Vaibhav Suryavanshi, IPL 2025: આઈપીએલ 2025 મેગા હરાજીમાં પ્રથમ દિવસે 10 ટીમોએ 72 ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે રૂપિયા 467.95 કરોડ ખર્ચ કર્યો છે. આજે હરાજીનો બીજો અને અંતિમ દિવસ છે. આજે વધુ 132 ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેંચાઈઝીના માલિકો દ્રારા બીડ લગાવવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસમાં ઘણા એવા ખેલાડીઓ પણ છે જેમને કોઈ ટીમે ખરીદ્યા નથી. ત્યાં જ 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઓક્શનમાં સૌથી નાની ઉંમરે ફ્રેંચાઈઝી સાથે જોડાનાર યંગેસ્ટ પ્લેયર બની ગયો છે.
13 વર્ષીય વૈભવ સૂર્યવંશી જેની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં માત્ર 13 વર્ષની ઉંમરના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી માટે 1 કરોડ 10 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.
UAEમાં આયોજિત IPL મેગા ઓક્શનના બીજા દિવસે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 30 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા આ બેટ્સમેનને ખરીદવા માટે રીતસરની રેસ જોવા મળી હતી. જોકે રાજસ્થાને છેલ્લી બોલી લગાવી અને આ નાના ખેલાડીને સાઈન કરવામાં સફળતા મેળવી હતી.
કોણ છે 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી?
બિહારના યુવા ખેલાજી વૈભવ સૂર્યવંશીએ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 યુવા ટેસ્ટ મેચમાં ધૂમ મચાવી હતી. ઓપનર સૂર્યવંશીએ માત્ર 58 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. સૂર્યવંશી યુવા ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન છે.
આ પણ વાંચો: એક ઓવરમાં 6 સિકસર ફટકારનાર પ્રિયાંશ આર્યને આઈપીએલ હરાજીમાં મળી 13 ઘણી વધુ રકમ
12 વર્ષની ઉંમરે રણજી ડેબ્યૂ કર્યું ત્યારે વૈભવ સૂર્યવંશી પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે માત્ર 12 વર્ષની ઉંમરે બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી વૈભવ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તે ઘરેલુ ક્રિકેટમાં પોતાના બેટથી સતત દમ દેખાડતો રહ્યો હતો. આ જ કારણ હતું કે તેની ભારતીય યુવા ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.





