૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટ – અમર શહીદ ગનર – ડીએમટી રમેશ જોગલ
પ્રશિક્ષણની દિનચર્યા યંત્રવત અને કઠીન હતી. સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા છ – એક કલાક પીટી, સાતથી આઠ બ્રેકફાસ્ટ, સાડા આઠથી બપોરના એક – ક્લાસ, સવા એકથી સવા બે લંચ, અઢીથી પાંચ – પરેડ, પાંચથી છ – સ્પોર્ટ્સ, સાડા છથી સાડા સાત ડીનર, સાડા સાતથી સાડા આઠ – સેલ્ફ સ્ટડી, નવ વાગ્યે રોલકોલ જેમાં અડધી કલાક સુધી બુટપોલીશ કરવાનું અનિવાર્ય. દસ વાગ્યે અચૂક લાઈટ બંધ.
આવી ઘડિયાળને કાંટે ચાલતી દિનચર્યાની તીવ્રતાને અનુભવીને કેટલાય રીક્રુટ તેમના સૈન્યમાં જોડાવાનાં નિર્ણયનો અફસોસ કરી રહ્યા હતા અને બાકીનો સમય કેવો વીતશે તેની કલ્પના માત્ર ધ્રુજારી પમાડે તેવી હતી. પાંચ ફૂટ અગિયાર ઇંચનો રમેશ તેના ક્લાસમાં સૌથી લાંબો હતો. તેની શારીરિક સજ્જતા, ડીસીપ્લીન અને ઠંડા મગજથી નિર્ણય લેવાની ક્ષમતા જોઇને હવાલદાર યાદવે તેની નિમણૂંક સ્ક્વોડના લીડર તરીકે કરી.
રમેશના અહીં આવ્યાના ત્રણેક દિવસ બાદ નાસિકમાં વન ટ્રેનીંગ રેજીમેન્ટમાં બીજા એક નવા ગુજરાતી આહીર રીક્રુટ મસરીભાઈ ચાવડાનો પ્રવેશ થયો. ટ્રેનીંગ સેન્ટરમાં મસરીનો હજી તો પહેલો જ દિવસ હતો. તેને બેરેક સોંપાઈ ત્યાં તો રમેશ નવા રીક્રુટોમાં કોઈ ગુજરાતી હોય તેવી પૃચ્છા કરતો વન એડમ ટ્રેનીંગની બેરેકમાં મસરી પાસે પહોંચી ગયો.
રમેશ કરતાં ઊંચાઈમાં એકાદ ઇંચ આગળ-પાછળ, રંગે સ્હેજ શ્યામવર્ણ અને ભરાવદાર હડપચીથી મસરી બીજા રીક્રુટ્સથી અલગ દેખાતો. રમેશ અને મસરી બંને આહીર પરિવારના સંતાનો. બંનેને કોઈ વ્યસન નહીં. મસરી અને રમેશ બંનેની ઉંમર સરખી અને એકબીજાને તુંકારે બોલાવવાનો વ્યવહાર. પણ પિતા વિના ઉછરેલા રમેશનાં સ્વભાવની પરિપકવતાને લીધે મસરી તેને સગા મોટા ભાઈથી પણ વિશેષ માનતો. બંનેનાં સ્વભાવમાં ઘણું સામ્ય હતું.
મસરી પહેલીવાર ગામમાંથી એકલો બહાર નીકળેલો અને સેનાની અઘરી તાલીમ વિષે કેવળ સાંભળ્યું હતું. દરેક નવા રીક્રુટની જેમ મસરીના મનમાં પણ ફફડાટ હતો. રમેશને મળ્યા પછી મસરીના મનની ઘણી ચિંતાઓ દૂર થઈ ગઈ.
તાલીમ શરુ થઇ ગઈ.
વહેલી સવારે પાંચ વાગ્યામાં ઉઠીને પીટી, પરેડ કર્યા બાદ, વર્ગખંડમાં પીરીયડનો અર્થ હતો સાવધાનમાં ટટ્ટાર બેસી નીંદરને ભગાવવાની સતત કોશિશ કરતી રહેવી. એવું નથી કે બીજા છોકરાઓ ચાલુ કલાસે ઝોકું નહોતાં ખાતાં પણ, ચાલુ કલાસે ઊંઘી જવું એક કળા હતી. જે ક્લાસનાં બે નમુનાઓને સિદ્ધહસ્ત હતી. ક્લાસનો બેક બેંચર રાજીવ રંજન છેલ્લી પાટલી એ છુપાઈને બાંકડા પર ઊંઘી જતો. બાપ્પાદીત્ય ચાલુ લેકચરે ખુલ્લી આંખે ઊંઘી શકતો. એ કોઈપણ બાંકડે બેઠો હોય તેનાથી કોઈ ફર્ક પડતો નહીં. સંતોષ મિશ્રા ને ઝોકું આવે કે તેની ગરદન દહશેરીનું વજન ઊંચકવાનું બંધ કરી દેતી અને ધીમે રહી ને નમતી નમતી બેંચ પર જઈને અટકતી અને તેનાં નસકોરા ચાલુ જઈ જતાં. કોઈ નિદ્રાવશ દેખાય કે ઇન્સ્ટ્રકટરનો ચોક મિસાઈલની જેમ વછૂટતો અને લક્ષ્યભેદ થકી ભલભલાની નીંદર ઉડાવી દેતો.
