IPL 2025: આઈપીએલ 2025ની 17મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે 25 રનથી પરાજય થયો હતો. આ સિઝનમાં ચેન્નઇએની હારની હેટ્રિક નોંધાવી છે. આઈપીએલ 2025માં સીએસકે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શક્યું છે.
ધોનીના માતા-પિતા પ્રથમ વખત સ્ટેડિયમમાં જોવા મળ્યા
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન એમએસ ધોનીના માતા-પિતા પણ સ્ટેડિયમમાં હાજર હતા. ધોનીના માતા-પિતા કોઈ મેચમાં મેદાન પર હાજર રહ્યા હોય તેવું આઇપીએલની 18 સિઝનમાં પ્રથમ વખત બન્યું છે. આ પહેલા 17 સિઝનમાં ધોનીના માતા-પિતા ક્યારેય આઇપીએલ મેચ જોવા મેદાન પર આવ્યા નથી. આ મેચ દરમિયાન ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. તેમની હાજરી બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ધોની કદાચ નિવૃત્તિ લેવાનો છે, પણ એવું થયું નથી.
હું ધોનીને નિવૃત્તિ વિશે પૂછતો નથી – ફ્લેમિંગ
દિલ્હી સામેની આ મેચમાં ધોની 7માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 26 બોલમાં એક સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 30 રન બનાવ્યા હતા. જોકે ધોની પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો અને સીએસકનો પરાજય થયો હતો. મેચ પુરી થયા બાદ ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની નિવૃત્તિની અટકળો અંગે કોમેન્ટ કરી હતી.
આ પણ વાંચો – દિલ્હી કેપિટલ્સની જીતની હેટ્રિક, ચેપોકમાં 15 વર્ષ પછી વિજય, ચેન્નઇએ ફરી નિરાશ કર્યા
ધોનીની નિવૃત્તિ અંગે વાત કરતા ફ્લેમિંગે કહ્યું કે મને તેના વિશે કોઈ જાણકારી નથી. મને હજુ પણ તેની સાથે કામ કરવામાં આનંદ આવે છે અને તે હજુ પણ એકદમ મજબૂત છે. હું તેના ભવિષ્ય વિશે કશું પૂછતો નથી.
તમને જણાવી દઈએ કે સીએસકે અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની 77 રનની ઈનિંગ્સના આધાર પર 20 ઓવરમાં 6 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. આ પછી સીએસકે વિજય શંકરની અણનમ અડધી સદી છતાં 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવી શક્યું હતું. આ મેચમાં કેએલ રાહુલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.