનો ગોળીબાર તીવ્ર બન્યો. પાકિસ્તાનીઓને આપણી ચોક્કસ સંખ્યા ખબર નહોતી. તેઓ ભારતીયોને જીવતા પકડવાની વાતો કરી રહ્યા હતા. કાનમાંથી કીડા ખરે તેવી બેફામ ગાળોની આપ-લે થઈ રહી હતીદુશ્મન સૈનિકો ભારતીયો પર હેન્ડ ગ્રેનેડ ફેંકી રહ્યા હતાં પણ, પર્વતના ઢાળને લીધે એ ગ્રેનેડ નીચે તરફ સરી જતા હતા.
ખાલી થતી ગોળીઓની મધ્યે, પાંચેય સૈનિકોના ખિસ્સામાં ભોજનના નામે અઢીસો ગ્રામ સક્કરપારા અને થોડું પાણી જ બચ્યું હતું. પલટનને સંદેશ આપવા તેમની પાસે રેડિયો પણ નહોતો. આમને આમ ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં રાત પડી. ગજબની ઠંડી પડી રહી હતી. સુસવાટા મારતો બર્ફીલો પવન પાંચેયના હાંજા ગગડાવી રહ્યો હતો.
રાત્રીના પણ દુશ્મન ગોળીબારની પકડ ઓછી ન થઇ. વળી દુશ્મન સૈનિકો તેમને હાકલા-પડકારા અને ઉશ્કેરણી કરી રહ્યા હતા.
‘હિન્દુસ્તાનીઓ, મર્દ કે બચ્ચે હો તો બાહર નીકલો. સામના કરો હમારા.’
‘માં કા દૂધ પિયા હૈ તો આઓ લડો હમસે.’
એવું અને બીજું ઘણું જે અહીં લખી શકાય નહિ…
મહેબુબના સાથીઓને એકવાર તો થઇ ગયું કે નીકળીએ બહાર, પછી જોઈશું જે થાય તે ભલે થતું.
કહે, ‘યે હમ કહાં ફસ ગયે સર. ઇસસે તો અચ્છા લડતે હુએ શહીદ હો જાતે.’
મહેબુબ સીનીયર હતો તેણે સમજાવ્યું, ‘દોસ્તો સામે ચાલીને દુશ્મનના પડકારે ઉશ્કેરાઈને મોત ને વહાલું કરવું એ ન તો બુદ્ધિમતાનું કામ છે ન બહાદુરીનું. જો અહીંથી બચીને જીવતાં પાછા જશું તો ફરીને લડવાનો મોકો મળશે અને ત્યારે પલડું આપણું ભારે હશે. દુશ્મનને આપણે ચોક્કસ ખત્મ કરશું. પણ તેનો સમય, સ્થળ અને સંજોગો આપણે નક્કી કરીશું, તે નહિ.
ઠંડીમાં ઠુંઠવાતા, દુશ્મનની ગોળીઓ અને ગાળોના યથાયોગ્ય જવાબ આપતાં, એ દિવસની રાત્રી અને બીજો આખો દિવસ નીકળી ગયો. પલટનના સાથીઓએ આમની પાછા ફરવાની આશા છોડી દીધી હતી. બીજા દિવસનાં સંધ્યાકાળે અચાનક હવા એ તેનો રુખ બદલ્યો…
ધ ગ્રેટ હિમાલયન માઉન્ટેન રેંજની ઉત્તરે સો કિલોમીટર દૂર, મહાકાય બર્ફીલા વાદળો એકઠા થયા હતાં. ઉત્તરીય પવનોના ધક્કાથી એ વાદળો ઠંડા વેરાન પર્વતો પરથી થઇને દક્ષીણ તરફ વધ્યા.