બેટલ ફીઝીકલ ટેસ્ટ – બીપીટી
છોકરાઓને ક્લાસમાં ભણવાનાં બધાં વિષયો અને તાલીમ યાદ રહે કે ન રહે પરેડ, બેટલ ફિટનેસ ટેસ્ટ, અને ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ મગજમાંથી ભૂંસાય તેમ નહોતાં. કેવળ એક બોટલ પાણીની મદદથી બેટલ ફીઝીકલ ટેસ્ટ પાસ કરવો એ સૈન્ય તાલીમની પરાકાષ્ઠા હતી. હવાલદાર યાદવે પૂરી બેટરીને બીપીટીની આગલી રાત્રે એકઠી કરી અને કેટલીક ટીપ્સ આપી. તેમણે કહ્યું કે શરૂઆતથી જ બહુ તેજ દોડવાની જરૂર નથી. બીપીટી કોઈ સ્પર્ધા નથી એટલે તેમાં ફર્સ્ટ આવવાનાં ચક્કરમાં તેજ દોડવાથી ડીહાઈડ્રેશનનો ખતરો છે. બીપીટીની અગાઉની રાત્રે પૂરી ઊંઘ કરવી જરૂરી છે.
રાત્રે સુતાં પહેલાં જેટલું વધુ પાણી પી શકાય તેટલું પી લેવું. જ્યારે એમ લાગે કે પેટ ભરાઈ ગયું, હવે પાણી નહીં સમાય તો બગીચામાં એક આંટો મારીને ફરીથી પાણી પીવો. આમ કરવાથી તમારાં શરીરની પેશીઓ ભેજનો સંગ્રહ કરી રાખે છે જે થી તમારાં શરીરમાં પાણીની કમી વર્તાયા વિના તમે પૂરો દિવસ વિતાવી શકો.
બીપીટીનાં દિવસે સવારે ચાર વાગ્યામાં તૈયાર થતાં સમયે, બાપ્પાદીત્ય કંઇક વધુ જ ખુશ જણાઈ રહ્યો હતો. બાપ્પાનાં ચહેરા પરની સ્માઈલ જોઈ રમેશનાં મનમાં શંકા લાગી રહી હતી. તેણે રાજીવને પૂછ્યું, “જો ને આ આળસુનો બાપ્પો શેનો આજે આટલો મરક-મરક મુસ્કાન વિખેરી રહ્યો છે. સ્હેજ એના પર નજર રાખજે. નક્કી કંઇક ગડબડ કરશે.”
રમેશની શંકા સાચી હતી. બાપ્પાએ તેનાં પીઠ્ઠું ને હળવું કરવા (પીઠ્ઠું: બીપીટી સમયે પીઠ પર ટાંગેલો ઇંટો ભરેલો કેનવાસનો થેલો) તેમાંથી ઇંટો કાઢીને અચૂક તેનાં જેવું જ દેખાય તેવું પૂંઠાનું બોક્સ અંદર ભરાવી દીધું હતું. હવે તેનું પીઠ્ઠું ભરેલું તો લાગી રહ્યું હતું પણ પંદર કિલોને બદલે તેનું વજન સો ગ્રામ પણ નહોતું રહ્યું. કેટલાય કિલોમીટરનાં માર્ચ પછી એક જગ્યાએ છાંયો જોઈને રીક્રુટ્સને નાનો બ્રેક લેવાનો આદેશ મળ્યો. બધાંની જેમ બાપ્પાએ પણ તેનાં પીઠ્ઠુંનાં ટેકે ઝાડ નીચે લંબાવ્યું. અંદરનું ખોખું દબાઈ ગયું અને બાપ્પાની કરામત પકડાઈ ગઈ. રીક્રુટ્સમાં હસાહસ થઇ પડી અને ઇન્સ્ટ્રકટરોની દેખતાં બાપ્પાની ખુબ ફજેતી થઇ અને અધૂરામાં પૂરું, પીઠ્ઠું બેગમાં ઈંટને બદલે ડબલ વજનનાં પથ્થર મૂકીને તેને બાકીની બીપીટી પૂરી કરવાનો વારો આવ્યો.
