ક્રિકેટને અલવિદા કહેવા માંગતો હતો મોહમ્મદ શમી, રવિ શાસ્ત્રીના સમજાવવા પર બદલ્યો હતો નિર્ણય, પૂર્વ કોચનો ખુલાસો

Mohammed Shami : ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે કહ્યું કે 2018માં ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ફિટનેસ ટેસ્ટ થયો હતો અને શમી તેમાં ફેઇલ થયો હતો, તેના અંગત જીવનમાં ઉથલ-પુથલ મચેલી હતી. તેની અસર ફિટનેસ પર પડી હતી. તે માનસિક રીતે પણ પરેશાન હતો

Written by Ashish Goyal
February 14, 2023 20:54 IST
ક્રિકેટને અલવિદા કહેવા માંગતો હતો મોહમ્મદ શમી, રવિ શાસ્ત્રીના સમજાવવા પર બદલ્યો હતો નિર્ણય, પૂર્વ કોચનો ખુલાસો
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (તસવીર - મોહમ્મદ શમી ટ્વિટર)

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમીએ બધા ફોર્મેટમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણની આગેવાની કરી છે. આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે રાયપુરમાં ત્રણ વિકેટ ઝડપ્યા પછી શમીએ કહ્યું હતું કે ટીમમાં આવ્યા પછી મારી ભૂમિકા બદલાઇ નથી. બસ એક બાબત છે કે ફિટનેસ અને ડાયેટ પર કામ કરતા રહેવાનું છે.

જોકે 2018માં આ ફિટનેસ જ હતી જેના કારણે તેણે પ્લેઇંગ ઇલેવનમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું. તે કારકિર્દીના તે મોડ પર પહોંચી ગયો હતો કે જ્યાં તેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. ત્યારે રવિ શાસ્ત્રી જ હતા જેમના સમજાવવા પર શમીએ નિર્ણય બદલ્યો હતો અને ફિટનેસ પર કામ કરવા માટે એક મહિનો નેશનલ એકેડમીમાં પસાર કર્યો હતો. ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે હાલમાં જ આ ખુલાસો કર્યો છે.

2018માં ફિટનેસ ટેસ્ટમાં શમી ફેઇલ થયો હતો

ભરત અરુણે કહ્યું કે 2018માં ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ફિટનેસ ટેસ્ટ થયો હતો અને શમી તેમાં ફેઇલ થયો હતો. તેણે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું. તેણે મને ફોન કર્યો અને કહ્યું કે તે મારી સાથે વાત કરવા માંગે છે. મેં તેને પોતાના રૂમમાં બોલાવ્યો હતો. તેના અંગત જીવનમાં ઉથલ-પુથલ મચેલી હતી. તેની અસર ફિટનેસ પર પડી હતી. તે માનસિક રીતે પણ પરેશાન હતો.

જણાવી દઇએ કે આ એ સમય હતો જ્યારે શમીની પત્ની હસીન જહાંએ તેના પર ઘણા આરોપ લગાવ્યા હતા. શમીએ લોકડાઉન દરમિયાન ઇરફાન પઠાણ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર સ્વીકાર કર્યો હતો કે તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો.

આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ: ફાઇનલની નજીક પહોંચી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયાની આશા પર ફરી ના વળે પાણી

શમીએ કહ્યું કે ક્રિકેટ છોડવા માંગું છું

ભરત અરુણે કહ્યું કે શમી મારે પાસે આવ્યો અને કહ્યું કે હું ઘણો ગુસ્સામાં છું અને ક્રિકેટ છોડવા માંગું છું. હું તરત શમીને રવિ શાસ્ત્રીને મળવા લઇ ગયો હતો. અમે બન્ને તેમના રૂમમાં ગયા અને મેં કહ્યું કે રવિ, શમી કશુંક કહેવા માંગે છે. રવિએ પુછ્યું કે શું છે. શમીએ તેમને એ જ વાત કહી કે હું ક્રિકેટ રમવા માંગતો નથી. અમે બન્નેએ પૂછ્યું કે ક્રિકેટ નહીં રમે તો શું કરીશ? બીજુ શું જાણે છે?

ભરત અરુણે કહ્યું કે તે સમયે રવિએ કહ્યું કે તુ ગુસ્સામાં છે. આ સૌથી સારી વાત છે તે તારી સાથે થઇ કારણ કે તારા હાથમાં બોલ છે. તારી ફિટનેસ ખરાબ છે. તારા દિલમાં જેટલો પણ ગુસ્સો છે તેને પોતાના શરીર પર કાઢ. અમે તને નેશનલ ક્રિકેટ એકેડમી મોકલવા જઇ રહ્યા છીએ અને ઇચ્છીએ છીએ કે ત્યાં 4 સપ્તાહ સુધી રહે. તું ઘરે જઇશ નહીં અને ફક્ત એનસીએમાં જઇશ.

ભરત અરુણે કહ્યું કે આ શમી માટે અનુકુળ પણ હતું કારણ કે તેણે ત્યારે કોલકાતા જવામાં સમસ્યા હતી એટલે તેણે એનસીએમાં 5 સપ્તાહ પસાર કર્યા હતા. મને હજું પણ તે ફોન કોલ યાદ છે જ્યારે તેણે મને કહ્યું હતું કે સર હવે હું એક ઘોડા જેવો થઇ ગયો છું. જેટલો ઇચ્છો તેટલો મને દોડાવો. તેણે જે પાંચ સપ્તાહ ત્યાં પસાર કર્યા. તેણે અનુભવ કર્યો કે ફિટનેસ પર કામ કરવાથી તેને શું ફાયદો થઇ શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