કારગીલના પહાડો અને આસપાસની પર્વતમાળાઓ પર મોટાં વાદળોએ તેમનો ભાર ઉતારવાનું શરુ કર્યું, જેથી ચટ્ટાનો મુલાયમ બરફથી ઢંકાઈ ગઈ અને ચોતરફ જ્યાં જુઓ ત્યાં ઘટ્ટ સફેદીનું આવરણ છવાઈ ગયું. હવાની વધતી તાકાતે વાદળોને પર્વતોથી ખીણ તરફ ધકેલ્યા. તે જ્યાંથી પસાર થયા ત્યાંનું પરિદ્રશ્ય ધૂંધળું થતું ગયું. વાદળો જેટલાં દક્ષીણે ગયા, વધુ તીવ્ર પવન વહ્યો. એ બર્ફીલું તોફાન, જ્યાં ૧૨ મહારનું દળ લડી રહ્યું હતું, એ પર્વત શ્રુંખલા સુધી પહોંચ્યું, ત્યાં સુધીમાં તો એ હિમ ઝંઝાવાતનું ઉગ્ર સ્વરૂપ પકડી ચુક્યું હતું.
એ હિમ ઝંઝાવાત કારગીલ પર્વતમાળાનાં ઉત્તરી ભાગ પર ત્રાટક્યો અને પર્વતીય ઘાટોમાંથી પસાર થઇને બર્ફીલા વહેણ સ્વરૂપે સમગ્ર પ્રદેશને સાર્વત્રિક રીતે આવરી લીધો. ઉંચે પર્વત પર માત્ર એક ભેખડની આડશે સંઘર્ષરત એ પાંચ હિન્દુસ્તાની ફૌજીઓ માટે પરિસ્થિતિ વિકટ બની. એક તરફ દુશ્મન તો બીજી તરફ કુદરત નો કહેર! મહેબૂબે સાથીઓને કહ્યું, ‘જીવતાં રહેવું હોય તો `આપણે અહીંથી યેનકેન પ્રકારે નીકળવું જ પડશે. ચાલો, આ ખરાબ હવામાનનો લાભ લઈ અહીંથી કૂદી જઈએ.’
બરફની એ આંધીમાં બાજુમાં ઉભેલો માણસ પણ દેખાય નહિ અને હાડ થીજાવી દે તેવી ઠંડી ગાત્રોને શીથીલ કરી રહી હતી. વળી, દુશ્મનનો ઘાતક ગોળીબાર તો ચાલુ જ હતો. એટલે, બાકી સૈનિકો એ ભેખડ પાછળથી ભાર નીકળવા તૈયાર ન થયા.
હરીશ સિંહ, ‘સર, આગળ ખાઈ છે તો ઉપર દુશ્મન. આ પરિસ્થિતિમાં કેમ કરી ને બહાર નીકળવું?’
મહેબુબે દ્રઢ નિશ્ચય લઇ લીધો હતો
તેણે કહ્યું, ‘દોસ્તો, મેં નક્કી કરી લીધું છે. હવે આંધી આવે કે તોફાન, દુશ્મનનો ગોળીબાર આવે કે પછી દુશ્મનોનું ધાડું, હું નીચે જઈ રહ્યો છું.’ કહે છે ને, ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા..’ પર્વતની બે ટૂકની વચ્ચે એક સુકું પથરાળ ઝરણું હતું. પાણી ઝરી ઝરીને ચાલેલું એ વહેળિયું તેમને નીચે સુધી પહોંચાડે તેવી પૂરી શક્યતા હતી. મહેબૂબે સૌપ્રથમ તેનો બધો સામાન નીચે ખાઈમાં ફેંકી દીધો. ૧૧,૦૦૦ ફૂટની ઉંચાઈએ થી હાથમાં બંદૂક લઈ એ બરફ પર કૂદ્યો. એ પહેલાં કે તે કંઈ સમજી શકે એ ઝરણાનાં વહેણે કંડારેલા બરફાચ્છાદિત પથ્થરિયા માર્ગે અથડાતો કૂટાતો નીચે તરફ લપસવા લાગ્યો.
રૂ જેવાં પોચા સફેદ બરફનાં આવરણે તેની અને પર્વત વચ્ચેનું ઘર્ષણ ખતમ કરી દીધું હતું. એટલે સામાન્ય રીતે ખડકાળ પર્વત પર લપસવાથી થતી ઈજાઓ અને છોલાઈ જવાથી તે બચ્યો. પણ, સીધો ઢાળ અને બરફ આ બે કારણોસર તેની લપસવાની ગતિ વધી રહી હતી. હાથ પગની મદદથી ગતિ ઘટાડવાની કોશિશ નાકામ થઇ રહી હતી. તેણે બંદુકનાં કુંદાને ભરાવી લપસવાની ઝડપ ઘટાડવાની કોશિશ કરી.
