Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોર પકડી રહ્યો છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઇને પહેલા ભાજપ ચૂંટણી પંચમાં પહોંચ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણી પંચમાં પહોંચ્યું છે. કોંગ્રેસે ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ફરિયાદ કરી છે.
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ભાજપના શીર્ષ નેતૃત્વ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આપત્તિજનક અને ભ્રામક ટિપ્પણીઓ સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસે અલ્પસંખ્યકો સામે નિવેદનો માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.
અભિષક મનુ સિંઘવી, પવન કુમાર બંસલ, મુકુલ વાસનિક સહિત કોંગ્રેસ નેતાઓના એક પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સિંઘવીએ કહ્યું કે અમે ચૂંટણી પંચ સામે બે-ત્રણ વિષય ઉઠાવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ભાજપના મોટા નેતાઓના નિવેદનનો છે. અમે ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ફરીયાદ કરી છે.
આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ખડગેએ મોદીને ‘ઝેરી સાપ’ કહ્યા તો ભાજપે સોનિયાને ‘વિષકન્યા’ કહ્યા
તેમણે આરોપ લગાવ્યો કે આ બન્ને નેતાઓએ ત્રણ-ચાર એવા નિવેદનો કર્યા છે જે ઉશ્કેરણીજનક, સાંપ્રદાયિક અને નફરત ફેલાવે છે. ભાજપા નેતાઓ તરફથી કોંગ્રેસ સામે નિરાધાર આરોપ લગાવવામાં આવ્યા છે તથા અલ્પસંખ્યકો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે.
ભાજપે શુક્રવારે ચૂંટણી પંચમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ નોંધવાનો આગ્રહ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી પર ઝેરી સાપની ટિપ્પણી કરવા પર તેમને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાંથી બહાર કરવાની વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ભાજપના એક દળે ચૂંટણી પંચની મુલાકાત કરી હતી.