scorecardresearch

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૦, સંઘર્ષના બીજ : તોલોલીંગ પર હુમલો – એક અસંભવ લક્ષ્ય

hindusthan na shaurya gatha, kargil war – હુમલાની પૂર્વ તૈયારી સ્વરૂપે મેજર કે. કે. મિશ્રા અને નાયબ સુબેદાર ભૂપતસિંહે સેન્ડ મોડેલ બનાવી ચાર્લી અને ડેલ્ટા કંપનીના જવાનોને તેમનાં લક્ષ્યનાં વિસ્તારનું સંક્ષિપ્ત વિવરણ આપ્યું.

hindusthan na shaurya gatha, kargil war, Gujarati heroes of 12 Mahar platoon
હિન્દુસ્તાન કી શૌર્ય ગાથા કારગીર યુદ્ધ -10

ગત સપ્તાહે આપણે જોયું કે ૧૯૯૯ની ભીમ અગિયારસની એ રાત્રીનાં હુમલામાં ૫ સૈનિકો શહીદ થયા અને કંપની કમાન્ડર કેપ્ટન કશ્યપ પણ ઘવાયા.

૨૭ જૂન ૧૯૯૯ – તોલોલીંગ પર હુમલો – એક અસંભવ લક્ષ્ય

જ્યેષ્ઠ સુદ ચૌદશ ની રાત્રે ચાંદો પૂનમ સરીખો જ ચમકી રહ્યો હતો. આકાશમાં વાદળા નદારદ હતાં. પછીના દિવસે ગુરુ પૂર્ણિમા હતી. સુબેદાર કલાસ્વાની કમાન હેઠળની ડેલ્ટા કંપનીને તોલોલીંગની ડાબી તરફથી બાવીસ-આર પોઈન્ટ પર અને મેજર મિશ્રાની કમાન હેઠળ ચાર્લી કંપનીને બાવીસ-આર ની જમણી તરફથી હેલ્મેટ ટોપ પર આક્રમણ કરવાનું લક્ષ્ય સોંપાયું. હુમલાની પૂર્વ તૈયારી સ્વરૂપે મેજર કે. કે. મિશ્રા અને નાયબ સુબેદાર ભૂપતસિંહે સેન્ડ મોડેલ બનાવી ચાર્લી અને ડેલ્ટા કંપનીના જવાનોને તેમનાં લક્ષ્યનાં વિસ્તારનું સંક્ષિપ્ત વિવરણ આપ્યું. લક્ષ્યની નજદીક પહોંચ્યા બાદ નિર્ધારિત સમયે ડેલ્ટા અને ચાર્લી કંપનીઓએ એકસાથે દુશ્મન મોરચાઓ પર બે દિશાએથી આક્રમણ કરવું એવું નક્કી થયું. બંને કંપનીઓ એ તેમની ઘડિયાળોમાં એકસરખો સમય સેટ કર્યો.

ત્યાર બાદ સમય હતો ચાર્લી અને ડેલ્ટા કંપનીનાં અલગ બ્રીફિંગ નો. ચાર્લી કંપની મેજર મિશ્રા અને સુબેદાર ભૂપત પાસે આક્રમણનાં બ્રીફિંગ માટે ઉભી રહી. જ્યારે, ડેલ્ટા કંપની નાં નવા કંપની કમાંડર સુબેદાર કલાસ્વા એ તેનાં જવાનોને તેની નજીક એકઠા કર્યા અને બ્રીફિંગ શરુ કર્યું.

કલાસ્વા, ‘હરેન્દ્રગીરી, ભલાભાઈ અને સ્કાઉટ દળનાં સાથીઓ, તમારું પ્રથમ લક્ષ્ય, પાકિસ્તાની સુરક્ષા ઘેરાની અંદર ઘુસી તેમનાં મુખ્ય બંકરની વધુમાં વધુ નજીક પહોંચવાનું રહેશે. બે જવાનો બંકર પર બોમ્બમારો કરી રસ્તો પ્રશસ્ત કરશે. સ્કાઉટ દળનાં બાકીનાં સભ્યો દુશ્મનની મશીન ગન પોસ્ટ હાથગોળાથી હુમલો કરી તેને નિરસ્ત કરી નાખશે.’

