Rahul Dravid : ભારતીય ટીમને ટી 20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર રાહુલ દ્રવિડ તેમના ક્રિકેટ પ્રત્યેના ઝનૂન અને નિષ્ઠા માટે જાણીતા છે. તેમની સાદગી તેમને વધુ ખાસ બનાવે છે. દ્રવિડ જે પણ ટીમમાં જોડાય છે તેને ચેમ્પિયન બનાવવામાં જીવ રેડી દે છે. આ કારણે તે રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં ઘોડી સાથે પહોંચ્યા હતા. હાલ આઈપીએલ 2025 અંતર્ગત ટીમનો કેમ્પ ચાલી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સના કોચ રાહુલ દ્રવિડને ઈજા
રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પગમાં ઈજા થઈ છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કર્ણાટકમાં પોતાના પુત્ર અન્વય દ્રવિડ સાથે ક્લબ ક્રિકેટ રમી રહ્યા હતા અને લાગે છે કે આ સમયગાળા દરમિયાન તેમને જમણા પગમાં ઈજા થઈ હતી. જોકે આ ઈજા તેમને ટીમથી દૂર રાખી શકી ન હતી.
રાજસ્થાન રોયલ્સના કેમ્પમાં પહોંચ્યા રાહુલ દ્રવિડ
રાજસ્થાન રોયલ્સે મંગળવારના ટ્રેનિંગ સેશનનો વીડિયો શેર કર્યો છે. રાહુલ દ્રવિડે પણ આ સેશનમાં હાજરી આપી હતી. દ્રવિડ જ્યારે ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમને મેદાન પર પહોંચવા માટે ઘોડી (વોકર)નો ઉપયોગ કરવો પડ્યો હતો. તે તેની જ મદદથી મેદાન પર પહોંચ્યા હતા જ્યાં બાકીના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
દ્રવિડ એક ખુરશી પર બેઠા અને બીજી ખુરશી પર પગ મૂક્યો હતો. આ પછી તેમણે ખેલાડીઓની ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એક પછી એક ખેલાડીઓ તેમને મળવા આવ્યા હતા. તે ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઓલરાઉન્ડર રિયાન પરાગ સાથે બેટિંગ અંગે વાત કરતા જોવા મળ્યા હતા. તેમને જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે ખેલાડીઓ સાથે વાત કરતી વખતે તેઓ તેમના દર્દને ભૂલી ગયા હતા.





