વરસાદની સીઝનમાં બનાવો ટેસ્ટી ગુજરાતી કઢી, આ એક વસ્તુ વધારશે સ્વાદ

Jun 22, 2025, 05:57 PM

ચોમાસાની સીઝનમાં કઢી સાથે રોટલા અને પરાઠા ખાવાની મજા આવે છે. કઢી એક એવી રેસીપી છે જે સામાન્ય રીતે દરેક લોકોનાં ઘરે બનતી હોય છે.

અનેક મહિલાઓની ફરિયાદ હોય છે કે કઢી ટેસ્ટમાં ટેસ્ટી બનતી નથી અને છાશ ફાટી જાય છે. આમ તમે આ ટિપ્સથી કઢી બનાવશો તો સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.

આ રીતે કઢી ટેસ્ટી બનાવો

તમે કઢી ટેસ્ટી બનાવવા ઇચ્છો છો તો આ રેસીપી પરફેક્ટ છે. આ માટે સૌથી પહેલાં દહીં લો અને એને ફેંટી લો. ત્યારબાદ આ દહીંમાં જરૂર મુજબ પાણી નાખીને છાશ બનાવો. આ છાશમાં બેથી ત્રણ ચમચી ચણાનો લોટ નાખીને બ્લેન્ડર ફેરવી લો.

ખાસ ધ્યાન રાખો કે દહીંની માત્રા થોડી વધારે લેવાની છે. પાણી થોડું ઓછું નાખજો. આમ કરવાથી ઘટ્ટ બનશે.

હવે છાશને ગરમ કરવા માટે મૂકો. આ સમયે સતત હલાવતા રહો. તમે હલાવશો નહીં તો છાશ ફાટી જશે અને કઢી ટેસ્ટમાં સારી નહીં બને.

છાશ બરાબર ગરમ થઈ જાય એટલે એમાં મીઠું નાખીને મિક્સ કરી દો. હવે આ છાશમાં મરચું, હળદર નાખીને સતત ઉકળવા દો. બરાબર ઉકળવા લાગે એટલે એક બાજુ વઘારની તૈયારી કરો.

વઘાર કરવા માટે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. ખાસ ધ્યાન રાખો કે કઢી તમે ટેસ્ટી બનાવવા ઇચ્છો છો તો ઘીનો વઘાર કરો. ઘણાં લોકો તેલથી વઘાર કરતા હોય છે, પરંતુ તમે આવું કરશો નહીં.

ઘી ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ, મીઠા લીમડાના પાન નાખો. ત્યારબાદ આદુ અને મરચાની પેસ્ટ નાખીને સાંતળી લો. હવે કઢીમાં વઘાર કરો.

કઢીમાં વઘાર કર્યા પછી 10 થી 15 મિનિટ માટે ઉકળવા દો. આમ કઢી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. કઢી ઘટ્ટ થઈ નથી તો તમે ઉકળવા દો. ત્યારબાદ છેલ્લે કઢીમાં કોથમીર નાખીને મિક્સ કરી દો.

કઢીનો સ્વાદ વધારવા માટે તમે મીઠો લીમડો, કોથમીર અચુક મિક્સ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ કઢી.