‘પાકિસ્તાનીઓ ની બહોળી સંખ્યા અને પર્વત શિખરો પર તેમની કિલ્લેબંધી જોતાં, આપણી તરફે ખુવારી ઘટાડવી અત્યંત જરૂરી છે. જેને માટે, મુખ્ય આક્રમણ દળ પરથી તેમનું ધ્યાન હટાવવું પડે. માટે, આક્રમણની શરૂઆતમાં જ ડુંગરાની ટોચનાં મેદાનનાં પ્રવેશે બનેલા દુશ્મન સેંગર પર હળવો બોમ્બમારો કરી આપણે એક નકલી હુમલો કરીશું.’

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૦

બાવીસ-આર ટુક તરફ ઈશારો કરી ને કલાસ્વા બોલ્યા, ‘આપણો એપ્રોચ જોતાં પાકિસ્તાની તોપગોળાઓ ત્યાં, સામેની બાજુએ ઉપરથી પસાર થઇ જશે, ન કે આપણી ઉપર થી. પાકિસ્તાન તેનાં સૈનિકો એ સેંગરમાં કેન્દ્રિત કરશે જે તેમનાં મુજબ આપણા આક્રમણનું કેન્દ્ર હશે. આપણું નસીબ સારું રહ્યું તો એટલી વારમાં તેમની હિલચાલની વચ્ચે આપણું સ્કાઉટ દળ મુખ્ય બંકરની નજદીક ઘુસી જવામાં સફળ રહેશે.’
‘સાલાઓ ને ઉડાવી મુકીશું, હરેન્દ્ર ગણગણ્યો.

‘એકવાર આપણે મુખ્ય બંકર પાસે પહોંચ્યા કે, હરેન્દ્રગીરી અને ભલાભાઈ તેની ડાબે થી હાથ ગોળા દાગી તેને ક્લીયર કરાવશે. જમણેથી ચાર જવાનોને પણ એ જ કરવાનું રહેશે. હું બાકીનાં જવાનો સાથે તેમનાં મશીન ગન દળ પર હુમલો કરીશ. સાથીઓ આપણે સૌપ્રથમ બાકોરામાંથી હાથગોળા ફેંકીને તેમની બંદુકો અને બંદુકધારીઓને નિષ્ક્રિય કરવાનાં છે. એકવાર તેમનું બંકર કબજે થઇ જાય કે તેનાં મુખ્ય સેંગરને આપણે ચોતરફથી ઘેરીને ‘મોતનાં કુવા’ માં ફેરવી નાખીશું.’

‘કોઈ શક?’ કલાસ્વા એ ઉમેર્યું.

‘યસ સર.’ બધાંને ચુપ જોઈ ભલાભાઈ ચકિત હતાં. ‘શું તમે એમ કહેવા માગો છો કે, આપણે તેમની ત્રણ મશીનગનનાં ગોળીબાર સામે સીધા ધસી જઈએ?’

કલાસ્વા, ‘ભલા, આ જેટલું દેખાય છે એટલું ખરાબ નથી.આપણે નજીક પહોંચીશું એટલે તમે જોઈ શકશો કે તેમનાં મશીનગન સેંગર બંકરની બંને તરફ દસેક ફૂટ ઉંચે બનેલાં છે. આપણે એકવાર નજીક પહોંચી જશું એટલે, બે શીલાઓની વચ્ચે પત્થરો ખડકીને બનેલાં સેંગરની ત્રણ તરફની આડશ ને લીધે તેમને માટે બંદુકોને નીચે તરફ કરી આપણા પર તાકવી મુશ્કેલ રહેશે. અને, એની પહેલાં કે દુશ્મન કશું કરે, આપણે આપણું કામ કરી લેશું. બરોબર ને?’

‘જી, થેંક યુ સર.’ ભલાએ હરેન્દ્રગીરી સામે જોયું. આ તો સહેલું લાગી રહ્યું હતું!

‘આહ ઠીક છે.’ હરેન્દ્રગીરી બડબડ્યો. ‘એક દિવસ તો આપણે બધાએ મરવાનું જ છે.’

