પંજાબને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. પંજાબના અમૃતસરમાં આજે સોમવારે વહેલી સવારે લગભગ 3.42 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મહત્વનું છે કે, પંજાબમાં પહેલાં દિલ્હીમાં ગયા સપ્તાહમાં બે વાર ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યાં હતા.
અમૃતસરમાં આજે વહેલી સવારે આવેલા ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલના મતે 4.1 હતી. આ પહેલાં 12 નવેમ્બરના રોજ દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકાની તીવ્રતા 5.4 હતી. શનિવારે રાત્રે 7.57 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
8 નવેમ્બરે બપોરે 1.57 વાગ્યે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. આ બાદ નેપાળમાં લગભગ દોઢ કલાકમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તમને જણાવી દઈએ કે ભૂકંપના કારણે નેપાળના ડોટી જિલ્લામાં એક મકાન ધરાશાયી થતા 6 લોકો મોતને ભેટ્યા હતા.
જ્યારે 7 નવેમ્બરની પરોઢિયે અફઘાનિસ્તાનના ઉત્તરી બદખ્શાન પ્રાંતમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણ 4.5 હતી અને ભૂકંપનું કેન્દ્ર જુરામ જિલ્લામાં જમીનની સપાટીથી 103 કિલોમીટરની ઊંડાઈએ હતું. બદખ્શાન પ્રાંતના ફૈઝાબાદ શહેરમાં તેમજ તાજિકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, સારા સમાચાર એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
તાજેતરના વર્ષમાં આવેલા ભૂકંપ અંગે વાત કરીએ તો 28 માર્ચ, 2021ના રોજ આસામમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. 24 જુલાઈ, 2019ના રોજ મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 2 સપ્ટેમ્બર, 2018 ના રોજ, આસામમાં ભૂકંપ આવ્યો હતો જેમાં એકનું મૃત્યુ થયું હતું અને 25 ઘાયલ થયા હતા. 26 ઓક્ટોબર 2015ના રોજ આવેલા ભૂકંપે એશિયાના ત્રણ દેશોમાં તબાહી મચાવી હતી. જેમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કુલ 399 લોકોના મોત થયા હતા.
બીજી તરફ 25 માર્ચ 2015ના રોજ ભારત અને નેપાળમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી, જેમાં આઠ હજારથી વધુ લોકોના મોતનું તાડંવ રચાયું હતું.





