Virat Kohli vs Sachin Tendulkar: ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલીએ 3 વર્ષનો વનવાસ ખતમ કરીને સદી ફટકારવાનું શરુ કરી દીધું છે. શ્રીલંકા સામે પ્રથમ વન-ડેમાં સદી ફટકારી વિરાટ કોહલીએ વર્ષ 2023ની શાનદાર શરૂઆત કરી છે. વન-ડેમાં આ તેની સતત બીજી સદી છે. આ પહેલા ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડેમાં 113 રનની ઇનિંગ્સ રમી ત્રણ વર્ષથી ચાલી રહેલા સદીના દુષ્કાળને ખતમ કર્યો હતો.
વિરાટ કોહલી વન-ડેમાં સચિનના સદીના રેકોર્ડને પાછળ છોડવાની નજીક
વિરાટ કોહલી રિકી પોન્ટિંગથી આગળ નીકળી ગયો છે હવે તેનો જંગ સચિન તેંડુલકર (Sachin Tendulkar)સાથે છે. કોહલી વન-ડેમાં સચિનના સદીના રેકોર્ડને પાછળ છોડવાની નજીક છે. આવું 2023માં જ થઇ શકે છે. વિરાટ કોહલી 45 સદી ફટકારી ચૂક્યો છે. જ્યારે વન-ડેમાં સચિનની 49 સદી છે. સચિનનો રેકોર્ડ તોડવા પાંચ સદીની જ જરૂર છે. આ રેકોર્ડ વન-ડે વર્લ્ડ કપ 2023 સુધી તૂટી શકે છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. ટીમ ઇન્ડિયા 2023માં એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપને (ODI World Cup 2023)લઇને 35 વન-ડે રમશે.
વિરાટ કોહલી 2023માં જ તોડી શકે છે સચિનનો રેકોર્ડ
વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ બતાવે છે કે આટલી મેચો 5 સદી બનાવવા માટે પુરતી છે. 2017માં વિરાટે 26 મેચ અને 2018માં 14 મેચમાં 6-6 સદી ફટકારી દીધી હતી. 2019માં 26 મેચમાં 5 સદી ફટકારી હતી. 2020 અને 2021નું વર્ષ વિરાટ માટે ઘણું ખરાબ સાબિત થયું હતું.
આ દરમિયાન તે 12 મેચ રમ્યો પણ એકેય સદી ફટકારી શક્યો ન હતો. એક વર્ષમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. સચિને 1998માં 34 મેચમાં 9 સદી ફટકારી હતી.
આ પણ વાંચો – વિરાટ કોહલીએ વન-ડેમાં 45મી સદી ફટકારી, બનાવ્યા ઘણા રેકોર્ડ્સ
સચિન તેંડુલકરને પાછળ રાખવાની રેસ
2019 સુધી વિરાટ કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઇને લાગી રહ્યું હતું કે તે સચિનના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદીના રેકોર્ડને તોડી નાખશે. જોકે હાલમાં તેના ત્રણ વર્ષ ખરાબ રહ્યા છે. 3 વર્ષ પછી સપ્ટેમ્બર 2022માં સદી ફટકારવા સફળ રહ્યો હતો.
વિરાટે એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલ સદી ફટકારી હતી. જોકે તે હજુ ટેસ્ટ ક્રિકેટમાં સદીનો દુષ્કાળ ખતમ કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તે ખતમ કરવા માંગશે. ટેસ્ટમાં વિરાટે 27 સદી ફટકારી છે.