Dec 10, 2025
સીંધી વાનગી દાળ-પકવાન નાસ્તા માટે એક ઉત્તમ વિકલ્પ છે. ગણા લોકો રાત્રી ડિનરમાં પણ દાળ-પકવાન ખાવાનું પસંદ કરે છે.
હળદર, લાલ મરચું, જીરું, લીલા મરચાં, કોથમીર, આદુ, હિંગ, તેલ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી, 1 કપ ચણાની દાળ (4-5 કલાક પલાળવી), 2 કપ મેંદાનો લોટ, 2 ચમચી સોજી, 1/2 ચમચી અજમો.
આ સિંધી સમુદાયની પરંપરાગત વાનગી છે. દાળ-પકવાન બનાવવા સૌ પ્રથમ તમારે અગાઉથી 4 થી 5 કલાક સુધી ચણાની દાળ પલાળી રાખવી. અને જ્યારે આ વાનગી બનાવવાની હોય ત્યારે પહેલા ચણાની દાળને કુકરમાં 2 થી 3 સીટી વગાડી બાફી લો.
ચણાની દાળને બાફતી વખતે તેમાં હળદર અને મીઠું ઉમેરો. દાળને વધુ પડતી ના બાફવી કારણ કે જો આ દાળ દાણાદાર નહીં રહે તો વાનગીની મજા નહી આવે. એટલે પ્રેશર કૂકરમાં દાળ બાફતા ધ્યાન જરૂર રાખો.
ચણાની દાળ બફાઈ ગયા બાદ એક પેનમાં તેલ ગરમ કરો. પછી જીરું તતડાવો અને ત્યારબાદ તેમાં હિંગ અને ઝીણા સમારેલા મરચાં અને આદુ નાખી સાંતળી લો. પછી તેમાં કૂકરમાં રાંધેલી દાળ નાખો અને હળદર, લાલ મરચું અને મીઠું સહિતના જરૂરી મસાલા નાખો.
ઘટ્ટ રસ કરવા થોડું પાણી નાખો પછી તેને 2-3 મિનિટ ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી કોથમીર નાખી ઢાંકણ બંધ કરી દો. વધુ ટેસ્ટ માટે તમે ગરમ મસાલો નાખી શકો છો. તમારી દાળ તૈયાર થઈ ગઈ છે.
પકવાન બનાવવા એક વાસણમાં મેંદો લો અને તેલનું મોણ નાખી સારી રીતે મિક્સ કરો. પછી તેમાં સોજી નાખો અને પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. આ લોટની ઉપર કોટનનું કપડું ઢાંકી 15થી 20 મિનિટ રહેવા દો.
હવે લોટના ગોળા બનાવો અને મોટી પૂરી આકારમાં વણો. પછી તેમાં વચ્ચે કાણા પાડો જેથી તે તળતી વખતે ફૂલે નહીં. હવે એક કઢાઈમાં પૂરીને તળો. હવે બધી પુરીઓ વારાફરતી સોનેરી અને ક્રિસ્પી થાય તેમ તળી લો.
હવે તમારી દાળ પકવાનની ટેસ્ટી ડીશ તૈયાર થઈ ગઈ. જો તમે ડુંગળી ખાતા હોવ તો ઉપરથી ડુંગળી લઈ શકો છો.