India vs Sri Lanka 3rd ODI Updates: વિરાટ કોહલી (અણનમ 166) અને શુભમન ગિલની સદી (116) બાદ મોહમ્મદ સિરાજ (4વિકેટ)ના તરખાટની મદદથી ભારતે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં 317 રને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 22 ઓવરમાં 73 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રનની દ્રષ્ટીએ વન-ડે ઇતિહાસનો સૌથી મોટો વિજય છે. આ પહેલા ન્યૂઝીલેન્ડનો આયરલેન્ડ સામે 290 રને સૌથી મોટો વિજય હતો. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે.
શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદી
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરાવતા 95 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 42 રને આઉટ થયો હતો. શુભમન ગિલે 97 બોલમાં 14 ફોર અને 2 સિક્સર સાથે 116 રન બનાવ્યા હતા શુભમન ગિલ અને વિરાટ કોહલીએ 110 બોલમાં 131 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખી શ્રૈયસ ઐયર (38) સાથે 71 બોલમાં 108 રનની ભાગીદારી નોંધાવી હતી. કેએલ રાહુલ 7 અને સૂર્ય કુમાર યાદવ 4 રને આઉટ થયા હતા. કોહલીએ 110 બોલમાં 13 ફોર અને 8 સિક્સરની મદદથી 166 રન બનાવ્યા હતા.
વન-ડેમાં રનના મામલે સૌથી મોટા વિજય
| ટીમ | રન માર્જિન | હરિફ | વર્ષ |
| ભારત | 317 રન | શ્રીલંકા | 2023 |
| ન્યૂઝીલેન્ડ | 290 રન | આયરલેન્ડ | 2008 |
| ઓસ્ટ્રેલિયા | 275 રન | અફઘાનિસ્તાન | 2015 |
| દક્ષિણ આફ્રિકા | 272 રન | ઝિમ્બાબ્વે | 2010 |
| દક્ષિણ આફ્રિકા | 258 રન | શ્રીલંકા | 2012 |
આ પણ વાંચો – વિરાટ કોહલીએ ફક્ત 268 મેચમાં ફટકારી 46મી સદી, સચિન તેંડુલકરને 49 સદી ફટકારવામાં લાગી હતી 462 મેચ, જાણો શું છે કારણ
કોહલીએ છેલ્લી 4 વન-ડે મેચમાં 3 સદી ફટકારી
ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીના બેટથી ફરી સદીઓ વાગવા માંડી છે. તેણે છેલ્લી 4 વન-ડે મેચમાં 3 સદી ફટકારી છે. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી ત્રણ વર્ષનો સદીનો દુષ્કાળ ખતમ કર્યો હતો. આ પછી શ્રીલંકા સામે 3 મેચમાં 2 સદી ફટકારી છે. આ સાથે જ તે સચિન તેંડુલકરના વન-ડેમાં સૌથી વધારે સદીના રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો છે. સચિનની વન-ડેમાં 49 સદી છે.
મોહમ્મદ સિરાજનો તરખાટ
મોહમ્મદ સિરાજના તરખાટ સામે શ્રીલંકાના પ્લેયરોએ ઘૂંટણિયા ટેકવી દીધા હતા. અવિષ્કા ફર્નાન્ડો (1), કુશલ મેન્ડિસ (4), અસલંકા (1), નુવાંદુ ફર્નાન્ડો (19) અને હસરંગા ડી સિલ્વા 1 રને આઉટ થતા 37 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા 73 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. મોહમ્મદ સિરાજે 4 વિકેટ, જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.