તેની પાછળ તેનાં સાથીઓએ પણ અનિચ્છાએ કૂદકો માર્યો. તેમની પણ એ જ હાલત હતી. જે રીતે તેઓ વધુને વધુ ગતિએ નીચે તરફ સરકી રહ્યા હતાં તે જોતાં તો, નીચે કાળમીંઢ ખડકોમાં સાક્ષાત મૃત્યુ તેમની રાહ જોઈ રહ્યું હતું. ઉપર રહેલાં દુશ્મન સૈનિકોને ભારતીયોની હિલચાલની ખબર પડી ગઈ. તેમણે ગોળીબાર આરંભી દીધો.
ગોળીબારમાં નાયક હરીશ સિંહની આંખ ઈજાગ્રસ્ત થઇ, તેમાંથી લોહી વહેવા લાગ્યું. ઢોળાવને લીધે ભારતીય સૈનિકો પગ ઠેરવી કે રોકાઈને દુશ્મન પર વળતો ગોળીબાર કરી શકતા નહોતાં, પણ તેમનાં અવરોહણ દરમિયાન દુશ્મને તેમની દિશામાં ગોળીબાર કરવાનું ચાલુ રાખ્યું.
તેમનો નીચે તરફ સરકવાની ઝડપ એટલી આઘાતજનક હતી કે સામું જોર લગાવવું નક્કામું લાગી રહ્યું હતું. તેઓ એક બર્ફીલા ઢોળાવ પર ભયાનક ગતિથી નીચે પડી રહ્યા હતાં. હરીશ ઉંધો પલટવામાં સફળ રહ્યા પછી તેણે પોતાની બંદુકનાં કુંદાથી લપસવાની ગતિ સારી એવી ઘટાડી. ઉંધા સરકવાનો ગેરફાયદો એ હતો કે હવે તેને નીચેની દિશાએ કંઈ દેખાતું નહોતું. થોડે આગળ જતાં, નાળું જમણે વળ્યું. વળાંકને પાર કરતાં હરીશને આંચકો લાગ્યો, અને તેની લપસવાની દિશા કાબુ બહાર જતી રહી. તે ખીણમાં રહેલી એક ખડકાળ ધાર તરફ સરકવા લાગ્યો જ્યાં સાક્ષાત મૃત્યુ તેની રાહ જોઈ રહ્યું હતું.
જો હરીશ પૂરી ગતિથી એ ધાર સાથે અથડાયો હોત તો એ પાંચેય આફતમાંથી કેમ ઊગર્યા તે આપણને જણાવવા આજે હયાત ન હોત! મહેબુબ હરીશથી થોડો આગળ હતો. તેની દશા પણ કંઈ બહુ સારી નહોતી. હા, નસીબજોગે વળાંકમાં એ પોતાની ગતિ પર નિયંત્રણ પામવામાં અને થોડે આગળ જઈ થોભવામાં સફળ રહ્યો. જેવો હરીશ મહેબુબની પાસેથી નીકળ્યો તેણે હરીશનું ખમીસ પકડી લીધું. જેને લીધે હરીશની નીચે સરકવાની ગતિમાં બદલાવ આવ્યો, એ થોડો ધીમો પડ્યો અને નીચે બર્ફીલા મેદાનની ધાર તરફ વળી ગયો. જેવો હરીશ એક બરફમાં અડધી દબાયેલી એક શીલા પાસેથી નીકળ્યો તેણે એ શીલાની કિનારી પકડી લીધી અને સહેજ માં નીચે ધાર પર પછડાતાં બચી ગયો.
