બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે પકડ મજબૂત બનાવી લીધી છે. જોકે ભારત માટે ચિંતાનો વિષય કેએલ રાહુલનું કંગાળ ફોર્મ છે. કેએલ રાહુલ પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 20 રન બનાવી આઉટ થયો હતો. તેને ઇનફોર્મ ખેલાડી શુભમન ગિલના સ્થાને તક આપવામાં આવી છે. શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હોવા છતા પ્રથમ ટેસ્ટમાં તેને બહાર બેસાડીને કેએલ રાહુલને સ્થાન આપ્યું છે. કેએલ રાહુલ હવે શાનદાર પ્રદર્શન નહીં કરે તો તેના માટે અંતિમ તક બની શકે છે. તેનું સ્થાન લેવા માટે શુભમન ગિલ સિવાય પૃથ્વી શો, ઇશાન કિશાન જેવા ઘણા દાવેદારો છે.
કેએલ રાહુલનું છેલ્લી 10 ઇનિંગ્સમાં પ્રદર્શન
કેએલ રાહુલની છેલ્લી 10 ઇનિંગ્સની વાત કરવામાં આવે તો ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો છે. છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં તે 180 રન જ બનાવી શક્યો છે. જેમાં તેનો સ્કોર 23, 50, 8, 12,10, 22, 23, 10, 2, 20 રન રહ્યો છે. આ પરથી તેના કંગાળ ફોર્મનો અંદાજ આવી જાય છે. રાહુલે છેલ્લે ડિસેમ્બર 2021માં સદી ફટકારી હતી.
આ પણ વાંચો – મેચ રેફરીને મળ્યા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા, ભારતીય સ્પિનરનો વીડિયો વાયરલ થવા પર રાખ્યો પોતાનો પક્ષ
શુભમન ગિલનું પ્રદર્શન
બીજી તરફ શુભમન ગિલની છેલ્લા 10 ઇનિંગ્સની વાત કરવામાં આવે તો તેણે 52, 1, 44, 47, 17, 4, 20, 110, 20, 7 રનનો સ્કોર બનાવ્યો છે. ટેસ્ટ સિવાય વન-ડે અને ટી-20માં પણ શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી છે. તેનું પ્રદર્શન જોતા તેને વધારે સમય પ્લેઇંગ ઇલેવનની બહાર બેસાડી શકાય તેમ નથી.
કેએસ ભરત માટે પણ મહત્વપૂર્ણ શ્રેણી
ઇજાગ્રસ્ત ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપર કેએસ ભરત માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવાની સારી તક છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેની પાસે પોતાની ક્ષમતા બતાવવાની શાનદાર તક હતી. જોકે પ્રથમ ઇનિંગ્સમાં તે ફક્ત 8 રને આઉટ થયો હતો. જોકે પંત હજુ હાલ પરત ફરવાનો નથી તેથી કેએસ ભરતને વધારે તક મળી શકે છે.