૨૭મી જૂન ચૌદશની અજવાળી રાત હોવાથી આપણા જવાનોના જીવને ભારે ખતરો હતો. કમાનનો આદેશ હોવાથી હુમલો ટાળી શકાય તેમ નહોતું. સાંજે સાત વાગ્યે ૧૨ મહારની ચાર્લી અને ડેલ્ટા કંપનીઓએ લક્ષ્ય પ્રતિ પ્રયાણ કર્યું. ડેલ્ટા કંપનીના સિપાઈ બારિયા ભલા ભાઈ અને સિપાઈ હરેન્દ્રગીરી ગોસ્વામી કંપનીના ગાઈડ તરીકે અગ્રીમ હરોળમાં રહ્યા.

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૦

બરાબર એ જ સમયે મતીયાનનાં ખુલ્લા મેદાનમાં રહેલી આર્ટીલરી રેજીમેંટોની તોપોએ તોલોલીંગ પર નિશાને ચીરતો તોપમારો આરંભ કર્યો. બીજી એક દિશાએથી ૨ રાજરીફનાં ટુંકા નામે ઓળખાતી રાજપુતાના રાયફલ્સ રેજીમેન્ટની બીજી બટાલિયને પણ તોલોલીંગને લક્ષ્ય બનાવી ચડાઈ શરુ કરી.

અજવાળી રાતમાં ઉપર ચડતા સમયે કલાસ્વાને તેમના દૂરબીનમાં નીચેનાં એક પર્વતની ટુક પર કોઈ સૈનિકનો મૃતદેહ પડેલો દેખાયો. સુબેદાર કલાસ્વાએ તુરંત નકશામાં એ શિખરનો સંદર્ભ આપી પલટનના સિનિયર જેસીઓ છત્રપાલને રેડિયો સંદેશ મોકલ્યો. કલાસ્વા એ શક્યતા દર્શાવી કે એ આપણા જ કોઈ સૈનિકનો નશ્વર દેહ હોઈ શકે.

સુબેદાર છત્રપાલે એ જ સમયે એક ખાસ દળને તપાસ કરવા રવાના કર્યું. દુશ્મનના ભારે તોપમારા વચ્ચે, રાત્રીના બે વાગ્યાના સુમારે આપણા જવાનોને તેમના સાથી મુકેશ રાઠોડનું પાર્થિવ શરીર મળી આવ્યું. એ વીર જવાનનો પ્રાણ ગયો તેને એક મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો. અમર બલિદાની નાયક મુકેશ રાઠોડનો નશ્વર દેહ ઘર સુધી પહોંચાડી શકાય તેવી પરિસ્થિતિ રહી નહોતી. શ્રીનગર ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે બલિદાની સૈનિકનાં અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવા માં આવ્યું.

પાંચ કલાકથી વિષમ ચડાઈ બાદ બરોબર મધરાતે દળ લક્ષ્યની સમક્ષ હતું. કલાસ્વાનો ઈશારો થયો એટલે આછા ચંદ્રપ્રકાશમાં યોજના મુજબનું ડાઈવર્ઝન ઉભું કરવા એક દળ ભાખોડિયા ભરતું દુશ્મન ડુંગરની ટોચે બનેલાં સેંગરની નજદીક ખસક્યું અને સૈનિકો એકબીજા વચ્ચે સુરક્ષિત અંતર રાખીને છાતી સરસા થઇ બંદુકના નાળચાને લક્ષ્ય પર તાકી ગોઠવાઈ ગયા. રાત્રે બાર વાગીને સાત મીનીટે એ સેંગર પર પહેલા મોર્ટાર દળે અને પછી મશીન ગનરો એ ગોળીબાર શરુ કર્યો. આપણે વિચાર્યું હતું તેમ જ થયું. દુશ્મનને લાગ્યું કે આપણો મુખ્ય હુમલો સેંગર પર છે એટલે તેમણે અડધી કલાકનાં સંઘર્ષમાં જ એ સેંગરનાં સુરક્ષા દળને બમણું કરી દીધું.

