Team India New Captain: એક સમય હતો જ્યારે ક્રિકેટર્સને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવા માટે વર્ષો સુધી ઘણી મહેનત કરવી પડી હતી. જોકે છેલ્લા એક વર્ષમાં કેપ્ટનશિપની ખુરશી મ્યૂઝિકલ ચેયરનો ખેલ બની ગઇ છે. રોહિત શર્મા સિવાય કેએલ રાહુલ, ઋષભ પંત, શિખર ધવન, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
કેપ્ટનોની આ યાદી એ વાત પર વિચાર કરવા મજબૂર કરે છે કે શું ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરવી મોટી વાત છે કે નહીં? રોહિત શર્માની વાત કરવામાં આવે તો તેને ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ સંભાળવા માટે 34 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. હાલમાં જે રીતે કેપ્ટન બદલવામાં આવ્યા છે તેને જોઇને લાગે છે કે પસંદગીકારોએ આગામી યુગમાં ભારતીય ક્રિકેટની શરૂઆત કરવા માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાના શરુ કરી દીધા છે.
આ રેસમાં એક નામ શ્રેયસ ઐયરનું પણ સામેલ થઇ ગયું છે. શ્રેયસ ઐયર ધીરે-ધીરે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને પણ લાગે છે કે ટીમ મેનજમેન્ટ આગામી કેપ્ટન શ્રેયસ ઐયરને બનાવી શકે છે. શ્રેયસ ઐયર માટે 2022નું વર્ષ શાનદાર રહ્યું છે. તેણે 2022માં બધા ફોર્મેર્ટમાં સૂર્યકુમાર યાદવથી 185 રન વધારે એટલે કે 1609 રન બનાવ્યા છે.
આ પણ વાંચો – શ્રીલંકા સામે ભારતીય ટીમની જાહેરાત, ટી-20માં હાર્દિક પંડ્યા અને વન-ડેમાં રોહિત શર્મા કેપ્ટન, ઋષભ પંત બહાર
શ્રેયસ ઐયરે 2022માં ધવન અને શુભમન ગિલને પાછળ રાખ્યા
શ્રેયસ ઐયરે 2022માં 17 વન-ડેમાં 724 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં 60.28ની એવરેજથી 422 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયર 2022માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીયોમાં ઋષભ પંત પછી બીજા સ્થાને છે. પંતે 7 ટેસ્ટમાં 680 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયર ધવન અને ગિલને પાછળ રાખ્યા છે.
ચોથી ઇનિંગ્સમાં શ્રેયસ ઐયરનું શાનદાર પ્રદર્શન
અજય જાડેજાએ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કહ્યું કે શ્રેયસ ઐયરે સતત રન બનાવ્યા છે. આ વર્ષમાં ટેસ્ટમાં તેની એવરેજ 60-70ની છે. તેણે ચોથા દિવસે જે રીતે રમત બતાવી છે તે શાનદાર હતી. તે ભાગીદારીને ધ્યાનથી જોવામાં આવે તો અશ્વિને વધારે બોલનો સામનો કર્યો અને વધારે રન બનાવ્યા. કદાચ ઐયરે એ અનુભવ્યું હશે કે તેણે એક છેડો સંભાળી રાખવાનો છે અને ધીરજથી બેટિંગ કરવાની છે.





