Virat Kohli Records: વિરાટ કોહલી સાચે જ ક્રિકેટમાં વિરાટ છે. શ્રીલંકા સામેની મેચમાં 45મી સદી સાથે વન ડે રેકોર્ડમાં સચિન બાદ બીજા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 87 બોલમાં 12 ફોર અને 1 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા છે. આ વિરાટની વન-ડેમાં 45મી સદી છે. ઘરેલું ધરતી પર આ તેની 20મી વન-ડે સદી છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદી
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદીની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને 664 મેચમાં 100 સદી ફટકારી છે. બીજા સ્થાને રહેલા વિરાટ કોહલીએ 484 મેચમાં 73 સદી ફટકારી છે. 560 મેચમાં 71 સદી સાથે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને છે.
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
આ સદી સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ શ્રીલંકા સામે નવમી સદી ફટકારી છે. સચિને શ્રીલંકા સામે 8 સદી ફટકારી છે. સૌથી વધારે ટીમો સામે 9-9 સદી ફટકારનાર ભારતીયોમાં કોહલી પ્રથમ નંબરે પહોંચી ગયો છે. કોહલીએ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે 9-9 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. સચિને ફક્ત ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી છે.
આ પણ વાંચો – બીસીસીઆઈ ટી-20 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી પર વિચાર નહીં કરે
વિરાટ કોહલીની ભારતમાં 20મી સદી
વિરાટ કોહલીની ભારતમાં આ 20મી સદી છે. કોહલીએ કોઇ એક દેશમાં સૌથી વધારે સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે. સચિને પણ ભારતમાં 20 સદી ફટકારી છે. જોકે કોહલીએ સચિન કરતા 61 ઇનિંગ્સ ઓછી રમીને આ સિદ્ધિ મેળવી છે.
વન-ડેમાં સૌથી વધારે સદી
પ્લેયર | મેચ | સદી |
સચિન તેંડુલકર | 463 મેચ | 49 |
વિરાટ કોહલી | 266 | 45 |
રિકી પોન્ટિંગ | 375 | 30 |
રોહિત શર્મા | 236 | 29 |
સમથ જયસૂર્યા | 445 | 28 |
પ્રથમ વન-ડેમાં ભારતનો 67 રને વિજય
પ્રથમ વન-ડેમાં ભારતે શ્રીલંકા સામે 67 રને વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 113, રોહિત શર્માએ 83 અને શુભમન ગિલે 70 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 306 રન બનાવ્યા હતા. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ લડાયક બેટિંગ કરતા 88 બોલમાં 12 ફોર 3 સિક્સર સાથે અણનમ 108 રન બનાવ્યા હતા.