આઈપીએલ 2023માં બેક ટૂ બેક બે મોટા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા પછી કોલકાતા નાઇટ રાઇડર્સે ઇંગ્લેન્ડના આક્રમક ખેલાડી જેસન રોયને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેકેઆરે જેસન રોયને 2.8 કરોડમાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી. જેસન રોય જલ્દી કેકેઆર કેમ્પ સાથે જોડાશે. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં શ્રેયસ ઐયર અને શાકિબ અલ હસનના બહાર થયા પછી જેસન રોયનો સમાવેશ કરાયો છે.
બુધવારે કેકેઆર તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023 માટે ઇંગ્લેન્ડના જેસન રોય સાથે 2.8 કરોડ રૂપિયામાં કરાર કર્યો છે. જેની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા છે.
2 વર્ષ પછી જેસન રોય આઈપીએલમાં રમતો જોવા મળશે
જેસન રોય ડિસેમ્બર 2022માં થયેલી મિની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. કોઇ ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ જતાવ્યો ન હતો. આ પહેલા 2022ની સિઝન માટે થયેલી હરાજીમાં ગુજરાત ટાઇટન્સે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે બાયો બબલના કારણે તેણે રમવાથી ઇન્કાર કર્યો હતો. હવે 2 વર્ષ પછી જેસન રોય આઈપીએલમાં રમતો જોવા મળશે.
આ પણ વાંચો – ઈમ્પેક્ટ પ્લેયર નિયમ: આઈપીએલ 2023માં અત્યાર સુધી ટીમોએ કેવી રીતે કર્યો ઉપયોગ?
જેસન રોય આઈપીએલમાં કુલ 13 મેચો રમ્યો છે
જેસન રોય 2017માં પ્રથમ વખત આઈપીએલમાં સામેલ થયો હતો. તેને ગુજરાત લાયન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2017ની સિઝનમાં જેસન રોય ફક્ત 3 મેચ રમ્યો હતો. તેણે 59 રન બનાવ્યા હતા. આ પછી 2028ની સિઝન જેસન રોય દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો.
આઈપીએલ 2021ની સિઝન તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. જેસન રોય આઈપીએલમાં કુલ 13 મેચો રમ્યો છે. જેમાં તેણે 29.90ની એવરેજથી 329 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે 2 અડધી સદી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 91 રન છે.
ઇંગ્લેન્ડ તરફથી 64 ટી-20માં 1522 રન બનાવ્યા
જેસન રોયે ઇંગ્લેન્ડ તરફથી 64 ટી-20 મેચમાં 1522 રન બનાવ્યા છે. જેમાં 8 અડધી સદી ફટકારી છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14 વિકેટ પણ નોંધાયેલી છે.





