Virat Kohli vs Sachin Tendulkar in ODIs: ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીના બેટથી ફરી સદીઓ વાગવા માંડી છે. તેણે છેલ્લી 4 વન-ડે મેચમાં 3 સદી ફટકારી છે. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી ત્રણ વર્ષનો સદીનો દુષ્કાળ ખતમ કર્યો હતો. આ પછી શ્રીલંકા સામે 3 મેચમાં 2 સદી ફટકારી છે. આ સાથે જ તે સચિન તેંડુલકરના વન-ડેમાં સૌથી વધારે સદીના રેકોર્ડને તોડવાની નજીક પહોંચી ગયો છે.
વિરાટ કોહલી સચિનની બરાબરી કરવાથી ફક્ત 3 સદી દૂર છે. કોહલીના આંકડા કમાલના છે. સચિન 49 સદી ફટકારવામાં 462 મેચ રમ્યો હતો. જ્યારે કોહલીએ ફક્ત 268 મેચમાં 46 સદી ફટકારી દીધી છે. સચિને 46મી સદી 442મી મેચમાં ફટકારી હતી. સવાલ એ છે કે વિરાટ કોહલીને સચિનની પાસે પહોંચવામાં આટલી ઓછી મેચો કેમ લાગી? ચાલો જાણીએ.
સચિન તેંડુલકરે 1989માં ડેબ્યૂ કર્યું પણ પ્રથમ સદી 1994માં ફટકારી
સચિન તેંડુલકરે વન-ડે ક્રિકેટમાં 1989માં ડેબ્યૂ કર્યું હતું પણ તેણે 1994માં પ્રથમ સદી ફટકારી હતી. જેનું કારણ સચિનનું મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાનું હતું. કારકિર્દીની શરૂઆતમાં સચિન નંબર-4 અને નંબર-5 પર રમતો હતો. જ્યારે વિરાટ કોહલી મોટાભાગની મેચો ટોપ ઓર્ડરમાં રમ્યો છે. તે નંબર 4 અને તેનાથી નીચેની પોઝિશન પર ફક્ત 48 મેચ રમ્યો છે. જ્યારે સચિન નંબર 4 કે તેનાથી નીચેની પોઝિશન પર 102 મેચ રમ્યો છે.
આ પણ વાંચો – વિરાટ કોહલીની આવી જ ઝડપ રહી તો વર્લ્ડ કપ સુધી તોડી નાખશે સચિન તેંડુલકરનો રેકોર્ડ
સચિને નંબર 2 અને વિરાટે નંબર 3 પર સૌથી વધારે સદી ફટકારી
સચિનને 1994માં ઓપનિંગ કરવાની તક મળી હતી. આ પછી સદીનો વરસાદ કરી દીધો હતો. ઓપનર તરીકે 340 મેચ રમ્યો અને 45 સદી ફટકારી છે. જેમાં નંબર 2 ના પોઝિશન પર 293 મેચમાં 43 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલીએ નંબર 3 અને નંબર 4 પર રમતા 46 સદી ફટકારી છે. જેમાં નંબર 3 પર 204 મેચમાં 39 સદી ફટકારી છે.
ભારતનો 317 રને રેકોર્ડ બ્રેક વિજય
વિરાટ કોહલી (અણનમ 166) અને શુભમન ગિલની સદી (116) બાદ મોહમ્મદ સિરાજ (4વિકેટ)ના તરખાટની મદદથી ભારતે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં 317 રને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 22 ઓવરમાં 73 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.