અંતે, સાંજે સાત વાગ્યાના સુમારે પાંચેય તળેટી એ પહોંચ્યા અને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો. સાંકેતિક સંદેશ મળતા જ તેમને બચાવવા પલટનથી એક બચાવ દળ નીકળી પડ્યું. થોડી શોધખોળ બાદ બચાવ દળને એક કાળમીંઢ પથ્થર પર બેસેલાં પાંચ અધમૂવા થયેલા સૈનિકો દેખાયા. જેમના ભીના કપડા, ચકળ-વકળ થઇ રહેલી આંખો તથા મેલા અને ધૂળિયા ચહેરાઓ પરથી ટપકી રહેલો પરસેવો, તેમનાં છેલ્લા અડતાલીસ કલાકથી વધુ સમયનાં સંઘર્ષને બયાન કરી રહ્યો હતો.
બચાવ દળની અગુવાઈ કરી રહેલાં હવાલદાર રામાનુજ સિંહ અને સાથીઓએ મહેબુબ સમેત પાંચેય સૈનિકોને વારાફરતી ગળે લગાડ્યા અને પાણી પાયું. તેમનાં ભીના કોટ કાઢી પોતાનાં કોટ પહેરાવ્યા અને તેમનાં હાલ-હવાલ પૂછ્યા, ‘દોસ્તો તમે ઠીક તો છો ને?’
બચાવ દળમાં રહેલાં એક દાકતરી સહાયક સૈનિકે હરીશ સિંહને પ્રાથમિક સારવાર આપી, જેથી તેમને થોડી શક્તિ મળી. બચાવ દળ પાસે સ્ટ્રેચર હતાં, પણ તેની જરૂર પડી નહિ. દસેક મિનીટનાં ઉપચાર અને જલપાન બાદ રાત્રીનાં ભૂલ્યા એ પાંચ જવાનો સાયંકાળે પલટનમાં પાછા ફરવા હતાં.
થોડા કલાકો પછી, ઝંઝાવાતે તેની ગતિ ગુમાવી અને છૂટી-છવાઈ બરફ વર્ષામાં રૂપાંતરિત થઇ ગયો. અંતે શાંત પડતાં પહેલાં તોફાને એક છેલ્લો દાવ રમી લીધો. પવનની ગતિ મંદ થઇ ને સાવ થમી ગઈ. પવન પડી ગયો કે ધરતી પર સન્નાટો છવાઈ ગયો અને તાપમાન શૂન્યથી કેટલીય ડીગ્રી નીચે જતું રહ્યું. નાયક મહેબુબ પટેલ અને તેના ચાર સાથીઓ માટે એ તોફાન સૌભાગ્યની આંધી લાવ્યું અને કુદરતના કેર લીધે એ દિવસે તેઓ બચી ગયા.
છાવણીમાં પહોંચ્યા કે તેમને કર્નલ ચીમાએ મળવા બોલાવ્યા. સૈનિકોને થયું આ ઉપરથી નીચે સુધી ધૂળિયું શરીર, ચીથરેહાલ થયેલાં કપડા અને તૂટેલી બંદુકો સમેત, અમારાં હાલ-હવાલ એવાં નથી કે કમાન અધિકારી સામે અમે જઈ શકીએ. તેમની મૂંઝવણ સમજીને કર્નલ સામેથી તેમની પાસે આવ્યા.
કર્નલ ચીમા, ‘શાબાશ જવાનો! દુશ્મનની આટલે નજીક પહોંચ્યા બાદ, તમે લગભગ અસંભવ પરિસ્થિતિમાં ખુબ બહાદુરી દર્શાવી.
સૈનિકો થોડાં ગભરાયેલાં અને આશ્ચર્યચકિત હતાં, ‘સાહેબ અમે એવું તે કંઈ અસાધારણ કર્યું નથી.’ ચીમા, ‘મને કેપ્ટન કશ્યપે વાત કરી. તમે કેવી પરિસ્થિતિમાં દુશ્મન સામે બે દિવસ સુધી લડ્યા અને કેમ કરીને અહીં પહોંચ્યા છો તે દેખાઈ રહ્યું છે. મારી શાબાશીના તમે હકદાર છો. બાકી રહી વાત દુશ્મનની, તો મને ભરોસો છે. આવતે વખતે તમે એને છોડવાના નથી.’