તાલીમના પહેલાં ચાર અઠવાડિયા તો એવા વ્યસ્ત રહ્યા કે કોઈને ભાગ્યે જ ઘરની યાદ આવી હશે. પ્રત્યેક ક્લાસને છાવણીમાં સુરક્ષાની ફરજ પણ સોંપવામાં આવી હતી. જેમાં બંદુક વિના ગાર્ડની ફરજ નિભાવવાની રહેતી. સાંજે જમ્યા પછી તેમની પાસે બહુ ઓછો સમય બચતો. એ જમાનામાં રમેશને ઘરે ફોનની સુવિધા તો હતી નહીં. રમેશનો નિયમ હતો, એ દર પંદર દિવસે ઘરે એક કાગળ અચૂક લખતો. જે છોકરાઓ ઘરે નિયમિત કાગળો લખતાં તે પણ ટૂંકમાં પોસ્ટકાર્ડ લખીને જ કામ ચલાવતા. રમેશ કે પછી કોઈ રીક્રુટ, તાલીમમાં પડતી મુશ્કેલીઓ વિષે ક્યારેય ઘરે જણાવતા નહીં. હા, આવતી ટપાલોનાં ઢગલામાં બધાં પોતાની ચિઠ્ઠી અચૂકથી શોધતાં.
સૈન્યમાં ભરતી થયા પહેલાં રમેશ સ્કુલેથી આવી ને મોડે સુધી હમીરભાઈને ખેતીમાં મદદ કરતો એટલે પરેડ, પીટી અને બીજા શારીરિક કષ્ટો તેને માટે કંઈ નહોતાં. રમેશનો ગ્રામ્ય પરિવેશ તેને શારીરિક કસોટીઓમાં અગ્રીમ હરોળમાં ઉતીર્ણ થવામાં મદદરૂપ થતો. જેને લીધે તે તાલીમનાં દરેક પાસાનો આનંદ માણી રહ્યો હતો. લાંબી ક્રોસ-કન્ટ્રી દોડ કે જે તેના સાથીઓ માટે ત્રાસદાયક પુરવાર થઇ તે રમેશ માટે ટુંકા પ્રવાસથી વિશેષ કંઈ નહોતી.
ઓગણીસ અઠવાડિયાની બેઝીક ટ્રેનીંગ દરમિયાન રીક્રુટ્સને રવિવારની રજા મળતી પણ તેમને કેમ્પની બહાર જવાની સખ્ત મનાઈ હતી. રજાનાં દિવસે તેઓ કેન્ટીનમાં બેસી વાતો કરવામાં, મજાકમસ્તીમાં, રખડપટ્ટી કરવામાં, ગીતો ગાવામાં અને ઊંઘવામાં તેમનો ખાલી સમય પસાર કરતા. એવું નથી કે દર રવિવારે તેઓ સાવ નવરાધૂપ રહેતાં. રવિવારનો દિવસ યુનિફોર્મ ધોઈને ઈસ્ત્રી કરવાનું લોકર ગોઠવવું, બુટ પોલીશ આ બધાં માં ક્યાં જતો રહેતો તે ખબર પણ ન પડતી.
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી-૪ , અમર શહીદ રમેશ જોગલ, સૈન્યની નવી દુનિયા!
કેન્ટીનમાં ચક્કર મારવું રીક્રુટ્સ માટે મનપસંદ પ્રવૃત્તિ હતી. કેન્ટીનમાં વડનાં ઝાડ નીચે બેસીને દેખાતું, સુદૂર પશ્ચીમે લીલાછમ પર્વતો અને વનરાજીનું વિહંગમ દ્રશ્ય મનને આનંદ પમાડે તેવું હતું. સૈન્ય તાલીમ મધ્યે અસંભવ એવી શાંતિ ઝંખતા રમેશ અને મસરી ઘણીવાર તો કંઈ બોલ્યા ચાલ્યા વિના કેટલાય સમય સુધી પર્વતોને નીરખતા રહેતાં.
તાલીમાર્થીઓને સવારના બ્રેકફાસ્ટમાં બે થી ત્રણ પૂરીઓ મળતી. આટલો શારીરિક શ્રમ કર્યા બાદ કકડીને ભૂખ લાગતી એમાં ત્રણ પૂરી તો કેવળ દાંતમાં જ રહી જતી, પેટ સુધી પહોંચતી પણ નહીં. નાસ્તો કરીને ચા લેવા જાય ત્યાં સુધીમાં તો ચાની કીટલી ખાલીખમ થઇ ગઇ હોય.
ક્રમશઃ
વાચક મિત્રો આપ જે વાંચી રહ્યા છો એ આપણા ગૌરવવંતા શહીદ રમેશ જોગલ ની લાઈફ સ્ટોરી તો છે જ, સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવર ઇન ઇન્ડિયા પણ છે.