World Test Championship 2021-23: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગઇ છે. બીજી તરફ આ પરાજય સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે હજુ રાહ જોવી પડશે. પ્રથમ ટેસ્ટમાં જીત સાથે બીજા નંબરે રહેલી ભારતીય ટીમના 61.64 પર્સેન્ટેજ પોઇન્ટ છે. જ્યારે નંબર વન ઓસ્ટ્રેલિયાના 70.83 પર્સેન્ટેજ પોઇન્ટ છે.
ભારતને 62.50 ન્યૂનતમ પર્સેન્ટેજ પોઇન્ટત મેળવવા માટે શ્રેણીની બાકી બચેલી ત્રણમાંથી 2 મેચમાં જીત જરૂરી છે. આમ થશે તો ત્રીજા નંબરે રહેલું શ્રીલંકા રેસમાંથી બહાર થઇ જશે. જો ભારત બાકી બચેલી ત્રણેય મેચમાં જીત મેળવે છે તો ટીમના સર્વશ્રેષ્ઠ 68.06 પર્સેન્ટેજ પોઇન્ટ થઇ જશે.
આ રીતે શ્રીલંકાની ટીમ ફરી રેસમાં આવી શકે છે
ઓસ્ટ્રેલિયા પાસે WTCની ફાઇનલમાં પહોંચવા માટે ઘણા પર્સેન્ટેજ પોઇન્ટ છે. જોકે ભારત સામે 4-0થી પરાજય થાય તો ત્રીજા સ્થાને રહેલી શ્રીંલંકાની ટીમ ફરી રેસમાં આવી શકે છે. શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામે આગામી સપ્તાહે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાનું છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4-0થી જીત મેળવે તો ઓસ્ટ્રેલિયાના પર્સેન્ટેજ પોઇન્ટ ઘટીને 59.64 સુધી આવી જશે. બીજી તરફ શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની બન્ને ટેસ્ટમાં જીત મેળવે તો તેના પર્સેન્ટેજ પોઇન્ટ 61.01 થઇ જશે. જેથી તે ઓસ્ટ્રેલિયાને પછાડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી લેશે.
આ પણ વાંચો – કેએલ રાહુલ માટે અંતિમ તક? છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં ફક્ત 180 રન જ બનાવ્યા
શ્રીલંકા 61.11 પર્સેન્ટેજ પોઇન્ટ સુધી જ પહોંચી શકે છે
આઈસીસીની (ICC) ગણતરી પ્રમાણે ઓસ્ટ્રેલિયા આગામી ત્રણ ટેસ્ટમાંથી એકમાં જીત મેળવશે તો તેને ન્યૂનતમ 64.91 પર્સેન્ટેજ પોઇન્ટ સુધી પહોંચવામાં મદદ કરશે. જ્યારે એક ડ્રોથી તેના 61.40 પર્સેન્ટેજ પોઇન્ટ થશે. (શરત છે કે ઓવર ગતિ પર કોઇ અંક ના ગુમાવે) જે તેને શ્રીલંકાના પોઇન્ટથી આગળ લઇ જશે અને ફાઇનલમાં પહોંચી શકશે. શ્રીલંકા પોતાના સર્વશ્રેષ્ઠ 61.11 પર્સેન્ટેજ પોઇન્ટ સુધી જ પહોંચી શકે છે.
ભારતની આગામી ટેસ્ટ મેચ
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 17 ફેબ્રુઆરીથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 1 માર્ચથી
ભારત વિ. ઓસ્ટ્રેલિયા – 9 માર્ચથી