મુખ્યાલય પ્લાટુન ૧૨ મહાર
મુખ્યાલય પ્લાટુનના મહત્વના અંગ, સિગ્નલ કંપનીમાં સાબરકાંઠા જીલ્લાના કિસનગઢના વતની હવાલદાર કાંતિભાઈ સુકાજી કોટવાલ અને પંચમહાલ જીલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામના વતની નાયક રૂમાલભાઈ રવજીભાઇ રજાત નિયુક્ત હતા. રૂમાલભાઈ સ્વભાવે સરળ અને નિખાલસ, મળતાવડા ને વાત રસિયા.
એકવાર વાતે વળગે એટલે સામા માણસને કંટાળો જ ન આવે તેવી પોતાના સૈન્ય અનુભવોની રસપ્રદ એમની વાતો અને સકારાત્મક તથા ગતિશીલ તેમનું વ્યક્તિત્વ. કાંતિભાઈ સૈન્ય સેવા પરમો ધર્મ એવું માનીને સેનામાં વીસ વર્ષથી વધુ સમય ગૌરવપૂર્ણ સેવા આપી ચુક્યા હતા. પોતે સૈન્ય સેવાના તેમના અંતિમ પડાવ પર હતાં પણ સ્ફૂર્તિમાં નવયુવાન સૈનિકને પણ હંફાવે તેવા ચપળ.
હવાલદાર કાંતિભાઈનો ઉંચો મજબુત બાંધો, વિશાળ ભાલપ્રદેશ, ઘઉંવર્ણ, ચહેરા પર અનુભવની ચાડી ખાતી રેખાઓ અને બોલવાની છટા સામા માણસ પર છાપ પાડ્યા વગર રહે જ નહિ. પોતાનાં જ ઉદાહરણથી કાંતિભાઈએ પલટનનાં નવયુવાનોને ઠસાવ્યું હતું કે ‘મહેનતનો કોઈ વિકલ્પ નથી.’ રંગરૂટો તેમની યુદ્ધક્ષેત્રે ચુસ્તી-સ્ફૂર્તિનો શ્રેય કાંતિભાઈને જ આપતાં.
યુદ્ધ સમયે બટાલિયન માટે સૌથી મોટો પડકાર બ્રિગેડ મુખ્યાલય અને ઉપર લડી રહેલી કંપનીઓ સાથે સંદેશાવ્યવહાર ટકાવી રાખવાનો હતો. મુશકોહ હિલ પર રેખા પોસ્ટ અને હેલ્મેટ ટોપ જેવા અસંભવ લક્ષ્યો મળ્યા બાદ, પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા તોપમારા વચ્ચે સિગ્નલ કંપનીએ ટેલીફોન લાઈનો બિછાવી બ્રિગેડ મુખ્યાલય – બટાલિયન મુખ્યાલય – કંપની રીયર વચ્ચે સંપર્ક પ્રસ્થાપિત કર્યો.
અત્યંત ઊંચા અને વિશાલ પર્વતીય પ્રદેશ પર અનેક મોરચે લડી રહેલી બટાલિયનના સૈનિકો માટે એક નાનો સંદેશ જીવન-મરણનો પ્રશ્ન ઉભો કરી શકે છે. માટે જ, યુદ્ધ સમયે ફાઈટીંગ ફોર્સ – કંપની રીયર – બટાલીયન મુખ્યાલય અને બ્રિગેડ મુખ્યાલય વચ્ચેનો સંદેશાવ્યવહાર અવિરતપણે ચાલતો રહેવો જોઈએ.
દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં બિછાવેલી ટેલીફોન લાઈનોને પાક તોપમારાથી બચાવવાનો કોઈ રસ્તો ન હતો. દુશ્મન તોપમારાથી અવારનવાર ટેલિફોન વાયરોને નુકસાન થઈ જતું. આ વાયરોની મરામત કેવળ દિવસના ભાગે જ થઈ શકતી. પાકિસ્તાનના તીવ્ર બોમ્બમારા વચ્ચે સિગ્નલ કંપનીના જવાનો, તેમની સાથે સુરક્ષા માટે બે-ત્રણ હથિયારધારી સાથીઓને લઇને જીવના જોખમે છતે દિવસે પર્વતો ફંફોસતા. બંધ થયેલી લાઈનનો વાયર પકડીને ઉપર તરફ ચડતા રહેવાનું અને તૂટ દેખાય ત્યાં સાંધો કરવાનો. અજબ ડ્યુટી હતી ખરું ને! પરંતુ, એ વાયરોમાંથી પસાર થતા સંદેશાઓ પર જવાનોનો જીવ ટકેલો હતો.