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૦

ભારતીયોનો મુખ્ય હુમલો તો યોજના મુજબ હરેન્દ્ર્ગીરી ગોસ્વામી અને ભલાભાઈ અખમભાઈ બારિયાની અગુવાઈમાં થવાનો હતો. એ બંને ગુજરાતી યુવાનો ગાઈડ તરીકે કંપનીનાં સ્કાઉટ બનીને એડવાન્સ પાર્ટીથી પણ પચીસ મીટર આગળ અને દુશ્મન બંકરની એકદમ લગોલગ પહોંચી ચૂક્યા હતા.

બાર વાગી ને પંદર મીનીટે, હરેન્દ્ર્ગીરી અને ભલાભાઈ સમેત મુખ્ય આક્રમણ દળે દુશ્મન લાઇન પર હુમલો બોલાવી દીધો. ભારતનાં અપ્રત્યાશિત દરોડા ને લીધે શત્રુ સૈનિકોમાં ગભરાટ ફેલાયો અને એ બંકરમાં રહેલા કેટલાક પાકિસ્તાની સૈનિકો આપણા હુમલાનો જવાબ આપવા નજદીકી પત્થરોની આડશ લેવા લપક્યા. પણ તેઓ આક્રમણ દળની ગોળીઓથી બચી ન શક્યા અને મોટાભાગના તો અધવચ્ચે જ ગોળીએ વીંધાઈને ઢગલો થઇ પડ્યા.

જવાબમાં દુશ્મને આપણા આક્રમણ દળ પર અંધાધૂંધ ફાયર ખોલી નાખ્યો. સમરાંગણમાં ઘમાસાણ ચાલી રહ્યું હતું. પર્વતની ડાબી તરફથી આક્રમણ કરી રહેલા હરેન્દ્રગીરી અને વચ્ચે રહેલા ભલાભાઈ દુશ્મનના તીવ્ર ફાયરીંગ સામે મચક નહોતા આપી રહ્યા.

આપણા સૈનિકો દુશ્મનની આટલી નજીક હોય ત્યારે તોપમારાનું કવર આપી શકાય નહિ, પરંતુ મહારના મોર્ટાર ઓપરેટરોએ આપણા સૈનિકો શત્રુની વધુને વધુ નજીક પહોંચી શકે તે માટે મોર્ટાર બોમ્બ દાગી આડશ ઉભી કરી હતી. બંને તરફથી દુશ્મન ચોકીને ઘેર્યા બાદ આપણા મશીન ગનરો દુશ્મનને નિશાન બનાવીને એક પછી એક મેગેઝીન ખાલી કરી રહ્યા હતા. ભારતીય મશીનગનોનાં નાળચાઓ અગનજ્વાળાઓ સાથે સાક્ષાત મૃત્યુ વરસાવી રહ્યા હતાં. મોર્ટાર બોમ્બમારા અને ગોળીબારની આડમાં ભલાભાઈ અને હરેન્દ્રગીરી દુશ્મન બંકરની સાવ નજીક પહોંચી ચૂક્યા હતાં.

ગોળીઓનો અવાજ ગગનભેદી હતો અને કંપની કમાંડર કલાસ્વા એ ઉંચે અવાજે બુમ પાડવી પડી

કલાસ્વા, ‘ભલા અને હરેન્દ્ર પર દુશ્મનનો મશીનગન ફાયર કહેર બરપાવી રહ્યો છે. સ્કાઉટ્સ પર ઓછામાં ઓછી બે દુશ્મન કંપનીઓ દ્વારા ભારે હુમલો થયો છે. દુશ્મન તેમને ઘેરી ને બાકીની કંપનીથી અલગ-થલગ પાડી દે તે સૌથી મોટું જોખમ છે. ‘ઠીક છે, જવાનો. હું નેતૃત્વમાં રહીશ અને બે સેક્શન મારી પાછળ આવશે, ત્યારબાદ બીજા બે સેક્શન અને પછી કંપની રીયરનાં જવાનો. દુશ્મન બંકરની નજીક પહોંચીને હું અને મારી સાથેનાં બે જવાનો મશીન ગન નેસ્ટને ખતમ કરશે. પાછળનાં બે સેક્શન દુશ્મન બંકરમાં હાથગોળા દાગશે. આપણું પૂરું દળ ઝડપથી નજીક ધસી જશે અને બાકીની બંદુકોને શાંત પાડશે. એકવાર બંકર ક્લીયર થાય કે હરએક જવાન પોતાના પર છે. દુશ્મનની મદદગાર ટુકડીઓ અહીં પહોંચે તે પહેલાં કોઈપણ હિસાબે આપણે બંકરને ક્લીયર કરી તેમની બંદુકોને શાંત પાડવી જ પડશે.’

