એ દિવસે પણ છોકરાઓ લંગરમાં જઈ બપોરનું જમવાનું પતાવી પાછા ફર્યા જ હતા ત્યાં અઢી વાગ્યે બહારથી સીટી વાગવાનો અવાજ આવ્યો. ‘રોલ-કોલ’ થયો હતો. તેમને આપૂર્તિ વિભાગમાં લઇ જવામાં આવ્યા. ત્યાં તેમને સેનાની નવી વર્દી આપવામાં આવી. જેમાં સૌપ્રથમ પેન્ટ-શર્ટ અને ડાંગરી હતાં. જેની સાઈઝનું બહુ ખાસ ઠેકાણું નહોતું. બે જોડી વર્દી, બુટ, એક બિસ્તર, એક ઓશીકું, મચ્છરદાની અને બે ચાદર, થાળી-વાટકો, ચમચી, એક પાણીની બાલદી અને ટમલર જેવી કેટલીય જીવન જરૂરીયાતની ચીજો જેને સૈન્ય ભાષામાં ‘કીટ’ કહેવાય છે તે આપવામાં આવી અને સમાન ભરવા માટે લીલા રંગનો ‘કીટ બેગ’ તરીકે ઓળખાતો એક થેલો પણ અપાયો.
સાંજ પડતાં રીક્રુટ્સ તેમને સોંપાયેલ બેરેકમાં પહોંચી ચૂક્યા હતા. પશ્ચિમે ઢળતો સુરજ બેરેકની સફેદરંગી દીવાલોને પ્રકાશિત કરી રહ્યો હતો. કાચની બારીઓમાં સૂર્યપ્રકાશ પરાવર્તિત થઇ રહ્યો હતો. બેરેકનાં બિલ્ડીંગની સામે ફૂટબોલનાં બે ગ્રાઉન્ડની સાઈઝનું મોટું મેદાન હતું જેનું સાહજિક નામકરણ ‘ડબલ ફૂટબોલ’ ગ્રાઉન્ડ તરીકે થઇ ચૂક્યું હતું.
બેરેકની સડકની વિપરીત દિશાએ ત્રણસો મીટરની દૂરી પર ત્રણ મોટા વટવૃક્ષની સામે બુકસ્ટોલ, સ્ટેશનરી સ્ટોર, ટ્રેઈની માર્કેટ અને કેન્ટીન વિસ્તાર હતો. આગળ જતાં જે રમેશની ફેવરીટ જગ્યા બની રહેવાની હતી. બેરેકની પાછળ છાવણીના મુખ્ય માર્ગ પર આવેલાં મુખ્ય એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગની જમણી તરફ મોટું ગોળાકાર ‘તોપચી શોપિંગ કોમ્પ્લેક્સ’ હતું જેમાં બેંક, વર્દીની દુકાન, દરજી અને બેઝ લાઈબ્રેરી હતાં ઉપરાંત બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો હતી. શોપિંગ કોમ્પ્લેક્સથી થોડે આગળ જતાં એક એલ આકારની ઈમારતમાં ચિકિત્સા સહાયતા કેન્દ્ર બનેલું હતું.

રીક્રુટ્સને રહેવા માટેની વિશાળ ઇમારતો બેરેક માર્ગ તરીકે ઓળખાતાં રસ્તા પર આવેલી હતી. વન ટ્રેનીંગ રેજીમેન્ટથી લઇને આગળ ચાલતા જઈએ તો છેલ્લી ઈમારત ફાઈવ ટ્રેનીંગ રેજીમેન્ટની હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જમણી તરફ ૩૨ નબરની સ્ક્વોડમાં રમેશ રહેતો હતો. તાલીમાર્થીઓની બધી જ બેરેકનાં સમૂહ ભોજન માટે સેનામાં લંગર તરીકે ઓળખાતું એક વિશાળકાય રસોડું બેરેક માર્ગની બરોબર મધ્યમાં આવેલું હતું. પ્રત્યેક તાલીમ પ્રભાગ(રેજીમેન્ટ) ની મુખ્ય ઈમારતની સામે બિલ્ડીંગના બધા જ છોકરાઓ રોલકોલ સમયે એકસાથે ઉભા રહી શકે તેટલી જગ્યા હતી.
રમેશની બેરેકનો પ્રથમ રોલકોલ થયો અને રીક્રુટ્સનો તેમનાં બેટરી હવાલદાર અને અન્ય પરીક્ષકો સાથે પરિચય કરાવવામાં આવ્યો. સાડા છ ફૂટ ઊંચાઈ અને મજબુત બાંધો ધરાવતા હવાલદાર એસ ડી યાદવ રમેશના દળની સામે પર્વત શા ટટ્ટાર ઉભા હતા. તેમની તીક્ષ્ણ નજર રીક્રુટ્સ પર ફરી રહી હતી. એ બધાં છોકરાઓની જવાબદારી હવે તેમના પર હતી. તેમની સત્તાધારી આંખોનો પ્રભાવ રીક્રુટ્સ અનુભવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ, અમર શહીદ ગનર, ડીએમટી રમેશ જોગલની વાત
યાદવ,“રીક્રુટ્સ, આપકા આપકે નયે ઘરમેં સ્વાગત હૈ. મેરા નામ હવાલદાર યાદવ હૈ.આપકો બુનિયાદી તાલીમમેં અપના સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરના હૈ. આપ યુદ્ધમેં કૈસે જીવિત રહેંગે, યહ સિખાને કી જિમ્મેદારી મેરી હૈ. અગલે છહ મહીનોં તક આપ મેરી દેખરેખમેં રહોગે. યદી આપ લોગ મેરે હિસાબ સે રહોગે તો યહાં પર આપકા વક્ત અચ્છા બીતેગા. અગર આપને મેરે આદેશ કે વિરુદ્ધ કોઈ કદમ ઉઠાયે યા ડીસીપ્લીન તોડા તો આપકા આગે કા સમય કાફી મુશ્કિલ રહેગા. ચુનાવ તુમ્હે ખુદ કરના હૈ. ડીસમીસ.”
નાયક પ્રદીપ સિંહે પ્રત્યેક રીક્રુટને વ્યક્તિગત બેડ અને લોકર સોંપ્યા. દરવાજાથી ડાબી તરફ ત્રીજા નંબરનો બેડ રમેશને મળ્યો. તેની બાજુનાં બંક પર સંતોષ કુમાર મિશ્રા નામનો મુંબઈકર છોકરો હતો.