૨૦ જૂન ૧૯૯૯
ઉપરી અધિકારીએ ફરજ પરના સિગ્નલમેનને ડેલ્ટા કંપની સાથેનો ટેલિફોનીક સંપર્ક તૂટી ગયો હોવાનું જણાવ્યું. સિગ્નલમેનની સુરક્ષા માટે નાયક રૂમાલભાઈ અને હવાલદાર કાંતિભાઈને સાથે મોકલવામાં આવ્યા. નજીકના એક પર્વત પરની પાકિસ્તાન આર્ટીલરીની ઓબ્ઝર્વેશન પોસ્ટ પરથી દૂરબીન માંડીને આપણી ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહેલા દુશ્મન તોપખાના નિરીક્ષકો (આર્ટીલરી ઓબ્ઝર્વર) એ જોઈ લીધા.
લાઈન મરામત દળને નિશાન બનાવીને હોવિત્ઝર તોપથી નિશાન લઇને એક પછી એક ત્રણ શેલ દાગી દીધાં. સદભાગ્યે જવાનો સાબદા હતા. ત્રણેયે તેમનાથી ૩૦૦ મીટર છેટેના પર્વતની આડશ લેવા દોટ મૂકી. જિંદગી અને તોપગોળા વચ્ચે જાણે લડાઈ જામી. ઉંચે સાદે નજીક આવતો સીટી વાગવાનો મનહુસ અવાજ કહી રહ્યો હતો કે તોપગોળા એ ત્રણેયની દિશામાં જ આવી રહ્યા હતા. ત્રણેય તુરંત જમીનસરસા થઇ ગયા.
તોપગોળા કોઈના સગા તો થાય નહિ. કાંતિભાઈની સામે નજીકમાં જ એક ગોળો ધડામથી અથડાયો અને ફાટ્યો. કાંતિભાઈને લાગ્યું કે તેમના માથા પર કોઈએ ઘણથી પ્રહાર કરી દીધો હોય. થોડી સેકંડ માટે તે શ્વાસ પણ લઇ શક્ય નહિ. આ તો મૃત્યુની હવાનો અનુભવ હતો. નજીકમાં તોપગોળો ફાટે તો લોકો એમ કહેતાં કે શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઇ જાય.
કાંતિભાઈને એ ગરમ અને દેહ દઝાડનારુ અનુભવાયું, જે તેમનાં પુરા શરીરના એક એક અંગને ધ્રુજાવી ગયું. મૃત્યુને છેતરીને કાંતિભાઈ, રૂમાલ ભાઈ અને તેમનો સાથી જવાન ફરી તેમના કામે લાગ્યા. તેમના સતત પ્રયાસોને લીધે ૧૨ મહારનો ટેલિફોનીક સંદેશાવ્યવહાર કાર્યરત રહ્યો.
કાંતિ ભાઈ કોટવાલ અને રૂમાલભાઈ રજાતની બહાદૂરી શું તેમને દુશ્મનનાં તોપમારાથી બચાવવા પુરતી હતી?
શું યુદ્ધની દેવીએ મહેબૂબ પટેલ અને હરીશ સિંહને માતૃભૂમિનું ઋણ ઉતારવાનો બીજો મોકો આપ્યો?
ઉત્તમ પટેલ અને દિનેશ મોહન વાઘેલાનાં મશીન ગન દળે દુશ્મન પર વર્તાવેલો કાળો કેર તેમનાં પર શું વિતાવશે?
આ બધાં સવાલોનાં જવાબો મેળવવા માટે વાંચતા રહો, “હિન્દુસ્તાનની શૌર્યગાથા – કારગીલ” ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર.
ક્રમશઃ
લેખક નિવૃત્ત નૌસેના અધિકારી છે.
Please follow @mananbhattnavy