હજી તો કલાસ્વા એ તેની વાત પૂરી કરી-ન કરી ત્યાં તો એ જગ્યા એ દુશ્મને મોર્ટાર અને રોકેટ રાઉન્ડ દાગી દીધા. બાકીની કંપની મદદે આવી શકે તેમન નહોતી. સ્કાઉટ દળ ભારે સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું. મુખ્ય કંપનીથી તેમનો સંપર્ક લગભગ કપાઈ જવાની અણી પર હતો. જીતેલી બાજી હાથમાં થી સરી જતી જોઈ કંપની કમાન્ડર કલાસ્વાનાં ગુસ્સાનો પાર નહોતો.

ઉપર રહેલા દુશ્મનો આપણી પર ગ્રેનેડ ફેંકી રહ્યા હતા. મરણીયો જંગ ખેલાઈ રહ્યો હતો. ચપટી ભર સામાન્યબોધ ધરાવતો માણસ કદીયે આ રીતે સાક્ષાત મૃત્યુના મુખમાં ધસી ન જાય પરંતુ માથે કફન બાંધીને નીકળેલા ભારતીય વીરો સામેથી પોતાનો જીવ આપવા આગળ ધપી રહ્યા હતા.

હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-૧૦

આધુનિક વિશ્વ જયારે એકવીસમી સદીને આંગણે ઉભું હતું, ત્યારે પણ ભલાભાઈ બારિયા અને હરેન્દ્રગીરી ગોસ્વામીને મન જીવ કરતા સન્માન વધુ વહાલું હતું. ઘર, ગામ અને પલટનની પ્રતિષ્ઠા માટે પ્રાણઘાતક ગોળીઓ ઓકતી દુશ્મનની અલ્ટ્રા મશીનગનના ફાયર સમક્ષ બંને સાથીઓએ સામી છાતીએ અગ્રીમ હુમલો કરી દીધો. દુશ્મન સિમેન્ટના બંકરમાં સુરક્ષિત ડીફેન્સીવ પોઝીશનથી ફાયર કરી રહ્યો હતો. તેવે સમયે બંનેનો ઈરાદો સ્પષ્ટ હતો, ‘વિજય અથવા મૃત્યુ’. સ્વયંની સુરક્ષાની રત્તીભર પરવા કર્યા વિના, ઉપરીના આદેશને પથ્થરની રેખા માનીને પલટનનાં વ્યૂહ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને બંનેનું ખુલ્લી છાતીએ આક્રમણ સામેથી મૃત્યુને આમંત્રણ હતું.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-8, સંઘર્ષના બીજ – કેપ્ટન કશ્યપે હુમલાની યોજના બાબતે દળ સાથે ચર્ચા કરી, કર્નલ ચીમા એ દળને સંબોધ્યું

સુબેદાર કલાસ્વા હેઠળનું દળ દુશ્મનને ઘેરવા સ્હેજ ફેલાઈ ગયું અને ઢસડાઈને છેક તેમની ચોકીની નજીક પહોંચ્યા. તેમની ગણતરી એમ હતી કે જો તેઓ પાકિસ્તાનીઓ સુધી એક બાજુ થી પહોંચી જશે તો એ દિશાએથી થયેલાં હુમલા ને ખાળશે એટલા માં ભલા અને હરેન્દ્રને નીકળવાનો મોકો મળી જશે.