એ દિવસે સાંજે બેરેકમાં પહોંચીને નાહી-ધોઈ બધી અસૈનિક ધૂળ અને મેલ સાફ કરીને સૌપ્રથમ વાર નવી વર્દી ટ્રાય કરવાની સહુ કોઈને ઉતાવળ હતી. કોઈની વર્દી ટૂંકી તો કોઈની લાંબી હતી. બધાએ અંદરો-અંદર અદલા-બદલી કરી લગભગ વ્યવસ્થિત વર્દી પહેરી લીધી. દરેકને તેનો ‘સીવીલીયન’ સામાન એક સ્ટોર રૂમમાં ભરી દેવાનું કહી દેવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓ માટે ‘મુફ્તી’ કપડા પહેરવા પર પ્રતિબંધ હતો.
રમેશની બેરેક ફાઈવ એડમ રેજીમેન્ટના બિલ્ડીંગમાં પ્રવેશતાં જ ડાબી તરફ હતી. પ્રત્યેક બેરેકમાં રમેશની સ્ક્વોડના વીસ રીક્રુટ્સ માટેના વીસ પલંગ હતા. બે પલંગની વચ્ચે લોકર એટલે કે રીક્રુટ્સને નીજી વપરાશની ચીજ વસ્તુઓ રાખવા માટેના લાકડાના નાના કબાટ ગોઠવેલા હતા. નાયક પ્રદીપ સિંહે રીક્રુટ્સને તેમને આપૂર્તિ કાર્યાલયમાંથી મળેલ બિસ્તરાની મદદથી પથારી કેવી રીતે ગોઠવાય અને લોકરમાં સામાન કઈ રીતે વ્યવસ્થિત રહેવો જોઈએ તે બાબતે નિર્દેશ આપ્યા.

બેરેકની લગોલગ પાછળનું બિલ્ડીંગ વન ટ્રેનીંગનું હતું જેની સામેથી આર્ટીલરી સ્કૂલનો મુખ્ય માર્ગ પસાર થતો. દરેક બેરેકની મધ્યમાં અંદર પ્રવેશ માટે એક દરવાજો હતો જેની બરોબર સામેનો દરવાજો કોમન ટોયલેટ અને બાથરૂમ તરફ જતો. બેરેક દીઠ પાંચ કોમન ટોયલેટ અને પાંચ બાથરૂમ હતા. જેમાં નહાવા અને જાજરૂ જવા માટે રોજ લાઈન લાગતી. રમેશને તો પહેલેથી જ વહેલા પાંચ વાગ્યામાં ઉઠી જવાની ટેવ હતી એટલે તેને વોશરૂમ ખુલ્લા મેદાન જેવો ખાલી મળતો જેને લીધે એને નિરાંતે દિનચર્યા પતાવવા ઉપરાંત વર્દી ધોવાનો પણ સમય મળી જતો. રમેશની સ્વચ્છતા, શિસ્ત, કડક વર્દી અને ચમકતા પોલીશ્ડ બુટના વખાણ બધાં જ પ્રશિક્ષકો કરતા.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-3, ગનર રમેશ જોગલ – તોપચી તાલીમનો પહેલો દિવસ
રમેશ અને બીજા એક-બે છોકરાઓને બાદ કરતાં મોટાભાગનાં છોકરા એવા હતાં જેમણે ક્યારેય પોતાનો ઓછાડ સુદ્ધાં જાતે બીછાવ્યો નહોતો. તેમને માટે પથારી ગોઠવવાનો નિર્દેશ ભેંસ આગળ ભાગવત જેવો રહ્યો. પણ રીક્રુટ્સ માટે સમૂહકાર્ય કરવું અને એમાં સફળ થવું એ પણ જરૂરી હતું. રમેશે ન કેવળ બીજા સાથીઓને કરચલી વિનાની પથારી કરતાં શીખવ્યું પરંતુ બધાંના બિસ્તર નિરીક્ષણમાં પાસ થઇ જાય તે માટે ઓશિકા, ચાદર અને ઓછાડ વ્યવસ્થિત અને એક સરખાં ગોઠવી પણ આપ્યા.
પ્રત્યેક બેડ અને લોકરને સૈન્ય માનકો અનુસાર ગોઠવવામાં આવ્યા છે કે નહીં તે ચકાસવા માટે નિરીક્ષણ કરાયું. અગર કોઈ લોકર કે બેડ નિરીક્ષણમાં વિફળ રહે તો રંગરૂટે જ્યાં સુધી તે નિરીક્ષણમાં સફળ ન થાય ત્યાં સુધી તેમાં મંડ્યું રહેવું પડે. અંતે નિરીક્ષણ પૂરું થયું અને થાકીને બેહાલ બનેલા રીક્રુટ્સ ઠંડા પાણીમાં સ્નાન કરી સુવાની તૈયારી કરવા લાગ્યા.