એક એવા ખૂણેથી જ્યાં દુશ્મન મશીનગનર તેને જોઈ નહોતો શકતો. ભલો દુશ્મન મોરચા તરફ ધસ્યો. તેને રોકવાની કોશિશમાં સામેથી એક પાકિસ્તાની સૈનિકે મોરચાની બહાર નીકળી ભલા પર ફાયર કરવા માટે નિશાન લીધું. તેને જોઈ ભલાએ આગળ તરફ કૂદકો માર્યો, સુરક્ષિત થઈ અને પોતાની બંદૂકનો કુંદો ઊંચક્યા વગર જ છાતી એ ટેકવી ગોળીઓ દાગી દીધી. ચહેરો વીંધાઈ જતાં સામેનો શખ્સ મોરચાના મુખ પર ધડામથી પછડાયો અને પાછળથી કોઈએ ભલાને પોકાર્યો. ‘ભલા ગ્રેનેડ ફેંકી દે.’

ભલાએ ત્વરાથી એક હાથગોળાની પીન કાઢી દુશ્મન મોરચા પર દાગી દીધો. અંદરથી કોઈની દર્દનાક ચીસ ગુંજી ઉઠી. કલાસ્વા અને બાકીનું દળ પણ હરેન્દ્ર અને ભલાને સતત કવર ફાયર આપી રહ્યું હતું. સામસામે લોહી ઉકળી રહ્યું હતું. ઉંચે અવાજે આદેશો છૂટી રહ્યા હતાં. દુશ્મનનો તીવ્ર ગોળીબાર બંને ભારતીય દળોને એકમેક સાથે જોડાવા નહોતો દઈ રહ્યો.

ભલાભાઈ અને હરેન્દ્ર તોપગોળાથી બનેલ એક ખાડામાં હતાં. ત્રાંસેથી આવી રહેલાં પાકિસ્તાનીઓ તેમનાં પડખે ચડી પાછળથી ઘેરવાની ફિરાકમાં હતાં. હાથગોળાઓનાં ફાટવાનો અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. બંને બહાદુર જવાનો ચોતરફથી ઘેરાઈ ચૂક્યા હતાં. ડેલ્ટા કંપનીની મશીનગનનો ગોળીબાર તેમની સામે અર્ધવૃત્ત બનાવી રહ્યો હતો. પછી નિકટતમ રેંજ પર એક મોટા ખડકની પાછળ થી બીજી એક મશીનગને ધાણીફૂટ ગોળીઓ ચલાવી દીધી. સ્કાઉટ દળ ભારતીય ફાયરીંગ લાઈન સુધી સલામત પાછું ફરી શકે તે માટે નાં અંતિમ પ્રયાસ અંતર્ગત કંપનીએ પાછળ થી દુશ્મન પર એક ભયંકર પલટવાર કર્યો.

આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ કારગીલ-9, સંઘર્ષના બીજ : “ખૂની નાલા”, તરસી પલટનને પાણી કોણ પાશે?

લગભગ તુરંત જ તેમની સામે દુશ્મન મશીનગન થોડી-થોડી વારે ગોળીઓ ઓકવા માંડી. તેનાં તેજ લસરકા હરેન્દ્ર ને સ્પષ્ટ દેખાતાં હતાં. દુશ્મન ચોકીમાં દરાર હતી તેનું નિશાન લઇ ને હરેન્દ્રે એક હાથગોળો દાગી દીધો. એ દરમિયાનમાં ભલાએ પણ ફરી એક હાથગોળો દાગ્યો. એક-પછી એક બે ધમાકા થયા. તેમણે એક તીવ્ર સીટીનો અવાજ સંભળાયો. દુશ્મન મશીનગન શાંત થઇ ચૂકી હતી.

કારગીલ લેખમાળાનો અગિયારમો લેખ ૧૨ મહાર પલટન વિષેનો છેલ્લો લેખ છે. આવતે અંકે આપણે સિપાઈ દિનેશ મોહન અને હરેન્દ્રગીરીનાં જીવસાટેનાં પરાક્રમો વિષે જાણીશું.

ક્રમશઃ..
લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે.

Web Title: Hindustan saurya gatha sangarsh bij kargil war attack on tololing an impossible target

Best of Express